For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ભાજપ સરકારે જૂની પેન્શન યોજના માટે સમિતી બનાવી

Updated: Mar 12th, 2023

Article Content Image

નવીદિલ્હી : સરકારી કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજનાનો વિરોધ કરી રહેલા ભાજપે કર્ણાટકમાં સામે હાર દેખાતાં આ મુદ્દે વિચારવાનું એલાન કરવું પડયું છે. કર્ણાટક સરકારે જૂની પેન્શન યોજનાનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિ ૨૩ માર્ચે રાજસ્થાન જઈને જૂની પેન્શન યોજનાનો અભ્યાસ કરશે.

આ સમિતિ કુલ પાંચ રાજ્યોની મુલાકાત લેશે. કર્ણાટકની ટીમ રાજસ્થાનની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ ઉર્જા શર્મા, નાણા સચિવ અખીલ અરોરા અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કુલદીપ રાંકાને મળશે. રાજસ્થાન સરકારે એપ્રિલ ૨૦૨૨માં જૂની પેન્શન લાગુ કરી દીધી હતી.

રાજસ્થાન પછી સમિતિના સભ્યો છત્તીસગઢ  પણ જશે. એ પછી પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડની મુલાકાત લઈને ૩૦ એપ્રિલે પોતાનો રીપોર્ટ બોમ્માઈ સરકારને આપશે.

સરકારી કર્મચારીઓનાં યુનિયનોના મતે, કર્મચારીઓનો વિરોધ ચૂંટણીમા ના નડે તેથી તેમને ઉલ્લુ બનાવવા સમિતીનું નાટક કરાયું છે. સમિતી રીપોર્ટ આપે ત્યાં સુધીમાં તો ચૂંટણી પતી જશે તેથી આ મુદ્દાને પછી અભરાઈ પર ચડાવી દેવાશે.

 સિસોદિયાને લાંબો સમય જેલમાં રાખવાનો બંદોબસ્ત

દિલ્હી લિકર કેસમાં સીબીઆઈ પછી હવે ઈડીને મનિષ સિસોદિયાની કસ્ટડી મળતાં સિસોદિયાનો જેલવાસ બહુ લાંબો ચાલશે એ નક્કી છે. કોર્ટે મનિષ સિસોદિયાના ૭ દિવસના ઈડીના રિમાન્ડ આપ્યા છે. સૂત્રોના મતે, સિસોદિયાને એક કેસમાં જામીન મળે તો પણ બીજા કેસમાં અંદર રાખી શકાય તેનો પાકો બંદોબસ્ત કરી દેવાયો છે.

ઈડીનો દાવો છે કે, લિકર પોલિસી કેસમાં વધુ ૭ લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને આ લોકોની હાજરીમાં સિસોદિયાની પૂછપરછ કરાશે એ જોતાં ઈડી હજુ પણ વધારે રીમાન્ડ માંગશે એ સ્પષ્ટ છે.

કાનૂની નિષ્ણાતોના મતે, કેન્દ્રીય એજન્સીઓ એક ખતરનાક ટ્રેન્ડ સ્થાપિત કરી રહી છે. આરોપીને કેસ સાથે સંકળાયેલા લોકોની હાજરીમાં પૂછપરછના બહાને લાંબો સમય જેલમા રાખવાની વાત ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધ છે પણ  આશ્ચર્યજનક રીતે કોર્ટ તેને માન્ય રાખી રહી છે. એજન્સીનું કામ નક્કર પુરાવા શોધવાનું છે. તેના બદલે આ રીતે એકબીજાની હાજરીમાં પૂછપરછના નામે સમય બગાડાય છે.

 કેસીઆર ઈચ્છે છે કે, કવિતાની ધરપકડ થાય....

દિલ્હી સરકારની શરાબ નીતિના લગતા કેસમાં કેન્દ્રીય એજન્સીઓ કે. કવિતાની ધરપકડ કરે છે કે નહીં તેના પર સૌની નજર છે. કવિતા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. સિસોદિયાની ધરપકડ વખતે જ દિલ્હી આવીને કવિતાએ મોદી સરકારને પોતાની ધરપકડ કરવા સીધો પડકાર ફેંક્યો છે.

ભાજપના નેતાઓનું માનવું છે કે, કેસીઆર ઈચ્છે છે કે, કવિતાની ધરપકડ થાય. આ વરસના અંતમા યોજાનારી તેલંગાણાના વિધાનસભાની ચૂંટણીમાં કવિતાની ધરપકડને કેસીઆર મોટો મુદ્દો બનાવવા માગે છે.

