ગુજરાત માટેની સમિતિની કોંગ્રેસમાં જ મજાક .

Updated: Jan 9th, 2023


ગુજરાત માટેની સમિતિની કોંગ્રેસમાં જ મજાક

નવીદિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં હારના કારણો શોધવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી તેની કોંગ્રેસમાં જ મજાક ઉડી રહી છે. કોંગ્રેસના નેતાઓના મતે, ગુજરાતમાં કોંગ્રેસનાં હારના કારણો બધાંને ખબર છે ને તેના માટે કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી.

કોંગ્રેસનો એક વર્ગ સનિતીનાં નાટકો બંધ કરવાના બદલે નક્કર તામ કરવાની તરફેણ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, ૧૯૯૯માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ પહેલી વાર સમિતિ બનાવી ત્યારથી આ નાટક ચાલે છે. ૧૯૯૮માં બનાવેલી  ૧૧ સભ્યોની સમિતિ એ.કે. એન્ટનીના પ્રમુખસ્થાને બનાવાયેલી પણ તેનો અહેવાલ કદી જાહેર જ ન કરાયો.  એન્ટનીને  ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા હાર બાદ પણ કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી પણ કશું થયું નથી.  ૨૦૨૧માં અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. આ બધી સમિતીઓ છતાં કોંગ્રેસ હાર્યા કરે છે તેનો અર્થ એ કે, સમિતીનો અર્થ નથી.

- બિહારમાં નેતા-આઈએએસ પર બળાત્કારનો આરોપ

બિહારમાં તેજસ્વી યાદવની પાર્ટી  આરજેડીના ભૂતપૂર્વ ારાસભ્ય ગુલાબ યાદવ અને ઊર્જા વિભાગના સેક્રેટરી સંજીવ હંસ સામે બળાત્કારની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે.  મહિલાનો આક્ષેપ છે કે, બંનેએ વારંવાર રેપ બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી ને બાળકને જન્મ આપ્યો હતો. નીતિશ કુમાર સરકાર બંને સામે કોઈ પગલાં નથી લેતી તેથી માછલાં ધોવાઈ રહ્યાં છે.

યાદવ અને હંસ દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ પોતાના બાળકના ડીએનએ ટેસ્ટ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. યાદવે મહિલાને બિહાર મહિલા આયોગની સભ્ય બનાવવાનું વચન આપ્યું હતું. મહિલાને પોતાના બાયોડેટા સાથે નિવાસસ્થાને બોલાવીને બંદૂકની અણીએ બળાત્કાર કર્યો હતો. એ પછી યાદવ પીડિતાને એવું કહીને પૂણે લઈ ગયો હતો કે  તેણે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. યાદવ અને સંજીવ હંસે તેના ખોરાકમાં કંઈક ભેળવીને તેના પર બળાત્કાર  કર્યો હતો. આ કૃત્યનો વીડિયો બવાવીને તેમણે ઘણી વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. 

- સહાનો દાવોઃ ભાજપમાં 

જોડાશો તો પાપ ધોવાઈ જશે !

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ભાજપને ગંગા નદી સાથે સરખાવીને કરેલા નિવેદન પર કટાક્ષ થઈ રહ્યા છે. સહાએ ડાબેરી નેતાઓને ભાજપમાં જોડાવા માટે અપીલ કરતા કહ્યું કે, ભાજપ ગંગા નદી જેવો છે,  તેમાં ડૂબકી મારવાથી તમામ પાપોથી મુક્ત થઈ જવાશે. જન વિશ્વાસ રેલી પર નિકળેલા સહાએ કહ્યું કે, સ્ટાલિન અને લેનિનની વિચારધારામાં વિશ્વાસ રાખનારા  ભાજપમાં જોડાશે તો તમારા બધા પાપ ધોવાઈ જશે. સહાએ એમ પણ કહ્યું કે,  ટ્રેનના ડબ્બા હજુ પણ ખાલી છે. ડબ્બામાં બેસીને મોદી આપણને જ્યાં જવાનું હતું ત્યાં લઈ જઈ રહ્યા છે. લોકો સહાની કોમેન્ટ પર કટાક્ષ કરી રહ્યા છે કે, ભાજપમાં જોડાઈને કેટલા બધા નેતા પવિત્ર થઈ ગયા એ અમે જોઈએ જ છીએ. ઘણા લોકો સહાને બેશરમ ગણાવીને કહી રહ્યા છે કે, આ રીતે ખુલ્લેઆમ આડકતરી ધમકીની ભાષામાં પક્ષપલટાની હાકલની નફ્ફટાઈ ભાજપના નેતા જ કરી શકે.

- પોલીસની આબરૂનો ધજાગરો, ટોળું કેદીઓને છોડાવી ગયું

દિલ્હીમાં પોલીસે પકડેલા આફ્રિકન મૂળના ૩ નાગરિકોને ૧૦૦થી વધુ આફ્રિકન મૂળના લોકો છોડાવી જતાં દિલ્હી પોલીસનની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. આફ્રિકન મૂળનાં લોકો ટોળું બનાવીને  પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને પોતાના ત્રણ સાથીઓને પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે ઓફિસરો સાથે લડીને પોતાના સાથીઓને છોડાવી ગયા હતા. પોલીસે સાઉથ દિલ્હીમાં રાજુ પાર્ક વિસ્તારમાંથી આ ત્રણ આફ્રિકન નાગરિકોને પકડયા હતા. તેમના વિઝાની મુદત પતી ગઈ હોવા છતાં તેઓ ભારતમાં રહેતા હતા.

પોતાના સાથીઓને છોડાવવા માટે આફ્રિકન નાગરિકોના ટોળાએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. પોલીસે એક આફ્રિકનને ફરી પકડી લીધો હતો પણ બીજા બે હજુ ફરાર છે.  આબરૂનો ધજાગરો થતાં હરકતમાં આવેલી પોલીસ અને નાર્કોટિક્સ સ્ક્વોડની ટીમે બીજા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ લોકોને લઈ જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ તેને પોલીસ બર્બરતા ગણાવીને વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

- કોશ્યારીનો દાવો, રાજ્યપાલ બનીને હું ખુશ નથી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતે રાજ્પાલ બન્યા પછી ખુશ નહીં હોવાનું નિવેદન કરીને વિવાદ સર્જ્યો છે. એક કાર્યક્રમમાં કોશ્યારીએ કહ્યું હતું કે, રાજ્યપાલ બન્યા પછી હું ખુશ નથી અને મને લાગે છે કે હું યોગ્ય સ્થાને નથી. કોશ્યાારીએ એમ પણ કહ્યું હતું કે, રાજકારણીઓ નહીં પણ  સાધુઓ રાજભવનમાં આવે છે ત્યારે મને આનંદ થાય છે. કોશ્યારીના નિવેદનને લોકો રાજ્યપાલપદનું અપમાન ગણાવી રહ્યા છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, મોદી સરકારે કોશ્યારીના મનની વાત સમજીને તેમને યોગ્ય સ્થાને મોકલીને મહારાષ્ટ્રને નવા રાજ્યપાલ આપવાની જરૂર છે. કેટલાકે કોમેન્ટ કરી છે કે, રાજભવનમાં સાધુઓને બોલાવીને કોશ્યારી રાજભવનને ધર્મશાળા બનાવી દેવા માગે છે કે શું ? ભાજપે બચાવ કર્યો છે કે, કોશ્યાારીના આ નિવેદન અંગે વિવાદ કરવો યોગ્ય નથી. લોકો તેની સામે પણ સવાલ કરી રહ્યા છે કે, કોશ્યાારીનો દરેક વાર બચાવ કરવો ભાજપની મજબૂરી છે ?

- હિમાચલમાં મંત્રી ના બનાવાતાં ત્રણ ધારાસભ્ય નારાજ

હિમાચલ પ્રદેશમાં એક મહિનાની રાહ જોયા પછી કોંગ્રેસના સાત ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે.  મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ ૧૦ ધારાસભ્યોને મંત્રીમંડળમાં લઈ શકે તેમ હતા પણ તેમણે ત્રણ સ્થાન ખાલી રાખ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સ્થિતી જોઈને આ સ્થાન ભરાશે એવો કોંગ્રેસના સૂત્રોન દાવો છે.

સુક્ખુએ મંત્રીમંડળ બનાવ્યું એ સાથે જ અસંતોષ પણ શરૂ થઈ ગયો છે. ત્રણેક ટોચના ધારાસભ્યોએ પોતાનો સમાવેશ ના થતાં નારાજગી દર્શાવી છે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસમાં દાવેદાર વધારે હોવાથી સુક્ખુ પાસે વધારે વિકલ્પ જ નહોતા.  

- લોકોની મરજી હોય તો થરૂર મુખ્યમંત્રી બનવા તૈયાર

થિરૂવનન્તપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે જો કેરળવાસીઓની ઇચ્છા હોય તો પોતે રાજ્યના મુખ્યમંત્રી બનવા તૈયાર છે. જોકે આ નિર્ણય લોકોએ કરવાનો છે. એમણે મનોરમા ન્યુઝ મેકર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે હું મુખ્યમંત્રીપદની કામગીરી કરવા તૈયાર છું, પરંતુ છેલ્લો નિર્ણય પ્રજાના હાથમાં છે. કેરળને નડતી સમસ્યાઓના આંતરિક કારણો શોધવાની જવાબદારી આપણા શિરે છે એમ થરૂરે કહ્યું. એમણે કોંગ્રેસ કારોબારીની ચૂંટણીમાં ઝંપલાવવાની શક્યતાને જીવંત રાખી છે.

- ભારત જોડો યાત્રાને ભાજપ-જનના આશિષ

અયોધ્યાના શ્રીરામ મંદિરના મૂખ્ય પૂજારીએ ભારત જોડો યાત્રાને આશિષ પાઠવ્યા એ સમાચારને રાહુલ ગાંધી અને એમની યાત્રાનો નૈતિક જુસ્સો વધારનારરૂપે જોવામાં આવી રહ્યા છે. આશિષ પાઠવનાર આચાર્ય સત્યેન્દ્ર દાસ ભાજપ અને એના સહ-સંગઠન વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા હોઇ એમના આશિષનું મહત્ત્વ વધી જાય છે. 

- ઇન્દર સાહની

    Sports

    RECENT NEWS