For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : ઉધ્ધવને ખેંચવા બાળાસાહેબને ભારતરત્નની શક્યતા

Updated: Feb 11th, 2024


નવી દિલ્હી : નરસિંહરાવ અને ચૌધરી ચરણસિંહને ભારતરત્ન અપાતાં હવે બાળાસાહેબ ઠાકરે અને કાંસીરામને પણ ભારતરત્ન એવોર્ડથી નવાજવાની માગ ઉઠી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેનો તખ્તો તૈયાર કરનારી બાબરી ધ્વંશની ઘટનાનો યશ બાળાસાહેબ ઠાકરેને આપીને તેમને ભારતરત્ન આપવાની માગ કરી છે તો માયાવતીએ દલિતો માટે કામ કરનારા કાંસીરામને ભારતરત્નની માગ દોહરાવી છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં ભારતરત્ન એવોર્ડની જાહેરાતનો વધુ એક રાઉન્ડ કરીને બાળાસાહેબ ઠાકરેને ભારતરત્ન આપી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપને ઉધ્ધવ ઠાકરેની શિવસેનાની જરૂર છે. ઉધ્ધવે પણ ભાજપ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે એ જોતાં બાળાસાહેબને ભારતરત્ન મળે તેની પ્રબળ શક્યતા છે. કાંસીરામને ભારતરત્ન આપવા મુદ્દે મોદી સરકાર અવઢવમાં છે. તેના કારણે બસપાને રાજકીય ફાયદો થઈ શકે છે તેથી વિચારણા ચાલી રહી છે.

દાદાને ભારતરત્ન, જ્યંત-ચારૂને મંત્રીપદ

ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાની જાહેરાતને પગલે જ્યંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળ અને ભાજપ વચ્ચે જોડાણનો રસ્તો સાફ થઈ ગયો છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપે માત્ર બે બેઠકો ઓફર કરેલી પણ જ્યંતની શરૂઆતની માગ ૧૨ બેઠકોની હતી. ચૌધરી ચરણસિંહને ભારતરત્ન અપાતાં જ્યંતે ચાર બેઠકો સ્વીકારવાની તૈયારી બતાવી હતી પણ અંતિમ નિર્ણય ભાજપ પર છોડયો હતો. ભાજપે જ્યંતને બાગપત અને બિજનૌર બેઠકો આપવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જ્યંત ચૌધરીને રાજ્યસભામાં તથા તેમનાં પત્ની ચારુને ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મોકલવાની પણ ખાતરી આપી છે. જ્યંત અને ચારુ બંનેને મંત્રીપદ અપાશે.

જ્યંતે મથુરા અને ચંદ્રશેખર આઝાદ રાવણ માટે નગીના બેઠક માગી છે. ૨૦૧૯માં બિજનૌર અને નગીના બેઠક બસપાએ જીતી હતી તેથી ભાજપને બંને બેઠકો આપવા સામે વાંધો નથી પણ હિંદુત્વના કારણે ભાજપ મથુરા બેઠક છોડવાના મૂડમાં નથી એ જોતાં જ્યંતને ત્રણ બેઠકો મળી શકે છે.

મમતાના મંત્રીની યોગીને બંગાળમાં નહીં આવવા ધમકી

મમતા બેનરજી સરકારના મંત્રી સિદ્દીકુલ્લા ચૌધરીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પશ્ચિમ બંગાળ આવે તો તેમનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. સિદ્દીકુલ્લાએ કાશીની જ્ઞાાનવાપી મસ્જિદમાં બળજબરીથી પૂજા કરાતી હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે, મંદિર તોડીને ઔરંગઝેબે મસ્જિદ બનાવી હોવાની વાત ખોટી છે કેમ કે આ મસ્જિદ તો ઔરંગઝેબના સમયથી બહુ પહેલાં ૮૦૦ વર્ષ પહેલાં બની હતી. સિદ્દીકુલ્લા સહિતના નેતાઓએ જ્ઞાાનવાપી મસ્જિદમાં પૂજાપાઠની મંજૂરી કરવા સામે રેલી કાઢીને શક્તિપ્રદર્શન કર્યું કે જેમાં એક લાખ કરતાં વધારે મુસ્લિમો હાજર રહ્યા હતા. ચૌધરી જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ પણ છે.

