ચીફ જસ્ટિસે કેન્દ્ર સામે સીધો જંગ માંડયો

Updated: Jan 21st, 2023


ચીફ જસ્ટિસે કેન્દ્ર સામે સીધો જંગ માંડયો

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે ત્રણ પત્રો જાહેર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મૂકાયેલા ત્રણ પત્રોમાં વકીલ સૌરભ કૃપાલ, સોમશેખર સુદરસન અને આર. જોન સત્યનની નિમણૂક અંગે કેન્દ્ર સરકાર, રો તથા આઈબીએ ઉઠાવેલા વાંધાઓનું ખંડન કરીને અપાયેલા જવાબ છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે આ પત્રો જાહેર કરીને કેન્દ્ર સામે સીધો જંગ માંડી દીધો છે અને સમાધાનને અવકાશ નથી. 

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે જસ્ટિસ કૌલ અને જસ્ટિસ જોસેફ સાથે સળંગ ચાર  દિવસ સુધી કેટલીય બેઠકો કર્યા પછી આ પત્રો લોકો સામે મૂકવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.  વેબસાઇટ પર પત્રો જાહેર કરતાં પહેલાં ત્રણે જજે કલાકો ચર્ચા કરી હતી. તેમાં એવો નિર્ણય પણ લેવાયો કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વકીલ સૌરભ કૃપાલ, સોમશેખર સુંદરસન અને સત્યનના નામની ભલામણ ફરીથી કેન્દ્રને મોકલશે.

કુશ્તી વિવાદને જ્ઞાાતિવાદનો રંગ અપાતાં મોદી નારાજ

કુશ્તીબાજ છોકરીઓના શારીરિક શોષણનો આક્ષેપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ભાજપની હાલત કફોડી કરી નાંખી છે. સિંહે આ વિવાદને જ્ઞાાતિવાદનો રંગ આપી દીધો તેના કારણે પણ મોદી નારાજ હોવાનું કહેવાય છે.

બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે,  કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાના ઈશારે મારી સામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મારી સામેના આક્ષેપો કરનારા મોટા ભાગના કુસ્તીબાજો એક જ સમાજના છે. સિંહે એવો દાવો પણ કર્યો કે, મારી સામે આક્ષેપો કરી રહ્યા છે તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. જો કે સીનિયર કુશ્તીબાજો જુનિયરના પડખે ઉભા રહે તેમાં ખોટુ કશું નથી.

સિંહે આડકતરી રીતે જાટ સમાજ તેમની સામે પડયો છે એવું કહી દીધું છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં જાટ સમાજ મોટી સંખ્યામાં છે. સિંહના આ નિવેદનથી આ સમાજ નારાજ થઈ જશે એવી ભાજપને ચિંતા છે.

રાહુલની શંકરાચાર્ય સાથે સરખામણી

નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારૂક અબ્દુલ્લાએ  રાહુલ ગાંધીની સરખામણી આદિ ગુરુ શંકરાચાર્ય સાથે કરી નાંખી છે. ડો. અબ્દુલ્લાએ કહ્યું કે, સદીઓ પહેલાં આદિ શંકરાચાર્યે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. એ પછી બીજા કોઈએ આટલી લાંબી યાત્રા કરી નથી. રાહુલ ભારતના ઈતિહાસમાં કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરનારી બીજી વ્યક્તિ છે. રાહુલ ગાંધી ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પહેલાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવ્યા હતા. એ વખતે વિવાદ થયો હતો અને ભાજપે તેની સામે વાંધો લીધો હતો. સલમાન ખુરશીદે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. ડો. ફારૂકના નિવેદન સામે કોઈએ વાંધો નથી લીધો પણ ભાજપના નેતા એવી મજાક ચોક્કસ કરી રહ્યા છે કે, ભારતમાં બધા સેક્યુલર હવે હિંદુ બની રહ્યા છે. વરસો સુધી હિંદુત્વથી આભડછેટ રાખનારાંને હવે હિંદુઓના મહાન લોકો યાદ આવી રહ્યા છે. 

ગેહલોતની નવી વ્યૂહરચનાથી ભાજપમાં ચિંતા

રાજસ્થાનમાં  વિધાનસભા ચૂંટણી  પહેલાં અશોક ગેહલોતે અમલી બનાવેલી વ્યૂહરચનાએ ભાજપને ચિંતામાં મૂકી દીધો છે. ગેહલોત ભાજપના નેતાઓનાં વર્ચસ્વવાળાં ગામોમાં વિકાસના પ્રોજેક્ટનાં લોકાર્પણ કરાવીને આખા ગામને પોતાની તરફ વાળી રહ્યા છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે ચિત્તોડગઢમાં અભયપુર ગ્રામ પંચાયત વિસ્તાર હેઠળના  ભાજપના તમામ કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ પહેલાં જોધપુરમાં પણ ત્રીસેક ગામોમાં આ રીતે આખાં ગામને ગેહલોત ભાજપમાં ભેળવ્યાં હતાં.

ગેહલોતે અભયપુર ઘાટા વિસ્તારમાં લોકોપયોગી સેવાના ૭ કરોડના ખર્ચે થનારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમા સામૂહિક રીતે  ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસ માટે પૂરી તાકાતથી કામ કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી.

ગેહલોતે ગ્રામીણ વિસ્તારોમાં ધડાધડ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરાવીને કાર્યકરોને તોડવા માંડતાં ભાજપ ચિંતામાં છે. ગેહલોત સરકાર જનહિતમાં કામ કરી રહી છે એવો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. ભાજપ વસુંધરા રાજે અને સતિષ પુનિયાની જૂંથબંધીથી પહેલાં જ પરેશાન છે ત્યારે ગેહલોતની નવી વ્યૂહરચનાથી ભાજપનું સંગઠન તૂટી રહ્યું છે.

ખાલિસ્તાન તરફી સૂત્રો લખાતાં પોલીસનું નાક વઢાયું

રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે ત્યારે  પશ્ચિમ વિહાર સહિત ૧૦ વિસ્તારોમાં 'ખાલિસ્તાન જિંદાબાદ' અને 'રેફરેંડમ ૨૦૨૦'ના સૂત્રો  લખાતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે આ  તાત્કાલિક દીવાલો સાફ કરાવીને સૂત્રો દૂર કર્યા છે પણ આ ઘટનાએ પોલીસની આબરૂનો ધજાગરો કરી દીધો છે.

પોલીસ એવો બચાવ કરી રહી છે કે, આરોપીઓએ રાત્રે અંધકારનો ફાયદો ઉઠાવીને દીવાલો પર સૂત્રો લખી દીધાં છે. પોલીસના આ બચાવની ટીકા થઈ રહી છે.  ૨૬  જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે પોલીસનું ધ્યાન સુરક્ષા પર હોવું જોઈએ, પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારવા સહિતનાં પગલાં લેવાનાં હોય. રાત્રે દીવાલો પર લખાણ લખાયાં તેનો અર્થ એ કે, નાઈટ પેટ્રોલિંગ થતું જ નથી.

ભારતમાં પ્રતિબંધીત સંગઠન સિખ ફોર જસ્ટિસના કાર્યકરોએ આ સૂત્રો લખ્યાં હોવાનું મનાય છે. આ પહેલાં હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ આ રીતે દીવાલો પર ખાલિસ્તાનની તરફેણમાં સૂત્રો લખાયાં હતાં.


    Sports

    RECENT NEWS