દિલ્હીની વાત : કેજરીવાલનું હિંદુ કાર્ડ, આપના મૂળમાં શ્રીકૃષ્ણ


નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી ૨૦૧૨માં ભગવાન કૃષ્ણના કારણે જ અસ્તિત્વમાં આવી હતી એવું કહીને હિંદુ કાર્ડ ખેલી નાંખ્યું છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી પણ ભગવાન કૃષ્ણની જેમ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા રાક્ષસોનો વધ કરી રહી છે.

કેજરીવાલે આપના પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલનમાં કહ્યું કે, રાજકીય પક્ષોએ બંધારણની સ્વતંત્રતાનું અપમાન કરવામાં કોઈ જ ખામી રાખી નહોતી  ત્યારે ભગવાને હસ્તક્ષેપ કરવો પડયો. ભગવાને જ બંધારણને બચાવવા માટે ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ આમ આદમી પાર્ટીની રચના કરાવડાવી હતી.  કોઈ પણ રાજકીય પક્ષ આપની ગતિથી આગળ નથી વધ્યો. ભગવાને જ આ દેશના વિકાસ માટે દરેક રાજ્યમાં આમ આદમી પાર્ટીનું બીજ વાવ્યું છે.

વિશ્લેષકોના મતે, કેજરીવાલે રાજકીય રીતે પાકા છે તેનો આ વધુ એક પુરાવો છે. ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો ઠપ્પો લગાવીને તેને ખતમ કરી નાંખી. કેજરીવાલ માટે પણ આ પ્રયત્ન કરી જોયા પણ ઉલટાના કેજરીવાલ પોતાની હિંદુવાદી છાપને પ્રબળ બનાવી રહ્યા છે.

મંદિરમાં ફેશન શો થતાં હિંદુવાદીઓ ભડક્યા

છત્તીસગઢના રાયપુરમાં આવેલા  પ્રખ્યાત સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવતાં વિવાદ થઈ ગયો છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોવાથી કોંગ્રેસ મંદિરોને ભ્રષ્ટ કરીને હિંદુ વિરોધી માનસિકતા ધરાવતાં પરિબળોને પોષી રહી હોવાના આક્ષેપ શરૂ થયો છે. ફેશન શોના આયોજકોમાં એક મુસ્લિમ યુવક હોવાથી આ ઘટનાને કોમવાદી રંગ પણ અપાઈ રહ્યો છે.

બજરંગ દળના સભ્યો  હિન્દુઓના ધાર્મિક મંદિરમાં ફેશન શો યોજવા સામે વિરોધ નોંધાવાવ ગયા ત્યારે હિજાબ પહેરેલી મહિલા આયોજકો તરફથી દલીલો કરી રહી હતી. તેના કારણે મુદ્દો વધારે ગરમ થયો છે.  બજરંગ દળનું કહેવું છે કે, આ ફેશન શો હિંદુ ધર્મના સંસ્કારોની વિરૂદ્ધ છે તેથી પોલીસ ફરિયાદ કરાશે. આ ફેશન શોનું આયોજન એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આરિફ અને મનિષ નામના બે વ્યક્તિઓએ આ ફેશન શો યોજ્યો હોવાનું કહેવાય છે. ફેશન શો માટે મંદિરના હોલમાં સ્ટેજ બનાવીને મંદિરની મુલાકાત લેતા લોકોને ફેશન શો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસ નેતા યુવતીને કિસ કરવા જતાં જેલભેગા

કર્ણાટક  કોંગ્રેસના નેતા મનોજ કરજગીની યુવતીનું જાતિય શોષણ બદલ ધરપકડ કરાતાં ખળભળાટ મચ્યો છે. કરજગી ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની અત્યંત નજીક મનાય છે. સામે કરજગીએ બ્લેકમેઈલિંગનો આરોપ મૂક્યો છે.

કરજગીએ  ધારવાડ જિલ્લામાં પોતાના સલૂનમાં કામ કરતી યુવતીનું જાતીય શોષણ કર્યું વહોવાનો આરોપ છે. બ્યુટિશિયન યુવતીનો આરોપ છે કે, કરજગી શનિવારે સલૂનમાં આવ્યો ત્યારે બળજબરીથી આલિંગનમાં લઈને  ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તેના પ્રેેમીને જાણ કરી તો કરજગીએ તેને જેલમાં ધકેલવાની ધમકી આપી હતી. યુવતીના પ્રેમીએ એ પછી સલૂનમાં પહોંચીને કરજગીની ધોલાઈ કરી હતી.

મનોજ કરજગી કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ટોચના નેતાના પર્સનલ આસિસ્ટન્ટ હતા. સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કજગરી ઉત્તર-પશ્ચિમ કર્ણાટક રાજ્ય પરિવહન નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. ધરપકડ થતાં પૂર્વ મુખ્યમંત્રી સાથેની તેમની તસવીરો પણ વાયરલ થઈ છે.

કોંગ્રેસ એવો બચાવ કરી રહી છે કે, કજગરી લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય નથી. જો કે કજગરીનું સોશિયલ મીડિયા પેજ જોતાં કોંગ્રેસનો બચાવ લૂલો લાગે છે.

ખાન સામે સમર્થકોને ઉશ્કેરણીનો પણ કેસ થશે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને ત્યાં પડેલી રેડને લગતા કેટલાક વીડિયો વાયરલ થયા છે. તેના કારણે ખાનની તકલીફ તો વધશે જ પણ તેમના કેટલાક સમર્થકો પણ જેલભેગા થાય એવી શક્યતા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ખાનના મુદ્દાને બાજુ પર મૂકી દીધો છે. ખાનના સમર્થનમાં હવે આપના કોઈ નેતા બોલતા નથી.

એન્ટિ કરપ્શન બ્યુરોએ ખાનના ઘરેથી વાંધાજનક સામગ્રી મળી હોવાનો દાવો કરીને ધરપકડ કરી છે. એસીબીના અધિકારી દરોડા પાડવા ગયા ત્યારનો વીડિયો ફરતો થયો છે કે જેમાં  ખાનના સમર્થકોને એસીબીના અધિકારીઓ સાથે મારામારી કરતા જોઈ શકાય છે. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ રેડ કરવા માટે જામિયા નગર ગઈ ત્યારે ખાનના સમર્થકોએ અધિકારીઓ સાથે ધક્કા-મુક્કી અને મારામારી કરી હતી. ખાને તેમને ઉશ્કેર્યા હતા તેથી ખાન સામે પણ આ અંગે નવો કેસ નોંધાશે.

અમાનતુલ્લા ખાન સામે આરોપ છે કે તેમણે વક્ફ બોર્ડના બેન્ક ખાતાંમાં નાણાંકીય ગેરરીતી કરી છે. વક્ફની સંપતિ ભાડે આપીને કમાણી કરે છે. દિલ્હી વકફ બોર્ડની સેવાઓના નિયમોનું ઉલ્લંઘન કરીને ૩૩ લોકોની ગેરકાયદેસર નિમણૂંક કરવાનો પણ આરોપ છે.

કાશ્મીરમાં 30 વર્ષ પછી થીયેટર ખૂલ્યાં

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી હોવાનું સાબિક કરવા માટે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બે નવા થીયેટરનું ઉદઘાટન કર્યું. આ ઉદઘાટન સાથે કાશ્મીરમાં ૩૦ વર્ષ પછી ફરી થીયેટર ખૂલ્યાં છે.

સિંહાએ દક્ષિણ કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં બે થિયેટર ખુલ્લાં મૂક્યાં છે. આ થિયેટર્સમાં કોઈ ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં હોય ત્યારે તેનો ઉપયોગ કાશ્મીર ખીણમાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે. હાલ ખીણના વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને અન્ય કોચિંગ માટે શ્રીનગર જલવું પડે છે. તેના બદલે તેમને આ બંને થીયેટરમં એ સુવિધા અપાશે.

