mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિગ્ગજ કોંગ્રેસી સિંહદેવ ભાજપમાં જોડાય એવા સંકેત

Updated: Sep 17th, 2023

દિગ્ગજ કોંગ્રેસી  સિંહદેવ ભાજપમાં જોડાય એવા સંકેત 1 - image


નવીદિલ્હી: છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહદેવે જાહેરમાં નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળોને વેગ આપ્યો છે. સિંહ દેવે રાયપુરમાં મોદી સાથે એક સ્ટેજ પર બેસીને કહ્યું કે, મોદીએ છત્તીસગઢને અન્યાય કર્યો હોય કે ભેદભાવ કર્યો હોય એવું મને કદી લાગ્યું નથી. અમે જ્યારે પણ માગણી કરી ત્યારે કેન્દ્ર સરકારે પોતાનો હાથ ખોલીને અમને આપ્યું છે.  

આ પહેલાં દેવે વન નેશન વન ઈલ્કેશનના મોદીના વિચારને પણ ટેકો આપતાં કહ્યું હતું કે, હું અંગત રીતે 'વન નેશન, વન ઈલેક્શન'નું સ્વાગત કરું છું. આ કાંઈ નવો નહીં પણ જૂનો વિચાર છે અને દેશના ફાયદામાં છે. 

સિંહદેવ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર મનાતા હતા પણ કોંગ્રેસે મુખ્યમંત્રીપદે ભૂપેશ બઘેલને બેસાડયા હતા. તેના કારણે સિંહદેવે બઘેલ માટે મુશ્કેલીઓ સર્જવાનું ચાલુ રાખવા નાયબ મુખ્યમંત્રીપદ આપીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ લાગે છે કે, સિંહદેવની નારાજગી દૂર થઈ નથી.

કાશ્મીરમાં આતંકી હુમલાથી સુરક્ષા સામે સવાલ

કાશ્મીરના અનંતનાગના ગદુલ કોકરનાગમાં સતત પાંચમા દિવસે પણ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ રહેતાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા અને સલામતી સામે ફરી સવાલો ઉભા થયા છે. આ આતંકીઓના હુમલામાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો હતો. આ ઘાયલ સૈનિકનું મોત થતાં કુલ ચાર જવાન શહીદ થયા છે. સુરક્ષા દળો માટે આ બહુ મોટું નુકસાન છે.

સૂત્રોનું કહેવું છે કે, રાજૌરી સુધી ફેલાયેલા પીર પંજાલના ગાઢ જંગલમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉઝૈર ખાન સહિત  ત્રણેક આતંકવાદીઓ છૂપાયેલા છે. લશ્કરી કમાન્ડો, સ્નિફર ડોગ, ડ્રોન, હેલિકોપ્ટર કામે લગાડીને આતંકવાદીઓને શોધી રહ્યા છે પણ પાંચ દિવસ પછી પણ તેમનો સંપૂર્ણ ખાતમો કરી શકાયો નથી. આતંકીઓ પર ડ્રોન દ્વારા બોમ્બમારો પણ કરવામાં આવી રહ્યો છે. 

મિશ્રાની ઈડીમાં ઈનિંગ પૂરી પણ નવો હોદ્દો તૈયાર

વિવાદોમાં ફસાયેલા ઈડીના ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ૧૫ સપ્ટેમ્બરે પૂરો થતાં ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવિનને કાર્યકારી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજય કુમાર મિશ્રાએ ૪ વર્ષ અને ૧૦ મહિના સુધી ઈડીના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કેન્દ્ર સરકારે મિશ્રાને દૂર કરવાની ફરજ પડી છે પણ મોદી સરકાર મિશ્રાને બહુ જલદી મોટા હોદ્દા પર નિમશે એવું સૂત્રોનું કહેવું છે.

રાહુલ નવિન ઈડી ડિરેક્ટર બનવા માટે પ્રબળ દાવેદાર મનાય છે પણ સૂત્રોનું કહેવું છે કે, મોદી સરકાર તેમને કાયમી ડિરેક્ટર બનાવે એવી શક્યતા ઓછી છે. રાહુલ નવિન ૧૯૯૩ની બેચના આઈઆરએસ ઓફિસર છે. બિહારના રહેવાસી રાહુલ નવિન સ્પેશિયલ ડાયરેક્ટર હોવા ઉપરાંત ઈડી હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી રહ્યા છે. સૂત્રોનો દાવો છે કે, મોદીની નજીકના મનાતા ગુજરાત કેડરના કોઈ અધિકારીની બે મહિનામાં ઈડીના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક થાય ત્યાં સુધી નવિન કાર્યકારી નિર્દેશકની જવાબદારી નિભાવશે.

ટીવી એન્કર્સના બહિષ્કાર મુદ્દે ઈન્ડિયામાં ફાટફૂટ

ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાએ ટીવી ચેનલોના ૧૪ એન્કર્સના કાર્યક્રમમાં ગઠબંધનના સાથી પક્ષોના કોઈ પ્રતિનિધિ હાજર નહીં રહે એવી જાહેરાત કરી તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશને આ નિર્ણયથી ખતરનાક દાખલો બેસશે એવું કહીને કહ્યું છે કે, આ નિર્ણય લોકશાહી વિરોધી છે અને અસહિષ્ણુતાના સંકેતો આપે છે. ભાજપ પણ આ મુદ્દાનો ફાયદો લેવા કૂદી પડયો છે. ભાજપનાં પ્રમુખ જે.પી.નડ્ડાએ આક્ષેપ મૂક્યો કે,  કોંગ્રેસે મીડિયા પર પ્રતિબંધો લાદ્યાં હોય એ નવી વાત નથી કેમ કે કોંગ્રેસ લોકશાહી વિરોધી છે.

ઈન્ડિયા જોડાણના પક્ષોમાં પણ આ નિર્ણયથી નારાજગી છે. જેમના બહિષ્કારનું એલાન કરાયું છે એ પૈકી મોટા ભાગના કાર્યક્રમો હિંદી ચેનલોના હોવાથી સમાજવાદી પાર્ટી, આરજેડી અને જેડીયુએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, આ બહિષ્કારના કારણે તેમનો પોતાની વાત મૂકવાનો અધિકાર છિનવાઈ જશે.

સરકારી કચેરીઓમાં બંધારણ વાંચવાની ઝુંબેશ

કર્ણાટકની સિધ્ધરામૈયા સરકારે રાજ્યની દરેક સરકારી કચેરીમાં સવારે કામકાજની શરૂઆત પહેલાં દેશના બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત કરવાની હિલચાલ શરૂ કરતાં કર્મચારીઓમાં કચવાટ છે. કોંગ્રેસ સરકારે જૂનમાં આદેશ બહાર પાડીને રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરતાં પહેલાં બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત કર્યું છે. સરકારે ઈન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રસી નિમિત્તે રાજ્યભરમાં બંધારણની પ્રસ્તાવના વાંચવાનો કાર્યક્રમ કર્યો હતો કે જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો.કોંગ્રેસનું કહેવું છે કે, અત્યારે દેશનું બંધારણ ખતરામાં છે. બંધારણે આપેલા સમાનતા સહિતના મૂળભૂત અધિકારો છિનવાઈ રહ્યા હોવાથી લોકોમાં બંધારણ અંગે જાગૃતિ આવે એ માટે આ અભિયાન શરૂ કર્યું છે.

ઈન્કમટેક્સની રેડ પછી આઝમ નવી મુશ્કેલીમાં

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનને ત્યાં પડેલી ઈન્કમટેક્સની રેડ પછી આઝમ મોટી મુશ્કેલીમાં ફસાશે એવા સંકેત મળી રહ્યા છે.  આઝમના જૌહર ટ્રસ્ટના હિસાબોમાં ભારે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બ્લેક મનીને દાનમાં ખપાવીને વ્હાઈટ કરવાના પુરાવા પણ મળતાં આઝમ સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધાશે અને ઈડી મેદાનમાં આવશે. આ ઉપરાંત જૌહર ટ્રસ્ટને દાન આપવાથી મળતી ઈન્કમટેક્સ રાહત પણ બંધ કરી દેવાશે એવા સંકેત મળ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, આઝમખાને એક જ મોહલ્લાના ૪૦૦ લોકોના નામે દાનની રસીદો ફાડી છે. તેનો મતલબ એ કે, મતદાર યાદી લઈને બેસી ગયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી રેડ દરમિયાન આઝમે અધિકારઓ સમક્ષ રડવાનું નાટક કર્યું હતું. આ ઉપરાંત નમાઝ પઢતાં પઢતાં અધિકારીઓને બદદુઆ આપીને ડરાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

***

પવનની પલટી ઃ આંધ્રમાં ભાજપને મુશ્કેલી

આંધ્રમાં જનસેના પાર્ટી (જેએસપી)ના વડા પવનકલ્યાણે ચંદ્રાબાબુ નાયડુના તેલૂગુદેશમ પક્ષ (ટીડીપી) સાથે ચૂંટણી જોડાણ કરતા ભાજપ થોડી ભીંસમાં આવી ગયો છે. આંધ્ર સરકારે નાયડુને રવિવારે એક કૌશલ્ય વિકાસ પ્રોજેકટ કૌભાંડ મુદ્દે અટક કર્યા એ પછી કલ્યાણ નાયડુને રાજામહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં મળ્યા. એ પછી એમણે નાયડુ સાથે ૨૦૨૪ લોકસભા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હાથ મિલાવવાની ઘોષણા કરી નોંધીય છે કે કલ્યાણનો પક્ષ જેએસપી ભાજપનો જોડીદાર રહ્યો છે.

