mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : મોદીને નિમંત્રણ આપતાં જ આચાર્ય કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

Updated: Feb 12th, 2024

દિલ્હીની વાત : મોદીને નિમંત્રણ આપતાં જ આચાર્ય કોંગ્રેસમાંથી સસ્પેન્ડ 1 - image


નવીદિલ્હી : પ્રિયંકા ગાંધીની નજીક મનાતા ઉત્તર પ્રદેશના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા એ પાછળનું ખરું કારણ મોદીને અપાયેલું નિમંત્રણ છે. કોંગ્રેસે આચાર્ય સતત પક્ષવિરોધી નિવેદનો આપે છે અને શિસ્તભંગ કરે છે એવું સત્તાવાર કારણ આપ્યું છે પણ વાસ્તવિક કારણ આચાર્યની મોદી સાથેની મુલાકાત છે.

આચાર્યની સંસ્થા યુપીના સંભલમાં શ્રી કલ્કી ધામ બનાવી રહી છે.  તેનો શિલાન્યાસ મોદીના હસ્તે કરાવવા માટે આચાર્ય મોદીને મળ્યા હતા. મોદીએ ૧૯ ફેબ્રુઆરીએ યોજાનારા શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા સંમતિ આપી છે. આચાર્યે આ માટે મોદીનો આભાર પણ માન્યો છે.

કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, આચાર્ય પ્રમોદ પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કોઈ નેતાની પાસે શિલાન્યાસ કરાવી શક્યા હોત. મોદીને બોલાવીને આચાર્યે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને પ્રચારનો વધુ એક મુદ્દો આપી દીધો છે.

કેજરીવાલે કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું

આમ આદમી પાર્ટીએ પંજાબમાં લોકસભાની તમામ ૧૩ બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કરીને કોંગ્રેસને ભીંસમાં મૂકી દીધી છે. અરવિંદ કેજરીવાલે એલાન કર્યું છે કે, આપ ૧૫ દિવસમાં પંજાબની ૧૩ અને કેન્દ્રશાસિત ર્કદેશ ચંદીગઢની બેઠકનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દેશે. તાજેતરમાં આવેલા સર્વેમાં પંજાબમાં આપને સૌથી વધારે બેઠકોની આગાહી કરાતાં કેજરીવાલનો ઉત્સાહ વધી ગયો છે.

કેજરીવાલની જાહેરાતથી કોંગ્રેસ આઘાતમાં છે ત્યારે કેજરીવાલે કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવતાં આમ આદમી પાર્ટી હજુય ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયામાં હોવાનો રાગ આલાપ્યો છે. કેજરીવાલે કોંગ્રેસને દિલ્હી, ગુજરાત, હરિયાણા અને ગોઆ સહિતનાં અન્ય રાજ્યોમાં બેઠકોની સમજૂતી અંગે ઝડપથી નિર્ણય લેવા પણ વિનંતી કરી છે.

કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, કેજરીવાલને દિલ્હીમાં કોંગ્રેસની જરૂર હોવાથી ઈન્ડિયામાં રહેવાની વાતો કરે છે પણ પંજાબમાં સમજૂતી ના થાય તો બીજાં રાજ્યોમાં સમજૂતીનો મતલબ નથી.

મમતા નહીં ડાબેરીઓ સાથે કોંગ્રેસનું જોડાણ

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે ડાબેરી મોરચા અને નૌશાદ સિદ્દીકીના ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ સાથે જોડાણનો નિર્ણય લેતાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેેસ વચ્ચે બેઠકોની સમજૂતીની તમામ શક્યતા સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા બેઠકોમાંથી કોંગ્રેેસ અને ડાબેરી મોરચો ૨૦-૨૦ બેઠકો પર જ્યારે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ બે બેઠકો પર લડે એવી સમજૂતી થઈ ગઈ છે. હવે સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ બાકી રહી છે. ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના નૌશાદ સિદ્દીકી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી સામે કોલકાત્તાની પ્રતિષ્ઠિત ડાયમંડ હાર્બર બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ અને ડાબેરી મોરચા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે કોંગ્રેસને ઉત્તર બંગાળ અને ડાબેરી મોરચાને દક્ષિણ મોરચાની બેઠકો ફાળવાશે.

