દિલ્હીની વાત : મંત્રીએ પોતાને 'ચોરોના સરદાર' ગણાવતાં બબાલ


નવીદિલ્હી : બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે પોતાને 'ચોરોના સરદાર' ગણાવ્યા તેના કારણે બબાલ થઈ ગઈ છે.  કેબિનેટની બેઠકમાં આ મુદ્દે નીતિશે જવાબ માગતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. અકળાયેલા  સુધાકર સિંહે રાજીનામું આપવાની ઓફર કરી દેતાં નીતિશે તેજસ્વીને જવાબ આપવા કહ્યું હતું. તેજસ્વીએ સુધાકરને માફી માંગવાની ફરજ પાડીને વાતને વાળી લીધી છે પણ આ મુદ્દે ઉગ્રતા વ્યાપેલી છે. તેજસ્વીએ મીડિયા સમક્ષ પણ આખી ઘટનાને હળવાશથી લેવા કહીને કોમેન્ટ કરી કે, પરિવારમાં વાસણ તો ખખડે.

સુધાકરે કહેલું કે,  આપણા કૃષિ મંત્રાલયમાં એવું કોઈ નથી કે જે ચોરી ન કરતું હોય અને હું આ ચોરોનો સરદાર છું. મારી ઉપર પણ ઘણા બધા લોકો છે, સરકાર નવી તો બની ગઈ પણ આ સરકાર એ જ જૂની જ છે ને તેના રંગઢંગ પણ જૂના જ છે.

સુધાકરે કહેલું કે, ખેડૂતો પૂતળા બાળતાં રહેશે તો મને પણ યાદ રહેશે કે ખેડૂતો નારાજ છે. પૂતળાં નહીં ફૂંકીએ તો લાગશે કે બધું બરાબર ચાલે છે.

કેસીઆરના બાબાસાહેબ કાર્ડથી ભાજપ ફિક્સમાં

રાષ્ટ્રીય સ્તરે આવવા માટે થનગનતા તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર બાબાસાહેબ આંબેડકરના નામનું કાર્ડ ખેલ્યા છે. કેસીઆરની પહેલથી તેલંગણા વિધાનસભાએ સર્વસમ્મતિથી નવા સંસદ ભવનનું નામ ડોક્ટર ભીમરાવ આંબેકરના નામ પર રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

વિધાનસભાના બંને ગૃહમાં તેલંગણા સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને રાજ્યના ઉદ્યોગ, માહિતી અને પ્રસારણ વિભાગ, નગરપાલિકા પ્રશાસન અને શહેરી વિકાસ મંત્રી તેમજ કેસીઆરના પુત્ર ટી રામારાવે રજૂ કર્યો હતો. કેસીઆર પુત્રને આગળ કરી રહ્યા હોવાનો પણ સંકેત આપી દીધો છે.

ભાજપના સૂત્રો સ્વીકારે છે કે, આ પ્રસ્તાવ પસાર કરીને રાવે ભાજપને ફિક્સમાં મૂકી દીધો છે. ભાજપની સરકાર આ પ્રસ્તાવને સ્વીકારે તો તેનો યશ કેસીઆરને જાય અને ના સ્વીકારે તો દલિતો નારાજ થઈ જાય. ભાજપ બાબાસાહેબનું નામ રાજકારણને ખાતર વટાવે છે પણ તેમની કદર કરતો નથી એવો મુદ્દો વિપક્ષોને મળી જાય.  નવનિર્મિત સંસદ ભવનનું નામ બાબાસાહેબ આંબેડકરના નામ પર રાખવાની વાત અયોગ્ય પણ નથી કેમ કે બાબાસાહેબને બંધારણના ઘડવૈયા તરીકે સ્વીકારાયા છે.

ભાજપે છ નેતાને કાશ્મીરની જવાબદારી સોંપી

ભાજપ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી લાગી ગયો છે. તેના ભાગરૂપે ભાજપના છ વરીષ્ઠ નેતાઓને રાજ્યની મુલાકાત લઈને ભાજપની તરફેણમાં માહોલ બનાવવાનું, કોની સાથે જોડાણ કરી શકાય તેમ છે તેની શક્યતા તપાસવાનું અને ભાજપના કાર્યકરો-નેતાઓને મળીને ફીડબેક લેવાનું કામ સોંપાયું છે.

ભાજપનાં સૂત્રોના દાવા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ભાજપપ્રમુખ જે. પી. નડ્ડા તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ એ છ નેતાને જવાબદારી સોંપાઈ છે. આ મહિનાથી જ આ નેતા કાશ્મીર જવાનું શરૂ કરશે અને ઓક્ટોબર પહેલાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈને મોદીને રીપોર્ટ આપે તેના આધારે હવે પછીની વ્યૂહરચના નક્કી કરાશે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ડીસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ સાથે જ જમ્મુ અને કાશ્મીરની પણ ચૂંટણી કરી નાંખવાની મોદીની યોજના છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના હોદ્દેદારો વિધાનસભા મતવિસ્તારોમાં જઇને રોકાય અને સ્થાનિક લોકો સાથે વાત કરીને પક્ષને ફીડબેક આપે એવું આયોજન પણ કરાઈ રહ્યું છે.

