દિલ્હીની વાત : ખાખી ચડ્ડી સળગાવતી કોંગ્રેસની પોસ્ટની ટીકા


નવીદિલ્હી : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટ હેન્ડલ પર  એક તરફ સળગી રહેલી ખાખી ચડ્ડીનો ફોટો પોસ્ટ કર્યો તેને વિશ્લેષકો અસૌજન્યશીલ ગણાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવાયેલી આ પોસ્ટમાં લખ્યુ હતું કે, દેશને નફરતની જંજીરોથી આઝાદ કરવામાં તથા ભાજપ-સંઘે કરેલ નુકસાનને સરખું કરવામાં હવે ૧૪૫ દિવસ બાકી છે.  અમે તબક્કાવાર રીતે અમારા ઉદ્દેશને હાંસલ કરીશું.

સંઘે રાહુલને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, તમારા બાપ-દાદાએ પણ ખૂબ જ તિરસ્કાર કર્યો હતો પણ સફળ નહોતા. સંઘના બચાવમાં  ભાજપે કોંગ્રેસ પર શીખ વિરોધી રમખાણોનો આરોપ મૂક્યો છે.

વિશ્લેષકના મતે, કોંગ્રેસની પોસ્ટ બેડ ટેસ્ટ દર્શાવે છે. ભારતમાં બધાંને પોતાની વિચારધારા ધરાવવાનો અધિકાર છે, સંઘને પણ એ અધિકાર છે. કોંગ્રેસને તેની સામે વાંધો હોય તો લોકશાહી ઢબે તેની સામે લડવું જોઈએ. સંઘના ગણવેશને સળગાવી દેવાની પોસ્ટ હિંસાને પ્રોત્સાહન આપનારી છે, લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન ના હોવું જોઈએ એ વાત કોંગ્રેસ ભૂલી ગઈ છે.

મોદીના આગ્રહ છતાં વેણુગોપાલ ના માન્યા

દેશના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે મોદી સરકારે તેમને એક્સટેન્શનની ઓફર કરી હતી પણ વેણુગોપાલે મોદીની ઓફર નકારી કાઢી છે. વેણુગોપાલે વધતી વયના કારણે ૩૦મી પછી પછી હોદ્દા પર રહેવાની અસમર્થતા વ્યક્ત કરતાં મોદીએ ફરી મુકુલ રોહતગીને જ એટર્ની જનરલ બનાવવા પડશે એવું લાગે છે. કેન્દ્ર સરકાર ૧ ઓક્ટોબરે દેશના ૧૬મા એટર્ની જનરલપદે  મુકુલ રોહતગીની નિમણૂક કરશે એવો સૂત્રોનો દાવો છે.

વેણુગોપાલને જૂન ૨૦૧૭માં રોહતગીની જગ્યાએ જ એટર્ની જનરલ બનાવાયા હતા. મોદી સરકાર રોહતગીનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમને ૨ વર્ષનું એક્સટેન્શન આપવા માંગતી હતી પણ એ વખતે રોહતગી તૈયાર ના થતાં વેણુગોપાલને મનાવીને એટર્ની જનરલ બનાવાયા હતા.  રોહતગી ભાજપના દિવંગત નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની અત્યંત નજીક હોવાથી ૨૦૧૪માં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ બહુમતી સરકારની બન્યા પછી તેમને એટર્ની જનરલ બનાવવામાં આવ્યા હતા. વેણુગોપાલની નિમણૂક ત્રણ વર્ષ માટે થયેલી અને વેણુગોપાલને પણ એક-એક વર્ષના બે એક્સટેન્શન અપાયાં છે.

મુસ્લિમ વકીલનો આક્ષેપ, બધા વેચાઈ ગયા છે....

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના કેસમાં કોર્ટે શ્રૂંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકારની માંગ અંગેની અરજીને સુનાવણી માટે યોગ્ય માનતાં અકળાયેલા મુસ્લિમ પક્ષના વકીલ મેરાજુદ્દીન સિદ્દિકીએ કરેલી ટીપ્પણીએ ચકચાર જગાવી છે. સિદ્દીકીએ આક્રોશ અને નારાજગી વ્યક્ત કરતાં કહેલું કે, આ કેસમાં બધા વેચાઈ ગયા છે.

