Get The App

'ઓપરેશન સિંદુર' પછી દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
'ઓપરેશન સિંદુર' પછી દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે 1 - image


નવીદિલ્હી: ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કરાવનાર દાઉદ ઇબ્રાહીમને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા પછી એ દુબઇ છોડીને પાકિસ્તાન ભાગી ગયો હતો. દાઉદ આજે પણ ભારત માટે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. હવે જ્યારે ભારતએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે અને આતંકવાદીઓને વીણી વીણીને મારવામાં આવે છે ત્યારે દાઉદ ઇબ્રાહીમ પણ ફફડી ઉઠયો છે. એમ મનાય છે કે દાઉદ ઇબ્રાહીમ કરાંચીના ક્લીફટન વિસ્તારમાં રહે છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતએ કરેલા પ્રતિઆક્રમણ પછી દાઉદે રહેઠાણ બદલ્યું છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇએ દાઉદ ઇબ્રાહીમ અને એમના કુટુંબીઓને કરાંચીથી બીજા કોઈ ઠેકાણે મોકલી આપ્યા છે. આતંકવાદીઓ સામેના આ જંગમાં દાઉદ ઇબ્રાહીમના રહેઠાણ પર રોકેટમારો થાય તો નવાઈ નહી.

નિતિશકુમારના લાડકા નિશાંતનું રાજકારણમાં આવવું નક્કી

બિહારના રાજકારણમાં વંશવાદ નવી વાત નથી. હવે મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર પણ રાજકારણમાં આવશે એવી શક્યતા છે. નિશાંતકુમાર આજકાલ મીડિયાને મુલાકાત આપતા રહે છે. તેઓ પિતાની સિધ્ધિ પત્રકારોને કહેતા ફરે છે. એમ મનાય છે કે નિતિશકુમારની તબિયત અસ્વસ્થ હોવાથી નિશાંતકુમાર એમની જવાબદારી હળવી કરી રહ્યા છે. નિશાંતકુમારે સાફ કહ્યું છે કે, તેઓ પિતાને મદદ કરવા માટે રાજકારણમાં આવશે. જ્ઞાાતિ આધારીત વસ્તી ગણતરી બાબતે પણ નિશાંતકુમાર પોતાના વિચારો લોકો સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. નિશાંતનું કહેવું છે કે એમના પિતા નિતિશકુમાર પહેલેથી જ જ્ઞાાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણમાં હતા. ૧૯૯૪માં પણ એમણે સંસદમાં આ વિષય પહેલી વખત ઉઠાવ્યો હતો.

'ઓપરેશન સિંદુર'નું ફિલ્મી પોસ્ટર બહાર પડવાથી નેટીઝન ગુસ્સામાં

ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ હજી તો શરૂ થયું છે. સરહદ પર ભારતીય લશ્કરના જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે બોલિવુડના કેટલાક નિર્માતાઓ પ્રસિદ્ધિ મેળવવા માટે 'ઓપરેશન સિંદુર' પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરવા માંડયા છે. ૨૦૧૯માં 'ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઇક' બોક્ષ ઓફિસ પર સુપરહીટ રહી હતી. આ સિવાય પણ બીજી રાષ્ટ્રવાદ પર બનેલી ફિલ્મોને સફળતા મળી હતી. કદાચ એટલે જ 'ઓપરેશન સિંદુર'નું નામ રજીસ્ટર કરાવવા માટે ફિલ્મ નિર્માતાઓ દોડાદોડ કરી રહ્યા છે. એક નિર્માતાએ તો 'ઓપરેશન સિંદુર'નું પોસ્ટર પણ રીલીઝ કરી દીધું છે. આ પોસ્ટર જોઇને સોશ્યલ મીડિયા પર એની ભારે ટીકા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે, ફિલ્મવાળાઓ સૈન્યના નામ પર ચરી ખાય છે.

