FOLLOW US

દિલ્હીની વાત : ભાજપ વિપક્ષના 300 મજબૂત નેતાને તોડશે

Updated: Mar 11th, 2023


નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીમાં જીતવા ભાજપ વિપક્ષના દમદાર નેતાઓને ખેંચી લાવવાની વ્યૂહરચના ઘડી છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે,  ભાજપે ૩૦૦ એવા નેતાઓની યાદી બનાવી છે કે જેમને ભાજપમાં લાવવાથી ભાજપ મજબૂત થાય. આ નેતાઓના મતવિસ્તારની લોકસભા બેઠકો પર ભાજપ સ્થાનિક પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોને જોરદાર ટક્કર આપવાની સ્થિતિમાં આવી શકે. આ પૈકી મોટા ભાગનાને ભાજપ લોકસભા ચૂંટણીમાં પક્ષના ઉમેદવારો પણ બનાવી શકે છે.

સૂત્રોના મતે, ભાજપે ભારે રીસર્ચ પછી છેલ્લી લોકસભા તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેનારા નેતાઓના રેકોર્ડને આધારે આ યાદી બનાવી છે. આ નેતાઓને ભાજપમાં લાવવા બહુ જલદી અભિયાન ચલાવાશે.

આ પૈકી મોટા ભાગના નેતા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણનાં રાજ્યોમાં છે કે જ્યાં ભાજપ મજબૂત પ્રાદેશિક પક્ષોને પછાડી શકતો નથી. આ રાજ્યોમાં પોતાનો પ્રભાવ વધારીને વધુ બેઠકો જીતવાના ભાજપના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. હવે ભાજપ આ વ્યૂહરચનાના આધારે જીત મેળવવા માગે છે.

પંજાબમાં રેલ્વે રૂટ બ્લોક કરવાની ધમકી

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો મેસેજ દ્વારા ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન અમૃતસરથી ભટિંડા રેલવે રૂટ બ્લોક કરવાની ધમકી આપતાં પંજાબ સરકાર દોડતી થઈ ગઈ છે. બીજી તરફ અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની બહાર ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જી-૨૦ની બેઠક આ સ્થળે યોજાવાની છે ત્યારે એવાં પોસ્ટર લગાવાયાં હતાં કે, જી૨૦નું ખાલિસ્તાનમાં સ્વાગત છે. ખાલિસ્તાન ભારતનો ભાગ નથી પણ ખાલિસ્તાન વતી અને જી-૨૦ના દેશોને આવકારીએ છીએ.

પન્નુએ વીડિયોમાં શીખોને હથિયાર ઉઠાવવાની હાકલ કરતાં કહ્યું કે, શીખો હજુ પણ ગુલામ છે અને આ આઝાદી હથિયાર ઉઠાવવાથી જ મળશે. પન્નુએ શ્રી અકાલ તખ્ત સાહિબનો વહીવટ કરતી શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી  પર બાદલ પરિવારનો કબજો હોવાનો દાવો કરીને આક્ષેપ મૂક્યો કે, બાદલ પરિવારે જ શીખો પર પહેલો હુમલો કરાવ્યો હતો. સુવર્ણ મંદિર પર હુમલો પણ તેમના ઈશારે થયો હતો. બાદલ પોતે કેન્દ્રના ઈશારે ચાલે છે ને તેમના ભરોસે ખાલિસ્તાન નહીં બને.

આતિશી સિસોદિયાની ખાલી જગા ભરી દેશે

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારમાં  સૌરભ ભારદ્વાજ અને આતિશીના સમાવેશ પછી કરાયેલી ખાતાંની વહેંચણી પછી આતિશી આપમાં મનિષ સિસોદિયાનું સ્થાન ઝડપથી લઈ લેશે એવી ચર્ચા છે. સૌરભ અને આતિશીને જેલમાં બંધ સત્યેંદ્ર જૈન અને મનિષ સિસોદિયાના સ્થાને લેવાયા છે.

સૌરભ ભારદ્વાજને આરોગ્ય વિભાગ અપાયો છે જ્યારે આતિશીને દિલ્હીનાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આતિશીને પાવર, પીડબલ્યુડી અને ટૂરિઝમ વિભાગનાં મંત્રી પણ બનાવવામાં આવતાં આતિશીનું રાજકીય કદ વધી ગયું છે એ દેખાય જ છે.

