દિલ્હીની વાત : ત્રિપુરામાં ભાજપની મૂંઝવણ, માણિક સહા કે પ્રતિમા ?
નવીદિલ્હી : ભાજપે ત્રિપુરામાં ૩૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે અને ફરી ભાજપની સરકાર બનશે એ નક્કી છે પણ મુખ્યમંત્રીપદના મામલે કોકડું ગૂંચવાયું છે. ચૂંટણી પહેલા ભાજપે એલાન કરેલું કે વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા તેમના મુખ્યમંત્રીપદનો ચહેરો છે. હવે ભાજપનો વિચાર બદલાયો છે તેથી સહાનું પત્તું કપાઈ શકે છે.
ભાજપના સૂત્રોનો દાવો છે કે, હાઈકમન્ડ મોદી સરકારમાં સામાજિક અધિકારિતા અને સામાજિક ન્યાય મંત્રાલયમાં રાજ્ય કક્ષાનાં મંત્રી પ્રતિમા ભૌમિકને મુખ્યમંત્રી બનાવવા અંગે વિચાર કરી રહ્યું છે. ભાજપ પ્રતિમા ભૌમિકને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવશે તો પ્રતિમા પૂર્વોત્તરના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનશે.
ભાજપ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા પ્રતિમાને ગાદી પર બેસાડવાનો દાવ ખેલી શકે છે. અલબત્ત તેના કારણે વંકાયેલા માણિક સહા બગાવત પર ના ઉતરે તેની પણ ભાજપને ચિંતા છે. સહા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે તેથી ગમે તે કરી શકે. પ્રતિમા ભૌમિક ભારત-બાંગ્લાદેશ સરહદની પાસેના ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે.
બંગાળમાં સીપીએમ-કોંગ્રેસ સાથે ભાજપનું જોડાણ
પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૃલ કોંગ્રેસને હરાવવા ભાજપ, ડાબેરી પક્ષો અને કોંગ્રેસ એક થઈ જતાં ભાજપના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ભાજપે બચાવ કર્યો છે કે, આ જોડાણ સ્થાનિક સ્તરે જ છે કેમ કે મમતાના કુશાસનને હટાવવું જરૂરી છે.
જો કે આ જોડાણથી ગિન્નાયેલાં મમતા બેનરજીએ લોકસભા ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી દીધી છે. મમતાએ સીપીઆઇએમ અને કોંગ્રેસની ભાજપ સાથે સાંઠગાંઠને અપવિત્ર ગણાવીને સવાલ કર્યો કે, આવાં અપવિત્ર ગઠબંધન બનાવનારી કોંગ્રેસ ભાજપ સામે કઇ રીતે લડી શકશે? સીપીઆઇએમ અને કોંગ્રેસ ભાજપ વિરોધી હોવાનો દાવો કરે છે પણ બંગાળમાં ભાજપ સાથે જોડાણ કરીને બેઠાં છે.
પશ્ચિમ બંગાળની સરદિઘી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને મોટો આંચકો આપીને આ વિધાનસભા બેઠક છિનવી લીધી તેના કારણે પણ મમતા બગડેલાં છે. મમતાએ દાવો કે, કોંગ્રેસ, ડાબેરી અને ભાજપ સરદિઘીમાં 'કોમવાદી કાર્ડ' રમ્યાં છે. ભાજપ ખુલ્લેઆમ રમ્યો જ્યારે સીપીએમ-કોંગ્રેસે અંદરખાને રમ્યાં હતાં.
કરોડો પકડાયા છતાં ધારાસભ્ય સસ્પેન્ડ નહીં
કર્ણાટકમાં લોકપાલની એન્ટિ-કરપ્શન બ્રાંચે ભાજપના ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાને લાંચના કેસમાં આરોપી નંબર વન બનાવ્યા છતાં ભાજપ તેમને સસ્પેન્ડ કેમ કરતો નથી એવો સવાલ પૂછાઈ રહ્યો છે. લોકો લખી રહ્યા છેકે, ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ડંફાશો મારે છે પણ ભ્રષ્ટાચારીઓને પોષે છે તેનો આ પુરાવો છે.
લોકપાલે વીરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલને ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપીને ધરપકડ કરી હતી. પ્રશાંતની ઓફિસમાંથી ૧.૭ કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી. એ પછી લોકપાલના અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા તેમાં ૬ કરોડ રૂપિયા રોકડ મળ્યા છે.