સિદ્દીકીની ટીપ્પણીને ન્યાયતંત્ર પર સીધો પ્રહાર માનવામાં આવે છે. સિદ્દીકી સામે કોર્ટની અવમાનની કાર્યવાહી થઈ શકે છે. મુસ્લિમ પક્ષે  હાઈકોર્ટમાં જવાનું એલાન કર્યું છે.

ખાપ મહાપંચાયત સામે ભાજપ સરકાર ઝૂકી

હરિયાણાનાં મહિલા ભાજપ નેતા સોનાલી ફોગટ હત્યા કેસમાં સરકારે જાટ ખાપ મહાપંચાયત સામે ઘૂંટણ ટેકવ્યા છે. ગોઆની હોટલમાં ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે સોનાલીની હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સીબીઆઈ તપાસની ભલામણને સ્વીકારી લઈને સીબીઆઈને આ કેસની તપાસનો આદેશ આપ્યો છે.

સોનાલીની ૧૫ વર્ષીય પુત્રી યશોધરા ફોગાટે તેની માતાની હત્યાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની અરજી ગોઆ સરકારને આપીલ હતી પણ કશું થયું નહોતું. ખાપ મહાપંચાયતે ચીમકી આપતાં જ ઉપરથી આદેશ આવતાં પ્રમોદ સાવંતે કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી નાંખી. સીબીઆઈએ તાત્કાલિક તપાસ પણ શરૂ કરી દીધી છે અને ૧૦ મુદ્દા પણ તૈયાર કર્યા છે કે જેના પર તપાસ કેન્દ્રિત રહેશે.

કોંગ્રેસી મંત્રીની પાયલોટને પતાવી દેવાની ધમકી

રાજસ્થાનમાં રમતગમત મંત્રાલયના રાજ્ય મંત્રી અશોક ચંદનાએ સચિન પાયલટને ખુલ્લી ધમકી આપતાં ખળભળાટ મચ્યો છે. પાયલોટના ગઢ અજમેરમાં એક કાર્યક્રમમાં ચંદના ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર  કેટલાંક લોકોએ જૂતા ફેંક્યા હતા. ચંદનાએ મોડી રાત્રે ટ્વિટ કરીને ખુલ્લી ધમકી આપતાં લખ્યું કે,  સચિન પાયલોટ મારા પર જૂતાં ફેંકાવીને મુખ્યમંત્રી બનવા માંગતા હોય તો બહુ જલદી બની જાય કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. બાકી હું જે દિવસે લડવા આવીશ ત્યારે બેમાંથી માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી.  ચંદનાએ આડકતરી રીતે પાયલોટને પતાવી દેવાની ધમકી આપી છે.

ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોડીસિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતા હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. પાયલટને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે  આવી શક્યા ન હતા. ભાષણ દરમિયાન યુવાનોના જૂથે પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ચંદનાએ તેમના પર કટાક્ષ કરતાં  જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકાતાં નારાજ ચંદનાએ ભાગવું પડયું હતું. 

***

પ. બંગાળ પોલીસ સામે ભાજપની ફરિયાદ 

ભાજપે પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૃલ કોંગ્રેસની કથિત ભ્રષ્ટ રીતિ - નીતિના વિરોધમાં મંગળવારે યોજેલી વિશાળ ચલો સચિવાલય રેલીમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ભાજપ કાર્યકરો કોલકત્તા અને પડોશી હાવરામાં ઊમટયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકીરીને રેલી દરમિયાન સન્ત્રાગાચીની મુલાકાત લેવાના પ્રયત્નમાં અટક કરાયા હતા. ભાજપ સાંસદ લોકેટ ચેટરજી અને પક્ષના નેતા રાહુલ સિંહાને પણ પકડી લઇ પોલીસવેનમાં બેસાડી દેવાયા હતા. ભાજપે તૃણમૃલ કોંગ્રેસ સાથેની આ ટક્કરમાં આક્ષેપ કર્યો કે પશ્ચિમ બંગાળનું પોલીસતંત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોને રેલી દરમિયાન આગળ વધતા રોકી રહ્યું હતું.  

