For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ભાજપનું લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ કાર્ડ

Updated: Jan 17th, 2023

Article Content Image

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકના એજન્ડામાં મુસ્લિમ મહિલાઓની સામાજિક સુરક્ષાનો મુદ્દો સમાવીને તેના પર  વિશેષ ચર્ચા રખાઈ એ સૂચક છે. આ મુદ્દાને સમાવીને ભાજપે સંકેત આપી દીધો છે કે, આ વર્ષે થનારી નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ કાર્ડ ખેલીને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોની મતબેંકામાં ગાબડું પાડવા માગે છે.

મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ આપતાં કાયદો બનાવ્યો તેને મુસ્લિમ મહિલાઓએ આવકાર્યો હતો. ભાજપને ઉત્તર પ્રદેશમાં તેનો ફાયદો મળ્યો છે. ભાજપે છેલ્લી કારોબારી બેઠકમાં મુસ્લિમોમાં પછાત મનાતા પસમંદા મુસ્લિમોની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો હતો. યુપીમાં આ મુદ્દાનો ભાજપને લાભ મળ્યો છે તેથી ભાજપ આ એજન્ડાને આગળ વધારશે. ભાજપે તમામ હોદ્દેદારોને દેશભરમાં  ફરી વળીને લઘુમતીઓ માટે થઈ રહેલાં કામોથી વાકેફ કરવા પણ આદેશ આપ્યો છે.

કોંગ્રેસ એસસી-એસટી બેઠકોને ટાર્ગેટ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારને પગલે સફાળી જાગેલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આવી સ્થિતી ના સર્જાય એ માટે કમર કસી છે.  ગુજરાતમાં કોંગ્રેસની અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત બેઠકો પર પણ ખરાબ રીત હાર થઈ છે. એસસી અને એસટી મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસની મતબેંક મનાય છે ત્યારે તેમના જ વિસ્તારમાં કોંગ્રેસની હારથી કોંગ્રેસમાં ચિંતા છે.

લોકસભાની ચૂંટણીમાં આ સ્થિતી ટાળવા કોંગ્રેસે એસસી-એસટી માટે અનામત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઓછા માર્જિનથી હારેલી ૧૨૧માંથી એસસી-એસટી માટે અનામત ૫૬  બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ 'લીડરશીપ ડેવલપમેન્ટ મિશન' ના ભાગરૂપે એસસી, એસટીનું વર્ચસ્વ હોય એવી બેઠકો પર અત્યારથી એવા નેતાઓને તૈયાર કરશે કે જેમની પાસે પક્ષને મદદ કરવા માટે યોગ્ય કૌશલ્ય અને જન આધાર છે. આ ૫૬ બેઠકો પર સીધો ભાજપ સાથે મુકાબલો છે.

મેયરની 24મીએ ચૂંટણી, ફરી ધમાધમીનાં એંધાણ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયરની ચૂંટણી ૨૪ જાન્યુઆરીએ કરાવવા મંજૂરી આપી છે. સક્સેનાના આદેશના પગલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તથા નોમિનેટેડ સભ્યોની બેઠક મળશે. તેમાં નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધી થશે અને પછી મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થશે.

જો કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની છેલ્લે મળેલી બેઠકમા કોની પહેલાં શપથવિધી થાય એ મુદ્દે ભારે હંગામો થતાં બેઠક મોકૂફ રાખવી પડી હતી. આમ આદમી પાર્ટીએ પહેલાં નોમિનેટેડ સભ્યોની શપથવિધી સામે જોરદાર હંગામો કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે નિમેલાં પ્રોટેમ સ્પીકર સત્યા શર્માએ પરંપરા તોડી હોવાના મુદ્દે આપના સભ્યો આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કોઈ કાર્યવાહી નહોતી થવા દીધી.

આ વખતે ભાજપ નરમ વલણ અપનાવે છે કે નહીં એ જોવાનું રહે છે. ભાજપ આપની માગણી નહીં સ્વીકારે તો આપ આ વખતે પણ કાર્યવાહી નહીં થવા દે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

મુર્મુને મળવા દોડેલાં મહિલા અધિકારી સસ્પેન્ડ

રાજસ્થાનમાં હેલિપેડ પર પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચી ગયેલી મહિલા અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. મુર્મુ પાલીના રોહતમાં ઉદઘાટનના માટે ગયાં ત્યારે આ ઘટના બની હતી. પાણી પુરવઠા વિભાગમાં જુનિયર એન્જીનિયર  અંબા સિઓલને દોડીને મુર્મુના ચરણસ્પર્શ કર્યા હતા.