પ્રશાંત મદલ બેંગલુરુ પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)માં ચીફ એકાઉન્ટન્ટ છે પણ તેણે લાંચ તેના પિતા કર્ણાટક સરકારના કોર્પોરેશનમા ચેરમેન હતા તેના કામ માટે લીધી હતી. લોકપાલે ધારાસભ્યના ઘરે પણ દરોડા પાડયા છે. તેમના ઘરેથી મળેલા ૬ કરોડ રૂપિયા રોકડા અને ઘરેણાં અંગે બંને પાસે કોઈ સંતોષકારક જવાબ નથી.
આપનું 'આઇ લવ મનીષ સિસોદિયા' કેમ્પેઈન
દિલ્હી સરકારે રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં 'આઇ લવ મનીષ સિસોદિયા' ડેસ્ક બનાવીને સોશિયલ મીડિયા પર સ્કૂલનાં બાળકો સિસોદિયાના સમર્થનમાં હોવાનો દાવો કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. દિલ્હી સરકારે અધિકારીઓને મૌખિક આદેશ આપીને આ ડેસ્ક બનાવડાવી છે.
ભાજપનો આક્ષેપ છે કે, સિસોદિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની સરકાર સ્કૂલના બાળકોનો ઉપયોગ કરી રહી છે. બાળકોને સિસોદિયાને સમર્થન માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સ્કૂલોના કાર્યક્રમમાં બાળકોને સિસોદિયાના સમર્થનમાં સંદેશો લખવા અને તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરવાની ફરજ પડાઈ રહી છે. મનીષ સિસોદિયાની ધરપકડ અને જામીન અંગે કોર્ટે ઝાટક્યા હોવા છતા દિલ્હી સરકાર બાળકોને આગળ કરીને ગંદું રાજકારણ રમી રહી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓનુ કહેવું છે કે, સિસોદિયાએ સરકારી સ્કૂલોની કાયાપલટ કરવા કરેલી મહેનતના કારણે બાળકો સ્વયંભૂ 'આઇ લવ મનીષ સિસોદિયા' મેસેજ મોકલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડમાં છે.
કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ ચીનને વખાણતાં વિવાદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા પ્રવચનમાં ભારતની ટીકા કરી અને ચીનના વખાણ કર્યાં તેને પગલે વિવાદ સર્જાયો છે. રાહુલે કાશ્મીરને સતત અશાંત રાજ્ય ગણાવીને કહ્યંર કે, કાશ્મીર હિંસાગ્રસ્ત વિસ્તાર છે. ભાજપે આક્ષેપ મૂક્યો છે કે, રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો રાહુલના માથે માછલાં ધોઈ રહ્યા છે. ઘણાં તો લખે છે કે, રાહુલને ચીન એટલું જ પસંદ હોય તો ચીન જતા રહેવું જોઈએ.
રાહુલે ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વખાણ કરતાં કહ્યું કે, ચીનમાં રેલ્વે, એરપોર્ટ વગેરે બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે જ્યારે અમેરિકા પોતાને કુદરતથી પણ મોટો માને છે.
ભારતમાં મીડિયા અને લોકશાહી માળખા પર હુમલો થતો હોવાનો આક્ષેપ કરીને રાહુલે કહ્યું કે ભારતમાં વિપક્ષ સામે કેસ કરી દેવામાં આવે છે. મારી સામે પણ ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે પણ મને ફરક પડતો નથી.
મેઘાલયમાં તૃણમૂલના સંગમા 'ખેલા'ના મૂડમાં
મેઘાલય વિધાનસભાની એનપીપીને સૌથી વધારે બેઠકો મળતાં કોનરાડ સંગમા આસાનીથી સરકાર બનાવશે એવું લાગતું હતું પણ તૃણમૂલ કોંગ્રેસના મુકુલ સંગમાએ બાકીના તમામ વિપક્ષો એક થઈને સરકાર રચશે એવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે.
કોનરાડે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને રાજીનામું આપ્યા પછી નવેસરથી સરકાર બનાવવા દાવો કર્યો છે. સંગમાએ ૩૨ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે પણ એનપીપીના ૨૬ અને ભાજપના ૨ ધારાસભ્યો સિવાય બીજા કોનું સમર્થન છે તેની વિગતો આપી નથી.