ઈડીનો દાવો છે કે, લિકર પોલિસી ચોક્કસ લોકોને ફાયદો કરાવવાના કાવતરાના ભાગરૂપે તૈયાર કરવામાં આવી હતી. સિસોદિયાના સહાયક વિજય નાયર ષડયંત્રના સંકલનકાર હતા. નાયર, સિસોદિયા, કવિતા, અને અન્ય ઘણા લોકો દ્વારા ઘડવામાં આવેલા કાવતરામાં ૨૧૯ કરોડ રૂપિયાની હેરફેરના પુરાવા મળ્યા છે. ઈડીનો એવો પણ દાવો છે કે, સાઉથના જૂથે આપના નેતાઓને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. નાયર કવિતાને સિસોદિયાના પ્રતિનિધિ તરીકે મળ્યા હતા.

લાલુનું આખું ખાનદાન જેલભેગું થઈ જશે ?

ઈડીએ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવના નજીકનાં સગાંને ત્યાં પાડેલા દરોડાને પગલે લાલુનું આખું ખાનદાન જેલમાં જશે કે શું એવા સવાલ થઈ રહ્યા છે. ઈડીએ લાલુ યાદવની ત્રણ દીકરીઓ હેમા, રાગિણી અને ચંદાના ઘરે પણ દરોડા પાડયા છે. હેમા, રાગિણી અને ચંદા દિલ્હીમાં રહે છે. ત્રણેય રાજકારણથી દૂર છે અને પહેલી વાર એજન્સીની ઝપટે ચડી છે. ઈડીની ટીમે તેજસ્વી યાદવના દિલ્હીના ઘરે પણ દરોડા પાડયા હતા. આ સિવાય  અપ્રમાણસર સંપત્તિના કેસમાં પટનામાં લાલુના નજીકના સાથી અને આરજેડી નેતા અબુ દુજાનાના ઘરે પણ દરોડા પાડયા હતા. ભૂતપૂર્વ આરજેડી ધારાસભ્ય દુજાના છેલ્લે સુરસંડથી ચૂંટણી હારી ગયા હતા.

આ પહેલાં ૨૦૨૨ના મેમાં સીબીઆઈએ લાલુ, રાબડી દેવી, મીસા ભારતી અને હેમા યાદવના ઘરે દરોડા પાડયા હતા. આ કેસમાં લાલુ, રાબડી, મીસા અને હેમા યાદવ સહિત ૧૬ લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે, આ કૌભાંડમાં અયોગ્ય ઉમેદવારો પાસેથી નોકરીના બદલામાં ઓછી કિંમતે જમીન લેવામાં આવી હોવાનો આરોપ છે.

ધનખડને સ્પીકર બિરલા પાસેથી શીખવા સલાહ

રાહુલ ગાંધીએ લંડનમાં ભારતીય સંસદમાં વિપક્ષના નેતાઓના માઈક્રોફોન બંધ કરી દેવામાં આવે છે એવું નિવેદન કર્યું તેની સામે ઉપરષ્ટ્રપતિ જગદીપ ધનખડ બગડયા છે. ધનખડે રાહુલનું નામ લીધા વિના કહ્યું કે, ભારતીય સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે એવી વાત કરવી એ દેશનું અપમાન છે. આ પ્રકારનાં જૂઠાણાં ચલાવાતાં હોય ત્યારે પોતે ચૂપ ના રહી શકે.

ધનખડની ટીપ્પણીને ભાજપે વધાવી છે પણ સોશિયલ મીડિયા પર લોકો ધનખડને સરકારના એજન્ટ ગણાવીને માછલાં ધોઈ રહ્યા છે. લોકો ધનખડને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પાસેથી ગૌરવપૂર્ણ રીતે વર્તવાની સલાહ આપી રહ્યા છે. રાહુલે લોકસભાના સંદર્ભમાં વાત કરી છતાં બિરલાએ કશું કહ્યું નથી પણ ધનખડ કૂદી પડયા છે.  કોંગ્રેસના જયરામ રમેશે પણ ધનખડને સરકારના ચીયરલીડર નહીં બનવા સલાહ આપી છે.

ભાજપમાં અંદરખાને ચર્ચા છે કે, ધનખડને રાષ્ટ્રપતિ બનવામાં રસ છે તેથી નાની નાની વાતમાં સરકારનો બચાવ કરવા કૂદી પડે છે.