પોલીસે અંબાની  અટકાયત કરી હતી અને રોહત પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. થોડા કલાકો પછી તેમને છોડી દેવામાં આવ્યાં હતાં અને કોઈ ફરિયાદ નોંધી નહોતી પણ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં એસપી ગગનદીપ સિંગલાએ ઇંબા સામે ખાતાકીય કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો. તેના પગલે તેમને સસ્પેન્ડ કરાયાં છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમા લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજસ્થાન પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

અંબાને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને બાડમેર મોકલી દેવાયાં છે. અંબા સિઓલ રોહતમાં પાણી પુરવઠા વિભાગમાં ૬ મહિનાથી કામ કરે છે અને છ વર્ષ પહેલા સરકારી નોકરીમાં જોડાયા હતા.

સરોજ પાંડે ભાજપનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર ?

આ વરસે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ સરોજ પાંડેને મુખ્યમંત્રીપદમાં ઉમેદવાર બનાવશે એવી અટકળો ચાલી રહી છે. છત્તીસગઢમાં આદિવાસી મતદારોનું પ્રમાણ વધારે છે તેથી ભાજપ બ્રાહ્મણને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનાવે એ વાત વિચિત્ર લાગે છે પણ મોદી આશ્ચર્યો સર્જવા માટે જાણીતા છે. મહિલાને આગળ કરીને મહિલા મતદારોને આકર્ષવાની યોજના અમલમા મૂકી શકે છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, સરોજ પાંડેને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર ના બનાવાય તો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળશે જ. કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થોડા જ દિવસોમાં થવાનું છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા મોદી છત્તીસગઢના કોઈ પણ સાંસદને કેબિનેટમાં સ્થાન આપશે જ. સરોજ પાંડે તેમાં સૌથી આગળ છે.

આ ઉપરાંત રાયપુરના સાંસદ સુનીલ સોની,  રાજનાંદગાંવના સાંસદ સંતોષ પાંડે અને બીજેપીના પ્રદેશ પ્રમુખ તથા બિલાસપુરના સાંસદ અરૂણ સાઓમાંથી કોઈ એકને મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. દુર્ગના સાંસદ વિજય બઘેલ પણ રેસમાં છે.

સુપ્રિયા શૂલે સતર્કતા બતાવી દુર્ઘટનાથી બચ્યાં

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ સુપ્રિયા શૂલે એક મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બચી ગયાં હતાં. સુપ્રિયાએ  પૂણેમાં એક કાર્યક્રમમાં પહેલાં દીપ પ્રાગટય કર્યું હતું અને પછી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવી રહ્યાં હતા ત્યારે  સળગતા દીવાથી સાડીમાં આગ લાગી ગઈ હતી.

સુપ્રિયાનું ધ્યાન હાર પહેરાવવામાં હતું તેથી સાડીને ઝાળ લાગી તેની ખબર નહોતી પડી પણ સાડીમાં આગ ફેલાતાં તેમનું ધ્યાન ગયું હતું. તેમણે  વિલંબ કર્યા વિના ઝડપથી પોતાના હાથથી આગ ઓલવી દીધી હતી. આ ઘટનાના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. સુપ્રિયાને કોઈ ઈજા પણ થઈ નથી અને સંપૂર્ણપણે સ્વસ્થ છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર ઘરભેગી થઈ પછી એનસીપીનો વિસ્તાર કરવા સુપ્રિયા સતત પ્રવાસ કર્યા કરે છે. તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. આ ઘટના પછી ભાજપ સહિતના રાજકીય પક્ષના નેતાઓએ સુપ્રિયાને ફોન કરીને ખબરઅંતર પૂછયા હતા.

* * *

માતા વિષે અભદ્ર ભાષા-પ્રયોગથી શિવરાજ દુ:ખી

કરણી સેનાએ મધ્યપ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણના સદ્ગત માતુશ્રી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા શિવરાજે રવિવારે વેદના વ્યક્ત કરી. એમણે હિન્દીમાં ટ્વિટ કરતા કહ્યું કે મુખ્યમંત્રીની ટીકાનો પ્રત્યેકને અધિકાર છે, પરંતુ મારા બાળપણમાં જ મને છોડી ગયેલાં મારા માતુશ્રી વિષે અભદ્ર ભાષા-પ્રયોગે મને હચમચાવી દીધો છે. મુખ્યમંત્રીએ પાછળથી કરેલ અનેક ટ્વિટમાં જણાવ્યું કે કરણી સેનાના જે કાર્યકરે મારાં માતુશ્રી માટે ખોટો શબ્દપ્રયોગ કર્યો એણે માતાની ઉદારતા બદલ માતાની પ્રાર્થના કરી.