કોંગ્રેસ છોડીને ટીએમસીમાં આવેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાએ દાવો કર્યો કે, તમામ વિપક્ષો અને એનપીપીના ભાજપ સાથેના જોડાણથી નારાજ કોનરાડની પાર્ટીના ધારાસભ્યોની મદદથી પોતે સરકાર રચશે.
આ ચૂંટણીમાં યૂડીપીને ૧૧, કોંગ્રેસને ૫, વોઇસ ઓફ પીપલ્સ પાર્ટીને ૪ સીટ, એચએસપીડીપી અને પીડીએફને ૨-૨ જ્યારે અપક્ષોને બે બેઠકો મળી છે. યૂડીપી પ્રમુખ મેટબાહ લિંગદોહે એનપીપી સિવાયના પક્ષોની બેઠક બોલાવી તેમાં ૨૧ ધારાસભ્ય હાજર હતા. કોંગ્રેસ અને તૃણમૂલ પણ જોડાય તો ૩૧ ધારાસભ્યો થઈ જાય.
***
કર્ણાટક ચૂંટણી પ્રચારનો દોર યેદિયુરપ્પાને સોંપાશે ?
ભાજપ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા (૮૦)ને પક્ષની ચૂંટણી સમિતિના વડા બનાવી એમને રાજ્યમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઓળખ બનાવવાનો વિકલ્પ તપાસી રહ્યો છે. જો આ વ્યૂહ સાકાર થશે તો યેદિયુરપ્પા કર્ણાટક ભાજપના કેન્દ્રમાં આવી જશે, જેના લીધે પક્ષને વર્ચસ્વ ધરાવતી લિંગાયત કોમનો ટેકો મળવાની શક્યતા વધી જશે. પક્ષે કરેલી આંતરિક મોજણીમાં કર્ણાટકી મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ વિરૂધ્ધ વાતાવરણ હોવાનું જણાયું છે. બોમ્માઇ પક્ષના મોવડીમંડળ ઉપરાંત પક્ષના રાજ્યના નેતાઓની નજરમાંથી ઉતરી ગયા હોવાનું જણાય છે, ત્યારે યેદિયુરપ્પાને ચૂંટણીનો કાર્યભાર સોંપવા પાછળ ભાજપને સત્યવિતપણે થનારૃં નુકસાન ઘટાડવાનો ગણતરીપૂર્વકનો વ્યૂહ છે.
કર્ણાટક : પરીક્ષા-કેન્દ્રોમાં હિજાબ પર પ્રતિબંધ
કર્ણાટકના શિક્ષણમંત્રી બી.સી. નાગેશે રાજ્યમાં ૯ માર્ચથી શરૂ થતી જાહેર પરીક્ષાઓની અગાઉ જાહેર કર્યું છે કે હિજાબ પહેરનારી વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં બેસવા દેવાશે નહિ. ગયા વર્ષે હિજાબનો આગ્રહ રાખનારી કેટલીક વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી નહોતી. નાગેશે પત્રકારરોને કહ્યું કે બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં ગણવેશ પહેરીને આવવું એ વાત અમે સ્પષ્ટ કરી દીધી છે. હિજાબ, ગણવેશનો ભાગ નથી. હિજાબ પ્રતિબંધ પછી પરીક્ષામાં બેસનાર મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું એમણે ઉમેર્યું.
વૃૃધ્ધના શરીરમાંથી મોટો કિડની સ્ટોન કઢાયો
આંધ્રપ્રદેશના કરીમનગર જિલ્લાના રામ રેડ્ડી (૭૫) નામના દર્દીને છેલ્લા કેટલાક મહિનાઓથી પીઠ તથા પડખામાં સખત દર્દ થતું હતું. એમને હૈદરાબાદ સ્થિત હાઇટેક સિટિ ખાતે આવેલી એશિયન ઇન્સ્ટિટયુટ ઓફ નેફ્રોલોજી એન્ડ યુરોલોજીમાં દાખલ કરાયા, જ્યાં અલ્ટ્રાસાઉન્ડ અને કોમ્પ્યુટરાઇઝડ ટોમોગ્રાફિ (સીટી) સ્કેન કરાતા જણાયું કે દર્દીની જમણી કિડનીમાં ૭ સેન્ટિમીટરથી મોટો સ્ટોન છે. દર્દી માટે અત્યંત વેદનાદાયક બની રહેલા આ સ્ટોનને ડોકટરોએ સફળતાપૂર્વક શરીરમાંથી દૂર કર્યો.
- ઇન્દર સાહની