ભાજપના નેતાઓએ સિદ્દીકુલ્લાને વળતો પડકાર ફેંકીને કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી જાહેર થાય પછી યોગી પ્રચાર કરવા બંગાળમાં આવશે અને ચૌધરીના મતવિસ્તાર મોન્તેસવારમાં જ જાહેર સભા કરશે, તમારામાં તાકાત હોય તો યોગીને રોકી બતાવજો. ભાજપે મમતાની પાર્ટી પર મુસ્લિમ તુષ્ટિકરણનો આક્ષેપ પણ મૂક્યો છે.

સુપ્રિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી આશ્ચર્ય સર્જ્યું

કોંગ્રેસમાં કહેવાતા ટોચના નેતા લોકસભાની ચૂંટણી લડવાનું ટાળીને રાજ્યસભામા જવાનો સરળ રસ્તો અપનાવે છે ત્યારે સુપ્રિયા શ્રીનેતે રાજ્યસભામાં જવાના બદલે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરીને આશ્ચર્ય સર્જ્યું છે. રાજ્યસભાની ખાલી પડનારી ૫૬ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૦ બેઠકો જીતી શકે તેમ છે. સુપ્રિયા શ્રીનેત સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય હોવાથી કોંગ્રેેસ તેમને રાજ્યસભામાં મોકલવા વિચારી રહી છે પણ શ્રીનેતે ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.  

સુપ્રિયા ૨૦૧૯માં પણ મહારાજગંજમાંથી લડયાં હતાં પણ માત્ર ૭૨ હજાર મત મળ્યા હતા અને ડીપોઝિટ પણ ગઈ હતી. છેલ્લાં પાચં વર્ષમાં પોતે બહુ મહેનત કરી હોવાથી જીતી શકે તેમ છે એવો સુપ્રિયાનો દાવો છે.

સુપ્રિયાના પિતા હર્ષવર્ધન ૧૯૮૯ અને ૨૦૦૯માં એમ બે વાર મહારાજગંજ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. યુનિયન લીડર તરીકે તેમનો પ્રભાવ હોવાથી સુપ્રિયાને જીતવાની આશા છે.

સિંધિયાએ ગુના માગતાં હાઈકમાન્ડ મૂંઝવણમાં

મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુના લોકસભા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરીને ભાજપ હાઈકમાન્ડને મૂંઝવણમાં મૂકી દીધું છે. સિંધિયા ૨૦૧૯માં ભાજપના કૃષ્ણપાલ યાદવ સામે હારી ગયા હતા. કૃષ્ણપાલ યાદવ પહેલાં સિંધિયાની સાથે જ હતા અને ગુનામાં જ્યોતિરાદિત્યના પ્રતિનિધી તરીકે કામ કરતા હતા પણ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ના આપતાં નારાજ થઈને ભાજપમાં જતા રહ્યા હતા. ભાજપે તેમને સિંધિયાને હરાવવાની જવાબદારી સોંપી હતી કે જે તેમણે પાર પાડી હતી.

હવે સિંધિયા પોતાની મૂળ બેઠક પર ફરીથી લડવા માગે છે તેથી ભાજપ મૂંઝાયો છે. કૃષ્ણપાલ યાદવને કાપીને સિંધિયાને ટિકિટ અપાય તો યાદવ સાથે ભાજપે ગદ્દારી કરી એવો મેસેજ જાય, આ ઉપરાંત યાદવ સમુદાય પણ નારાજ થઈ જાય તેથી હાઈકમાન્ડ કૃષ્ણપાલને કાપવાના મૂડમાં નથી. ભાજપ સિંધિયાને ગ્વાલિયર બેઠક આપી શકે છે. ગ્વાલિયરના સાંસદ વિજય વિવેક શેજવાલકર ૭૭ વર્ષના છે તેથી તેમને ભાજપ નિવૃત્ત કરી શકે છે.

હરિયાણામાં બે બિશ્નોઈ ભાઈઓની ટક્કર

હરિયાણામાં કુલદીપ બિશ્નોઈ ભાજપમાં જતા રહેતાં કોંગ્રેસ તેમના મોટા ભાઈ ચંદ્રમોહનને લઈ આવી છે તેથી બે ભાઈઓની ટક્કર થશે. ભજનલાલના મોટા દીકરા ચંદ્રમોહનને કોંગ્રેસે હરિયાણા ઈલેક્શન કમિટી અને પોલીટિકલ અફેર્સ કમિટી બંનેમાં ચંદ્રમોહનને સ્થાન આપ્યું છે. ચંદ્રમોહનનું નામ બંને યાદીમાં સૌથી ઉપર છે. કુલદીપ અને ચંદ્રમોહનના પિતા ભજનલાલ હરિયાણાના રાજકારણમાં મોટું નામ મનાતા હતા.

ચંદ્રમોહન હરિયાણાના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. થોડાં વરસો પહેલાં ચંદ્રમોહને પોતાની પ્રેમિકા ફિઝા સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અપનાવી લીધો હતો અને ચાંદ મોહન બની ગયા હતા. થોડાં વરસો પછી ફિઝાને તલાક આપીને ચંદ્રમોહન રાજકારણમાં પાછા આવ્યા હતા અને કુલદીપ બિશ્નોઈએ બનાવેલી હરિયાણા જનહિત કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય થયા હતા. જો કે સળંગ પાંચ વાર ધારાસભ્યપદે ચૂંટાયેલા ચંદ્રમોહનની રાજકીય કારકિર્દીની ગાડી એ પછી પાટા પર ચડી જ નહીં.  હવે કોંગ્રેસના શરણ જઈને ચંદ્રમોહન પાછા મેદાનમાં આવ્યા છે. 

* * *

ભારત રત્ન : વિજેતાઓની પસંદગીના મુદ્દે રાજકીય વિવાદ

તાજેતરમાં ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન જેમને અપાયું છે એ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય વિવાદ શરૂ થયો છે. એવોર્ડ-વિજેતાઓ પી.વી. નરસિંહરાવ, ચૌધરી ચરણસિંઘ અને ભારતની હરિત ક્રાંતિના જનક એમ.એસ. સ્વામીનાથનની પસંદગી પર પ્રશંસાના પુષ્પો પણ વરસ્યા છે અને ટીકાના તીર પણ. કોંગ્રેસે વિજેતાઓની પસંદગી પાછળ ભાજપની ગણતરીપૂર્વકની રાજકીય ચાલ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે એવોર્ડને ફક્ત એક કુટુંબ પૂરતા મર્યાદિત રાખવાનો આક્ષેપ કરીને કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે.

ભાજપને મતરૂપે વળતરની આશા

તેલંગાણામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયત્નશીલ ભાજપને આશા છે કે કોંગ્રેસે જેમને નકારી કાઢ્યા હતા એ પી.વી. નરસિંહરાવને ભારતરત્ન એવોર્ડ એનાયત કરીને પોતાને ચૂંટણીમાં લાભ થશે. એમ.એસ. સ્વામીનાથનની પસંદગીથી પણ તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણના રાજ્યોમાં પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. ખેડૂતો પ્રત્યે પોતાની વચનબધ્ધતાને મજબૂત કરવા એણે કોશિશ કરી છે. જાટ નેતા ચૌધરી ચરણસિંઘની પસંદગીથી પણ ખેડૂતો ઉપરાંત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં વસતા જાટ સમાજમાં પોતાનું વર્ચસ્વ સંગીન થવાની ભાજપ અપેક્ષા રાખે છે.

