mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : રાયબરેલીમાં રાહુલ વર્સીસ વરૂણનો જંગ થશે

Updated: Apr 3rd, 2024

દિલ્હીની વાત : રાયબરેલીમાં રાહુલ વર્સીસ વરૂણનો જંગ થશે 1 - image


નવીદિલ્હી : ભાજપે પીલીભીત લોકસભા બેઠક પર વરૂણ ગાંધીનું પત્તુ કાપીને યોગી આદિત્યનાથ સરકારના મંત્રી જિતિન પ્રસાદને ટિકિટ આપતાં વરૂણ ગાંધીની રાજકીય કારકિર્દી સામે સવાલ ઉભા થઈ ગયા છે ત્યાં હવે નવી વાત બહાર આવી છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે ભાજપે હજુ સુધી રાયબરેલી લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. કોંગ્રેસનો આ ગઢ જીતવા માટે ભાજપ વરૂણ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતારી શકે છે. રાયબરેલીમાં અદિતી સિંહ, દિનેશ પ્રતાપ સિંહ અને મનોજ પાંડે ભાજપની ટિકિટના પ્રબળ દાવેદારો છે.

રાયબરેલીમાંથી કોંગ્રેસ રાહુલ ગાંધીને ઉતારવા વિચારી રહી છે ત્યારે ભાજપ વરૂણને ઉમેદવાર જાહેર કરી શકે છે. રાયબરેલીમાં વરૂણ વર્સીસ રાહુલનો મુકાબલો થાય તો આ જંગ રસપ્રદ બની જશે. વરૂણ કોંગ્રેસની ટિકિટ પર ઉભો રહેશે એવા સવાલના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું કે, હું ભાજપમાં છું તેથી અન્ય પક્ષ વિશે તમને કઈ રીતે માહિતી આપી શકું ?

ઉધ્ધવ-પવારની રાહુલને દખલ કરવા વિનંતી

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે પડેલો ડખો ઉકેલાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. એનસીપી, કોંગ્રેસ અને ઉધ્ધવ ઠાકરેની શિવસેના એ ત્રણેય પક્ષો સાંગલી, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ સહિત છ બેઠકો પર લડવા માગે છે. ત્રણેયમાંથી કોઈ પક્ષ આ બેઠકો મુદ્દે નમતું જોખવા તૈયાર નથી તેથી કોકડું ગૂંચવાયું છે.

કોંગ્રેસનુ માનવું છે કે, બેઠકોની વહેંચણીના મુદ્દે શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપીની જીદ પર અડી ગયાં છે. તેના કારણે ભાજપ અને તેના સાથી પક્ષોને ફાયદો થશે. બીજી તરફ એનસીપી અને ઉધ્ધવ જૂથનું કહેવું છે કે, કોંગ્રેસ પોતાની તાકાત કરતાં વધારે બેઠકો લડવા માગે છે કે જેના કારણે સરવળે ભાજપને ફાયદો થશે.

શરદ પવાર અને ઉધ્ધવે ઈન્ડિયા મોરચાની રેલીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે.  બંને દરમિયાનગીરી કરીને વિવાદ ઉકેલશે એવી આશા રખાય છે.  

પલ્લવીએ ઓવૈસી સાથે હાથ મિલાવતાં સપા ચિંતામાં

અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો સાથ છોડનારાં અપના દલ (કમેરાવાદી)એ અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવતાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના જોડાણમાં ચિંતા છે. પલ્લવી પટેલે ઓવૈસી સાથે મળીને પિછડા, દલિત, મુસલમાન (પીડીએમ) મોરચો બનાવ્યો છે. અખિલેશ પણ લોકસભા ચૂંટણીમાં પિછડા, દલિત, મુસલમાન (પીડીએમ) ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે તેથી પલ્લવી-ઓવૈસી સપાના મત કાપશે એવું મનાય છે.

પલ્લવી પટેલની પાર્ટી લોકસભાની ૭ બેઠકો પર લડશે એવું મનાય છે. પલ્લવી પટેલની મતબેંક કુર્મીઓની હોવાથી પૂર્વાંચલ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે કે જ્યાં કર્મીઓની સંખ્યા નોંધપાત્ર છે. ફુલપુર બેઠક પર ૧૯૮૪થી કુર્મી જ્ઞાાતિના નેતા જ લોકસભાની ચૂંટણીમાં જીતે છે તેથી પલ્લવી પટેલ પોતે ફુલપુર લોકસબા બેઠક પરથી લડશે જ્યારે તેમનાં માતા કૃષ્ણા પટેલ ગોંડા કે પ્રતાપગઢથી લડે એવી શક્યતા છે. પલ્લવીની બહેન અનુપ્રિયા પટેલ ભાજપ સાથે છે અને મિર્ઝાપુરની સાંસદ છે.