તૂર્કી- અઝરબૈજાનના ટૂરીઝમ પર ઘા કરવા ભારતીઓની લાગણી

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સમયે ફક્ત તૂર્કી અને અઝરબૈજાનએ જ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. આને કારણે ભારતમાં તૂર્કી અને અઝરબૈજાન સામે ગુસ્સો ભભૂકી ઉઠયો છે. હજારો ભારતીઓએ તૂર્કી અને અઝરબૈજાનના પ્રવાસનો બોયકોટ કરવાની અપીલ કરી છે. સોશ્યલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે, તૂર્કી અને અઝરબૈજાન ફરવા જવું કંઈ ફરજીયાત નથી. ૨૦૨૪માં ૨.૪ લાખ ભારતીઓ અઝરબૈજાન અને ૩.૩ લાખ ભારતીઓ તૂર્કી ગયા હતા. પાકિસ્તાનને ટેકો આપનાર દેશોને આપણે શા માટે પૈસા આપવા જોઈએ? આવા દેશોમાં જવાની જરૂર નથી. ટૂર ઓપરેટરો પણ કહી રહ્યા છે કે, તૂર્કી અને અઝરબૈજાનના થયેલા બુકીંગો રદ થઈ રહ્યા છે.

નોકરીમાંથી છૂટા કરેલા જજના ડ્રાઇવરને હાઇકોર્ટે ફરીથી નોકરીમાં લેવા હુકમ કર્યો

મધ્યપ્રદેશની જબલપુર કોર્ટે એક મોટો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટના જજની મોટર ચલાવનાર ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કારણ એ હતું કે ડ્રાઇવર હાઇકોર્ટના જજને સ્ટેશન પર મૂકવા મોડો પહોચ્યો હતો અને જજ સાહેબ ટ્રેન ચૂકી ગયા હતા. ટ્રેઇન ચૂકી જવાને કારણે ડ્રાયવરને નોકરીમાંથી કાઢવા માડે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર પછી ડ્રાયવરને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. આ ચૂકાદા વિરુદ્ધ ડ્રાયવરે અપીલ કરી હતી. ડ્રાયવરની અપીલ પર જસ્ટીસ સંજીવ સચદેવા અને જસ્ટીસ વિનય સરાફની બેન્ચે સુનાવણી કરી હતી. ખાતાકીય તપાસને અંતે ડ્રાયવરને સજા આપવામાં આવી હતી જોકે, ્રડ્રાયવરની ભૂલ એટલી મોટી નહોતી કે એને નોકરીમાંથી છૂટો કરવો પડે. બેન્ચે ડ્રાયવરને કરવામાં આવેલી સજા અયોગ્ય ગણીને સજા રદ કરી હતી.

સેનાને અધિકાર મળવાથી ધોની - અભિનવ બિંંદ્રા યુદ્ધમાં ઉતરી શકે

પાકિસ્તાન સાથે વધતા જતા ટેન્શન પછી કેન્દ્ર સરકારે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ટેરીટોરિયલ આર્મી (ટીએ) ના અફસરોની મદદ લેવાની સત્તા આપી છે. એનો મતલબ એમ થયો કે જો જરૂર પડશે તો ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, નિશાનબાજ અભિનવ બિંદ્રા, અભિનેતા મોહનલાલ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર જેવાઓ પણ દુશ્મન સામે લડવા મોરચો સંભાળી શકશે. કપીલ દેવ અને સચીન તેંડુલકર પણ ટીએમાં સામેલ છે. રક્ષામંત્રાલયના જણાવ્યા પ્રમાણે સેના પ્રમુખ ટીએના કોઈપણ અધિકારી કે નામાંકીત વ્યક્તિને બોલાવી શકે છે. ટેરીટોરિયલ આર્મીમાં સચીન પાયલટ, નાના પાટેકર અને અનુરાગ ઠાકુર પણ છે.

