Get The App

ભાજપનું બેવડુ ધોરણ, મતદાન યાદીમાં ગરબડનો આક્ષેપ કરી મુખ્યચૂંટણી કમિશનરને મળ્યા

Updated: Dec 16th, 2024

GS TEAM

Google News
Google News
ભાજપનું બેવડુ ધોરણ, મતદાન યાદીમાં ગરબડનો આક્ષેપ કરી મુખ્યચૂંટણી કમિશનરને મળ્યા 1 - image

નવી દિલ્હી: જ્યારે વિરોધપક્ષના નેતાઓ મતદાન યાદી અને ઇવીએમમાં ગરબડના આક્ષેપ કરે છે ત્યારે ભાજપના નેતાઓ એમને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે. હવે આજ ભાજપના નેતાઓનું પ્રતિનિધિ મંડળ મુખ્યચૂંટણી કમિશનર રાજીવકુમારને મળ્યું હતું. ચૂંટણી કમિશનરને મળીને એમણે ફરિયાદ કરી હતી કે, કેટલીક જગ્યાએ મતદાન યાદીમાં મોટી ગરબડ થઈ છે આ બાબતે એમણે પાંચ હજાર પાનાના પુરાવાઓ પણ રજુ કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં ૧૭ લાખ બોગસ મતદારો હોવાની ફરિયાદ પણ એમણે કરી હતી. આ ૧૭ લાખ બોગસ મતદારોમાંથી ૩૪ હજાર મતદારોના ઇપીઆઇસી નંબર નકલી છે. રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે, ભાજપના આજ નેતાઓ અત્યાર સુધી કહેતા હતા કે ચૂંટણી કમિશનર તટસ્થ રીતે કામ કરે છે.

કપડાના આધારે મહિલાઓનું મૂલ્યાંકન થઈ શકે નહીં ઃ કેરળ હાઇકોર્ટ

કેરળ હાઇકોર્ટે ફેમિલિ કોર્ટના ચૂકાદાને રદ કરતા મહિલાઓના અધિકાર બાબતે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, સ્ત્રીઓનું મુલ્યાંકન એમના કપડા આધારે થવું જોઈએ નહીં. છૂટા છેડા પછી મહિલાઓએ દુઃખી રહેવું જોઈએ એ વિચાર પણ ખોટો છે. આવી માન્યતા સ્ત્રીવિરોધી અને પૂર્વગ્રહયુક્ત છે. જસ્ટીસ દેવેન રામચંદ્રન અને જસ્ટીસ એમ બી સ્નેહલતાની બેંચે ફેમિલિ કોર્ટે આપેલા ચૂકાદાને રદબાતલ કર્યો હતો. ફેમિલિ કોર્ટે સ્ત્રીને એના બાળકોની કસ્ટડી નહીં આપવાનો નિર્ણય એટલા માટે કર્યો હતો કે સ્ત્રી ઢંગના કપડા નહોતી પહેરતી. હાઇકોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે કોર્ટે ચૂકાદો આપતા પહેલા પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આ કેસમાં બાળકોની પણ ઇચ્છા છે કે તેઓ પુર્ણસમય એમની માતા સાથે રહે.

વિદેશમંત્રાલયે કેનેડાને ભારતીયો માટે અસુરક્ષીત ગણાવ્યું

સિરિયામાં ફસાયેલા ભારતીઓને પાછા લાવવા માટે ભારતનું વિદેશમંત્રાલય પ્રયત્ન કરી રહ્યું છે. સિરિયામા ફસાયેલા ૭૭ ભારતીય નાગરીકોને લેબેનોનના રસ્તે ભારત લાવવામાં આવ્યા છે. જે ભારતીયોએ સિરિયાથી ભારત પાછા આવવું હશે એમને ભારત સરકાર મદદ કરશે. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કેનેડા બાબતે એમ કહ્યું હતું કે જે રીતે કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે એ બતાવે છે કે કેનેડામાં ભારત વિરૃદ્ધ ત્રાસવાદ વકરી રહ્યો છે. કેનેડાના મીડિયા દ્વારા ભારતની ઇમેજ ખરાબ કરવા માટે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે કેનેડાના નાગરીકને ભારત વિઝા આપતું નથી. કેનેડામાં ભારતીય નાગરીકો સુરક્ષીત નથી અને ભારતીય વિદ્યાર્થીઓએ શું કરવું એની એડવાઇઝરી ભારતીય દુતાવાસે બહાર પાડી છે.

સંજય રાઉતે એક દેશ એક ઇલેકશન મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલની આકરી ટીકા કરી છે. રાઉતના કહેવા પ્રમાણે આ બિલ રજુ કરતા પહેલા કોઈ રિસર્ચ કરવામાં આવ્યું નથી. રાઉતના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદી ૨૦૨૯ સુધી વડાપ્રધાન તરીકે રહે એવી પણ કોઈ શક્યતા નથી. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકશાહી વિરોધી છે. મહારાષ્ટ્રને કેન્દ્રમાં સરકાર લોકશાહીઢભે નહીં પરંતુ ઇવીએમને કારણે બની છે. મોદી હંમેશા પોતાના મનની વાત કરે છે, પરંતુ વિરોધપક્ષના લોકોના મનમાં શું સાચી રહ્યું છે એની ચિંતા કરતા નથી. કોંગ્રેસના મોટા ભાગના સાંસદોએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લએ પણ કહ્યું છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીના બિલ પર ચર્ચા જરૃરી છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૃ, નીતિશકુમાર પણ યાત્રા કાઢશે