રાહુલને મારવા સંઘે માનવ બોમ્બ બનાવ્યો !

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, આરએસએસના એક સ્વયંસેવકે નાંદેડમાં એફિડેવિટ આપી છે  કે, પોતાને માનવ બોમ્બ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. દિગ્વજિયે આડકતરી રીતે આક્ષેપ કર્યો છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં આ માનવ બોમ્બનો ઉપયોગ થઈ શકે છે તેથી રાહુલની સુરક્ષા બહુ મોટો પડકાર છે અને રાહુલની નજીક જવાની કોઈને છૂટ નથી અપાતી. દિગ્વિજયે કહ્યું કે, સંઘ સાથે  જોડાયેલા લોકો આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને સંઘના ઈન્દ્રેશ કુમાર આતંકવાદના કેસના આરોપી છે  તેથી ૧૫૦ દિવસની યાત્રામાં રાહુલની સુરક્ષા જાળવવી  મોટો પડકાર હતો.

દિગ્વિજયસિંહના આક્ષેપોને કોંગ્રેસીઓ જ હાસ્યાસ્પદ ગણાવે છે. રાહુલની યાત્રામાં હિંસા ફેલાવવાના પ્રયત્નો થઈ શકે પણ ભાજપ કે સંઘ હિંસા ફેલાવીને પેટ ચોળીને શૂળ ઉભું ના કરે એવું કોંગ્રેસીઓ પોતે માને છે.

કેન્દ્ર દ્વારા યાત્રા દરમિયાન રાહુલને ઢ+ કેટેગરી હેઠળ સીઆરપીએફનું સુરક્ષા કવચ અપાયું છે. તેના પરથી જ કેન્દ્ર રાહુલની સલામતી માટે ગંભીર હોવાનું સ્પષ્ટ છે.

બિહારમાં જંગલરાજ, હાઈવે પર અંધાધૂંધ ફાયરિંગ

બિહારમાં જેડીયુ-આરજેડીની ફરી સરકાર બનતાં જ અપરાધીઓ બેલગામ બની રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ આક્ષેપોને સમર્થન આપે એવી ઘટનામાં બેગુસરાઈ જિલ્લામાં નેશનલ હાઇવે પર લગભગ ૩૦ કિમી સુધી બે બાઇકસવાર શૂટરે ગોળીબાર કરીને આતંક મચાવી દીધો હતો. આ ગોળીબારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. બંને શૂટરે જે પણ નજરે ચડયાં એ તમામને ગોળીઓ મારવા માંડતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવીને જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા હતા.

આ ઘટનાએ બિહાર સરકાર અને પોલીસ બંનેનું નાક વાઢી લીધું છે. નેશનલ હાઈવે પર ત્રીસ કિલોમીટર સુધી ફાયરિંગ કરનારા શૂટર્સને પોલીસ કેમ રોકી ના શકી એ સવાલ થઈ રહ્યો છે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ શૂટર આરજેડીના કાર્યકરો હોવાથી પોલીસને તેમને રોકવાની હિંમત નહોતી ચાલી. હવે પોલીસ ગુનેગારોની ઓળખ અને ધરપકડ કરવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવા તથા એલર્ટ જાહેર કરવા સહિતનાં નાટકો કરી રહી છે.

***

રાહુલની 'ભારત જોડો' ગોવામાં બની 'ભાજપને જોડો'

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ચિંતાજનક બાબત એ છે કે ગોવામાં એમના પક્ષના નેતાઓની કોંગ્રેસ છોડો પ્રવૃત્તિ, બરાબર એમના ભારત જોડો અભિયાનની સાથોસાથ થઇ. ભાજપના ગોવા એકમના પ્રમુખ સદાનંદ શેત તનવડેએ આજે કહ્યું કે આઠ કોંગ્રેસી ધારાસભ્યો શાસક પક્ષ (ભાજપ)માં જોડાશે એ પછી તુર્તજ ગોવા કોંગ્રેસ વિધાનસભા પક્ષે ભાજપમાં ભળી જવાનો ઠરાવ કર્યો. આઠ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાય એ પછી ૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૩૩ થઇ જશે, જ્યારે કોંગ્રેસ પાસે હવે ત્રણ ધારાસભ્યો રહેશે. અગાઉ કોંગ્રેસ પાસે ૧૧, જ્યારે ભાજપ પાસે ૨૦ ધારાસભ્યો હતા. ભાજપે કોંગ્રેસને ગો ગોવા ગોન કહીને મહેણું માર્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ નવાગંતુકોને  પક્ષમાં આવકારતા એમના પક્ષ કોંગ્રેસને ટોણો મારતા કહ્યું કે કોંગ્રેસ છોડો યાત્રાનો આરંભ હવે ગોવાથી થશે.