સિંહાએ એલાન પણ કર્યું કે, ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં નવાં સિનેમા હોલ બનશે.  શ્રીનગરના સોમવારા વિસ્તારમાં કાશમીરનું પહેલું આઈનોક્સ મલ્ટીપેક્સ આગામી સપ્તાહે ખૂલશે કે જેમાં  ૫૨૦ સીટની ક્ષમતાવાળા ત્રણ થિયેટર હશે. કાશ્મીર ખીણમાં ૧૯૮૦ના દશકાના અંતમાં ડઝન જેટલાં સિંગલ સ્ક્રીન થિયેટર હતા પણ આતંકવાદી સંગઠનોની ધમકીને પગલે આ થિયેટર બંધ કરવા પડયાં હતાં. ૧૯૯૦ના દાયકામાં કેટલાકં થીયેટર ખૂલ્યાં પણ ૧૯૯૯માં લાલ ચોકમાં રીગલ સિનેમા પર ગ્રેનેડ હુમલો થતાં ફરી થીયેટર બં થઈ ગયાં.

રાવના આદિવાસી કાર્ડથી ભાજપની હાલત કફોડી

તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે આગામી અઠવાડીયાથી શિક્ષણ અને રોજગારમાં અનુસૂચિત જનજાતિ (એસટી) માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરીને ભાજપને ફિક્સમાં મૂક્યો છે. રાવે એલાન કર્યું છે કે, એસટી સમુદાય માટે અનામતની હાલની ટકાવારી ૬ ટકા છે તે વધારીને ૧૦ ટકા કરવા ઉપરાંત સરકાર ભૂમિહીન એસટી સમુદાયના પરિવારોને જમીન આપવા ગિરિજન બંધૂ યોજનાનો અમલ પણ કરશે. આ યોજના હેઠળ જંગલની ખેતી લાયક જમીનનો આદિવાસીઓને માલિકીનો હક અપાશે. રાવ સરકાર દલિત બંધૂ યોજના હેઠળ દરેક દલિત પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપે છે. એ જ રીતે દરેક આદિવાસી પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય મળશે.

રાવની જાહેરાતથી ભાજપ ભેરવાયો છે કેમ કે રાવે મોદી સરકાર પરપ દોષારોપણ કર્યું છે.  રાવે કહ્યું કે, મેં ૫ વર્ષથી વધારે સમય પહેલાં અનુસૂચિત જનજાતિ સમુદાય માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવા કેન્દ્ર સરકારને કહલું. મેં વ્યક્તિગત રીતે પણ  મોદીને વારંવાર રજૂઆત કરી પણ કેન્દ્રને આદિવાસી સમુદાયના વિકાસમા રસ નથી તેથી કેન્દ્રની મંજૂરીની હવે હું વધારે રાહ જોઈ શકું તેમ નથી.

આપ-ભાજપ : મફતિયા લ્હાણીનો જંગ જામે છે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલના મતે ભાજપ, આપને કચડી નાખવા માગે છે, જ્યારે પંજાબની આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે એમની સરકારને કોઇ હલાવી શકે એમ નથી.  કેજરીવાલે  પ્રથમ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનને સંબોધતા ભાજપ સામે બંદૂક તાકી અને મફતિયા લ્હાણીની તરફેણમાં આપે કરેલી દલીલોનો બચાવ કર્યો. કેજરીવાલે કહ્યું કે આપે ભારતીય રાજકારણમાં પ્રથમવાર નિઃશુલ્ક રેવડીની સંસ્કૃતિ પ્રસ્તુત કરી, કે જેને ભાજપ ના તો ખાઇ જઇ શકે છે, ના ગળી શકે છે.  ભાજપ પ્રવકતા સમ્બિત પાત્રાએ કેજરીવાલને સ્વપ્રતિષ્ઠાના ઉન્માદમાં રાચતી વ્યક્તિ ગણાવીને ઉમેર્યુ કે તેઓ (મફતિયા લ્હાણીરૂપે) લાંચ રૂશ્વતની મહત્તા કરે છે. ગુજરાતમાં દિલ્હીના તઘલખનું શાસન આવશે નહિ, એમ એમણે કહ્યું.

City News

Sports

RECENT NEWS