દિલ્હીની વાત : શેહલાની રાજકીય ફાયદા માટે ગુલાંટ, મોદી-શાહનાં વખાણ
નવી દિલ્હી : એક સમયે નરન્દ્રમોદી અને ભાજપની ઉગ્ર ટીકાકાર શેહલા રશિદે ગુલાંટ લગાવીને મોદીનાં ભરપેટ વખાણ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા શેહલાએ અમિત શાહનાં પણ વખાણ કર્યાં. મોદીને નિ:સ્વાર્થ વ્યક્તિ ગણાવીને શેહલાએ કહ્યું કે, મોદી ટીકાથી ડરતા નથી અને પોતાની લોકપ્રિયતાના ભોગે પણ ક્રાંતિકારી નિર્ણયો લે છે. શેહલાએ મોદી અને શાહે લોહીનું એક ટીપું વહાવ્યા વિના કાશ્મીર સમસ્યાનો રાજકીય ઉકેલ શોધ્યો છે એ મોટી સિધ્ધી છે. શેહલા ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરના જવાનો પર પથ્થરમારો કરનારાંનો બચાવ કરી ચૂકી છે.
શેહલાને શાહ અને મોદી પર અચાનક હેત ઉભરાયું તેનું કારણે રાજકીય મહત્વાકાંક્ષા છે. શેહલા જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય કારકિર્દી બનાવવા આતુર છે પણ કાશ્મીરના જામી ગયેલા પ્રાદેશિક પક્ષો તેને ભાવ નથી આપતા. શેહલા આઈએએસ અધિકારી શાહ ફેઝલે બનાવેલી જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ પાર્ટીમાં જોડાયેલી પણ ફેઝલ પોતે પાછો આઈએએસમાં જતો રહેતાં શેહલાનું રાજકીય સપનું રોળાઈ ગયું છે. શેહલાને હવે ભાજપ તેનો ઉધ્ધાર કરે એવું લાગે છે તેથી વખાણ કરી રહી છે.
પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કોંગ્રેસની મજબૂરી
કેરળમાં કોંગ્રેસ આવતા ગુરૂવારે એટલે કે ૨૩ નવેમ્બરે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિશાળ રેલી કાઢવાની છે ત્યારે કોંગ્રેસમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું માનવું છે કે, કેરળમાં ટકી રહેવાની લ્હાયમાં કોંગ્રેસ આખા દેશમાં તેની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત કરી રહી છે.
બીજી તરફ ભાજપે તેની સામે બાંયો ચડાવી છે. ભાજપે કેરળના રાજકીય પક્ષો દ્વારા કરાઈ રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વિરોધમાં ચાર સ્થળે રેલીઓ કાઢવાની જાહેરાત કરી છે. કેરળમાં કોંગ્રેસ પહેલાં સીપીએમ અને મુસ્લિમ લીગ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીઓ કાઢી ચૂક્યાં છે. ભાજપનું કહેવું છે કે, સીપીએમ, મુસ્લિમ લીગ અને કોંગ્રેેસ ત્રણેય કોમવાદી અને આતંકવાદ તરફી વલણ અપનાવી રહ્યાં છે તેનો વિરોધ કરવો જરૂરી હોવાથી ભાજપ આ રેલી કાઢવાનો છે.
કોંગ્રેસના નેતા અંદરખાને સ્વીકારે છે કે, પેલેસ્ટાઈનની તરફદારી કરવી એ સારો વિચાર નથી પણ કોંગ્રેસની મજબૂરી છે. મુસ્લિમ મતદારો સીપીએમ તરફ વળી જાય તો કોંગ્રેસનું તપેલું ચડી જાય એ જોતાં કોગ્રેેસ પાસે બીજા વિકલ્પ નથી.
ચીફ સક્રેેટરીનું બીજું કૌભાંડ બહાર આવ્યું
કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓન એક પછી એક સાણસામાં લઈ રહી છે ત્યારે કેજરીવાલ સરકારે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશ કુમારને નિશાન બનાવ્યા છે. દિલ્હી સરકારનાં વિજિલન્સ મંત્રી આતિશીને અરવિંદ કેજરીવાલે નરેશ કુમારની પાછળ છૂટાં જ મૂકી દીધાં છે. આતિશીએ નરેશ કુમાર સામે જમીન સંપાદન કેસમાં તપાસ શરૂ કરાવડાવી છે ને હવે હોસ્પિટલ કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ મૂક્યો છે.
આતિશીએ કેજરીવાલને આપેલા રીપોર્ટમાં દાવો કરાયો છે કે, નરેશ કુમારની દીકરા કરણ કુમારની માત્ર સાત મહિના પહેલાં બનેલી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેરનો કોઈ પણ પ્રકારનો અનુભવ નહીં ધરાવતી કંપની મેટામિક્સને દિલ્હી સરકારના આઈબીએલએસ હોસ્પિટલમાં ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. આ કોન્ટ્રાક્ટ આપીને નરેશ કુમારના પુત્રને કરોડો રૂપિયાનો ફાયદો કરાવાયો છે.