કોંગ્રેસી સિંઘદેવે મોદીને વખાણ્યા ઃ વિવાદ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ચૂંટણી- રાજય છત્તીસગઢના રાયગઢમાં એક રેલી વિષયક પ્રોજેકટના ઉદઘાટન માટે ત્યાં પહોંચ્યા ત્યારે મંચ પર એમની હાજરીમાં રાજયના નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંઘદેવે એમને પ્રશંસતા કહ્યું કે જયારે વિકાસની વાત હોય ત્યારે કેન્દ્રે કોંગ્રેસ શાસિત રાજય પ્રત્યે કોઇ પક્ષપાત દાખવ્યો નથી. વડાપ્રધાને વિપક્ષની આ પ્રશંસાને પ્રેમથી સ્વીકારી. જો કે સિંઘદેવનું વિધાન છત્તીસગઢમાં રાજકીય મુદ્દો બની જતા વકતાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે છત્તીસગઢ સહિતના આખા ભારત દેશમાં આતિથ્યની પરંપરા રહેલી છે. સત્તાવાર કાર્યક્રમમાં કેટલાક વિધાનો વડાપ્રધાનના પદની મહત્તાને ધ્યાનમાં રાખીને કરવે પડે છે. ભારે આક્ષેપો પ્રતિ આક્ષેપોના રાજકારણમાં પડવું નથી. મારું વિધાન મારા વિભાગે કરેલી માગણીના સંદર્ભે જ હતું, એમ અનેક બધા ખાતા સાથે આરોગ્ય મંત્રાલય પણ સંભાળતા સિંઘદેવે ઉમેર્યું.

આસામી મુખ્યમંત્રીના પત્નીની બદનક્ષી કેસની ધમકી

આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાના પત્ની રિનિકિ ભુયાન સરમાની મીડિયા કંપની પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કેન્દ્રની ભાજપ સરકાર તરફથી મોટી રકમની સબસીડી મળતી હોવાનો આક્ષેપકોંગ્રેસી સાંસદ ગૌરવ ગોગોઇએ કરતા રિનિકિએ આક્ષેપોને નકારી કાઢયા છે અને ગોગોઇ  સામે બદનક્ષીનો કેસ કરવાની જાહેરાત કરી છે. જો કો ગોગોઇએ એમના દાવાની આગેકુચ રુપે બે અલગ અલગ મંત્રાલયોના દસ્તાવેજોને પુરાવા રુપે રજુ કર્યા છે. રિનિકિ સરમાએ બચાવમાં કહ્યું કે એમની કંપની ૨૦૦૬ થી અસ્તિત્વ ધરાવે છે. કાયદાનું પાલન કરનાર આ કંપનીનો બિઝનેસ ટ્રેક રેકોર્ડ લાંબો અને સફળ છે. યોગ્યતા ધરાવતી અન્ય કંપનીની જેમ જ એમની કંપની પણ સરકાર સમર્થિત કાર્યક્રમો તથા પ્રોત્સાહક યોજનાઓમાં ભાગ લેવા માટે લાયક છે. એમ રિનિકિએ ઉમેર્યું.

કેજરીવાલની શાળાની ટીકા કરતા પંજાબના આપ ધારાસભ્ય

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે પંજાબની પહેલવહેલી સ્કૂલ ઓફ એમિનન્સને અમૃતસરમાં ખુલ્લી મૂકી એના વળતા દિવસે આપના જ, અમૃતસર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કુંબવ વિજયપ્રતાપસિંઘે શાળાના પ્રારંભને નર્યો ઢોંગ ગણાવતા, પક્ષનું રાજ્ય એકમ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયું. ૧૯૮૮ની બેચના પૂર્વ આઇપીએસ અધિકારી એવા પ્રતાપસિંઘે કહ્યું કે નવી શાળારૂપે, અમૃતસરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલી સરકારી સ્માર્ટ શાળામાં ફક્ત દેખાવપૂરતા ફેરફારો જ કરવામાં આવ્યા છે.

દુબઇમાં લગ્ન મ્હાલનાર બોલીવૂડ હીરાઓ સામે તપાસ ?

દુબઇથી ચલાવાતી ઓનલાઇન ગેમ્બલિંગ એપ મહાદેવ ગેમ્બલિંગ એપના મુખ્ય સૂત્રધાર ગૌરભ ચંદ્રાકરે ગત ફેબુ્રઆરીમાં દુબઇમાં કરેલા લગ્ન પાછળ ૨૦૦ કરોડનો ધૂમાડો કર્યો. આ રકમનો મોટો હિસ્સો લગ્ન સમારંભમાં નાચગાન દ્વારા પરફોર્મ કરનાર બોલીવૂડના સ્ટાર કલાકારોને મહેનતાણારૂપે ચૂકવાયો. આ કલાકારો ટાઇગર શ્રોફ, સની લિઓની, ગાયિકા નેહા કકકરને હવે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) તરફથી તપાસ માટે તેડું  આવે એવી શક્યતા છે. ઇડી, સૌરભ ચંદ્રાકાર અને એના વ્યાવસાયિક ભાગીદાર એવા રવિ ઉપ્પલ સામેના ૫૦૦૦ કરોડના મની લોન્ડરિંગ સંબંધી આક્ષેપોની તપાસ કરી રહ્યું છે.

- ઇન્દર સાહની


Gujarat