કર્ણાટકમાં હિન્દી દિવસ ઉજવણી સામે વાંધો

જેડી(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇને પત્ર પાઠવીને એમની સરકાર રાજ્યના કરદાતાઓના પૈસે હિન્દી દિવસ ઉજવે નહિ એ જોવા અનુરોધ કર્યો છે. ૧૪ સપ્ટેમ્બરે આવતા હિન્દી દિવસની બળજબરીથી કરાનારી ઉજવણી કર્ણાટકવાસીઓને અન્યાયરૂપ થઇ રહેશે. રાજ્ય સરકારના હાથે કન્નડ પ્રજાને અન્યાય થાય નહિ એ માટે ૧૪ સપ્ટેમ્બરના, કેન્દ્ર સરકાર પ્રાયોજિત હિન્દી દિવસના કાર્યક્રમની ઉજવણી થવી જોઇએ નહિ, એમ કુમારસ્વામીએ પત્રમાં ઉમેર્યું છે.

આઝાદની અગ્રીમતા : કલમ 370 નહિ, પણ કાશ્મિરનો વિકાસ

પૂર્વ કોંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ ગુલામનબી આઝાદે જમ્મુ-કાશ્મિરમાં કલમ-૩૭૦ વળી પાછી અમલી બને એના દીવાસ્વપ્નોમાં રાચવાનું મૂકીને પ્રદેશના વિકાસને અગ્રીમતા આપવી જરૂરી ગણાવ્યું છે. કાશ્મિરમાં કલમ-૩૭૦ની જોગવાઇ ફરી અમલી બનશે નહિ એવા નિવેદન પછી ટીકાપાત્ર ઠરેલા આઝાદે કહ્યું કે તેઓ રાજકીય પક્ષોને અપીલ કરે છે કે મોદી સરકારે જેને ત્રણ વર્ષ પહેલાં રદ કરી દીધી છે એ કલમ-૩૭૦ માટે માથું ફોડયા વિના એમની કાર્યસૂચિમાં જમ્મુ અને કાશ્મિરના વિકાસને અગ્રીમતા આપે. આઝાદે પ્રાદેશિક પક્ષોને કલમ-૩૭૦ના મુદ્દે પ્રજાને ગેરમાર્ગે નહિ દોરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારના નિર્ણયને ઊલટાવવાની જે એકમાત્ર સંસ્થાને સત્તા છે એ સુપ્રીમ કોર્ટ સમક્ષ કલમ-૩૭૦ હટાવવાના વિરોધમાં કરાયેલી અરજીઓ પેન્ડિંગ છે. કોઇ પણ રાજકીય નેતા એ કલમને પાછી અમલી કરાવી આપવાનો દાવો કરી શકે એમ નથી, એમ એમણે ઉમેર્યું. 

ભારતની મોટા ભાગની જેલો ભરચક : રિપોર્ટ

ભારતની જેલમાં રહેલા ૧૦ કેદીઓમાંથી લગભગ આઠ કેદીઓ કોર્ટમાં એમનો કેસ ચાલે એની રાહ જોઇ રહ્યા છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (આઇજેઆર)માં ભારતની જેલો સંબંધી વિગતોના કરાયેલા પૃથ્થકરણમાં આમ જણાવીને ઉમેરાયું છે કે જેલમાં નવા કેદીઓનો ભરાવો ૧૧૮થી વધીને ૨૦૨૧ માં ૧૩૦ થયો છે.  ૨૦૨૦માં અટક થયેલી ૧.૩૯ કરોડ વ્યક્તિઓની તુલનામાં ૨૦૨૧માં ૧.૪૭ કરોડ લોકોની અટકાયત થઇ હતી. દેશની ૧૩૧૯ જેલોમાં ડિસેમ્બર, ૨૦૨૦ની તુલનામાં ડિસેમ્બર, ૨૦૨૧માં કેદીઓની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો થયો. આ વાર્ષિક વધારો ચિંતાપૂર્ણ છે. ૨૦૨૧ના કોરોના-વર્ષના સમયમાં પણ દેશભરમાં ભીડભાડ ઓછી કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા ત્યારે પણ જેલમાં આવતા અને જેલ છોડતા લોકોના પ્રમાણમાં, ૨૦૨૦ની સરખામણીએ  ૧૦.૮ ટકા જેટલો વધારો થયો, એમ આઇજેઆરના અહેવાલમાં ઉમેરાયું છે.

રાજસ્થાની પ્રધાન સામે જોડા ફેંકાયા

રાજસ્થાનના ગુર્જર નેતા કિરોરિસિંઘ બૈનસ્લાનું નિધન થયા પછી પુષ્કર ખાતે યોજાયેલા એમના અસ્થિવિસર્જનના કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન અશોક ચંદના, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપ પ્રદેશ પ્રમુખ સતીશ પૂણિયા વગેરે ઉપસ્થિત હતા. જ્યારે ચંદના એમના સાથી-પ્રધાન શકુંતલા રાવલ સાથે બોલવા માટે ઊભા થયા ત્યારે એમની તરફ પ્રેક્ષકોમાંથી કોઇકે જૂતાં ફેંક્યા અને સચિન પાઇલોટ ઝિંદાબાદના નારા લગાવ્યા. આથી ગિન્નાયેલા ચંદનાએ સચિન પાયલોટ પર હલ્લાબોલ કર્યો.

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS