મોદીએ ખખડાવતાં ચૌહાણે જાહેરમાં માફી માંગી

Updated: Jan 10th, 2023


મોદીએ ખખડાવતાં ચૌહાણે જાહેરમાં માફી માંગી

નવીદિલ્હી: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનના ઉદઘાટનમાં સર્જાયેલી અંધાધૂંધી અને અરાજકતાથી નરેન્દ્ર મોદી શિવરાજસિંહ ચૌહાણ પર અકળાઈ ગયા હતા.  મોદીના પ્રવચન પહેલાં ઘણા એનઆરઆઈને હોલમાં પ્રવેશતા રોકવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન થયેલી ધક્કામુકીમાં  એક એનઆરઆઈને ઈજા પણ થઈ હતી. લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને પણ મુખ્ય સમારંભમાં જતા રોકવામાં આવ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે, હોલની ક્ષમતા ૨૨૦૦ લોકો બેસી શકે તેવી છે પણ ત્રણ હજારથી વધુ લોકો આવી જતાં ગેટ બંધ કરી દેવાયો હતો.  કેટલાક એનઆરઆઈ બળજબરીથી ગેટ ખોલીને અંદર ઘૂસી જતાં સીક્યુરિટી સ્ટાફ સાથે ઝપાઝપી પણ થઈ હતી.  

આ હોબાળાથી અકળાયેલા મોદીએ શિવરાજ સામે નારાજગી વ્યક્ત કરતાં શિવરાજ સિંહ ચૌહાણે મોદીની હાજરીમાં સ્ટેજ પરથી માફી માગવી પડી હતી. ચૌહાણે હોલ નાનો પડયો હોવાથી લોકોને પ્રવેશ નહીં આપી શકાયો એ બદલ માફી માંગીને કહ્યું કે, હોલ ભલે નાનો પડયો હોય પણ અમારા દિલમાં જગ્યાની કોઈ કમી નથી.

- કોંગ્રેસ માટે અમેઠી રાયબરેલીથી પણ સલામત !

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીની  તૈયારીઓના ભાગરૂપે ૨૦૧૯માં હારી ગયેલી  બેઠકો પર આંતરિક સર્વે કરાવવા માંડયો છે. આ સર્વેમાં રાહુલ ગાંધી હારી ગયા હતા એ અમેઠી લોકસભા બેઠકના સર્વેમાં રાહુલ ગાંધીને ફરી ઉમેદવાર બનાવવાની તરફેણ કરાઈ છે. ૨૦૧૯માં અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી.

કોંગ્રેસના આંતરિક સર્વેના તારણો પ્રમાણે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અમેઠીમાં સો ટકા જીતશે. અમેઠીની બેઠક સોનિયા ગાંધી જીત્યાં હતાં એ રાયબરેલી બેઠક કરતાં પણ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. આ કરાણે  ૨૦૧૯માં અમેઠીમાં હારનો સામનો કરનાર રાહુલ ગાંધી માટે આ વખતે અમેઠી જીતવાની સારી તક હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના આંતરિક અહેવાલને પગલે રાહુલને અમેઠીથી લડાવવાની તરફેણ કરાઈ રહી છે પણ  રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ચૂંટણી લડવાના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. કોંગ્રેસે બીજાં રાજ્યોમાં પણ પક્ષ માટે જીતી શકાય એવી બેઠકોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

- બજેટની ચર્ચા કરવા મોદી અર્થશાીઓને મળશે

સંસદમાં રજૂ થનારા સામાન્ય બજેટની તારીખ નજીક આવી રહી છે અને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાંના મોદી સરકારના છેલ્લા બજેટમાં લોકોને શું રાહતો અપાશે તેની ચર્ચા ચાલી રહી છે. આ માહોલમાં નરેન્દ્ર મોદીએ શુક્રવાર ને  ૧૩ જાન્યુઆરીએ અર્થશાીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે બેઠક બોલાવી છે. નીતિ આયોગના કાર્યાલયમાં મળનારી બેઠકમાં મોદી અર્થતંત્રની સ્થિતિ અને આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવાના ઉપાયો અંગે ચર્ચા કરશે. બેઠકમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે.

હાલમાં બજારમાં માંગમાં નરમાઈ હોવાથી ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૭ ટકા થઈ શકે છે. આ અંદાજ સરકારના અગાઉના ૮ થી ૮.૫ ટકા વિકાસના અંદાજ કરતાં ઘણો ઓછો છે. ભારત ૭ ટકાના દરે વિકાસ કરે તો ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો દરજ્જો ગુમાવી શકે છે. ૨૦૨૧-૨૨માં ભારતનો જીડીપી વિકાસ દર ૮.૭ ટકા હતો તેથી આ વખતે પણ ઉંચો વિકાસ દર રહેવાની અપેક્ષા છે.