ઉત્તર બંગાળમાં છ બેઠકો પર મુસ્લિમોની બહુમતી છે. કોંગ્રેસને લાગે છે કે, ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટને સાથે લેવાથી આ છ બેઠકો જીતી શકાય છે.

અખિલેશ ના ગયા પણ સપા ધારાસભ્યો અયોધ્યા ગયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા સ્પીકર સતિષ મહાનાના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્યોએ અયોધ્યામાં ભગવાન રામનાં દર્શન કર્યાં. યોગીએ અખિલેશ યાદવને પણ પોતાની સાથે આવવા નિમંત્રણ આપ્યું હતું પણ અખિલેશે ઈન્કાર કરી દીધો હતો. જો કે સમાજવાદી પાર્ટીના ઘણા ધારાસભ્યો ભગવાન રામના દર્શને ગયા હોવાનું કહેવાય છે.

સૂત્રોનું કહેવું છે કે, સપા સિવાયના બાકીના પક્ષોના તમામ ધારાસભ્યો દર્શન માટે આવ્યા હતા જ્યારે સપાના વીસેક ધારાસભ્યો પણ આવ્યા હતા. વિધાનસભાના ૪૦૦ અને વિધાન પરિષદના ૧૦૦ મળીને ૫૦૦ ધારાસભ્યોમાંથી ૪૦૦થી વધારે ધારાસભ્યો દર્શને ગયા હતા.

સપાનાં સૂત્રોનું કહેવું છે કે, અખિલેશે ભગવાન રામ પોતાને બોલાવશે ત્યારે પોતે અયોધ્યા જશે એવું કહેલું પણ અયોધ્યા જવાનો કે ભગવાન રામનાં દર્શનનો ઈન્કાર કર્યો  નથી. અખિલેશે સપાના ધારાસભ્યોને પણ અયોધ્યા નહીં જવા સૂચના નહોતી આપી. આ કાર્યક્રમ સ્પીકરે રાખેલો તેથી ધારાસભ્યો પર કોઈ પાબંદી નહોતી.

જ્યંતે ટિકૈતને ટિકિટનું વચન આપી મનાવ્યા

ખેડૂત સંગઠનોના ૧૩ ફેબ્રુઆરીના ચલો દિલ્હી કાર્યક્રમને અનુલક્ષીને દિલ્હીની સરહદે ખેડૂતો ખડકાવા માંડયા છે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોમાં ભાગલા પડાવવામાં સફળ થઈ છે. રાકેશ ટિકૈતના સંયુક્ત કિસાન મોરચાએ આ કાર્યક્રમથી દૂર રહેવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બીજાં સંગઠનોને પણ સોમવારે ચર્ચા માટે બોલાવ્યાં છે તેથી આખો કાર્યક્રમ મોકૂફ રહે એવી પૂરી શક્યતા છે પણ રાકેશ ટિકૈતની પીછેહઠ રાજકીય રીતે મહત્વની છે.

ભાજપે ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાની જાહેરાત કરીને રાષ્ટ્રીય લોકદળને એનડીએમાં લઈ આવવાનો તખ્તો તૈયાર કરી દીધો છે. ટિકૈત રાષ્ટ્રીય લોકદળના સમર્થક છે એ જગજાહેર છે તેથી જ્યંત ચૌધરીના કહેવાથી ટિકૈત દૂર થઈ ગયા હોવાનું કહેવાય છે.

આરએલડીનાં સૂત્રોની વાત માનીએ તો જ્યંત ચૌધરીએ ટિકૈતને લોકસભાની ચૂંટણીમાં ટિકિટનું વચન પણ આપ્યું છે. રાકેશ ટિકૈત ભૂતકાળમાં ઘણી વાર ચૂંટણી લડી ચૂક્યા છે પણ જીતવામાં સફળ થયા નથી.