આતિશીના સમાવેશ સાથે એક દશક બાદ કેજરીવાલ કેબિનેટમાં મહિલા મંત્રીનો સમાવેશ કરાયો છે. સૌથી પહેલી વાર આપની ૪૯ દિવસની સરકાર બની ત્યારે રાખી બિડલાને મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. એ પછી કેજરીવાલ મંત્રીમંડળમાં કોઈ મહિલાને સમાવવામાં આવ્યાં નહોતાં. કેજરીવાલે પહેલી વાર ૨૦૧૩માં સરકાર રચી હતી. એ વખતે કોંગ્રેસના ટેકાથી બનાવાયેલી સરકાર બહુ લાંબી નહોતી ટકી પણ એ પછી  કેજરીવાલની પાર્ટી સળંગ બે વખત સંપૂર્ણ બહુમતીથી જીતી છે. 

ટિપરા મોથાને મનાવવામાં અમિત શાહ સફળ

ત્રિપુરામાં માણિક સહાના નેતૃત્વમાં ફરી ભાજપની સરકારે શપથ લીધા પછી ભાજપે ટિપરા મોથાને સમજાવવા કરેલી ક્વાયત ફળી છે. સરકારે ત્રિપુરાના આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવા મધ્યસ્થી નિમતાં ટિપરા મોથાના વડા પ્રદ્યોત દેબબર્મા કૂણા પડયા છે.

મોદીએ આ માટે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા. શપથવિધી પછી તરત અમિત શાહે ટિપરા મોથાના વડા પ્રદ્યોત દેબબર્મા સાથે ચર્ચા કરીને તેમને સરકારમાં જોડાવા ઓફર આપી હતી.  સ્વામી વિવેકાનંદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થયો તેના અડધા કલાક પછી દેબબર્મા અને શાહ વચ્ચે થયેલી બેઠકમાં જે.પી. નડ્ડા પણ હાજર હતા.

ભાજપ લોકસભાની ચૂંટણીઓમાં ત્રિપુરામાં બંને બેઠકો પર જીત સુનિશ્ચિત કરવા માટે ટિપરા મોથાને ખેંચવા જરૂરી હતા.  ત્રિપુરાની બે લોકસભા બેઠકોમાંથી એક બેઠક આદિવાસીઓ માટે અનામત છે. ટિપરા મોથાને આદિવાસી બેઠકો પર મળેલો વિજય જોતાં ટીપરા મોછા આ બેઠક જીતી જશે એવું મનાય છે. ભાજપ પ્રદ્યોત દેબબર્માને મનાવીને એક લોકસભા બેઠકનું નુકસાન રોકી શકશે.

કર્ણાટકમાં કોંગ્રેસનો દલા તરવાડી જેવો ઘાટ 

ભાજપને  કર્ણાટકમાં જીતાડવા અમિત શાહ અને નરેન્દ્ર મોદી પોતે મેદાનમાં ઉતર્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ  પ્રમુખ ડી.કે. શિવકુમારે દાવો કર્યો છે કે, કોંગ્રેસના આંતરિક સર્વેક્ષણમાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૨૨૪ બેઠકોમાંથી ૧૪૦થી વધુ બેઠકો જીતશે એવું તારણ નિકળ્યું છે. ભાજપ ૬૫થી એક બેઠક વધારે નહી જીતે અને  તેની બેઠકો ઘટીને ૪૦ સુધી પણ પહોંચી શકે છે એવો શિવકુમારે દાવો કર્યો છે. 

શિવકુમારના દાવાને ભાજપના નેતા દીવાસ્વપ્ન ગણાવી રહ્યા છે પણ અંદરખાને સ્વીકારે છે કે, ભાજપ માટે કર્ણાટકમાં જીતવું બહુ મોટો પડકાર છે. મંત્રીઓના ભ્રષ્ટાચારના કારણે ભાજપની છાપ ખરાબ છે ને તેની અસર પડી શકે છે.