- તમિલનાડુનું નામ બદલવાના સૂચન સામે હોબાળો

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ તમિલનાડુનું નામ બદલીને તમિઝગમ રાખવું જોઈએ એવું સૂચન કરીને વિવાદ સર્જ્યો છે. રવિએ  વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન કરેલા આ સૂચન સામે ભારે હોબાળો થયો હતો. રવિના સૂચન સામે સત્તાધારી,  કોંગ્રેસ અને સાથી પક્ષોએ સૂત્રોચ્ચાર શરૂ કરતાં રાજ્યપાલે ભાષણ અધવચ્ચે જ પડતું મૂકીને ચાલતી પકડવી પડી હતી. રવિના સૂચનનો ભાજપ બચાવ કરી રહ્યો છે ત્યારે વિપક્ષ એઆઈએડીએમકે પણ તેમની વિરૂધ્ધ છે. ડીએમકેનો આક્ષેપ છે કે, રાજ્યપાલ તમિલનાડુની બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી સ્ટાલિનનો આક્ષેપ છે કે, રવિ ભાજપ અને આરએસએસની વિચારધારાને થોપી રહ્યા છે. ડીએમકે સાંસદ ટીઆર બાલુએ રાજ્યપાલ રવિ ભાજપના બીજા પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

- ભાજપ ધારાસભ્યનો હુંકાર, ઘરમાં ઘૂસનારને પતાવી દો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ભાજપના ધારાસભ્યે નંદકિશોર ગુર્જરે ઘરમાં ઘૂસનાર કોઈ પણ વ્યક્તિની  હત્યા કરી નાંખવાનો હુંકાર કરીને વિવાદ પેદા કર્યો છે.  ગુર્જરે કહ્યું કે, વીજળી વિભાગનો કર્મચારી હોવાનું જણાવીને કોઈ માણસ બળજબરીથી ઘરમાં ઘૂસી જાય તો તેને ત્યાં જ મારી નાંખો. લોકો તેની હત્યા કરી શકતા ન હોય તો મને બોલાવજો, હું તેને મારી નાખીશ.

લોનીમાં કેટલાક યુવાનો  પોતાને વીજ વિભાગના કર્મચારી હોવાનું જણાવીને ઘરે ઘરે ફરી રહ્યા હતા. આ ટોળીએ બળજબરીથી એક ઘરમાં ઘૂસીને દોઢ લાખ રૂપિયાની અને બીજા ઘરમાંથી પંચાસ હજારની લૂંટ કરી હતી. આ મુદ્દે ગુર્જરે આ નિવેદન આપ્યું છે. ગુર્જરે કહ્યું કે, બળજબરીથી ઘૂસનારને લોકો સ્થળ પર જ મારી નાખે  પછી જે થશે એ હું જોઈ લઈશ. કેસ થાય તો હું મારી સામે દાખલ કરાવીશ.  લૂંટારાઓ લોકોના ઘરમાં ઘૂસીને લૂંટ કરે એ અક્ષમ્ય અપરાધ છે ને તેને ચલાવી ના લેવાય.

- નીતિશની વાત સાચી પણ ભાષા ખોટી

બિહારમાં વસતી વધારાને મુદ્દે  મુખ્યમંત્રી નીતીશ કુમારે કરેલા નિવેદનથી ભાજપ ઉકળ્યો છે. નીતિશે કહેલું કે, બિહારમાં પુરુષો વસતી વધારાને રોકવાની  જવાબદારી લેવા તૈયાર નથી અને બાળકો પેદા કર્યા કરે છે જ્યારે મહિલાઓ અશિક્ષિત છે તેથી વસતી વધ્યા કરશે.

ભાજપે નીતીશ કુમારની ભાષાને અશ્લીલ અને બિહારીઓ માટે અપમાનજનક ગણાવી  છે. નીતીશે બિહારની ઈમેજ  બગાડી છે. જાહેરમાં અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને અસંવેદનશીલતાની ચરમસીમા દર્શાવી છે. આ શબ્દોનો પ્રયોગ કરીને મુખ્યમંત્રીપદની ગરિમાને પણ ઝાંખપ લગાવી છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે, નીતિશે થોડી આકરી ભાષા વાપરી છે પણ  બિહારમાં આ પ્રકારની ભાષા સામાન્ય છે. વસતી વધારાની સમસ્યા બિહારમાં સૌથી વધારે છે ત્યારે તેને રોકવા મહિલાઓ શિક્ષિત થાય એ જરૂરી છે. નીતિશે એ જ વાત પર ભાર મૂક્યો છે. મહિલાઓ ભણશે તો જ પ્રજનન દર ઘટશે અને વસતી વધારો રોકાશે  એવી નીતિશની વાત ખોટી નથી.


    Sports

    RECENT NEWS