મહારાષ્ટ્રમાં શરદ પવારને મોટો ફટકો

મહારાષ્ટ્રમાં શરદ પવારના પક્ષ એનસીપી (શરદ પવાર)ને મોટો ફટકો પડયો છે. મહારાષ્ટ્રના કલ્યાણ લોકસભા વિસ્તારના કલવા, ખારેગાવ અને વીટાવા ક્ષેત્રોના ભૂતપૂર્વ કોર્પોરેટરો રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (એકનાથ શિંદે)માં જોડાઈ ગયા હતા. આ કોર્પોરેટરો શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાઈ જવાથી થાણેમાં થનાર નગર નિગમ ચૂંટણીઓમાં શિવસેના (એકનાથ શિંદે)ની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે. ભૂતપૂર્વ કોર્પોરટરો શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાઈ જવાથી એનસીપી (શરદ પવાર)ને મોટો ફટકો પડયો છે. ખાસ કરીને કલવા - મુબ્રાના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડ માટે પણ મોટો આઘાત છે કારણ કે, શિવસેના (એકનાથ શિંદે)માં જોડાનારા એમના ખાસ સાથીદારો હતા.

પાક પર થરુરનો વ્યંગ, 'ઉસકી ફિતરત હૈ મુકર જાને કી...

કોંગ્રેસ સાંસદ શશિ થરુરએ શસ્ત્રવિરામની જાહેરાત પછીના  કલાકોમાં જ ઉલ્લંઘન કરનાર પાકિસ્તાન પર કાવ્યાત્મક વ્યંગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર થરુરે પોસ્ટ કર્યું, 'ઉસકી ફિતરત હૈ મુકર જાને કી, ઉસકે વાદે પે યકીન કૈસે કરુ'. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા થરુરે સ્પષ્ટતા કરી કે પહલગામ આતંકી હુમલાને પગલે ભારત માત્ર આતંકીઓને પાઠ ભણાવવા ઈચ્છતું હતું. શાંતિ જરૂરી છે. મને ખુશી છે કે ભારતને લાંબા યુદ્ધનો વિકલ્પ નથી અપનાવ્યો. મારા મતે આતંકીઓને સબક મળી ગયો છે.

બેંગલુરુ પોર્ટના વિનાશની ઉજવણી કરતા પાકિસ્તાનીઓ સામે કટાક્ષ

વરિષ્ઠ આઈપીએસ ઓફિસર અરુણ બોથરા બેંગલુરુ પોર્ટના પાકિસ્તાની નેવી દ્વારા વિનાશની ઉજવણી કરતા પાકિસ્તાનીઓની મશ્કરી કરવામાં હજારો ભારતીયો સાથે જોડાયા હતા. પાકિસ્તાનીઓ એ વાતથી અજાણ હતા કે બેંગલુરુ પોર્ટ નથી પણ જમીનથી ઘેરાયેલુ શહેર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા અનેક પાકિસ્તાનીઓ અને તેમના સમર્થકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે તેમની નેવીએ બેંગલુરુ પોર્ટને ઉડાવી દીધું છે. હકીકતમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુ દરિયા કિનારેથી ૩૦૦ કિ.મી. દૂર છે. આવા એક કમેન્ટનો સ્ક્રીનશોટ ભારતીય સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફવાર્દ ઉર રહેમાન નામના એક શખ્સની ટિપ્પણી હતી કે પાકિસ્તાની નેવીએ બેંગલુરુ પોર્ટ નષ્ટ કરી દીધું છે. તેનુ નિવેદન ટ્રોલિંગનો વિષય બની ગયું. આઈપીએસ અરુણ બોથરાએ જવાબમાં લખ્યું કે બેંગલુરુમાં માત્ર યુએસબી પોર્ટ છે. બીજી તરફ આઈએએસ અવનિશ શરણે અન્ય એક વાયરલ સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં દાવો કરાયો હતો કે પટના પોર્ટ પણ નષ્ટ કરાયું છે. પટના બિહારની રાજધાની છે જેને પણ કોઈ દરિયાઈ કિનારો નથી.

