દિલ્હીની વાત : મોદી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહીની માગ
નવીદિલ્હી : નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરીને કે. સી. વેણુગોપાલે મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવવા અરજી આપી છે. વેણુગોપાલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન નરેન્દ્ર મોદીના ભાષણને ટાંકીને આ આક્ષેપ મૂક્યો છે. રાજ્યસભાના ચેરપર્સનને લખેલા પત્રમાં મોદીનું પ્રવચન પણ જોડવામાં આવ્યું છે.
મોદીએ કહ્યું હતું કે, નહેરૂજીનું નામ આપણે ક્યારેક ભૂલી ગયા હોઈએ તો પણ એ ભૂલ સુધારી લઈશું કારણ કે નહેરૂ દેશના પહેલા વડાપ્રધાન હતા. જો કે મને એ સમજાતું નથી કે, તેમના પરિવારની કોઈ પણ વ્યક્તિ નહેરૂ અટક રાખવાથી કેમ ડરે છે? શું તેમને શરમ આવે છે? આ લોકો નેહરુ અટક રાખવામાં કેમ શરમ અનુભવે છે? આવી મહાન વ્યક્તિ તમને સ્વીકાર્ય નથી ? પરિવારને સ્વીકાર્ય નથી ?
રાહુલે વળતો જવાબ આપીને કહેલું કે, ભારતીય પરંપરામાં દરેક વ્યક્તિ પિતાની અટક અપનાવે છે તેથી અમે ગાંધી છીએ.
ગેહલોતનો નવો દાવ, નવા 19 જિલ્લા બનાવી દીધા
રાજસ્થાનમાં આ વરસના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો દાવ ખેલીને રાજ્યમાં ૧૯ નવા જિલ્લા બનાવી દેવાની જાહેરાત કરી છે. ગેહલોતે જે નવા ૧૯ જિલ્લાઓની ઘોષણા કરી તેમાં જયપુર અને જોધપુર જેવાં મોટાં શહેરોની આસપાસના વિસ્તારોના જિલ્લાઓમાં પણ વિભાજન કરી દેવાયું છે.
આ બે મોટાં શહેરોની આસપાસના વિસ્તારોમાંથી જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ એમ ચાર નવા જિલ્લા બનાવી દેવાયા છે. આ વિસ્તારો ભાજપના ગઢ મનાય છે.
આ નવા જિલ્લાઓની રચના સાથે જ રાજસ્થાનમાં કુલ ૫૨ જિલ્લા થઇ જશે. ગેહલોતે લાંબા સમયથી થઈ રહેલી માગણીઓને સંતોષીને એક મોટો રાજકીય મુદ્દો ઉભો કરી દીધો છે. રાજસ્થાનની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકારે લીધેલા આ નિર્ણયની રાજકીય રીતે બહુ મોટી અસર થશે એવું ભાજપના નેતા પણ સ્વીકારે છે. ગેહલોતની વહીવટી તંત્ર પરની પકડ જોતા નવા જિલ્લાઓમાં પોતાનું તંત્ર ઉભું કરીને ચૂંટણીમાં ફાયદો મેળવી જશે એવું ભાજપ માને છે.
કર્ણાટકમાં પહેલો ઘા કોંગ્રેસનો, પહેલી યાદી ફાઈનલ
કર્ણાટકમાં હજુ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ નથી પણ એ પહેલાં કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી ફાઈનલ કરી દીધી. દિલ્હીમાં મળેલી આલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠકમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરાયા પછી યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવાયું. આ બેઠકમાં કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું રાજ્ય હોવાથી કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાનો છે. કોંગ્રેસે રાજ્યમાં ૧૫૦થી વધુ બેઠકો પર જીત હાંસલ કરવાનું ટાર્ગેટ નક્કી કરીને ચૂંટણી રણનીતિ બનાવી છે. ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં ૨૨૪ બેઠકોમાંથી કોંગ્રેસને ફક્ત ૭૮ બેઠકો જ જીતી હતી. જેડીએસને ૩૭ બેઠકો મળી હતી અને ભાજપે ૧૦૪ બેઠકો જીતી જરૂર હતી. એ વખતે કોંગ્રેસે જેડીએસને ટેકો આપવો પડયો હતો. આ વખતે કોંગ્રેસ પોતાના જોર પર સરકાર રચવા માગે છે.
સિસોદિયાના રીમાન્ડ ફરી લંબાવાતાં આશ્ચર્ય
દિલ્હી લીકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનિષ સિસોદિયાના રિમાન્ડ ૫ દિવસ વધારી માટે લંબાવી દેતાં સિસોદિયાએ ૨૨ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રહેવું પડશે. ઈડીએ ૭ દિવસ માટે રીમાન્ડ વધારવાની માગ કરી હતી પણ કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
કાનૂની નિષ્ણાતો કોર્ટના નિર્ણયને આશ્ચર્યજનક ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઈડી હજુ અમારે સિસોદિયાને વધુ સવાલો પૂછવાના છે એવું કહી કહીને રીમાન્ડ માગે છે અને કોર્ટ એ મંજૂર કર્યા કરે છે.
સરમાને મુસ્લિમો વિરૂધ્ધ નહીં બોલવા સૂચના
આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાને બોલવામાં મર્યાદામાં રહેવા ભાજપ હાઈકમાન્ડે સૂચના આપવી પડી હોવાનો સૂત્રોનો દાવો છે. સરમાએ કર્ણાટકમાં બેલગાવીની સભામાં કહેલું કે, મને પૂછવામાં આવ્યું કે, તમે ૬૦૦ મદરેસા કેમ બંધ કરી દીધા ? મેં જવાબમાં કહેલું કે, મારું લક્ષ્ય તમામ મદરેસા બંધ કરાવી દેવાનું છે કારણ કે આપણને મદરેસાની નહીં, કોલેજ અને યુનિવર્સિટીની જરૂર છે.
સરમાએ કોંગ્રેસને આજની નવી મુઘલ ગણાવતા કહેલું કે, પહેલાં મુઘલોએ દેશને કમજોર કર્યો. હવે કોંગ્રેસ ફરી ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. રામ મંદીર બને તેની સામે તેમને વાંધો છે. તમે મુઘલના બાળકો છો ?
ભાજપનાં સૂત્રોના મતે, સરમા કોંગ્રેસ પર પ્રહાર કરે તેની સામે હાઈકમાન્ડને વાંધો નથી પણ મદરેસા બંધ કરી દેવા સહિતની વાતોની પ્રતિકૂળ રાજકીય અસર પડી શકે છે. ભાજપ મુસ્લિમોની પરંપરાઓ પર પ્રહાર કરી રહ્યો હોવાની છાપ પડે છે તેથી આ વાતો નહીં કરવા સૂચના અપાઈ છે.
***
કર્ણાટકમાં ભાજપને નડે યેદિયુરપ્પાનું ધર્મસંકટ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા રાજ્યની શક્તિશાળી લિંગાયત કોમના વગદાર નેતા છે. એમણે રાજ્યમાં ભાજપનો પગદંડો જમાવ્યો છે. જો કે હવે તેઓ પક્ષ માટે ધર્મસંકટ બની રહ્યા છે. તેઓ એક બાજુ, રાજ્યના ૧૭ ટકા લિંગાયત મત ખેંચનારા નેતા મનાઇ રહ્યા છે, તો કર્ણાટક ભાજપને તાજેતરમાં નડતી સમસ્યાઓ પણ યેદિની આસપાસ ઘૂમતી હોવાનું જણાય છે. કર્ણાટક પ્રદેશ ભાજપમાં અંધાધૂંધી અને કુસંપ હોવાનું સ્પષ્ટ છે. વિસંવાદિતાનું એક કારણ યેદિયુરપ્પાનો પુત્ર બી.વાય. વિજ્યેન્દ્ર છે કે જેઓ પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. યેદિયુરપ્પાએ એમના વારસરૂપે પુત્ર વિજ્યેન્દ્રને આગળ કર્યો એથી રાજ્યના કેટલાક નેતાઓમાં વ્યાપેલો અસંતોષ જુલાઇ, ૨૦૨૧માં મુખ્યમંત્રીપદેથી યેદિયુરપ્પાની થયેલી હકાલપટ્ટીનું એક કારણ મનાય છે.
30 જુન સુધીમાં એમ્સ ફાઈવ-જીથી સજ્જ થશે
દર્દીની સંભાળ, શિક્ષણ, સંશોધન અને સુવહીવટ વગેરે કામગીરી માટે આધુનિક કોમ્યુનિકેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ શકે એ માટે એમ્સ, નવીદિલ્હીને ૩૦ જુન સુધીમાં ૫ જી નેટવર્કથી સજ્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરીને પૂરજોશમાં આગળ વધારવા માટે પાંચ સભ્યોની સમિતિ રચવામાં આવી છે. એમ્સ, નવીદિલ્હીના સમગ્ર કેમ્પસને ૫ જી મોબાઇલ નેટવર્કથી સસુજ્જ કરાય તો સંકલિત મેડિકલ યુનિવર્સિટી માહિતી વ્યવસ્થા-પધ્ધતિ (ઇન્ટિગ્રેટેડ મેડિકલ યુનિવર્સિટી ઇન્ફર્મેશન સિસ્ટમ - આઇએમયુઆઇએસ)ને પણ વ્યાપકપણે ગોઠવી શકાય. ૫ જીના લીધે એમ્સની ઇમારતોની અંદર મોબાઇલ અને ડેટાની કનેક્ટિવિટિ સંગીન બની રહેશે, એમ સંસ્થાના નિદેશક પ્રા.એમ. શ્રીનિવાસે કહ્યું.
આસામમાં 600 મદરેસાઓ બંધ
આસામની ભાજપના નેતૃત્વયુક્ત સરકારે જાન્યુઆરી, ૨૦૨૧માં ઘડેલા કાયદાએ રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓ બનાવવાની કાર્યવાહીને સરળ કરી આપી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સર્માએ જણાવ્યું કે એમની સરકારે રાજ્યની ૬૦૦ મદરેસાઓને બંધ કરી દીધી છે અને બાકીની આવી બધી સંસ્થાઓને પણ બંધ કરાશે. સર્મા ચૂંટણી-રાજ્ય કર્ણાટકના બેલગાવી ગામે જાહેર સભામાં બોલી રહ્યા હતા.
- ઇન્દર સાહની