For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિસોદિયાને જેલમાં ખતરો હોવાના મુદ્દે જંગ .

Updated: Mar 9th, 2023

Article Content Image

નવીદિલ્હી: મનિષ સિસોદિયાની ધરપકડ પછી હવે તેમને તિહાર જેલમાં રાખવાના મુદ્દે રાજકીય જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીએ સિસોદિયાને તિહારની જેલ નંબર ૧માં રાખવા સામે સવાલ ઉઠાવીને આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકાર સિસોદિયાની રાજકીય હત્યા કરાવવા માગે છે. આપના સૌરભ ભારદ્વાજે આક્ષેપ કર્યો કે, સિસોદિયાએ વિપશ્યના સેલમાં રાખવાની માગ કરી હતી પણ  ત્યાં રાખવાના બદલે જે જેલમાં ખૂંખાર આતંકવાદીઓ છે ત્યા રખાયા છે. આ જેલમાં રહેતા કેદીઓ એક ઈશારા પર કોઈની પણ  હત્યા કરી શકે છે.

ભાજપે સામે સવાલ કર્યો છે કે, દિલ્હીમાં જેલનું તંત્ર દિલ્હી સરકારના તાબા હેઠળ છે તો પછી સિસોદિયાને કોના તરફથી ખતરો છે ? ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, કેજરીવાલ સરકાર સ્વીકારી રહી છે કે દિલ્હીની જેલો સલામત નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બુધવારે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ ધ્યાન પર બેઠા હતા.

કોંગ્રેસના મંત્રીના પુત્રે રાહુલને ઝાટકી નાંખ્યા

રાહુલ ગાંધીએ બ્રિટનમાં કરેલા નિવેદનની કોંગ્રેસના જ નેતાએ ટીકા કરી છે. રાજસ્થાનના પર્યટન મંત્રી વિશ્વેદ્ર સિંહના પુત્ર અનિરુદ્ધ સિંહે રાહુલ ગાંધી સામે વિદેશી જમીન પર દેશનું અપમાન કરવાનો આક્ષેપ મૂક્યો છે. અનિરુદ્ધે ટ્વીટ કર્યું હતું કે, આપણા સંસદમાં માઇક ચૂપ છે એવું કહીને રાહુલ ગાંધી વામણા સાબિત થયા છે. રાહુલે બીજા દેશની સંસદમાં પોતાના દેશનું અપમાન કર્યું છે કેમ કે રાહુલ કદાચ ઇટાલીને જ પોતાની માતૃભૂમિ માને છે. અનિરુદ્ધને સચિન પાયલટની ખૂબ નજીક માનવામાં આવે છે.

અનિરુદ્ધ સતત વિવાદાસ્પદ નિવેદનો કર્યો કરે છે.  ગયા વરસે અનિરૂદ્ધે એવું કહીને વિવાદ પેદા કરેલો કે, તેમનો પરિવાર કરૌલીના જાદૌન રાજપૂતોનો વંશજ છે.  ૧૮મી સદીના મહાન જાટ શાસક મહારાજા સૂરજમલના વંશજ નથી. સૂરજમલે ભરતપુર રાજ્યની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. મે ૨૦૨૧માં અનિરુદ્ધે તેના પિતા પર માતાને ટોર્ચર કરવાનો અને દારૂની લત હોવાનો આક્ષેપ કર્યો હતો.

 પવાર મહારાષ્ટ્રમાં ભાજપ સાથે જોડાણના રસ્તે ?

એનસીપીના વડા શરદ પવારે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોને પોતાનું સમર્થન જાહેર કરતાં મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને એનસીપી વચ્ચે જોડાણની અટકળો શરૂ થઈ છે. પવાર મહારાષ્ટ્રમાં ભાજપ સાથે બેસવાનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાનું કહેવાય છે.