મારે ત્યાં ઘણા ચોરો, હું એનો સરદાર : બિહારના મંત્રી

બિહારના કૃષિમંત્રી સુધાકર સિંઘે એમના મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને ચોરો ગણાવી, એ નાતે પોતે ચોરોના સરદાર હોવાનું જણાવ્યું.  મારા મંત્રાલયમાં ઘણા ચોરો છે, જેઓ પૈસાની ઉચાપત કરે છે. હું મંત્રાલયનો હવાલો ધરાવતો હોવાથી હું એમનો સરદાર થયો. મારી ઉપર બીજા અનેક સરદારો છે. આ સરકાર જૂની છે. એની કાર્યશૈલી પણ જૂની છે. સરકારને સચિંત રાખવાનું કામ જન સામાન્ય દ્વારા બજાવાતી ફરજ પર અવલંબે  છે,  એમ સિંઘે રવિવારે કઇમપુર જિલ્લામાં ખેડૂત સભાને સબોધતા કહ્યું. 

પંજાબમાં 357 ડ્રગ સ્મગલરો ઝડપાયા 

પંજાબ પોલીસે એને ત્યાં ચાલી રહેલી નશાખોરી વિરોધી ઝુંબેશના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ) ધારા  અંતર્ગત ૩૫ વાણિજ્યિક સહિત ૨૫૯ પ્રથમદર્શી અહેવાલ નોંધ્યા પછી નશીલા પદાર્થોના ૩૫૭ દાણચોરોને ઝડપી લીધા છેૈ. રાજ્યના આઇજીપી સુખચૈન સિંઘ ગિલે કહ્યું કે પોલીસે ૬.૯ કિલોગ્રામ હેરોઇન, ૧૪.૪૧ કિલો અફીણ, પાંચ કિલો ગાંજો, ૬.૪૪ કિવન્ટલ ખસખસના છોડની છાલ તથા ૨.૧૦ લાખ ગોળીઓ અને દવાના ઇન્જેકશનો  જપ્ત કર્યા છે. પોલીસે ૪.૮૧ લાખનું નાણું પણ જપ્ત કર્યું છે. ગુનેગારોને ઝડપી લેવા માટે ગઇ તા.૫ જુલાઇએ શરૂ થયેલી ડ્રગ વિરોધી ખાસ ઝુંબેશમાં એનડીપીએસ કેસોના જાહેર કરાયેલા અને ભાગેડુ ૧૭ વધુ ગુનેગારો સહિત કુલ ૨૮૦ બદમાશોને ઝડપી લેવાયા છે. 

યુપીમાં મદેરસાની માપણી : માલિકો બેચેન

ઉત્તરપ્રદેશમાં સોમવારથી મદરેસાની માપણીની વિવાદાસ્પદ કાર્યવાહી શરૂ થઇ છે. ત્રણ સરકારી સભ્યોની બનેલી સમિતિ ઇસ્લામી ધાર્મિક શાળાઓ (મદરેસાઓ)માં જઇને મદરેસાના સંચાલન માટે જરૂરી ભંડોળના સ્રોત સહિત ૧૨ મુદ્દે માહિતી માગે છે. તેઓ શા માટે અમારાં નાણાકીય સ્રોત  જાણવા માગે છે. ? અમે લોકો (પ્રજા) પાસેથી નાણા મેળવીએ છીએ. સરકાર પાસેથી પૈસોય લેતા નથી અને છતાં તેઓ નાણાકીય સ્રોત વિષે જાણવા માગે છે, એમ સહરાનપુર સ્થિત એક મદરેસાના  શિક્ષકે બળાપો કાઢયો. નોંધનીય છે કે મૈાલવીઓ માટેની જાણીતી તાલીમ - સંસ્થા દારૂલ - ઉલૂમ દેવબંદ સહરાનપુર જિલ્લામાં જ આવેલી છે. જમિયત - એ - હિંદે આગામી પગલાં વિષે વિચારણા કરવા માટે ૨૪ સપ્ટેમ્બરે દેવબંદમાં મદરેસાના માલિકોની એક બેઠક યોજી છે. 

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS