app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દિલ્હીની વાત : પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મુદ્દે કેન્દ્રનું જૂઠાણું

Updated: Aug 19th, 2021


નવી દિલ્હી : સરકારે કરવેરામાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાનો ફરી ઈન્કાર કરી દીધો છે. નિર્મલા સીતારામને ડો. મનમોહનસિંહ સરકાર પર દોષનો ટોપલો ઢોળીને કહી દીધું છે કે, યુપીએ સરકારે બહાર પાડેલા ઓઈલ બોન્ડના કારણે ભાવોમાં ઘટાડો કરી શકાય તેમ નથી.

નિર્મલાના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે દર વર્ષે ઓઈલ બોન્ડના વ્યાજ પાછળ જંગી રકમ ખર્ચવી પડે છે. છેલ્લાં સાત વર્ષમાં ૭૦,૧૯૦ કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવાયા છે ને મુદ્દલ પેટે ૩૫૦૦ કરોડ જ અપાયા છે. કેન્દ્રે ૨૦૨૫-૨૬ સુધીમાં ૧.૩૦ લાખ કરોડ ચૂકવવાના છે એ જોતાં હું ઈચ્છું તો પણ કરવેરા ઘટાડીને લોકોને રાહત આપી શકું તેમ નથી.

નિષ્ણાતોના મતે, નિર્મલાની દલીલ લોકોને બેવકૂફ બનાવનારી છે. સરકારે છેલ્લાં ૭ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના કરવેરા પેટે ૨૨.૩૪ લાખ કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેર્યા છે. સરકાર ઓઈલ બોન્ડનું મુદ્દલ સરળતાથી ચૂકવી શકી હોત પણ અણઘડ આયોજનના કારણે રકમ ના ચૂકવી. હવે અગાઉની સરકાર પર દોષ ઢોળી રહી છે.

મમતા વડાપ્રધાન બનવા ખુલ્લેઆમ મેદાનમાં

ભાજપને પછાડવા વિપક્ષોને એક કરવા મથતાં મમતા બેનરજીએ દેશના વડાપ્રધાનપદે બેસવાની મહત્વાકાંક્ષા ખુલ્લેઆમ વ્યક્ત કરી દીધી છે. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ તૃણમૂલ છાત્ર પરિષદે મમતાને વડાપ્રધાનપદે પ્રોજેક્ટ કરતું સોંગ લોંચ કર્યું છે.

શિક્ષણ મંત્રી બ્રત્યો બાસુની હાજરીમાં બંગાળી અને હિંદીમાં લોંચ કરાયેલા આ ગીતમાં મા, માટી ઔર માનુષની વાત કરીને મમતા વડાપ્રધાનપદે બેસવા કેમ લાયક છે તેની વાત કરાઈ છે. છાત્ર પરિષદ દ્વારા સબુજેર અભિજન એટલે કે યુવાઓની પહેલ નામે બ્લોગ પણ શરૂ કરાયો છે.

આ બ્લોગ દ્વારા મમતાને વડાપ્રધાનપદે બેસાડવાની તરફેણમાં જનમત ઉભો કરાશે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ માત્ર બંગાળ પૂરતો મર્યાદિત પ્રાદેશિક પક્ષ નથી પણ રાષ્ટ્રીય સ્તરે પણ કામ કરી શકે એવો પક્ષ છે એવું સ્થાપિત કરાશે.

ભાજપનાં સૂત્રો, મમતાના વડાપ્રધાનપદની વાતોને દિવાસ્વપ્ન ગણાવે છે પણ વિશ્લેષકો મમતાની પહેલને હકારાત્મક અભિગમ માને છે. મમતા સર્વસ્વીકૃત નેતા બને તેવી શક્યતા ઓછી છે પણ મમતાએ મહેચ્છા નહીં છૂપાવીને પારદર્શિતા બતાવી હોવાનો પણ તેમનો મત છે.

ટિકૈતની ખુલ્લી ધમકી, યોગી માટે નાકનો સવાલ

ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનને મુઝફ્ફરનગરમાં પગ નહીં મૂકવા દેવાની ખુલ્લી ધમકી આપીને ઉત્તેજના ફેલાવી દીધી છે.  મુઝફ્ફરનગર પાસેના સિસૌલીમાં ભાજપના ધારાસભ્ય ઉમેશ મલિકની કાર પર હુમલો કરાયો હતો.

પોલીસે આ કેસમાં કિસાન યુનિયનના નવ કાર્યકરો અને કેટલાક અજાણ્યા લોકો સામે ગંભીર કલમ લગાડીને કેસ ઠોકી દેતાં ટિકૈત બગડયા છે. ટિકૈતે સિસૌલીમાં જ કિસાન પંચાયત બોલાવીને એલાન કર્યું કે, સંજીવ ખરેખ બલિયાન હોય તો આ કેસ પાછો ખેંચાવડાવી લે નહિંતર એક શબ્દ પણ બોલવાની કોશિશ કરશે તો શહેરમાં પગ નહીં મૂકવા દઈએ. જેણે પણ ફરિયાદ કરી છે તેને ઈજ્જતથી સમજાવીને કેસ પાછો ખેંચાવડાવી લે, બાકી ગમે તે કરી લો, પોલીસ કોઈની ધરપકડ નહીં કરી શકે. ટિકૈતે હુમલાની ઘટના માટે મલિકને દોષિત ગણાવ્યા છે.

ટિકૈતે આડકતરી રીતે યોગી સરકારને જ પડકાર ફેંકી દીધો છે. યોગીએ નાક બચાવવા માટે પણ હુમલાના દોષિતો સામે પગલાં ભરવાં પડે એવી સ્થિતી ટિકૈતે સર્જી દીધો છે.

તૃણમૂલ-કોંગ્રેસ નેતાજીની પુણ્યતિથી મુદ્દે સામસામે

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોડાણના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે ત્યાં બંને ફરી સામસામે આવી ગયાં છે. કોંગ્રેસે બુધવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી હોવાનું જણાવીને શ્રધ્ધાંજલિ આપતાં તૃણમૂલ કોંગ્રેસ ભડકી ગઈ. સોશિયલ મીડિયા પર તૃણમૂલને વ્યાપક સમર્થન આપીને કોંગ્રેસની ઝાટકણી કઢાઈ રહી છે.

તૃણમૂલના દિગ્ગજ નેતા કુણાલ ઘોષે કોંગ્રેસને આડે હાથ લેતાં ટ્વિટ કરી કે, નેતાજી મૃત્યુ પામ્યા છે એ જ હજુ સાબિત થયું નથી. કોંગ્રેસ અને ભાજપ સરકારોએ નેતાજીની અંતિમ ક્ષણો વિશેની વાસ્તવિકતા શોધવા પ્રયત્નો જ ના કર્યા. બંગાળ અને ભારતની લાગણીઓ સાથે રમત ના કરશે. પહેલાં મૃત્યુ થયાનું સાબિત કરો, ગુપ્ત દસ્તાવેજો પ્રકાશિત કરો.

આ પહેલાં ૨૦૧૯માં સરકારે ૧૮ ઓગસ્ટને નેતાજીની પુણ્યતિથી જાહેર કરતાં તૃણમૂલે ઉગ્ર વિરોધ કર્યો હતો. ચોતરફથી ટીકા થતાં છેવટે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોની ટ્વિટ પાછી ખેંચવી પડી હતી. ભાજપે નેતાજીના નામે બંગાળીઓને આકર્ષવા બહુ પ્રયાસ કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસ સામે નેતાજીના નામનો ઉપયોગ કરવાનો ભાજપનો પ્રયાસ સફળ થયો નથી.

ભાજપ કાર્યકરે પૂણેમાં મોદીનું મંદિર બનાવ્યું

આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું મંદિર બનાવ્યું એ સમાચાર તાજા છે ત્યાં હવે મોદીના નામનુ પણ મંદિર બન્યું છે. મહારાષ્ટ્રના પૂણેના ઔંધ વિસ્તારમાં મયૂર મુંડે નામના ૩૭ વર્ષીય ભાજપ કાર્યકરે મોદીનું મંદિર બનાવ્યું છે.

મંદિરમાં મોદીનું બસ્ટ એટલે કે અર્ધ પ્રતિમા મૂકાઈ છે. તેની બાજુમાં પથ્થરમાં કોતરેલી કવિતા પણ મૂકાઈ છે. રીયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા મુંડેનો દાવો છે કે, અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરનારા વડાપ્રધાન તરફ આદર બતાવવા મંદિર બનાવ્યું છે.

જેણે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું તેનુ મંદિર બનવું જોઈએ એવું લાગ્યું તેથી મેં મંદિર બનાવ્યું. મુંડેએ મંદિર બનાવવા જયપુરથી લાલ આરસ મંગાવ્યો હતો. મંદિર બનાવવામાં રૂપિયા ૧.૬૦ લાખ ખર્ચાયા હોવાનો તેનો દાવો છે.

વિશ્લેષકો આ પ્રકારની વ્યક્તિપૂજાને લોકશાહી માટે તંદુરસ્ત નથી માનતા. તેમના મતે, નેતાઓએ પોતે સામેથી આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ પણ તેમને પણ અંદરખાને ચાપલૂસી ગમે છે તેથી આંખ આડા કાન કરીને આડકતરી રીતે આવી પ્રવૃત્તિઓને પોષે છે.

રામમંદિરના દાનનાં નાણાં વેપારમાં રોકી દેવાયાં ?

અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવા વિવાદમાં ફસાયું છે. રામ જન્મભૂમિ સંકુલની જમીન હિંજુઓને અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવનારા ધર્મદાસે આક્ષેપ મૂક્યો છે કે, ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે દાનમાં મળેલાં નાણાંનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વેપાર કરવા કરી રહ્યા છે. જે લોકો ભગવાન સાથે ગદ્દારી કરી શકે એ શું ના કરી શકે એ વિચારજો.

ધર્મદાસે ટ્રસ્ટ દ્વારા ચાર અલગ અલગ જમીન સોદામાં થયેલા કહેવાતા ભ્રષ્ટાચારની વિગતો પણ જાહેર કરી છે.ધર્મદાસ આ વિગતો સાથે રામ જન્મભૂમિ પોલીસ થાણામાં એફઆઈઆર નોંધાવવા ગયા હતા પણ પોલીસે ફરિયાદ ના લેતાં ધર્મદાસે કોર્ટમાં જવાનું એલાન કર્યું છે.

ટ્રસ્ટનાં સૂત્રોનું કહેવું છે કે, આ લડાઈ સાધુ-સંત વિરૂધ્ધ અન્યની છે. કેન્દ્ર સરકારે બનાવેલા ટ્રસ્ટમાં છ સાધુ-સંત છે જ્યારે અન્ય ૯ છે. મહંત નૃત્યગોપાલદાસ ટ્રસ્ટના પ્રમુખ છે પણ અસલી વહીવટ ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્ર ચલાવે છે. બંને મોદીન ઈશારે વર્તે છે અને સાધુ-સંતોને પૂછતા નથી તેથી વિવાદ છે. 

* * * 

પેગાસસઃ કેન્દ્રના અપારદર્શી વલણથી અનેક સવાલો

રાજધાનીના કોરિડોરમાં ચર્ચાઈ રહ્ છે કે શા માટે કેન્દ્ર પેગાસસ જાસૂસી કેસના મુદ્દે મહત્ત્વના સવાલોના જવાબો ટાળવા માંગે છે. સંસદમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેના બચાવમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારે ગેરકાયદેસર રીતે આંતરવામાં કશું આવ્યું નથી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે આવા કોઈ સોફ્ટવેરનું સંપાદન કર્યુ નથી પણ સવાલ એ છે કે શું સરકારના બીજા વિભાગો કે એજન્સીએ આવુ કર્યુ છે. બીજા મંત્રાલયે જણાવ્યું હતું કે આ બાબત કોર્ટને આધીન છે. કેન્દ્રએ ચર્ચા ટાળતા ચોમાસાનું સમગ્ર સત્ર અવરોધાયેલું રહ્યું. સુપ્રીમ કોર્ટમાં પણ કેન્દ્રએે તેની સામે થયેલી અરજીમાં આરોપો નકાર્યાહતા.

સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારના સોફ્ટવેરની વિગતો આપી ન શકે. કેન્દ્રએ આ મુદ્દાના બધા પાસાને ચકાસવા માટે નિષ્ણાતોની સમિતિ રચવાની ઓફર કરી છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે કેન્દ્રએ જાહેર હિતની અરજી સામે સોગંદનામુ ફાઇલ કરવુ જોઈએ. તેણે કેન્દ્ર સરકારને આ મુદ્દે નોટિસ પાઠવી છે અને તે આ બાબતને દસ દિવસમાં હાથ પર લેશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કેન્દ્ર કહે છે કે તેની પાસે છૂપાવવું જેવું કશું નથી તો તેણે તેમ કહેતું સોગંદનામુ ફાઇલ કરવું પડશે કે તેણે પેગાસસનો ઉપયોગ કર્યો નથી. કેન્દ્રએ આ મામલે સંદિગ્ધતા દૂર કરવી જોઈએ, પછી ભલેને તેનો જવાબ પ્રતિકૂળ હોય. 

રાજ્યસભામાં વિપક્ષી સાંસદો સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય

રાજ્યસભામાં ૧૧મી ઓગસ્ટે હોબાળો કરવા બદલ વિપક્ષના સાંસદો સામે સરકાર શિક્ષાત્મક પગલાં તાત્કાલિક નહી લઈ શકે. તેની પાછળનું કારણ તેની સાથે સંકળાયેલી ફક્ત લાંબી પ્રક્રિયા જ નથી, પરંતુ તેના અંતિમ પગલાં માટે સત્ર ચાલુ હોવું જરુરી છે.

રાજ્યસભાના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યસભાના ચેરમેન વેન્કૈયા નાયડુ આ બધા આરોપોને ચકાસી જોશે, નિષ્ણાતોની સલાહ લેશે અને તેમની સામે પગલા લેવા માટે પેનલ સ્થાપવાની જરુરિયાત છે કે નહી તેના અંગે કાયદાકીય અભિપ્રાય લેશે. તેના પછી નીમાયેલી પેનલને લાગશે તો તે આ સભ્યો સામે પગલાં લેવાની ભલામણ કરશે. પરંતુ સભ્યો સામે કોઈપણ પ્રકારનું પગલું રાજ્યસભામાં દરખાસ્ત દ્વારા લવાશે અને તેને ગૃહની મંજૂરી આપવી પડશે. આ બધુ ફક્ત આગામી સત્રમાં જ થઈ શકે, એમ લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી શ્રીધરને જણાવ્યું હતું. 

આઇઆઇટી-ડીએ અફઘાન વિદ્યાર્થીઓ માટે રાહત લંબાવી

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી-દિલ્હી)માં ૧૬ અફઘાની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાથી એક જ વિદ્યાર્થી ્બ્દુલ ગફર નવ દિવસ પહેલા તેની પત્ની અને બાળકો સાથે દિલ્હી આવી ગયો હતો. અફઘાનિસ્તાનમાં હેરાત શહેરમાં હિંસા થવાના પગલે તેણે દિલ્હીના કેમ્પસમાં પરત ફરવું મુનાસિબ માન્યું. અફઘાનિસ્તાનની વણસતી રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખતા આઇઆઇટી દિલ્હીએ પરત ફરી રહેલા બાકીના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર અને ઇ-મેઇલ આઇડી બનાવ્યું છે. 

ભારતના ડ્રાય ફ્રૂટના વેપારીઓ અને મેડિકલ ટુરિઝમને પડેલો મોટો ફટકો

અફઘાનિસ્તાને તાલિબાને કબ્જે કરતા ભારતના આયાત-નિકાસ વેપાર પર વિપરીત અસર પડશે. તેમા પણ ખાસ કરીને ડ્રાય ફ્રુટની આયાત કરતા વેપારીઓને ફટકો પડશે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવતા વેપારીઓના નાણાનો મોટો હિસ્સો અટવાઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે અફઘાન કટોકટીની ભારતના મેડિકલ ટુરિઝમ પર જંગી આર્થિક અસર પાડી શકે છે. અફઘાનો માટે ભારત યોગ્ય દરે સારવાર પૂરી પાડતું સ્થળ હતુ. ભારત દર વર્ષે ૩૦ હજાર જેટલા મેડિકલ વિઝા અફઘાનોને જારી કરતું હતું. અફઘાનિસ્તાનની રાજકીય અશાંતિના લીધે વાર્ષિક ધોરણે કમસેકમ ૧.૫થી ૨ અબજ રુપિયાનો ફટકો પડશે, એમ પીએચ ડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ સંજય અગરવાલે જણાવ્યું હતું. 

- ઇન્દર સાહની

Gujarat