નાગાલેન્ડમાં અત્યારે એનડીપીપી અને ભાજપની ગઠબંધન સરકાર છે. એનસીપી નાગાલેન્ડમાં સરકારનો હિસ્સો બનશે કે પછી તેને માત્ર બહારથી સમર્થન આપશે એ સ્પષ્ટ નથી. પવારની નજીકનાં સૂત્રોનો દાવો છે કે, એનસીપીના નાગાલેન્ડ એકમ અને ૭ ધારાસભ્યોએ રાજ્યના હિતમાં સરકારને સમર્થન આપવાનો અભિપ્રાય આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગાલેન્ડમાં એનસીપી   વિપક્ષમાં બેસશે એવું મનાતું હતું. એનસીપીએ રાજ્યમાં વિપક્ષના નેતાપદની પણ માગણી કરી હતી પણ  અંતિમ નિર્ણય શરદ પવાર પર છોડી દેવાયો હતો. પવારે મંગળવારે પ્રભારીની રજૂઆત પ્રસ્તાવ સાંભળ્યા પછી નેફ્યુ રિયોના નેતૃત્વને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.  એનસીપીએ પિક્ટો શોહેને વિધાનસભા પક્ષના નેતા અને પી લોન્ગોનને નાયબ નેતા તરીકે ચૂંટયા છે.

ભાજપની વ્યૂહરચના ઘડવા ત્રણ નેતાની ટીમ

ભાજપે લોકસભા ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડવા ત્રણ રાષ્ટ્રીય મહામંત્રીઓની ટીમ બનાવી છે. સુનિલ બંસલ, વિનોદ તાવડે અને તરૂણ ચુગને સોંપાયું છે. આ ટીમ ભાજપના કેન્દ્રીય અને રાજ્ય એકમના અનેક વરિષ્ઠ નેતાઓના ચૂંટણી કાર્યક્રમો નક્કી કરશે. સાથે સાથે ગઈ ચૂંટણીમાં જે બેઠકો પર ભાજપ બીજા નંબરે રહ્યો હતો તેના પર જીતવા માટે ક્યો ઉમદવાર શ્રેષ્ઠ તે અંગે  ચર્ચા કરીને પક્ષના ઉમેદવારો પણ નક્કી કરશે. મોદીએ આ ટીમને તાત્કાલિક રીતે કામ કરવા આદેશ આપી દીધો છે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપ આવતા મહિનાથી જ નવા મતદારોને ભાજપ તરફ વાળવા અભિયાન શરૂ કરવાનો છે. તેની રૂપરેખા પણ આ ટીમ નક્કી કરશે. અત્યારે ત્રણ મહામંત્રીઓને ટીમમાં લેવાયા છે પણ હવે પછી બીજા હોદેદારોને પણ ટીમમાં લેવાશે કે જેથી આ ટીમે નક્કી કરેલી વ્યૂહરચના પર સરળતાથી કામ થાય. આ ટીમ લોકસભા મતવિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને તમામ પ્રકારની સહાય કરવાની વ્યવસ્થા ગોઠવશે.

 રાજનાથના ઘરે ભાજપના ટોચના નેતા ગેરહાજર

રાજનાથ સિંહે નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને કરેલી હોળીની ઉજવણીમાં ભાજપના ટોચના નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. સરકારના ટોચના કોઈ મંત્રી કે ભાજપ સંગઠનના નેતા આ ઉજવણીમાં હાજર નહોતા. વિદેશ મંત્રી એસ જયશંકર, વ્યાપાર મંત્રી પિયૂષ ગોયલ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ હાજર રહ્યા હતા પણ તેમની હાજરીનું કારણ અમેરિકાનાં વાણિજ્ય મંત્રી ગીના રાયમોંડો હતાં.

રાયમોંડો હોળીની ઉજવણી માટે રજનાથના ઘરે પહોંચતાં આ મંત્રીઓએ પણ પ્રોટોકલ નિભાવવા પહોંચવું પડયું હતું. ગીનાએ ચહેરા પર રંગ, હોળીનો અલગ ડ્રેસ અને ગળામાં માળા નાખીને હોળી ગીતોનાં પર ડાન્સ કર્યો હતો. ગીનાએ રાજનાથ સિંહને પણ પોતાની સાથે નચાવ્યા હતા.