કોંગ્રેસના અગાઉના સર્વેમાં કોંગ્રેસને ૧૩૬ બેઠકોની આગાહી કરવામાં આવી હતી. કોંગ્રેસે દલા તરવાડી જેવું કરીને હવે ૧૪૦થી વધુ બેઠકોની આગાહી કરી  છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૦૪ બેઠકો જીતી હતી અને સૌથી મોટી પાર્ટી બની હતી. કોંગ્રેસને ૮૦ અને જેડીએસને ૩૭ બેઠકો મળી હતી.

રાહુલનો હાથ પકડીને ચાલનારી નૈના સસ્પેન્ડ

રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં હાથ પકડીને ચાલનારી નૈના કંવલને સસ્પેન્ડ કરી દેવાઈ છે. નૈના રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં નૈનાને સસ્પેન્ડ કરી દેવાતાં નૈના કંવલ ફરી ચર્ચામાં છે. નૈના રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલતાં હોય એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે, રાહુલનો હાથ પકડવાથી આ જ હાલત થાય.

નૈનાની હરિયાણા પોલીસે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં ધરપકડ કરાતાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે તેને સસ્પેન્ડ કરવી પડી છે.

દિલ્હી પોલીસ અપહરણ કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને શોધવા  રોહતકના એક ફ્લેટમાં પહોંચી ત્યારે નૈના કંવલ ફ્લેટમાં હાજર હતી. પોલીસને જોઈને નૈના કંવલે ગેરકાયદેસર હથિયારો ફ્લેટની બારીમાંથી નીચે ફેંકી દીધા હતા. નૈના ભાગવાની ફિરાકમાં હતી પણ પોલીસે તેને ઝડપી લઈને ધરપકડ કરી હતી. કુશ્તીબાજ નૈનાએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ઘણાં મેડલ જીત્યા છે. નૈનાને સ્પોર્ટ્સ ક્વોટામાં રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરની નોકરી મળી હતી.

***

પુલવામા વિધવાઓની માગણીની આડે લાભની ગણતરી

રાજસ્થાનના કોંગ્રેસી નેતા સચિન પાયલોટે પુલવામાના શહીદ સૈનિકોની વિધવાઓની માગણી પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ દાખવવા રાજ્ય સરકારને જણાવ્યું એના થોડા દિવસો પછી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર આ વિધવાઓની માગણીઓનો ઉપયોગ પોતાના સંકુચિત રાજકીય લાભ માટે કરવાનો આક્ષેપ કર્યો છે. ગેહલોતે ટ્વિટ કર્યું કે શહીદોના પરિવારોને રાજ્યના ધારાધોરણ પ્રમાણે વળતર અપાયું છે. એમની કેટલીક માગણીઓ કેમ પૂરી કરાઇ રહી નથી એ પણ સમજાવવાની એમની (ગેહલોતની) તૈયારી છે. ફેબુ્રઆરી, ૨૦૧૯માં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોએ જીવ ગુમાવ્યા એ પૈકીના ત્રણ શહીદો રાજસ્થાનના છે, જેમના પરિવારો સરકાર દ્વારા એમની માગણીઓ વણસંતોષાયેલી રહેતા ૨૮ ફેબુ્રઆરીથી આંદોલન કરી રહ્યા છે. ભાજપના સાંસદ કિરોડિલાલ મીના પણ વિરોધમાં જોડાયા છે. 

હિન્દુ-મુસ્લિમ જૂથોને શાંતિનો મલમ લગાવવાની ચેષ્ટા

પશ્ચિમ ઉત્તરપ્રદેશના મુઝફફરનગરમાં ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણોના લગભગ દાયકા પછી ભાજપ, એક દેશ, એક ડીએએના મથાળા હેઠળ સ્નેહ સંમેલન યોજીને હિંદુ-મુસ્લિમ જૂથોના જખમો પર રાહતનો મલમ લગાવવાની આશા રાખી રહ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ મુસ્લિમ મતવિસ્તારોમાં આવા જે ૧૨ સંમેલનો યોજવા માગે છે એમાનો પ્રથમ કાર્યક્રમ આગામી મહિને યોજાશે. આ માટે મુઝફફરનગરની પસંદગી એટલા માટે પણ કરવામાં આવી છે કે એ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી ચૌધરી ચરણસિંઘની ભૂમિ છે. એમણે જાટ-મુસ્લિમોની એકતાનો પ્રયોગ કર્યો હતો. પાછળથી એમના આ વિચારની કોંગ્રેસ અને સમાજવાદી પક્ષે ઉઠાંતરી કરી હતી, એમ યુપીના ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલીએ જણાવ્યું.