આપનાં સૂત્રોનું કહેવું છે કે, આ કેસમાં બરાબરના ફસાયેલા નરેશ કુમાર આપ સાથે સમાધાન કરવા તૈયાર છે પણ આપ તેમને છોડશે નહીં.
રાજસ્થાનમાં ભાજપે પાકિસ્તાનની વાત છેડી
રાજસ્થાનમાં ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ દિલ્હી સ્ટાઈલનો પ્રચાર શરૂ કરતાં ભાજપના સ્થાનિક નેતા નારાજ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સામેના જંગમાં ભાજપના નેતાઓએ દાવો કરેલો કે, દિલ્હીમાં આપ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને મીઠાઈ વહેંચાશે. બિધૂડીએ એ જ વાત કરીને કહ્યું છે કે, રાજસ્થાનની ચૂંટણી પર આખા દેશની જ નહીં પણ પાકિસ્તાનની પણ નજર છે. આ કારણે ૨૫ નવેમ્બરે મતદાન પછી લાહોરમાં નહીં પણ ભારતમાં લાડુ વહેંચાય એ જોવું જરૂરી છે. બિધૂડીએ સચિન પાયલોટને આડકતરી રીતે પાકિસ્તાનના એજન્ટ ગણાવી દીધા.
રાજસ્થાન ભાજપના સ્થાનિક નેતાઓનું માનવું છે કે, બહારથી આવેલા નેતા ચૂંટણી પ્રચારને હિંદુ-મુસ્લિમ રંગ આપી રહ્યા છે તેની ભાજપ માટે ખરાબ અસર પડી રહી છે. રાજસ્થાનમાં કોમવાદનો મુદ્દો જ નથી પણ ભાજપના નેતા જાણી જોઈને આ મુદ્દો ઉભો કરી રહ્યા છે. દિલ્હીમાં આ રણનીતિ ધરાર નિષ્ફળ રહી હતી છતાં રાજસ્થાનમાં એ જ વાતો કેમ કરાઈ રહી છે એ સમજવું મુશ્કેલ છે.
ફાર્મને પાણી માટે બાદલની પંજાબ સાથે ગદ્દારી
પંજાબના મુખ્યમંત્રી ભગવંતા માને કરેલા આક્ષેપથી ભડકેલા સુખબિરસિંહ બાદલે માનને કાનૂની નોટિસ ફટકારી છે. માને આક્ષેપ મૂકેલો કે, બાદલના હરિયાણાના બાલાસર ગામમાં બાદલ ફાર્મને પાણી મળે એ માટે ખાસ નહેર બનાવાઈ છે. માને આક્ષેપ કર્યો છે કે, સુખબીરસિંહના પિતા પ્રકાશસિંહ બાદલે પંજાબ સાથે કરેલી ગદ્દારીના વળતરૂરપે હરિયાણા સરકારે છેક તેમના ફાર્મ સુધી નહેર બાંધી આપી છે. બાદલે હરિયાણા સરકાર પાસેથી સતલજ યમુના લિંકના નામે કરોડો રૂપિયા લીધા પણ પંજાબનાં હિતો ના સાચવ્યાં એવો દાવો પણ માને કર્યો છે.
બાદલે આ આક્ષેપને ખોટો અને બદઈરાદાપૂર્વકનો ગણાવીને માનને પાંચ દિવસમાં જાહેરમાં માફી માગવા કહ્યું છે. માન માફી નહીં માગે તો બાદલ બદનક્ષીનો કેસ કરી દેશે.
રાજકીય વિશ્લેષકોના મતે, માનના આક્ષેપોમાં દમ છે. માને સતલજ યમુના લિંકને લગતી જે પણ વિગતો રજૂ કરી છે એ સત્તાવાર છે પણ બાદલ પરિવારના ફાયદા માટે આ બધું કરાયું એ સાબિત કરવું મુશ્કેલ હોવાથી માને માફી માગવી પડશે.
* * *
યમુનાના જળની ગુણવત્તા-ચિંતાનું મોટું કારણ
દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ યમુના નદીના પાણીની ગુણવત્તા બાબત કરેલી ચકાસણીના છેલ્લામાં છેલ્લા રિપોર્ટ મુજબ આ પાણી હજી સુરક્ષાના જરૂરી ધોરણો સાથે સુસંગત નથી. યમુના એક્ટિવિસ્ટ દીવાન સિંઘના મતે, યમુનાના પાણીમાં ફોસ્ફેટ તથા સરફેકટન્ટનું પ્રમાણ શૂન્ય હોવું જોઇએ. એના બદલે એ પ્રમાણ અત્યંત ઊંચુ છે કે જે માનવ અને દરિયાઇ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. રિવર એક્ટિવિસ્ટ ભીમસિંઘ રાવત કહે છે કે પૂરતા પર્યાવરણીય પ્રવાહ સાથે જ યમુનાનું પાણી શુધ્ધ હોવું જોઇએ. રૂરકીસ્થિત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હાઇડ્રોલોજીની ભલામણ છે કે નવેમ્બરમાં હાથનિકુંડ બંધમાંથી પ્રતિ સેંકડે ઓછામાં ઓછું ૨૭ ઘનમીટર પાણી છોડવામાં આવે.
