Get The App

દિલ્હીની વાત : ચીને મોદીના લીધે પીછેહઠ કરી કે ડોભાલના ?

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ચીને મોદીના લીધે પીછેહઠ કરી કે ડોભાલના ? 1 - image


ચીને મોદીના લીધે પીછેહઠ કરી કે ડોભાલના ?

નવી દિલ્હી, તા.06 જુલાઈ 2020, સોમવાર

સોમવારે ચીનના લશ્કરે ગલવાન ખીણ સરહદેથી લશ્કરને પાછું ખેંચ્યું હોવાની જાહેરાત કરી કે તરત જ વેબસાઈટ્સ પર તેનો જશ કોને જાય છે તેને લગતા વિરોધાભાસી સમાચારોનો મારો શરૂ થઈ ગયો. કેટલીક વેબસાઈટ્સ પર એવા અહેવાલ આવ્યા કે, મોદી લેહ ગયા તેનાથી ફફડી ગયેલા ચીને બે દિવસમાં લશ્કર પાછું ખેંચી લીધું.  બીજી તરફ એવા અહેવાલો પણ આવ્યા કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે રવિવારે ફોન પર બે કલાક વાતચીત કરી પછી તરત જ ચીને તંબૂ હટાવી લીધા અને ગલવાન ખીણમાંથી લશ્કરને પાછું ખેંચી લીધું.

આ વિરોધાભાસી અહેવાલોમાં સાચું કોણ એ સવાલ પૂછાવા લાગ્યો. જો કે વાસ્તવમાં ચીને ભારતીય લશ્કરના કારણે પીછેહઠ કરી છે. બંને દેશના લશ્કરી અધિકારીઓ છેલ્લા પંદર દિવસથી રોજ મંત્રણા કરતા હતા. તેમણે સાથે મળીને તણાવ ઘટાડવા માટેની ફોર્મ્યુલા તૈયાર કરી હતી. મોદીએ મંજૂરીની મહોર મારી પછી ડોભાલે આ ફોર્મ્યુલા વાંચી સંભળાવવાનું જ કામ કર્યું છે.

મોદીને જશ અપાવવા કોરોનાની રસી માટે ઉતાવળ

આઈસીએમઆરએ ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરોનાની રસી કોવાક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ૧૫ ઓગસ્ટ સુધીમા પૂરાં કરવાની  સમયમર્યાદા નક્કી કરી એ મુદ્દે મોટો વિવાદ થઈ ગયો છે. ૧૨ સંસ્થાઓમાં આ ટ્રાયલ ચાલી રહી છે.

આઈસીએમઆરએ તમામને પત્ર લખીને કહ્યું છે કે, ૧૫ ઓગસ્ટ સુધીમાં એ નક્કી થઈ જવું જોઈએ કે આ રસી સામાન્ય લોકોને આપવા માટે તૈયાર છે. સંસ્થાઓએ આ સમયમર્યાદાને અવ્યવહારૂ ગણાવીને આઈસીએમઆર સામે વિરોધ વ્યક્ત કર્યો છે પણ તેમની વાત કોઈ સાંભળતું નથી.

ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સના મતે,  આટલા ટૂંકા ગાળામાં કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ પૂરા ના થઈ શકે. મેડિકલ નિષ્ણાતોના મતે, મોદીના લાભાર્થે આ ઉતાવળ કરાવાઈ રહી છે. મોદી ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કોરોનાની રસી તૈયાર હોવાની જાહેરાત કરી શકે એ માટે આઈસીએમઆર દબાણ કરી રહ્યું છે.  કોરાનાની રસી તૈયાર કરીને ભારત વિશ્વમાં સૌથી આગળ નિકળ ગયું છે એવો દાવો કરીને મોદી જશ લેવા માગે છે પણ  તેમાં ટ્રાયલના નિયમોને કોરાણે મૂકી દેવા પડશે.

સંબિત પાત્રાના પ્લાઝમા લેતાં પહેલાં ચેતજો

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે પ્લાઝમા ડોનેટ કર્યા તેમાં તો સોશિયલ મીડિયાને મજાક માટે મોટો મુદ્દો મળી ગયો. પાત્રાને ત્રણ અઠવાડિયાં પહેલાં કોરોના થયો હતો અને ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં સારવાર લઈને એ સાજા થયા હતા.