નડ્ડાની આરામબાગ રેલી રદ : નેતાઓ નારાજ

ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગ ખાતે ૧૯ જાન્યુઆરીએ યોજાનારી સભા સુરક્ષાના કારણોસર રદ થતાં પક્ષના કેટલાક નેતાઓ નારાજ થઇ ગયા છે. જો કે નડ્ડાની નડિયા જિલ્લાના ક્રિશનગર ખાતેની અન્ય સભા નિયત કાર્યક્રમ મુજબ ગુરૂવારે થશે. આરામબાગ સંગઠન જિલ્લાના વડા સુસાન્ત બેરાએ કહ્યું કે અમે ૧૯ જાન્યુઆરીની રેલી માટે બધુ આયોજન કરી લીધું હતું. રેલીનું સ્થળ પણ નિર્ધારિત કર્યું હતું. એ કાર્યક્રમ રદ થયો નહોત તો અમને ખુશી થાત. રેલીના પુન: આયોજન-વ્યવસ્થામાં સપ્તાહો નીકળી જશે. નડ્ડાના સુરક્ષા-કર્મીઓએ સૂર્યાસ્ત પછી નડ્ડાના હેલિકોપ્ટરને ઉતરાણ માટે પરવાનગીનો ઇન્કાર કર્યો. એમણે દિવસ દરમિયાન ૩.૩૦ સુધીમાં હેલિકોપ્ટરમાં બેસી જવુ પડે, એમ સુરક્ષાકર્મીઓએ ઉમેર્યું.

સરકાર ન્યાયતંત્ર પર હાવી થવા ઇચ્છુક : સિબલ

રાજ્યસભા સાંસદ અને પૂર્વ કાયદામંત્રી કપિલ સિબલે કેન્દ્ર સરકાર ન્યાયતંત્રને હડપ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટસ કમિશનને એના બીજા અવતારમાં સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર કસોટીની એરણે ચઢવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે, એમ સિબલે ઉમેર્યું. કેશવાનંદ ભારતીના ચુકાદામાં જાહેર કરાયા મુજબ પાયાગત માળખાનો બોધ હવે ઘણો મહત્ત્વપૂર્ણ છે, એમ કહીને સિબલે કેન્દ્રને પડકાર્યું કે જો એનામાં ખામી હોય તો એ ખુલ્લેઆમ જણાવે. ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂકો અંગે પોતાનું અંતિમ વલણ નહિ ધરાવતી હોવા બાબતની હકીકતને સરકાર પચાવી શકી નથી અને એના વિષે મનમાં માઠું લગાડે છે, એમ સિબલે કહ્યું.

મમતા માસાંતે ત્રિપુરાની મુલાકાત લેશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનરજી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી અગાઉ બંગાળીઓની બહુમતીવાળા એ રાજ્યની આ માસના અંત સુધીમાં મુલાકાત લે એવી શક્યતા છે. મમતાના ભત્રીજા એવા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનરજી પણ એમની સાથે પ્રવાસમાં જોડાઇ શકે. બંને અગ્રણીઓ ૧૭ જાન્યુઆરીથી બે દિવસની મેઘાલયની મુલાકાતે જશે. હવે એમના, માસાંત સુધીમાં ત્રિપુરા-પ્રવાસ માટેનું આયોજન થઇ રહ્યું છે, જે દરમિયાન ત્યાં અનેક ચૂંટણી-રેલી યોજાશે, એમ પક્ષના એક વરિષ્ઠ નેતાએ સ્પષ્ટ કર્યું.

13મા સુધારાના સંપૂર્ણ અમલની શ્રીલંકાની ખાતરી

શ્રીલંકાના પ્રમુખ રાણિલ વિક્રમસિંઘેએ ભારતીય વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર આ સપ્તાહે શ્રીલંકાની મુલાકાતે જાય એ અગાઉ ભારતે જેની તરફેણ કરી છે એ બંધારણના ૧૩મા સુધારાના સંપૂર્ણ અમલીકરણની ખાતરી ઉચ્ચારી છે. એમણે રવિવારે દેશના ઉત્તર ભાગમાં આવેલા શહેર જાફનામાં રાષ્ટ્રીય પોન્ગલ ઉત્સવમાં ભાગ લેતા જણાવ્યું કે સૂચિતપણે સત્તાની સોંપણી કરવા અંગેનો તેમજ બહુમતી સિંહાલીઓ તથા લઘુમતી તમિલો વચ્ચેની વંશીય સમસ્યા ઉકેલવા અંગેનો ૧૩મો સુધારો ફક્ત યુધ્ધગ્રસ્ત ઉત્તર વિસ્તારમાં જ નહિ, પરંતુ સિંહાલાની બહુમતીવાળા દેશના દક્ષિણ વિસ્તારમાં પણ અમલી કરાશે.

- ઇન્દર સાહની

Gujarat