બિહારના તમામ રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૃ કરી દીધી છે. તેજસ્વી યાદવની પદયાત્રા પછી હવે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ યાત્રા કાઢવાના છે. આ યાત્રાનું નામ મહિલા સંવાદ યાત્રા રાખવામાં આવ્યું છે. જે રીતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહિલા મતદારોને ખુશ કરીને ભાજપે જીત મેળવી છે એ રીતે નીતિશકુમાર પણ બિહારમાં મહિલા મતદારોને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ લાવી રહ્યા છે. નીતિશકુમારની યાત્રાનો હેતુ જ મહિલાઓ સાથે સીધો સંવાદ સાધવાનો છે. વિરોધ પક્ષના તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવેએ આ યાત્રાની ટીકા કરી છે. જોકે નીતિશકુમાર બિહારમાં આ પહેલા પણ ૧૪ જેટલી યાત્રા કાઢી ચૂક્યા છે. બિહારના રાજકારણમાં યાત્રા કાઢવાનો વિચાર કોઈ નવો નથી. લગભગ તમામ રાજકીય પક્ષોએ ભૂતકાળમાં યાત્રાઓ કાઢી છે.

આઝમ ખાન, અખિલેશ યાદવનો સાથ છોડે એવી શક્યતા

સમાજવાદી પક્ષના સિનિયર નેતા આઝમ ખાન અને સપાના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હોવાનું ચર્ચાતું હતું. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઉત્તર પ્રદેશના દલિત નેતા ચંદ્રશેખર આઝાદ સાથે આઝમ ખાનના કુટુંબીઓ એક પછી એક મળ્યા હતા. ચંદ્રશેખર આઝાદ આઝમ ખાનને મળવા જેલમાં પણ ગયા હતા. આઝમ ખાનની ગણના સમાજવાદી પક્ષના મુસ્લિમ ચહેરા તરીકે થાય છે. હવે આઝમ ખાન કદાચ આઝાદ સમાજ પાર્ટીમાં જોડાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીઓમાં આઝાદ સમાજ પાર્ટીનો દેખાવ સપા કરતા વધુ સારો રહ્યો હતો. જો આઝમ ખાન અખિલેશનો સાથ છોડીને ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મેળવે તો ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવને મોટો ફટકો પડી શકે એમ છે.

* * *

ગઠબંધનનું નેતૃત્વઃ મમતાની મહત્વાકાંક્ષા કે મોદી સાથે સેટિંગ?

કોંગ્રેસ અને ડીએમકે સિવાય ઈન્ડી બ્લોકના તમામ સભ્ય પક્ષે પ.બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જીના તક મળે તો વિપક્ષી ગઠબંધનનું સુચારુ સંચાલન કરવા તૈયાર હોવાના નિવેદનને આવકાર્યું છે. રાજકીય વિવેચકોના મતે પણ મમતા સાત વાર સાંસદ, ત્રણ વાર મુખ્ય મંત્રી હોવાથી, ડાબેરી પક્ષોને ઉખેડવામાં તેમજ પ.બંગાળમાં ભાજપને સતત રોકવામાં સફળ રહી હોવાથી વિપક્ષી નેતા બનવાને લાયક છે. જો કે કેટલાક વિશ્લેષકો મમતાના આશય વિશે શંકાશીલ છે. તેઓ પૂછે છે કે મમતાનો હેતુ આગામી ચૂંટણીઓમાં ઈન્ડી ગઠબંધનને વધુ અસરકારક નેતૃત્વ પૂરુ પાડવાનો છે કે પછી કોંગ્રેસને અલગ કરીને ભાજપ સામે વિપક્ષી એકતા વિખેરી નાખવાનો છે? તેમને મોદી અને મમતા વચ્ચે કોઈ સેટિંગ થયાની શંકા ઉપજે છે. જો કે અન્ય વિવેચકોના મતે જે પ્રમાણે મમતાએ ગત ચૂંટણીમાં વ્હીલચેર પર બેસીને ભાજપને લડત આપી હતી તેને ધ્યાનમાં રાખીને આ શંકા નિરાધાર છે. ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં પણ સંદેશખાલી મુદ્દો હોવા છતાં મોદી-શાહની જોડીને તેણે જ નિષ્ફળ બનાવી હતી.

હરિયાણામાં સૈનીની ઉડાન પણ યુપીમાં આકાશનું મૌન

હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંઘ સૈનીએ પહેલી વાર એરબસ એચ૧૪૫માં બોર્ડિંગ કરવા અગાઉ પૂજાવિધિ કરી હતી. આધુનિક ટેકનોલોજી સાથે એરબસ બદલાતા હવામાન સામે સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ઉપરાંત તેમાં રહેલી સગવડોને કારણે વીઆઈપીઓ અને ઈમરજન્સી પરિવહન માટે  તે માનીતું બની ગયું છે.

બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર અને પાર્ટી ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચૂપ છે. ગયા શનિવારે માયાવતીએ યુપી અને ઉત્તરાખંડમાં રાજ્ય સ્તરની બેઠક સંબોધી ત્યારે આકાશ અને બીએસપીના ઉપ-પ્રમુખ તેના પિતા આનંદ કુમાર બંને ગેરહાજર હતા. લોકસભાની ચૂંટણીમાં માયાવતી દ્વારા પાછો બોલાવવામાં આવેલો આકાશ ગાયબ હતો, જો કે હરિયાણાની ચૂંટણીમાં તે સક્રિય રહ્યો હતો. હાલ તો તે સોશિયલ મીડિયામાં માયાવતીની પોસ્ટને સમર્થન આપવા સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિમાં નજરે નથી પડી રહ્યો. તેના મિત્રો અંગત કારણ આગળ ધરી રહ્યા છે પણ પાર્ટીના કાર્યકરો ઉત્તર પ્રદેશમાં તેના રોલ બાબતે અસમંજસમાં છે. તેઓ આ બહાનાને સ્વીકારવા તૈયાર નથી.

- ઇન્દર સાહની