પાત્રાએ  પ્લાઝમા દાન કરતાં પહેલાં નડ્ડાના આશિર્વાદ લીધા અને ટ્વિટ કરી કે, મોદી અને ભાજપે કાર્યકરોને સેવાભાવનાનો મંત્ર આપ્યો છે તેનાથી પ્રેરિત થઈને હું પ્લાઝમાનું દાન કરું છું. પાત્રાએ પ્લાઝમા દાન કરતા હોય તેની તસવીર પણ મૂકી.

કેટલાકે લખ્યું કે, પાત્રાનું લોહી શરીરમાં આવવાથી વાત વાતમાં જૂઠું બોલવાની ને ગપ્પાં મારવાની આદત પડી શકે છે તેથી ચેતજો. કેટલાકે લખ્યું કે, સાવ બેશરમ બનવાની તૈયારી હોય તો જ પાત્રાના પ્લાઝમા શરીરમાં જવા દેજો. કેટલાકે લખ્યું કે, પ્લાઝમા આપવા માટે પણ મીડિયાને સાથે લઈને ગયા હતા ? એવી કોમેન્ટ પણ થઈ કે, હવે આ રોજ ટીવી પર કહેશે કે મેં પ્લાઝમાનું દાન કર્યું છે. યુઝર્સે પાત્રાના પ્લાઝમા શરીરમાં લેવાથી શું થઈ શકે તેના ફની મીમ્સ પણ મૂક્યા છે.

રથયાત્રા પછી અમરનાથ યાત્રાને પણ મંજૂરી

કેટલાંક હિંદુવાદી સંગઠનો મોદી સરકાર પર મુસ્લિમોના તુષ્ટિકરણના આક્ષેપો કર્યા જ કરે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ પણ વાયરલ કરાય છે. આ પ્રચારનો જવાબ આપવા માટે મોદી સરકાર અમરનાથ યાત્રાને પણ મંજૂરી આપશે.

હિંદુવાદીઓને રીઝવવા જગન્નાથ પુરીની રથયાત્રાને મંજૂરી મુદ્દે મોદી સરકારે નિયમોમાં બાંધછોડ કરી હતી. અમરનાથ યાત્રા માટે પણ નિયમોને બાજુ પર મૂકવાની તૈયારી મોદી સરકારે કરી લીધી છે.  મોદી સરકારે સત્તાવાર રીતે દેશમાં કોઈ પણ ધામક કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે પણ અમરનાથ યાત્રા માટે આ પ્રતિબંધને અભરાઈ પર ચડાવી દેવાશે.

મોદી સરકાર કોરોનાના ખતરાને કારણે દસ હજાર શ્રધ્ધાળુઓને જ બાબા અમરનાથનાં દર્શનની મંજૂરી મળશે પણ યાત્રા સાવ રદ નહીં કરાય એ નક્કી છે. મોદી સરકારે બનાવેલી યોજના પ્રમાણે બાલતાલ રૂટથી જ યાત્રા કરી શકાશે અને એક દિવસમાં ૫૦૦ શ્રધ્ધાળુઓને જ જવાની મંજૂરી મળશે. જુલાઈના ત્રીજા સપ્તાહથી ૩ ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલશે.

સિંધિયાના સમર્થક પ્રધાન છોકરીના સવાલ સામે ગેંગેફેંફે

મધ્ય પ્રદેશના પ્રધાન તુલસી સિલાવટને એક છોકરીએ પૂછેલા સવાલનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક સિલાવટ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં પ્રધાન બન્યા છે.

ઈન્દોરમાં એક સોસાયટીના કાર્યક્રમમાં સિલાવટ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપાસના શર્મા નામની છોકરીએ સવાલ કર્યો કે, કોંગ્રેસની સરકારને ગબડાવીને કેવું લાગે છે. સિલાવટે જવાબ આપ્યો કે, સારું લાગે છે. છોકરીએ બીજો સવાલ કર્યો કે, જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે, ખેડૂતોનાં દેવાં કોંગ્રેસ સરકારે માફ કર્યાં છે પણ હવે ભાજપમાં ગયા પછી કહે છે કે માફ નથી થયાં તો સાચું શું ? આ સવાલ સાંભળીને સિલાવટ ગેંગેફેંફે થઈ ગયા તો ભાજપના કાર્યકરોએ છોકરીને રોકવા પ્રયત્ન કર્યા. છોકરીએ જવાબ આપ્યો કે, હું પણ વોટર છું ને મને પણ સવાલનો અધિકાર છે. ઉપાસનાએ પોતે આ વીડિયો મૂકીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. યુઝર્સ ઉપાસનાને મર્દાની કહીને બિરદાવી રહ્યા છે.