સીપીએમ દ્વારા મોતની ધમકી : સ્વપ્ના સુરેશનો દાવો 

કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસની મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું કે એમને સીપીએમ (કોમ્યુનિસ્ટ પાર્ટી - માર્કસવાદી)ના મંત્રી ગોવિંદન માસ્ટર તરફથી મોતની ધમકી મળી રહી છે. જો સ્વપ્ના મુખ્યમંત્રી પિનારાયી વિજયનની વિરૂધ્ધ બોલવાનું બંધ નહિ કરે તો મારી નાખવામાં આવશે એમ ગોવિંદન માસ્ટરે સ્વપ્નાને ધમકી આપતા કહ્યું છે, એમ સ્વપ્નાએ કહ્યું. ગોવિંદને સ્વપ્નાને ૩૦ કરોડ જેવી મોટી રકમની ઓફર પણ કરી, જે લઇને સ્વપ્નાએ દેશ છોડી દઇને અન્યત્ર વસવાટ કરી લેવો, એમ સ્વપ્નાએ ઉમેર્યું. કેરળના મુખ્યમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ એમ. શિવશંકરની અસલિયત જણાયા પછી મેં સત્યનો ઘટસ્ફોટ કરવાનું શરૂ કર્યું. વિજય પિલ્લાઇ નામના એક અજાણ્યા માણસે સ્વપ્નાને ફોન કરીને ૩૦ કરોડ આપવાનું જણાવીને શરત મૂકી કે એના બદલામાં સ્વપ્નાએ પિનારાયી વિજયન, એમની પુત્રી તથા વેપારી યુસુફ અલી વિરૂધ્ધ નિવેદન કરવું નહિ, એમ સ્વપ્નાએ કહ્યું અને ઉમેર્યું કે પોતે લડત આપશે. સ્વપ્નાએ પોતાને ધમકી આપવા બદલ મુખ્યમંત્રીને ચેતવણી આપી છે.

હવે, લિંગાયતોને જોઇએ અલગ ધાર્મિક ઓળખ

કર્ણાટકમાં બહુ જાણીતી એવી લિંગાયત જાતિના લોકો રાજ્ય વિધાનસભાની ચૂંટણી આંગણે આવી પહોંચી છે ત્યારે અલગ ધાર્મિક ઓળખની માગગણી દોહરાવી રહ્યા છે. તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પાંચ વર્ષ અગાઉ લિંગાયતોને આવી ઓળખ માટે સૂચવ્યું હતું. જો કે એ પછી સત્તામાં આવેલી ભાજપ સરકારે એ વાતનો છેદ ઉડાડી દીધો હતો. જાગતિક લિંગાયત મહાસભા અલગ ધાર્મિક ઓળખ માટે પ્રયત્ન કરે છે, પરંતુ એની ઝુંબેશમાં કોઇ રાજકીય પક્ષને સાંકળવા માગતું નથી, એમ મહાસભાના મુખ્ય મહામંત્રી એસ.એમ. જામદારે કહ્યું.

પ્રત્યેક ચાર મિનિટે બ્રેઇન સ્ટ્રોકથી એક  મોત

ભારતમાં પ્રત્યેક ચાર મિનિટે બ્રેઇન સ્ટ્રોકના એક દર્દીનું મોત થાય છે. એ રીતે ભારતમાં એ મોતનું, બીજા નંબરનું સૌથી સામાન્ય કારણ બની રહ્યું છે, એમ દેશના જાણીતા ન્યુરોલોજિસ્ટ અને એમ્સ ખાતેના ન્યુરોલોજીના પ્રાધ્યાપક પદ્મશ્રી ડો.(પ્રા.) એમ.વી. પદમા શ્રીવાસ્તવે કહ્યું. દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કી-નોટ પ્રવચનમાં ડો. શ્રીવાસ્તવે ઉમેર્યું કે દેશમાં વર્ષે ૧,૮૫,૦૦૦ દર્દીઓ બ્રેઇન સ્ટ્રોકથી પીડાય છે.

- ઇન્દર સાહની

Gujarat
News
News
News
Magazines