નોંધણી રદ કરવા માટે નકલી મેડિકલ સેન્ટરને નોટિસ
તબીબી બેદરકારીના પગલે નવ દર્દીઓના મોતનું નિમિત્ત બનેલા દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા અગરવાલ મેડિકલ સેન્ટર (હોસ્પિટલ)ની નોંધણી રદ કરી એને બંધ કરી દેવા માટે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે કારણદર્શક નોટિસ ફટકારી છે, એમ દિલ્હીના આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું. દિલ્હી પોલીસે મંગળવારે દર્દીઓના મોત બદલ મેડિકલ સેન્ટરના માલિક ડો. નીરજ, એના પત્ની પૂજા કે જેઓ મેડિકલની ડિગ્રી વિના ડોકટર હોવાનો દાવો કરે છે, ડોકટર બની બેઠેલા લેબ ટેકિનશિયન મહેન્દ્ર સિંઘ તથા સાચુકલા તબીબ ડો. જસપ્રીત સિંઘની અટકાયત કરી છે. આ જસપ્રીત સિંઘે બનાવટી સર્જરીની નોંધ તૈયાર કરી હતી, એમ પોલીસે જણાવ્યું.
કોઇ કારણ વિના કેન્દ્ર ભંડોળ આપતું નથી : મમતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુર્રાબાઝારસ્થિત પોસ્તા બાઝાર મરચન્ટસ એસોસિએશન યોજિત જગધાત્રી પૂજાનો પ્રારંભ કરાવ્યા પછી જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જણાવ્યું કે મોદીજી જાહેરાતો પાછળ જે મબલખ રૂપિયાનો ધૂમાડો કરે છે એ પૈસા જો મનરેગાના ગરીબ શ્રમિકોને આપતા હોય તો ગરીબોએ દુ:ખમાં રોવું પડે નહિ. મોદી કામ કરતા નથી, પરંતુ વિજ્ઞાાપનો પાછળ ધૂમ ખરચો કરે છે. વળી પશ્ચિમ બંગાળને વિવિધ યોજનાઓ પેટે ફાળવવા-યોગ્ય પૈસા કોઇ કારણ વિના રોકી દેવાયા છે. મોદી માને છે કે એમણે બધુ કામ પૂરૃં કરી નાખ્યું છે. મહત્ત્વ પ્રજાજનોનું છે, પરંતુ સફળતાના પગલે નેતાઓ પ્રજાને ભૂલી જાય છે. અમે (તૃણમૂલ કોંગ્રેસ) લોકોને ભૂલતા નથી. અમે એમને હમેશા યોગ્ય માન આપીએ છીએ, એમ મમતાએ કહ્યું. બેનરજીએ બધા ભારતીય ક્રિકેટરોએ પ્રેકિટસ દરમિયાન પહેરવા પડતા કેસરી પોશાકની નીતિને આઘાતપૂર્ણ ગણાવી.
કોંગ્રેસની કુમારસ્વામીને કાંટાળી ઉપમા : વીજ ચોર
જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ કર્ણાટકની કોંગ્રેસી સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ઉકળી ઊઠેલા કોંગ્રેસ પક્ષે કુમારસ્વામીને વીજચોર ગણાવી સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે દિવાળી પર્વે બેંગાલુરૂસ્થિત જે.પી. નગરમાં આવેલા પોતાના નિવાસસ્થાનને રોશનીથી ઝળાંહળા કરવા માટે વીજથાંભલા પરથી વીજચોરી કરવાનો જેમના પર આક્ષેપ છે તે કુમારસ્વામી સમાજને સદાચારનો ઉપદેશ ક્યા મોંઢે આપી શકે, એવો પ્રશ્ન કોંગ્રેસે કર્યો છે. કુમારસ્વામી હતાશાનો ભોગ બન્યા છે. ચૂંટણીમાં હારની હતાશા સત્તાવિહોણા થવાની નિરાશા, લાચાર કાર્યકરોને જોતા રહેવાની હતાશા..આમ તેઓ નિરાશ થઇને માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠા હોય એમ વર્તી રહ્યા છે, એમ કોંગ્રેસે જણાવ્યું.
સમગ્ર ઉત્તર ભારત પ્રદૂષણના ભરડામાં : દિલ્હીના પર્યાવરણ મંત્રી
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીના હવા પ્રદૂષણ વિષે જણાવ્યું કે પ્રદૂષણને નાથવા માટે ફક્ત દિલ્હી સજાગ બને એનાથી કામ ચાલશે નહિ, કારણ કે આ સમસ્યા સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાઇ છે. જો ઉત્તર ભારતના બધા રાજ્યો દિલ્હી જેવા પગલાં લે તો એની સારી અસર દિલ્હીમાં જોવા મળે. રાયે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રદૂષણ મુદ્દે ઉત્તર ભારતના સંબંધિત બધા રાજ્યોના પર્યાવરણમંત્રીઓની બેઠક યોજવા વિનંતી પણ કરી છે.
- ઇન્દર સાહની