ખટ્ટર સરકારનો સત્તા ખાતર ગેરબંધારણીય નિર્ણય

હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે લીધેલા એક નિર્ણયે મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ખટ્ટર કેબિનેટે હરિયાણામાં ખાનગી કંપનીઓની ૭૫ ટકા નોકરીઓ હરિયાણાનાં લોકો માટે અનામત રાખવાના ખરડાને મંજૂરી આપી દીધી.

હરિયાણામાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજપી) સાથે મળીને સરકાર રચી છે. જેજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખાનગી કંપનીઓની ૭૫ ટકા નોકરીઓ હરિયાણાનાં લોકો માટે અનામત રાખવાનું વચન આપ્યું હતું. ચૌટાલાના દબાણના કારણે જાન્યુઆરીમાં ખટ્ટર સરકારે આ ખરડો લાવવાની જાહેરાત કરી હતી પણ વિરોધ થતાં કાયદા મંત્રાલયને મોકલી અપાયો હતો. હવે ચૌટાલાના દબાણ હેઠળ ફરી આ ખરડાને મંજૂરી અપાઈ છે.

બંધારણીય નિષ્ણાતોના મતે, આ ખરડો બંધારણના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે. ખાનગી કંપનીઓમાં અનામતની જોગવાઈ બંધારણમાં નથી તેથી પણ ખટ્ટર સરકાર આવો કાયદો ના બનાવી શકે. ભાજપ સત્તા માટે જેજેપી સામે ઝૂકીને એક ખોટી પરંપરાને પોષી રહી હોવાનો પણ તેમનો મત છે. 

* * *

રાહુલ ગાંધીનો નવા પ્રહાર અને ભાજપનો જવાબ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોવિડ-૧૯મહામારીને નિયંત્રણ કરવામાં ભારત સરકાર નિષ્ફળ રહી હતી અને હવે હાવર્ડ યુનિ.ની બિઝનેસ સ્કુલના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે કે ૧,કોવિડ-૧૯.૨-નોટબંધી,૩-જીએસટી અમલીકરણ, એમ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ એવા સમયે આ ટ્વિટ કર્યું હતું કે જ્યારે તેમણે સંરક્ષણ મંત્રાલયની એક પણ બેઠકમાં હાજરી આપી નહતી અને એટલા માટે જ ભાજપના નેતાઓએ ેતમના પર પ્રહાર કરાવાની તક જતી કરી નહતી.

ભાજપના સાસંદ અને સમિતિના ચેરમેન જુઆલ ઓરમેે રાહુલની ગેરહાજરી અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ ભાજપના રાષટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આ તક ચૂક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રાલયની સંસદિય સમિતની એક પણ બેઠકમાં હાજરી આપી નહતી.વિરોધ પક્ષના એક જવાબદાર નેતા જેવું તેમનું વર્તન નથી. તો આની સામે કોંગ્રેસે પણ લખ્યું હતું કે અંકુશ રેખા પર જે તણાવ ઊભો થયો છે તેનને રાહુલ ગાંધીની ગેરહાજરી સાથે કંઇ જ લેવા દેવા નથી. સમિતિની બેઠક સપ્ટેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધી  ત્રણ વખત મળી હતી.

