દિલ્હીની વાત : અર્થતંત્રમાં તેજીનો દાવો કરતાં મોદી ટ્રોલ થયા
અર્થતંત્રમાં તેજીનો દાવો કરતાં મોદી ટ્રોલ થયા
નવી દિલ્હી, તા.18 જૂન 2020, ગુરુવાર
સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીને યુઝર્સ ટ્રોલ કરે એવુ બનતું નથી પણ દેશના અર્થતંત્ર મુદ્દે પીએમઓએ કરેલી ટ્વિટના પગલે મોદી પણ ટ્રોલ થઈ ગયા. પીએમઓએ મોદીના નિવેદનને ટાંકીને ટ્વિટ કરી હતી કે, તમામ ઈન્ડિકેટર્સ દર્શાવી રહ્યા છે કે, ભારતીય અર્થતંત્ર ઝડપથી બાઉન્સ બેક કરવા તૈયાર થઈ ગયું છે અને આગળ વધી ગયું છે.
આ ટ્વિટ સામે યુઝર્સ તૂટી પડયા. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને રોજગારી મુદ્દે કોમેન્ટ્સનો મારો ચાલ્યો. એક યુઝરે સવાલ કર્યો કે, ઈન્ડિકેટર્સ ખરેખર અર્થતંત્ર બાઉન્સ બેક કરે છે એવું દર્શાવતા હોય તો એ અમારી સાથે શેર કેમ નથી કરતા ? બીજા યુઝરે સવાલ કર્યો કે, અમારે નોકરી કઈ રીતે બચાવવી ?
જૂનમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોનો ઉલ્લેખ કરીને એક યુઝરે સવાલ કર્યો કે, ૨૦૧૪ સુધી ભાવવધારા મુદ્દે બૂમો પાડતા ભાજપના નેતાઓ ક્યાં જતા રહ્યા છે, ભાઈ ? એક યુઝરે કોમેન્ટ કરી છે કે, અમારું ભાવિ અંધકારમય છે ને દેશને એક વડાપ્રધાનની સખ્ત જરૂર છે.
'નિઃશસ્ત્ર' સૈનિકો મુદ્દે ભાજપ સાચો કે સરકાર ?
રાહુલ ગાંધીએ ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલને ભાજપ અને મોદી સરકાર બંનેએ જવાબ આપ્યા પણ બંને જવાબ વિરોધાભાસી છે તેથી સાચું કોણ એ સવાલ પૂછાઈ રહ્યો છે.
રાહુલે સવાલ કર્યો હતો કે, ભારતીય સૈનિકોને ચીનની છાવણીમાં નિઃશસ્ત્ર કોણે મોકલ્યા હતા ? આ માટે જવાબદાર કોણ ?
ભારતીય જવાનોની શહીદી પછી ચૂપ સંબિત પાત્રા રાહુલને જવાબ આપવા કૂદી પડયા. રાહુલને પુસ્તકો વાંચવાની સલાહ આપતાં પાત્રાએ કહ્યું કે, ભારત-ચીન વચ્ચે સમજૂતીના કારણે એલએસીના બે કિલોમીટર વિસ્તારમાં બંદૂક કે બોમ્બ વાપરી શકાતા નથી તેથી સૈનિકોને શસ્ત્રો સાથે મોકલવાનો અર્થ નહોતો.
પાત્રાના જવાબના કલાકો પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરી કે, સૈનિક બહાર નિકળે ત્યારે તેની પાસે હથિયાર હોય જ. શહીદ થયેલા સૈનિકો પાસે પણ હથિયાર હતાં જ ને એ નિઃશસ્ત્ર નહોતા.
સવાલ એ છે કે, જયશંકર અને સંબિત પાત્રામાં કોણ જૂઠું બોલી રહ્યું છે ? ભારતીય સૈનિકો પાસે શસ્ત્રો હતાં કે નહોતાં ?
ચીનને પાઠ ભણાવવા આઠવલેનું હાસ્યાસ્પદ સૂચન
મોદી સરકાર ચીન સામે કોઈ પગલાં લેતી નથી ત્યારે મોદી સરકારના પ્રધાન રામદાસ આઠવલેએ ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી નાંખી છે. જો કે આઠવલેએ તો ચાઈનીઝ ફૂડ અને ચાઈનીઝ ફૂડ વેચતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવાનું હાસ્યાસ્પદ સૂચન પણ કર્યું છે.
આઠવલેના સૂચન સામે સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ કર્યો છે કે, આઠવલેને આવા અદભૂત વિચારો ક્યાંથી આવે છે ? કેટલાંકે સૂચન કર્યું છે કે, મિનિસ્ટર સાહેબે ચાઈનીઝ ફૂડ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. ચાઈનીઝ ફૂડના નામમાં ચાઈના છે પણ એ ચીનથી નથી આવતું. ભારતમાં ચાઈનીઝ ફૂડ ભારતીયો બનાવે છે અને હજારો લોકો તેમાંથી રોજી મેળવે છે.
આઠવલેએ લોકડાઉન લદાયું એ પહેલાં પણ આવો જ ભાંગરો વાટયો હતો. મુંબઈમાં ઈન્ડિયા ગેટ પાસે ચાઈનીઝ કોન્સુલ જનરલ અને બૌધ્ધ સાધુઓ સાથે મળીને 'ગો કોરોના, ગો કોરોના' મંત્રોચ્ચાર કર્યો હતો. તેમણે દાવો કરેલો કે, આ ધામક વિધી કરી દીધી તેથી હવે ભારતમાં કોરોના નહીં ફેલાય.