ભાજપ સાંસદે મહિલાને અપમાનિત કરતાં ફિટકાર

કર્ણાટકના કોલારના ભાજપના સાંસદ એમ મુનિસ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મુનિસ્વામી એક મહિલા દુકાનદારને કપાળે ચાંલ્લો નહીં કરવા બદલ તતડાવતા દેખાય છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, મહિલા દિને જ મહિલાનું અપમાન કરીને ભાજપનાં સાંસદ શું સાબિત કરવા માગે છે ? ભાજપના નેતા પોતાના વિચારો લોકો પર થોપીને સરમુખત્યારશાહી માનસ દર્શાવી રહ્યા હોવાની કોમેન્ટ પણ લોકો કરી રહ્યાં છે.

મુનિસ્વામી મહિલા દિવસે ચન્નઇહા મંદિરમાં પ્રદર્શનનું ઉદઘાટન કરવા ગયા પછી એક સ્ટોલ પર રોકાયા હતા. સ્ટોલ પર  કાપડ વેચી રહેલી  મહિલા દુકાનદારે કપાળમાં  ચાંલ્લો નહોતો કર્યો તેથી મુનિસ્વામી ગુસ્સે થઈ ગયા હતા. એ મહિલા દુકાનદારને ઠપકો આપીને મુનિસ્વામીએ સવાલ કર્યો હતો કે, તમારામાં કોઈ કોમન સેન્સ છે કે નહીં ? તમારો પતિ જીવે છે ને?  તો પછી માથામાં ચાંલ્લો લગાવો.

કર્ણાટકમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી હોવાથી  ભાજપ હિંદુત્વ મુદ્દે આક્રમક બન્યો છે.

***

તોડફોડનું રાજકારણ તમિલનાડુમાં ખુલ્લેઆમ

તમિલનાડુના બે સાથી-પક્ષો એઆઇએડીએમકે (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ) અને ભાજપ એક-બીજાના સભ્યોને પોતાની બાજુ ખેંચવાની કરેલી કોશિશના પગલે આ સપ્તાહે ફરી એકવાર બંને જૂથ વચ્ચેની તિરાડ બધા જોઇ શકે એમ ખુલ્લી પડી ગઇ છે. આ ભવાડાને ઢાંકવા માટે ભાજપ અને અન્ના ડીએમકે - બંનેના કાર્યકરોએ સામા જૂથને રોકવા ભારે વિરોધ - દેખાવો કર્યા. ભાજપના આઇટી પાંખના વડા સી.ટી.આર. નિર્મલકુમાર ભાજપની બુધ્ધિજીવી પાંખના એસ.વી. ક્રિષ્નન, પી. દિલીપ કાન્નન, ઓબીસી પાંખના પ્રદેશ મંત્રી જોઠી તથા ત્રિચુર ગ્રામ્ય જિલ્લા પક્ષ ઉપાધ્યક્ષ વિજય વગેરે ૫ - ૭ માર્ચની વચ્ચે ભાજપ છોડીને એઆઇએડીએમકેમાં શરૂઆતના તબક્કે જોડાનારા થોડાક ભાજપ - અગ્રણીઓ હતા. ૭ માર્ચ,  ભાજપના ૧૩ અન્ય કાર્યકરોએ ભાજપને પડતો મૂક્યો અને પોતે નિર્મલકુમારના ચીલે ચાલનાર હોવાની ઘોષણા કરી. એ જ દિવસે એઆઇએડીએમકેના ૧૦૦થી વધુ કાર્યકરો મદુરાઇમાં અન્નામલાઇની હાજરીમાં ભાજપમાં જોડાયા.

હુમલાનો નકલી વિડિયો તૈયાર કરનાર ઝડપાયો 

બિહાર પોલીસે તમિલનાડુમાં કાર્યરત બિહારી સ્થળાંતરિત કામદારો પરના હુમલાના નકલી વિડિયો બનાવનારા મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. પોલીસના મતાનુસાર, મનીષ કશ્યપ અને  યુવરાજસિંઘ નામના બે આરોપીઓ નાસતા ફરે છે, જેમને પકડવા રાજ્ય પોલીસ એમના સંભવિત  અડ્ડાઓ પર દરોડા કરી રહી છે. પોલીસે જામુઇ જિલ્લાના અમનકુમાર નામના બદમાશને પકડી લીધો છે. ગોપાલગંજ જિલ્લાના વતની એવા મુખ્ય  આરોપી રાકેશ રંજન કુમારે ૬ માર્ચે પટણાની બેંગાલી કોલોનીમાં ભાડુતી મકાનમાં આ નકલી વિડિયો તૈયાર કર્યો છે. આ ગુનામાં એને બે સાગરિતોએ મદદ કરી છે. એણે ગુનો સ્વીકાર્યો છે. પટણામાં વિડિયો બનાવીને ગેરમાર્ગે દોરવાનો ઇરાદો હતો, એમ બિહાર પોલીસના પ્રવકતાએ કહ્યું.