રાયમોંડો ૭ માર્ચથી ૧૦ માર્ચ સુધી ચાર દિવસના ભારતના પ્રવાસે છે. રાયમોંડો ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપાર અંગેની બેઠક તથા સીઈઓ ફોરમમાં ભાગ લેશે. ગીનાની હાજરીમાં  ભારત અને અમેરિકા  વચ્ચે નવા વેપાર કરાર તથા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરાશે.

***

અર્જુન સિંઘનો વારસો- મ.પ્ર.ભાજપનો આધાર

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે આ વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની આગળ-આગળ મંગળવારે ભોપાલમાં કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન સિંઘના પ્રતિમાનું અનાવરણ કર્યું એનો અર્થ હોંશિયાર રાજકીય પગલા રૂપે, થઇ રહ્યો છે. એ પછી ચૌહાણે પ્રવચનમાં જણાવ્યું કે રેવા જિલ્લાનો માઉગંજ તાલુકો મધ્યપ્રદેશનો ૫૩મો જિલ્લો બનશે. અર્જુનસિંઘ ૧૯૮૦ ના દાયકામાં મધ્યપ્રદેશના ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ તથા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના પ્રધાનમંડળમાં મંત્રી હતા. એમને વિંધ્ય પ્રદેશના મોટા નેતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. કોંગ્રેસીનેતા દિગ્વિજય સિંઘે અર્જુન સિંઘને એમના રાજકીય માર્ગદર્શક ગણાવ્યા.

રાજસ્થાનનો પ્રધાન-પુત્ર રાહુલ ગાંધી પર બગડયો

ભારતીય સંસદમાં માઇકો બંધ રાખવામાં આવે છે, એ મતલબના કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના વિધાન અંગે  રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજસ્થાનના રાજ્ય પ્રવાસન મંત્રી વિરેન્દ્ર સિંઘના પુત્ર અનિરૂધ્ધ સિંઘે રાહુલ ગાંધીની ટીકા કરી છે. સિંઘે ટ્વિટ કર્યું છે કે તેઓ (રાહુલ) વિચારી શકતા નથી. તેઓ પરદેશી સંસદમાં પોતાના દેશનું અપમાન કરે છે. અથવા કદાચ તેઓ ઇટાલીને પોતાની માતૃભાષા સમજે છે. અત્રે નોંધનીય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના મુદ્દે પક્ષમાં થતી આંતરિક લડાઇમાં અનિરૂધ્ધ સિંઘ અને એના પિતા પણ સંડોવાયા છે. પુત્ર અનિરૂધ્ધ પાઇલોટની તરફેણ કરે છે જ્યારે પિતા વિશ્વેન્દ્રસિંઘ કે જેઓ એક સમયે પાઇલોટ - જૂથમાં હતા તેઓ હવે પાટલી બદલીને પાછા અશોક ગેહલોત છાવણીમાં પહોંચ્યા છે.

હરિયાણાના વિવાદી મંત્રીના માથે બીજો વિવાદ

હરિયાણા સરકારની ઇ-ટેન્ડરિંગ પ્રક્રિયાનો વિરોધ કરનારા સરપંચોને ચોર કહેવા બદલ જેની ટીકા થઇ હતી. એ હરિયાણાના વિકાસ અને પંચાયત મંત્રી દેવેન્દર સિંઘ બાબલી વળી પાછા બીજા એક વિવાદમાં ફસાયા છે. તોહાના મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત ઇજનેર રમણદીપે આક્ષેપ કર્યો છે કે એમણે એક સ્થાનિક કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવાની ના પાડતા તોહાનાના ધારાસભ્ય અને જનનાયક જનતા પક્ષ (જેજેપી) ના નેતા એવા બાબલીએ એમની (રમણદીપની) ખુરશીને લાત મારી, એમની સાથે ખેંચતાણ કરી તથા જાતિસૂચક અપશબ્દો બોલ્યાં.