કેરળ કોંગ્રેસે રફાલ વિવાદ સજીવન કર્યો, પછી પોસ્ટ રદ કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે કેરળ કોંગ્રેસે રફાલ સોદા વિશેના તેના આરોપો ફરી તાજા કર્યા અને ભાજપ સરકાર પર કાફલાનું કદ યુપીએ સરકારમાં નક્કી કરાયેલી સંખ્યા કરતા ૭૫ ટકા ઓછું કરવા છતાં ખર્ચમાં વધારો  કરાયો હોવાનો આરોપ કર્યો. કેરળ કોંગ્રેસે દાવો કર્યો કે યુપીએ સરકાર હોત તો ઓછા ખર્ચે વધુ વિમાન ખરીદાયા હોત. કોંગ્રેસે આરોપ કર્યો કે અનિલ અંબાણીને લાભ કરાવવા રફાલ મોંઘા ભાવે ખરીદાયા છે. કેરળ ભાજપ યુનિટે પ્રત્યાઘાત આપતા લખ્યું કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ઈચ્છતા જ નહોતા કે ભારત રફાલ વિમાન ખરીદે. ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા પછી પાર્ટી સરકાર સાથે છે તેવા કોંગ્રેસના અભિગમથી કેરળ કોંગ્રેસની મીડિયા પોસ્ટ તદ્દન વિરોધાભાસી છે. જો કે કેરળ કોંગ્રેસે પછી તેની પોસ્ટ રદ કરી હતી.

ચંડિગઢમાં નાગરિક સુરક્ષા સ્વયંસેવકો તરીકે હજારો લોકો જોડાયા

ચંડીગઢ વહીવટીતંત્રના નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવાના આહ્વાનને પ્રતિભાવ આપતા, લગભગ પાંચ હજાર રહેવાસીઓ તિરંગા અર્બન પાર્ક ખાતે સમુદાયની ભાવના અને દેશભક્તિના શક્તિશાળી પ્રદર્શન દર્શાવીને એકઠા થયા. ડેપ્યુટી કમિશનર નિશાંત યાદવના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને મૂળભૂત ઈમરજન્સી પ્રતિસાદની તાલીમ આપવાનો હતો. તમામ સમુદાયના તમામ વય જૂથના સ્વયંસેવકો એકત્ર થયા હતા. પુરુષો, મહિલાઓ, હિન્દુ, મુસ્લિમ, શિખ, તમામ લોકો એકત્ર થઈને ભારત માતા કી જય, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા હતા. ચંડીગઢ ભારતના એવા અનેક શહેરો પૈકી છે જ્યાં પાકિસ્તાની ડ્રોનના હુમલા ખાળવા  બ્લેકઆઉટનું પાલન કરવામાં આવે છે.

શસ્ત્રવિરામ હોય કે નહિ, દિલ્હી સરકારની ઈમરજન્સી માટે તૈયારી 

દિલ્હી સરકારે રાજધાનીમાં કોઈપણ સંકટ માટે તૈયારી ચાલુ જ રાખી છે અને મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ તમામ વિભાગોને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો હોવા છતાં સહયોગ તેમજ તૈયારી વધારવાની સૂચના આપી છે. શસ્ત્રવિરામ જાહેર થવાના થોડા કલાકો અગાઉ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને તેમને સતર્ક રહેવાની સૂચના આપતા જણાવ્યું કે દિલ્હીએ કોઈપણ સ્થિતિમાં તમામ ઈમરજન્સી માટે સુસજ્જ રહેવું જોઈશે. તેમણે જણાવ્યું કે પ્રત્યેક નાગરિકની સલામતિ સરકારની પ્રાથમિકતા છે. બેઠકમાં હાજર રહેલા અધિકારીઓએ જણાવ્યું કે તાત્કાલિક જોખમ ઓછું થયું હોવા છતાં પ્રશાસન પોતાની તૈયારી ઓછી કરવાના મૂડમાં નથી.

- ઈન્દર સાહની


Tags :