દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો 1 - image


નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી નવા મુખ્યમંત્રી તરીકે મનિષ સિસોદિયાથી માંડીને આતીસી મારલેના સહિતના નામો ચર્ચામાં છે. કેટલાક રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ અનુસૂચિત જાતિના કુલદીપ કુમારને પણ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી શકે છે. જો આમ આદમી પાર્ટી આ રાજકીય દાવ ખેલશે તો રાષ્ટ્રીય સ્તરે એક મોટો સંદેશો આપી શકશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપના ઉમેદવારો ઉભા રહેવાના છે. દિલ્હી સહિત હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ આ પસંદગીને કારણે મોટી અસર પડશે. હજી સુધી જોકે આપ હાઇકમાન્ડે કોઈ નામ પસંદ કર્યું નથી, પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણામાં અનુસૂચિત જાતિના મતદારો મોટી સંખ્યામાં હોવાથી કેજરીવાલના નિર્ણયને પ્રભાવિત કરશે. 

આંધ્રપ્રદેશમાં ત્રણ સિનિયર આઇપીએસ અધિકારીઓ ડિસમિસ

આંધ્ર પ્રદેશ સરકારે ત્રણ સિનિયર આઇપીએસ અધિકારીઓને ડિસમિસ કરી દીધા છે. રાજ્યના ડીજીનો પણ આમા સમાવેશ થાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ ત્રણે અધિકારીઓ સામે મુંબઈની એક અભિનેત્રી અને મોડેલને હેરાન કરવાનો આરોપ હતો. સરકારે તપાસ પછી ડીજી રેન્કના સીતારામ અંજને યુલુ, વિજયવાડાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ક્રાન્તિ રાણા ટાટા તેમ જ એસપી રેન્કના વિશાલ ગુન્નીને બરખાસ્ત કર્યા છે. રાજ્યમાં જ્યારે વાયએસઆર કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ મોડેલે એક મોટા કોર્પોરેટ હાઉસના ચેરમેન સામે કેસ દાખલ કર્યો હતો. એ વખતે પોલીસ અધિકારીઓએ કેસ પરત લેવા માટે મોડેલને ધમકી આપી હતી. આંધ્રપ્રદેશના આ પગલાની આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. 

૧૦ વર્ષમાં લોકશાહીને ખતમ કરવા ગંભીર કાવતરા થયા ઃ ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ એક વક્તવ્યમાં કહ્યું છે કે, ૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામો ખૂબ અગત્યના છે. દેશના ૧૪૦ કરોડ લોકોએ નિર્ણય કર્યો છે કે, એમને દેશની લોકશાહી સંસ્થાઓ પર ભરોસો છે. ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર પણ લખ્યું છે કે, 'આપણે સંસદીય લોકશાહીની રક્ષા કરવા માટે વધુ જાગૃત રહેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર ચાલો આપણે દેશ માટે જાત સમર્પિત કરીએ.' ખડગેએ આડકતરી રીતે કેન્દ્રની એનડીએ સરકારને બંધારણીય સંસ્થાઓના દુરઉપયોગ બાબતે ઠપકો આપ્યો હતો. 

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યને જેલમાં મોકલી આપવામાં આવ્યા

કર્ણાટક ભાજપના ધારાસભ્ય મુનીરત્નાને પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. મુનીરત્ના આંધ્રપ્રદેશ જવાની કોશિષ કરતા હતા ત્યારે એમને પકડવામાં આવ્યા. મુનીરત્ના સામે મહિલાની છેડતી તેમ જ લાંચ લેવાના આરોપ છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરના કહેવા પ્રમાણે બેંગ્લોર કોર્પોરેશનના એક કોન્ટ્રાક્ટરને મારી નાખવાની ધમકીની ફરિયાદ મુનીરત્ના સામે થઈ છે. કર્ણાટકમાં ભાજપના નેતાઓની દાદાગીરી ખૂબ વધી ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ હવે ભાજપના નેતાઓની દાદાગીરીને ચલાવી લેવાના મૂડમાં નથી. 

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સિનિયર નેતાની ફિલ્મી ઢબે હત્યા

પશ્ચિમ બંગાળના માલદાના સિનિયર કોંગ્રેસી નેતા શેખ સૈફુદ્દીનની જાહેર રસ્તા પર બોમ્બ અને ઓટોમેટીક રાઇફલ વડે હત્યા કરવામાં આવી છે. સૈફુદ્દીનના કુટુંબીઓએ આક્ષેપ કર્યો છે કે, તૃણમુલ કોંગ્રેેસના ગુંડાઓએ આ હત્યા કરી છે. સૈફુદ્દીનના કુટુંબીઓના કહેવા પ્રમાણે શહેરના ધર્મપુર સ્ટેન્ડ બજારમાં સવારે નવ વાગ્યે મોઢુ ઢાંકીને આવેલા ચારથી પાંચ વ્યક્તિઓએ ગોળીઓ ચલાવીને બેમ્બ ફેંક્યા હતા. ટીએમસીએ જોકે આ હત્યા પાછળ પોતાની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. 

ભાજપના પ્રયત્નો છતાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનો કરિશ્મા અકબંધ

મહારાષ્ટ્રમાં ભાજપના વિરોધપક્ષો આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ કરી નાખશે એ બાબતે નિશ્ચિત છે. મહાવિકાસ અઘાડીના કેટલાક નેતાઓ એમ માને છે કે, મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડવી જોઈએ. મહાવિકાસ અઘાડી સરકારમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા ઉદ્ધવ ઠાકરેએ એવું નિવેદન કર્યું છે કે, મુખ્યમંત્રી બનવાનો કોઈ મોહ એમને નથી. પિતા બાળા સાહેબ ઠાકરેનો દાખલો આપતા એમણે કહ્યું કે, એમના પિતા કદી કોઈ સત્તા સ્થાને બેઠા નહોતા, આમ છતાં મહારાષ્ટ્રના લોકોએ એમને હંમેશા સહકાર આપ્યો હતો. ઉદ્ધવના કહેવા પ્રમાણે જ્યાં સુધી મહારાષ્ટ્રના લોકો એમને ટેકો આપે છે ત્યાં સુધી ભાજપ કે બીજા કોઈપણ પક્ષ એમને રીટાયર્ડ નહીં કરી શકે. એકનાથ શિંદે જેવા ગદ્દારોને લોકોએ માફ કર્યા નથી. મહારાષ્ટ્રમાં હજુ પણ સ્વ. બાલા સાહેબ ઠાકરેની લોકપ્રિયતા અકબંધ છે. બાલા સાહેબના પુત્ર હોવાને કારણે ઉદ્વવનો કરિશ્મા પણ હજી જેમનો તેમ છે. ભાજપ એમા ભંગાણ પાડી શક્યો નથી.

ચૌટાલાની માતાએ પાટલી બદલુ નેતાને બે મોઢાળો સાંપ કહ્યા

હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના માતા નયના ચૌટાલાએ ભૂતપૂર્વ મંત્રી અનુપ ધાનકની આકરી ટીકા કરી છે. અનુપ ધાનક ૨૦૧૯ના વર્ષમાં જેજેપીની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. ગઠબંધનની સરકારમાં એમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૪ વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી અનુપ ધાનક જેજેપી છોડીને બીજેપી સાથે જોડાઈ ગયા છે. નયના ચૌટાલાનું કહેવું છે કે અનુપને પક્ષે પ્યાર અને માન આપ્યા હતા. અનુપ કરતા તો બે મુખી સાંપ વધારે સારો, કમ સે કમ ખબર તો હોય કે કઈ તરફ ડંખ મારશે. અનુપ જેવા ગદ્દારો કાળા નાગ જેવા છે અને એમને આસાનીથી ખરીદી પણ શકાય છે.

ભાજપમાં પીએમપદ માટે ખેંચતાણ ઃ આરજેડીનો કટાક્ષ

આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપમાં પીએમપદ માટે ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. નીતિન ગડકરીએ એવો દાવો કર્યો હતો કે ૨૦૧૯માં વિપક્ષના એક નેતાએ તેમને પીએમપદ માટે ઓફર કરી હતી. એ મુદ્દે કટાક્ષ કરતાં મનોજ ઝાએ કહ્યું કે ગડકરી આવું નિવેદન આપીને સીધી રીતે પીએમપદ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. આ નિવેદન એ વાતની સાબિતી છે કે ભાજપમાં વડાપ્રધાનપદ માટે આંતરિક સંઘર્ષ શરૂ થયો છે. બધા નેતાઓમાં સ્પર્ધા ચાલી રહી છે. અથવા એમ કહો કે જો મોદી વડાપ્રધાન ન હોય પછી વડાપ્રધાન કોણ બનશે તે બાબતે અત્યારથી ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાનો વ્યૂહ ગોઠવી રહ્યા છે.

હરિયાણામાં વીજની સીએપદની દાવેદારીથી ભાજપમાં ચિંતા

હરિયાણામાં ભાજપે નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. મનોહરલાલ ખટ્ટરને લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીપદેથી હટાવી દેવાયા હતા. ત્યારથી તેમને કેન્દ્રીય મંત્રાલયમાં સમાવી લીધા હતા. મનોહરલાલ ખટ્ટર પછી મુખ્યમંત્રી બનવા માટે ભાજપના ઘણાં સીનિયર નેતાઓ પોત-પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. અગાઉ રાવ ઈન્દ્રજીત સિંહે હરિયાણાના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પાર્ટીએ નાયબ સિંહ સૈની સિવાય કોઈને પણ સીએમફેસ નહીં બનાવાય એવી સ્પષ્ટતા કરી હતી. હવે પૂર્વ ગૃહમંત્રી અનિલ વીજે સીએમ બનવાનો દાવો કર્યો છે. અનિલ વીજે એમ કહીને હરિયાણા ભાજપમાં સનસનાટી મચાવી દીધી છે કે સીનિયોરિટી પ્રમાણે એ સૌથી વધુ વખત ચૂંટાયેલા ધારાસભ્ય છે અને તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. ભાજપ ભલે બીજા કોઈને બનાવે, પરંતુ તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યા છે એમ કહીને વીજે હાઈકમાન્ડને સંકેત આપી દીધો છે. ધારો કે હરિયાણામાં થોડી બેઠકો આમથી તેમ થાય તો ભાજપમાં ભડકો થઈ શકે છે.

- ઈન્દર સાહની



Google NewsGoogle News