નવીદિલ્હી : તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો વિજયના ટીવીકે પક્ષને મળી છે. જોકે કોંગ્રેસના ટેકા પછી પણ વિજયનો પક્ષ જરૂરી ૧૧૮ ધારાસભ્યોના હસ્તાક્ષર કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. વિજય જ્યારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકરને મળવા ગયા હતા ત્યારે રાજ્યપાલે એમને કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે વિજયને આમંત્રણ આપવા માટે એમની પાસે જરૂરી ધારાસભ્ય નથી. ટીવીકે પાસે ૧૦૮ ધારાસભ્ય છે અને કોંગ્રેસના સમર્થનથી આંકડો ૧૧૩ સુધી પહોંચે છે. બીજી વખત વિજય ફરીથી રાજ્યપાલને મળવા ગયા ત્યારે પણ એમની પાસે બહુમતિ ધારાસભ્યો નહોતા. હવે જોવાનું એ રહે છે કે ઘટતા ૬ ધારાસભ્ય વિજય કઈ રીતે મેનેજ કરે છે. વીસીકેના પ્રમુખ થિરુમાવલવનએ રાજ્યપાલને વિનંતી કરી છે કે, વિજયને બોલાવીને ફલોર ટેસ્ટ કરવાનો મોકો આપે. વિજય સૌથી મોટા પક્ષના નેતા હોવાથી એમને એક મોકો મળવો જોઈએ.
ચંદ્રનાથ રથની માતાનો આક્રોશ
પશ્ચિમ બંગાળમાં નોર્થ ચોવીસ પરગણા જિલ્લામાં આવેલા મધ્યમગ્રામમાં માર્યા ગયેલા ચંદ્રનાથ રથની માતાએ કહ્યું છે કે, તેઓ નથી ઇચ્છતા કે જવાબદારોને ફાંસી આપવામાં આવે એમણે કહ્યું હતું કે, 'હું ઇચ્છું છે કે એમને આજીવન કેદની સજા કરવામાં આવે.' ચંદ્રનાથ રથ પશ્ચિમ બંગાળ ભાજપના નેતા શુભેંદુ અધિકારીના પીએ હતા. મમતા બેનર્જીને શુભેંદુએ ભવાની પુર બેઠક પરથી હરાવ્યા હતા. કોઈપણ પ્રકારના આઇડી વગર મમતાએ જ્યારે મતગણતરીના રૂમમાં જવા માંગતા હતા ત્યારે ચંદ્રનાથ રથે એમને અટકાવવાની કોશિષ કરી હતી. ભાજપ અને ટીએમસી બંનેએ ચંદ્રનાથની હત્યાની ટીકા કરી છે. ચંદ્રનાથ રથના માતાના કહેવા પ્રમાણે એમના પુત્રની હત્યા એટલા માટે કરવામાં આવી છે કે, ભાજપ સત્તામાં આવ્યો છે. ટીએમસીના કાર્યકરો વારંવાર ધમકી આપતા હતા કે ૪ તારીખ પછી દિલ્હીનો બાપ પણ એમને બચાવી શકશે નહીં. મારા પુત્રનું મૃત્યુ કોઈ દુર્ઘટનામાં થતે તો મને આટલું દુખ થતે નહીં. જ્યારથી શુભેંદુ બાબુએ મમતાને હરાવ્યા છે ત્યારથી મારા કુટુંબ પર સંકટ આવી પડયું છે.
રાજીનામા છતાં જસ્ટીસ યશવંત વર્મા હજુ હાઇકોર્ટના જજ તરીકે ચાલુ
જસ્ટીસ યશવંત વર્મા દિલ્હી હાઇકોર્ટના જજ હતા ત્યારે એમના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળી હતી. આ બાબતે વિવાદ થતા એમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. એમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી પણ થવાની હતી. થોડા દિવસો પહેલા એમણે જજના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે નવાઈ લાગે એવી વાત એ છે કે, તેઓ હજી પણ જજ તરીકે ચાલુ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ હજી સુધી એમના રાજીનામા બાબતે કોઈ નિર્ણય લીધો નથી. અલ્હાબાદ હાઇકોર્ટના પોર્ટલમાં ન્યાયાધીશોના લિસ્ટમાં વર્માનું નામ ત્રીજા નંબરે છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં ૭૯ જજો છે. જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટની ખંડપીઠ લખનૌ ખાતે ૨૮ જજો છે. હાઇકોર્ટના પોર્ટલ પર અલ્હાબાદ સ્થિત જજોની યાદીમાં જસ્ટીસ યશવંત વર્માનું નામ જોઈને ઘણા ચોંકી ગયા છે.