શિવપાલ ખસી જશે, દીકરાને ચૂંટણી લડાવશે

ઉત્તર પ્રદેશની બદાયુ લોકસભા બેઠક પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ શિવપાલસિંહ યાદવને ઉમેદવાર બનાવ્યા છે પણ શિવપાલને બદલી નંખાય એવી અટકળો છે. શિવપાલને સ્થાને તેમનો દીકરો આદિત્ય યાદવ ચૂંટણી મેદાનમાં ઉતરે એવી શક્યતા છે. શિવપાલે આ વાતનો સંકેત આપ્યો છે કે, બદાયુમાં પોતે જ ઉમેદવારી નોંધાવે એ નક્કી નથી પણ પ્રજા જેને ઈચ્છતી હશે એ ઉમેદવારી નોંધાવશે. આદિત્ય આ મતવિસ્તારમાં અત્યંત સક્રિય હોવાથી તેને ઉમેદવાર બનાવાશે એ નક્કી મનાય છે.

અખિલેશે પહેલાં બદાયુ બેઠક પર પોતાના પિતરાઈ ધર્મેન્દ્ર યાદવને ઉમેદવાર જાહેર કર્યો હતો. થોડા દિવસ પછી ધર્મેન્દ્રને સ્થાને શિવપાલને ઉમેદવાર બનાવી દેવાયા જ્યારે ધર્મેન્દ્રને આઝમગઢ બેઠકનો ઉમેદવાર બનાવી દીધો. હવે શિવપાલ પોતાના સ્થાને દીકરા આદિત્યને ચૂંટણી લડાવવા માગે છે જ્યારે પોતે યુપીમાં વિધાનસભ્ય રહેવા માગે છે. અખિલેશે આદિત્યની ઉમેદવારી પર મંજૂરીની મહોર મારી દીધી હોવાનું કહેવાય છે.

ભાજપ-નીતિશને હરાવવા તેજસ્વી 'માઈ-બાપ'ને શરણે

બિહારમાં નીતિશ કુમાર સાથ છોડીને ભાજપની પંગતમાં બેસી ગયા પછી તેજસ્વી યાદવ લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને જીતાડીને નીતિશને પોતાની તાકાત બતાવવા આતુર છે. આ માટે તેજસ્વીએ પોતાના પરંપરાગત માય (મુસ્લિમ-યાદવ)ની સાથે સાથે 'બાપ'ની મિલાવટ કરીને 'માઈ-બાપ'ના વિકાસનો નારો બુલંદ કર્યો છે. પછાત (બેકવર્ડ), અગડે, આધી આબાદી (મહિલાઓ) અને ગરીબ (પુઅર) એ ચાર વર્ગને પોતાની તરફ વાળવા તેજસ્વી ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. તેજસ્વીનું માનવું છે કે, બિહારમાં નીતિશ સાથેની સરકારના કાર્યકાળમાં પોતે યુવકોને ભરપૂર પ્રમાણમાં સરકારી નોકરીઓ આપી તેના કારણે યુવક-યુવતીઓ આરજેડીને મત આપશે. યુવાએ જેને મત આપે તેની જીતવાની શક્યતા વધારે હોય છે તેથી તેજસ્વીને જીતવાનો વિશ્વાસ છે.

ભાજપના નેતા તેજસ્વીની વ્યુહરચનાને ખયાલી પુલાવ ગણાવે છે. તેમનું કહેવું છે કે, માત્ર નારા આપવાથી જીતી શકાતું હોત તો રાજકીય પક્ષોએ બીજું કશું કરવાની જરૂર જ ના હોત.

કોંગ્રેસના ઉમેદવાર સામે માતા-ભાઈ મેદાનમાં

મધ્ય પ્રદેશના ગુનામાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી તેની સામે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા રામ યાદવેન્દ્ર સિંહ યાદવને ટિકિટ આપી છે. યાદવની સાથે તેમનાં માતા અને જિલ્લા પંચાયતનાં ભૂતપૂર્વ પ્રમુખ બાઈસાહેબ યાદવ અને ભાઈ અજય પ્રતાપ સિંહ યાદવ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતાં રહેલાં પણ સિંધિયાને ટિકિટ અપાતાં બંને ભાજપમાં પાછાં આવી ગયાં. અજય પ્રતાપ સિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમનો પ્રભાવ બહુ છે.

હવે સિંધિયાએ બંનેનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરવા માંડયો છે. સિંધિયા ભાજપની જાહેર સભાઓમાં કોંગ્રેસના ઉમેદવારનાં માતા-ભાઈને અચૂક હાજર રખાવીને સિંધિયાને મત આપવાની અપીલ કરાવે છે.  તેના કારણે કોંગ્રેસના ઉમેદવારની હાલત કફોડી થઈ ગઈ છે. પરિવારમાંથી માતા અને ભાઈ જ યાદવ સાથે નથી ત્યારે એવા ઉમેદવારને ચૂંટીને શું કરશો એવા ભાજપના પ્રચાર સામે કોંગ્રેસની બોલતી બંધ થઈ ગઈ છે.

Gujarat