***

હલ્દવાનીમાં હિંસા અંગે પાંચ ગુપ્તચરોએ ચેતવ્યા હતા

ઉત્તરાખંડના હલ્દવાણીની સ્થાનિક પોલીસ તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બંનેને પાંચ ગુપ્તચર તંત્રો તરફથી ત્યાં થયેલી હિંસાના દિવસો અગાઉ સાવધ કરાયા હતા. અહીં ગત ગુરૂવારે ગેરકાયદે બંધાયેલી મદરેસાને તોડી પડાતાં થયેલા તોફાનોમાં પાંચ જણે જીવ ગુમાવ્યા છે. જો મુસ્લિમો મદરેસા તોડવાનો વિરોધ કરે તો વળતા પગલાંરૂપે હિંદુઓ પણ સંઘર્ષમાં ઊતરે તો થનારી અથડામણો વિષે ગુપ્તચર તંત્રોએ સાવધ કર્યા હતા. આ પરિસ્થિતિમાં શાંતિ જોખમાતા કાયદો અને વ્યવસ્થા ખોરવાવાની શક્યતા ગુપ્તચર તંત્રોએ નિહાળી હતી, જેમાં મહિલાઓ અને બાળકોનો ઢાલરૂપે દુરૂપયોગ કરાયો હોય. જો કે એસએસપી મીનાના મતે, હિંસાનું કેન્દ્ર બનફૂલપુરામાં ખસી જતાં સરકારનો વહીવટી સ્ટાફ વિખેરાઇ જતા પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં વિલંબ થયો એમ, મીનાએ ઉમેર્યું.

પ્રણવ-પુત્રીનો રાહુલને પત્ર : તમારાં મિત્રો નફરત ફેલાવે છે

પૂર્વ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ટા મુખરજીએ રાહુલ ગાંધીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પોતે પોતાના પિતા વિષે લખેલા અંગ્રેજી પુસ્તક 'પ્રણબ માય ફાધર : અ ડોટર રિમેમ્બર્સ'ના પ્રકાશન પછી રાહુલના ટેકેદારો પોતાને અને પોતાના પિતાને સોશ્યલ મીડિયા પર દ્વેષપૂર્ણ રીતે ટ્રોલ કરી રહ્યા છે. આ પુસ્તકમાં મારાં પિતાએ એમની ડાયરીમાં તમારાં (રાહુલ) વિષે કરેલા કેટલાક નિરીક્ષણોને સમાવાય છે. આ નિરીક્ષણો બહુ પ્રશંસાજનક નથી. જો કે તમે તો મુક્ત અભિવ્યક્તિના આગ્રહી છો. આ અભિવ્યક્તિ એટલે કોઇ વ્યક્તિના ફક્ત વખાણ જ નહિ, પરંતુ એ જ વ્યક્તિ વિષેની નિંદાને સમભાવ સાથે સ્વીકારવાની યોગ્યતા પણ ખરી. જો કે આ મુદ્દો તમારાં સમર્થકોને સમજાવવામાં તમે તદ્દન નિષ્ફળ ગયા છો કે જેને આપણા દેશના બંધારણે પણ મહત્ત્વપૂર્ણ અધિકારરૂપે મંજૂર રાખ્યો છે, એમ શર્મિષ્ઠાએ પત્રમાં ઉમેર્યું છે.

ભાજપ અને અકાલીઓ વચ્ચે જોડાણની ચર્ચા 

ભાજપ લોકસભા ચૂંટણી અગાઉ રાજ્યોમાં જોડાણો કરવાના કામમાં ગૂંછાઇ ગયો છે. પંજાબમાં પણ એ મુદ્દે એની શિરોમણિ અકાલી દળ સાથે મંત્રણાઓ થઇ રહી છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલ ભાજપના વરિષ્ઠ નેતાઓને આવતા સપ્તાહે મળે એવી શક્યતા છે. બાદલ હાલમાં પંજાબવ્યાપી 'પંજાબ બચાવો યાત્રા' યોજી રહ્યા છે, કે જેનો ઉદ્દેશ રાજ્યની આપ સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ ખુલ્લી પાડવાનો છે.

- ઇન્દર સાહની

Gujarat