તામિલનાડુના સંભવીત મુખ્યમંત્રીની મુશ્કેલી વધી
તામિલનાડુના ટીવીકે પક્ષના પ્રમુખ અને સંભવીત મુખ્યમંત્રી તેમજ ફિલ્મ અભિનેતા વિજય સામે ઇન્કમટેક્સમાં ગરબડ કરવા બદલ એફઆઇઆર કરવા માટે હાઇકોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ કિસ્સો ૨૦૧૫માં રિલિઝ થયેલી ફિલ્મ પુલી સાથે જોડાયો છે. હાઇકોર્ટની રજીસ્ટ્રીએ અરજીને નંબર પાડયો છે અને હવે થોડા દિવસોમાં આ બાબતે સુનાવણી પણ થશે. અરજી દાખલ કરવામાં આવી ત્યારે હાઇકોર્ટેની રજીસ્ટ્રીએ નંબર પાડવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર પછી ચીફ જસ્ટીસ શુસ્રુત અરવિંદ ધર્માધિકારી અને જસ્ટીસ જી. અરુલ મુરુગનની બેન્ચે રજીસ્ટ્રીને હુકમ કર્યો હતો કે અરજીનો નંબર પાડવામાં આવે. ફિલ્મ પુલી રીલીઝ થયા પછી ૨૦૧૫ની ૨૦માં સપ્ટેમ્બરે વિજયની મિલકતો પર ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડયા હતા.
અખિલેશ યાદવ ઠનઠન ગોપાલ?
થોડા સમય પહેલા અખિલેશ યાદવએ ચૂંટણીની રણનીતિ નક્કી કરવા આઇપેક કંપની સાથે કરાર કર્યો હતો. પ્રશાંત કિશોરની જેમ આઇપેક કંપની પણ વિવિધ પક્ષો માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરે છે. જોકે હવે બંગાળની ચૂંટણી પછી અખિલેશ યાદવએ આઇપેક સાથેનો કરાર તોડી નાખ્યો છે. કરાર તોડવા માટેનું કારણ અખિલેશ યાદવે એવું આપ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી. એટલે અમે આઇપેકની ફી ચૂકવી શકીએ એમ નથી. અખિલેશને કેટલાકે સલાહ આપી હતી કે, સી-વોટર્સ પાસેથી સર્વે કરાવવો જોઈએ. આ ઉપરાંત સોશ્યલ મીડિયા ઉપર સામેના પક્ષનો નકારાત્મક પ્રચાર કરાવવા માટે ૩૬૦ ડીગ્રી કંપની સાથે કરાર કરો. કેટલાક નીરિક્ષકોનું માનવું છે કે, આઇપેક કંપની બંગાળમાં મમતા બેનર્જીની સલાહકાર હતી. બંગાળમાં જે રીતે ટીએમસીની હાર થઈ છે એ જોઈને કદાચ અખિલેશ યાદવએ આઇપેક સાથે કરાર રદ કર્યો હોય.
ઓપરેશન સિંદુર બાબતે કોંગ્રેસે સરકારની કરી ટીકા
ઓપરેશન સિંદુરની પહેલી વર્ષગાંઠે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ચાબખા માર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભારતના પ્રયત્નો છતા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું નથી. ૨૦૦૮માં થયેલા મુંબઈના આંતકી હુમલા પછી કોંગ્રેસની રણનીતિને કારણે પાકિસ્તાન દુનિયામાં એકલું પડી ગયું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીરનું સ્વાગત જોરશોરથી કર્યું હતું. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, ઓપરેશન સિંદુર રોકવાની જાહેરાત ૨૦૨૫ની ૧૦મી મેએ સાંજે ૫.૩૭ વાગ્યે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કરી હતી. એમનું કહેવું હતું કે પ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે યુદ્ધવિરામ શક્ય થયો હતો. ત્યાર પછી પણ ટ્રમ્પે વારંવાર યુદ્ધવિરામ વિશે વાત કરી હતી અને વડાપ્રધાન મોદી એમને જવાબ આપી શક્યા નહોતા.