મને કોઇએ તોડયો નથી ઃ સીટીઆર નિર્મલકુમાર

તાજેતરમાં એઆઇએડીએમકેમાં જોડાયેલા તમિલનાડુ ભાજપના આઇટી સેલના વડા સીટીઆર નિર્મલકુમારે જણાવ્યું કે એમનું પક્ષાંતર કોઇ તોડબાજીનું પરિણામ નથી. પક્ષને છોડી દેવાનો એ કઠણ નિર્ણય હતો. એ મારો નિર્ણય છે. કોઇ પક્ષ સાથેનો સંબંધ એ ના તો તોડબાજી છે, કે પછી ખરીદી જેવી કામગીરી નથી. એ સંવેદના છે, એમ એમણે ઉમેર્યું. હું છેલ્લા દોઢ વર્ષથી ઘણા બધા ધર્મસંકટોમાંથી પસાર થયો છું.મેં પ્રામાણિકતાથી સખત કામ કર્યું છે. હવે ફક્ત દર્દ બાકી રહે છે. આવજો.. એમ નિર્મલકુમારે ટ્વિટ કર્યું.

દક્ષિણ ભારતમાં દૂધ અને દહીંનો ઉપયોગ વધુ

પંજાબી અને હરિયાણા દૂધ-દહીંની ભૂમિ ગણાય છે, પરંતુ જ્યારે વપરાશની વાત આવે ત્યારે તેઓ એમના દહીંપ્રિય દક્ષિણી ભાઇઓ કરતાં પાછળ રહી જાય છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના મતાનુસાર, પંજાબ અને હરિયાણામાં માથાદીઠ દૂધનું ઉત્પાદન મહત્તમ છે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાંચમાં રાઉન્ડ કહે છે કે ઉત્તરવાસીઓ કરતાં સરેરાશ પણે દક્ષિણ ભારતીયો વધુ દૂધ તથા દહીંનો ઉપયોગ કરે છે. દક્ષિણી રાજ્યોમાં આ ઉત્પાદનોનો સૌથી વધુ વપરાશ તમિલનાડુમાં થાય છે, જ્યાં ૭૬.૩ ટકા પુરૂષો જ્યારે ૮૦.૧ ટકા મહિલાઓ દૈનિક ધોરણે કાં તો દૂધ અથવા દહીં અથવા બંનેનો ઉપયોગ કરે છે. એ જ રીતે આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણ રાજ્યો હતાં. હરિયાણા અને પંજાબ કરતાં દૂધ તથા દહીંનો વધુ વપરાશ થાય છે.

બાઘેલ રામનું નામ લે, પરંતુ ધર્માંતરણના ટેકેદાર ઃ રમણ

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંઘે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ સામે આક્ષેપ કર્યો છે. કે બાઘેલ રામનું નામ લે છે, પરંતુ ધર્માંતરણ કરાવનારા લોકોના હિમાયતી છે. એમણે કોંગ્રેસી સરકારના વિકાસના દાવા સામે પ્રશ્નાર્થ કર્યો છે. વળી એમણે રાજ્યમાં ભાજપ કાર્યકરોના થતા ટાર્ગેટ કિલિંગ પાછળ કાવતરૂં નિહાળ્યું છે. રમણસિંઘે એક મુલાકાતમાં પોતાને પક્ષમાં બાજુએ રાખી દેવાયા હોવાની વાતને નકારી કાઢી, પોતે આ વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહીને, છેલ્લી વાર મતોનો સંગ્રામ ખેલનાર હોવાનું ઉમેર્યું છે.

પ્રયાગરાજમાં થયેલા એન્કાઉન્ટરો સામે સવાલ

સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ઉમેશ સિંઘની હત્યા પછી થયેલા એન્કાઉન્ટરો અંગે જણાવ્યું જે કે આરોપીઓને એન્કાઉન્ટર દ્વારા ઉડાવી દઇને સરકાર શું છૂપાવવાની કોશિશ કરીરહી છે? મૃતક, ભાજપનો સભ્ય હતો અને યુપીના મંત્રી પૈસાના સોદામાં આરોપી છે. સરકાર આ કેસમાં શું છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે? બીજી બાજુ બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ આ મુદ્દે પ્રતાભાવમાં કહ્યું છે કે રાજ્ય સરકાર એન્કાઉન્ટરો કરીને વિકાસ દુબે પ્રકરણને સજીવન કરવાનો પ્રયાસ કરી રહી છે.

- ઇન્દર સાહની


Gujarat