ભારતની સરહદની ખુબ નજીક ચીને કેમેરા ગોઠવ્યા

 ભારતે જે ક્ષેત્ર પર પોતાનો દાવો કર્યો હતો અને જેની ઉપર તેમણે કબજો કરી  ત્યાં છાવણીઓ ઊભી કરી દીધી હતી ત્યાં એટલે કે ભારતની સરહદથી તદ્દન નજીક ચીને સિરવેલિયન્સ કેમેરા ગોઠવી ભારતની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.આ કેમેરા દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને ૨૪ કલાક ત્યાંની સ્થિતિની ફોટા મોકલે છે, એમ સંરક્ષણ વિભાગના સૂત્રો કહ્યું હતું. ભારત અને ચીન જ્યારે તણાવને હળવો કરવા મંત્રણા કરી રહ્યા હતા ત્યારે જ ચીને આ હરકત કરી હતી.'હાલમાં ચાલી રહેલી મંત્રણા છતાં એવા કોઇ જ પુરાવા મળતા નથી કે ચીન વહેલી તકે ત્યાંથી નીકળી જશે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર, બિન માપણી કરેલી અંકુશ રેખા પાસે ચીન પોતાની સ્િથિતિ મજબુત કરી રહ્યું છે એ વાતથી અમને દુઃખ થયું હતું.'ત્યાંથી મળી રહેલા અહેવાલ અને સમીક્ષા દર્શાવે છે કે  ચીને ભારતીય સરહદમાં થતી સેનાની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવા ત્યાં હંગામી ચેક પોસ્ટની ઉપર  હવે ત્યાં ડીજીટલ કેમેરા ગોઠવી દીધા છે, એમ એક સુરક્ષા અધિકારીએ આજે કહ્યું હતું.

ચીને ભૂતાનને પણ પોતાની પડખે લીધો

ભારતના સાથી મનાતા ભૂતાન પર દબાણ લાવવા ચીને હવે થીમ્પુ પર નવા રાજદ્વારી હુમલા શરૂ કર્યા હતા. ચીની સરકારે પહેલી જ વાર જાહેરમાં કહ્યું હતું કે ભૂતાનની પૂર્વ બાજુની સરહદ વિવાદીત છે. આમ કરીને ચીને ભારત વિરૂધ્ધ એક નવો મોરચો ખોલ્યો હતો, એમ રાજકીય વિષ્લેષકો માને છે. વિવાદનો મુદ્દો ભૂતાનની પૂર્વ બાજુ જે અરૂણાચલની સરહદ તરફનો છે. ચીન કહે છે કે આ વિસ્તાર દક્ષિણ તિબેટનો હિસ્સો છે.

ભૂતાન સાથે સરહદ અંગે મંત્રણા કરવા માટે ચીન એ વાતને જ મુદ્દોે બનાવ્યો હતો. જુનમાં બહુપક્ષીય પર્યાવરણ ફોરમમાં પહેલી વાર ચીને આ વાત કહી હતી જ્યાં ભારતની પણ હાજરી હતી. ત્યાર પછી ચીની વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન કરીને દાવો કર્યો હતો.ચીને દાવો કર્યો હતો કે ભૂતાનની પૂર્વ બાજુએ અમારો તેમની સાથે વિવાદ છે.જો કે ચીનના આ દાવાથી જે લોકો ત્યાંની સ્થિતિ પર નજર રાખે છે તેમનેે આશ્ચર્ય થયું હતું.ચીને ભલે જાહેરમાં આ વાત ના કરી હોય, પણ  ભારત-ભૂતાનની અરૂણાચલની સરહદ અંગે ચીને ડીલીમિલેટશન અંગે તૈયારી બતાવી ન હતી જે  અંગે ૨૦૦૬માં કરાર થયા હતા.દાયકામાં પહેલી જ વાર ભારત સાથેના સૌથી ગંભીર અને હાલ ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવાની મંત્રણામાં ચીને  ચીને આને જ મુદ્દો બનાવ્યો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થા એ ટ્રાયલ રોકી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ શનિવારે એચક્યુસીની ટ્રાયલ રોકી દીધી છે, એવી જાહેરાત પછી ભારતે પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ અંગે ફરીથી વિચાર કરવા નિર્ણય કર્યો હતો. હુ એ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન આ દવાએ  હોસ્પિટલમા ંદાખલ કરાયેલા દર્દીઓની તબીયતમાં સુધારો કર્યો નહતો  એટલા માટે ટ્રાયલ રોકી દીધી હતી.ભારતમાં માત્ર કોવિડ-૧૯ માટે જ નહીં બલકે કોવિડ-૧૯ને નિયંત્રણ કરવાની કામગીરી કરી રહેલા કરોના વોરિયર્સને પણ આ દવા આપવાનું બંધ કર્યું હતું.'કોવિડ એક નવી બીમારી છે અને અમે અત્યંત ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ.નવા નવા ડેટાનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બનાવવામાં આવેલી એક ટાસ્ક ટીમના સભ્યે  પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું.

- ઇન્દર સાહની

Tags :