ઇન્ડિયા મોરચાને વધુ એક આંચકો

પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પ્રભાવક બની રહેલા ખાપ પંચાયતના નેતાઓએ રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીને ટેકો આપતા જયંત, ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં જોડાનાર હોવાના સંકેત મળી રહ્યા છે. શામિલના કાલખાન્ડે ખાપના વડા સંજય કાલખાન્ડેએ ખેડૂતોના કલ્યાણ માટે ચૌધરી પરિવારની ઐતિહાસિક પ્રતિબધ્ધતા પર ભાર મૂકીને કહ્યું કે ચૌધરી પરિવાર આ કંઇ પહેલી વાર પાટલી બદલી રહ્યું નથી, પરંતુ આ કુટુંબે સતત ખેડૂતોના હિતોને અગ્રીમ ગણ્યા છે. સંજયે પોતાના વિધાનના સમર્થનમાં જયંતના પિતા અજીત સિંઘના, ખેડૂતો માટેના યોગદાનને સંભાર્યું છે.

જગનમોહનની માગણી : આંધ્રને વિશેષ દરજ્જો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ શુક્રવારે સંસદભવનસ્થિત વડાપ્રધાન-કાર્યાલયમાં નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં આંધ્રને વિશેષ દરજ્જો આપવાની પોતાની જૂની માગણીનો પુનરોચ્ચાર કર્યો. રેડ્ડીના કાર્યાલયે જારી કરેલી સત્તાવાર અખબારી યાદીમાં પ્રતિપાદિત કરાયું છે કે જગન રાજ્યના વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે વડાપ્રધાન મોદીને એક કલાક માટે મળ્યા હતા. નોંધનીય છે કે જગન-મોદીની મુલાકાતના આગલા દિવસે તેલૂગુદેશમ પક્ષના અધ્યક્ષ એન.ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળ્યા. આનાથી બંને પક્ષો - તેલૂગુદેશમ પક્ષ તથા ભાજપ-આંધ્ર વિધાનસભા અને લોકસભાની આગામી ચૂંટણીઓ માટે હાથ મિલાવી શકે છે.

કાશ્મિરમાં નવી અનૂસૂચિત જનજાતિ : પાહારિસ

કેન્દ્ર સરકારે એસટી (અનુસૂચિત જનજાતિ)ની સુધારેલી યાદીમાં જમ્મુ અને કાશ્મિરની પાહારિસ જ્ઞાાતિને સ્થાન આપીને એમની લાંબા સમયથી પડતર માગણી પણ સંતોષી છે અને સાથે જ રાજકીય બાહોશી પણ દર્શાવી દીધી છે. કાશ્મિરમાંથી કલમ-૩૭૦ને હટાવાયાના ત્રણ વર્ષ પછી ૨૦૨૨માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મિરના રાજૌરી તથા બારામુલ્લામાં યોજેલી બે રેલીઓમાં પ્રજાજનો ઉમટી પડયા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત પાહારિ જાતિના લોકો શાહને વધાવી રહ્યા હતા. 

ફ્રન્ટિયર નાગા ટેરિટરીનો અમલ માગતા નાગાઓ

નાગાલેન્ડ 'ફ્રન્ટિયર નાગા ટેરિટરિ'ના પૂર્વના છ જિલ્લાઓ માટે સ્વાયત્ત પરિષદની રચના કરવા અપાયેલી ખાતરીના અમલમાં કેન્દ્ર દ્વારા થઇ રહેલા વિલંબથી નાસીપાસ થયેલા ઇસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન (ઇએનપીઓ)એ શનિવારે છ જિલ્લા વડામથકોએ એકસાથે જાહેર રેલીઓ યોજીને આગામી સંસદીય ચૂંટણી અગાઉ ઉપરોક્ત ખાતરીનો અમલ કરવાની માગણી કરી. ઇએનપીઓ નાગાલેન્ડના પૂર્વના છ જિલ્લાઓની સાત નાગા જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક રેલીમાં ઠરાવ પસાર કરાયો કે જો કેન્દ્ર સરકાર નાગા પ્રજાજનોની સંવેદનાઓ તથા આકાંક્ષાઓ સંતોષે નહિ તો આ રાજ્યના લોકોને પોતાનો માર્ગ પોતે શોધી લેવાની ફરજ પડશે.

- ઇન્દર સાહની

Gujarat