સ્વ.કૌશિકના ફાર્મ હાઉસમાંથી મળી આવેલી 'દવાઓ'

૬૬ વર્ષના પીઢ અભિનેતા અને ફિલ્મસર્જક સતીશ કૌશિકના નિધન પછી દિલ્હીના નૈઋત્ય જિલ્લા પોલીસે કૌશિકના નિવાસ એવા ફાર્મહાઉસની મુલાકાત લીધી. અભિનેતાના મોત અંગે તપાસ કરી રહેલી પોલીસ વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસની તપાસ-ટુકડીને ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી આવી છે. એક  ઉદ્યોગપતિની માલિકીના આ  ફાર્મહાઉસમાં પાર્ટી યોજાઇ હતી. પાર્ટી યોજનાર ઉદ્યોગપતિ પણ કેટલાક કેસમાં વોન્ટેડ છે. ફાર્મહાઉસમાં મોજૂદ રહેલાઓ વિષે જાણવા માટે પોલીસ, પાર્ટીમાંના મહેમાનોની યાદી જોઇ રહી છે.

જાપાની સ્ત્રીઓની સતામણીના વિડિયોની તપાસ

હોળી-પર્વે એક જાપાની મહિલાની સતામણી કરતા અને હાથ લાંબા કરી એને શોધતા હોય એ રીતે ચાલતા બદમાશોના જૂથનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં દિલ્હી પોલીસે એ મુદ્દે તપાસ શરૂ કરી છે. જરૂરી વિગતો માટે વિડિયોનું પૃથ્થકરણ થઇ રહ્યું છે. વિડિયોમાં જોવા મળેલા દ્રશ્યોમાં કેટલાક લોકો એક વિદેશી છોકરી સાથે હોળી રમી રહેલા હોવાનું, જ્યારે એ છોકરી એના લીધે હેરાન થતી હોવાનું જણાઇ રહ્યું છે. મુલાકાતી-છોકરીએ એના ટ્વિટર હેન્ડલ પરથી કરેલા ટ્વિટ અનુસાર છોકરી બાંગ્લાદેશ પહોંચી છે અને સ્વસ્થ છે, એમ પોલીસે કહ્યું. પહાડગંજના મદદનીશ પોલીસ કમિશનર તથા સ્ટેશન હાઉસ ઓફિસરને પણ એમના વિસ્તારમાં રહેતી જાપાની છોકરીની વિગતો એકઠી કરવા જણાવાયું છે. વિડિયોમાં દેખાતા બદમાશોની ઓળખ કરવા પણ જણાવાયું છે.

ભારતીય નેતાઓના ભાષણ વિષે ભાજપના બેવડા ધોરણો

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ  લંડનસ્થિત ઇન્ડિયન જર્નાલિસ્ટસ્ એસોસીએશન સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન અથવા એમની સરકારની કામગીરી વિષે પ્રશ્નકર્તાઓ પર હુમલા કરાય છે એ વાંક દેશનો નહિ, વડાપ્રધાનનો છે. ગાંધીએ કેન્દ્ર સરકાર પર કરેલા આ હલ્લા વિષે 'સહારા' એ ૬ માર્ચે અહેવાલ છાપ્યો. એ જ દિવસે 'સિયાસત' પ્રકાશને એના તંત્રીલેખમાં લખ્યું કે ભારતીય નેતાઓના વિદેશી ધરતી પરના ભાષણોના મુદ્દે ભાજપ બેવડાં ધોરણો  અપનાવે છે. 'ઇન્કલાબ' પ્રકાશને એના ૮ માર્ચના અંકના પ્રથમ પાન પર, લંડનમાં રાહુલ ગાંધીના ભાષણો પછી કોંગ્રેસ તથા ભાજપ વચ્ચે થયેલા શાબ્દિક ટપાટપીના સમાચાર છાપ્યા. સિયાસત અને ઇન્કિલાબ દ્વારા ૮ માર્ચે ગાંધીને ટાંકીને સમાચાર પ્રસિધ્ધ કરાયા કે પાકિસ્તાન જ્યારે ભારતમાં ત્રાસવાદને ઉત્તેજવાનું ચાલુ રાખી રહ્યું  છે ત્યારે ભારત એની સાથે હૂંફાળા સંબંધ રાખે એવી અપેક્ષા રાખી શકાય નહિ.

- ઇન્દર સાહની

Gujarat