નિર્મલાએ કોથળામાંથી બિલાડું કાઢયું, ચીનની વાત જ નહીં
ચીન સાથે તણાવના માહોલમાં નિર્મલા સીતારામને ગુરુવારે ચાર વાગ્યે પત્રકાર પરિષદની જાહેરાત કરી ત્યારે સૌને લાગેલું કે, ચીન સાથેના આથક સંબંધો મુદ્દે કોઈ મોટી જાહેરાત કરશે. જો કે નિર્મલાએ કોથળામાંથી બિલાડુ કાઢીને હિજરતી કામદારો માટેની 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' યોજનાની જાહેરાત કરી.
અત્યારે દેશભરમાં ચીન સામે ભારે આક્રોશ છે છતાં ચીન સાથેના વ્યાપાર કે આથક સંબંધો મુદ્દે તેમણે એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો. મેરઠ-દિલ્હી ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાવાનો છે એ મુદ્દે પણ એ ચૂપ રહ્યાં.
નિર્મલાએ કરેલી જાહેરાત પ્રમાણે, મોદી ૨૦ જૂને બિહારથી આ અભિયાન શરૂ કરશે. રાજકીય વિશ્લેષકોના મતે, આ અભિયાન બિહારની ચૂંટણીને અનુલક્ષીને શરૂ કરાઈ રહ્યું છે. લોકડાઉન સમયે કામદારોને પડેલી તકલીફોના કારણે તેમના મનમાં મોદી સરકાર તરફ ભારે આક્રોશ છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં આ કામદારોની સંખ્યા સૌથી વધારે છે. આ આક્રોશની બિહારની ચૂંટણીમાં અસર ના થાય એટલે કામદારોના ઘા પર મલમ લગાવવા આ અભિયાન શરૂ કરાઈ રહ્યું છે.
દિલ્હીમાં ગુપ્તા શાહના વિરોધી જાજુ તરફ ઢળ્યા
દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો સામે કોઈએ ઉમેદવારી ના નોંધાવતાં ભાજપના મેયર બનશે એ નક્કી થઈ ગયું છે. ઈસ્ટમાં નિર્મલ જૈન, નોર્થમાં જયપ્રકાશ અને સાઉથમાં અનામિકા મિથલેશ મેયર બનશે.
ત્રણેય કોર્પોરેશનમાં ભાજપની બહુમતી હોવાથી ભાજપની જીત નક્કી હતી પણ નવા પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તા કોની તરફ વધારે ઢળે છે તે જાણવામાં લોકોને રસ હતો. દિલ્હીમાં પ્રભારી શ્યામ જાજુ અને સંગઠન મહામંત્રી સિધ્ધાર્થન વચ્ચે જંગ ચાલે છે. બંને પોતાના માણસોને ગોઠવવા મથતા હતા પણ ગુપ્તા જાજુ તરફ ઢળ્યા છે.
મેયરપદ સિવાયનાં નામ નક્કી કરવાની સત્તા ગુપ્તાને અપાયેલી. તેનો ઉપયોગ કરીને ગુપ્તાએ ૩૭ ટોપ પોસ્ટમાંથી મોટા ભાગની જાજુની નજીકના કાઉન્સિલરોને આપી છે. ગુપ્તાએ મનોજ તિવારી, વિજય ગોયલ, મીનાક્ષી લેખીના સમર્થકોને પણ સાચવી લીધા છે પણ સિધ્ધાર્થન ગ્રુપને વેતરી નાંખ્યું છે. સિધ્ધાર્થન અમિત શાહની નજીક મનાય છે જ્યારે જાજુ શાહના વિરોધી પણ મોદીની નજીક મનાય છે. ગુપ્તાએ શાહને બદલે મોદી તરફ ઢળવાનું પસંદ કર્યું છે.
કોંગ્રેસે ભાજપને તેની જ દવાનો ડોઝ આપી દીધો
ઉત્તર-પૂર્વના ટચૂકડા રાજ્ય મણિપુરમાં ભાજપને તેની જ દવાનો ડોઝ આપીને કોંગ્રેસ સત્તા કબજે કરવાની નજીક છે. મણિપુરમાં ભાજપના એન. બિરેનસિંહ મુખ્યમંત્રી છે. તેમની સરકાર એનપીપી, એનપીએફ તથા અપક્ષોના ટેકાથી ટકેલી છે. બિરેને એનપીપીના વાય. જોયકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવેલા.
ગુરૂવારે જોયકુમારે બીજા બે પ્રધાનો સાથે રાજીનામાં ધરી દીધાં. ભાજપના ત્રણ ધારાસભ્યો પણ તેમની સાથે જોડાતાં ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. કોંગ્રેસે આ તકનો લાભ લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસના ઈબોબીસિંહે બે મહિનાની મહેનત પછી ભાજપ સરકારને ઉથલાવવાનું ઓપરેશન પાર પાડવાની નજીક છે. લોકડાઉન વખતે ગરીબોને ઘઉં-ચોખાની વહેંચણી મુદ્દે જોયકુમારે બિરેનસિંહ સામે આક્ષેપો કર્યા હતા. અકળાયેલા બિરેનસિંહે જોયકુમારનાં તમામ ખાતાં લઈ લીધાં ને એનસીપીના ચારેય પ્રધાનોને તગેડી મૂક્યા હતા.
કોંગ્રેસે આ અસંતોષનો લાભ લેવા બીજા ધારાસભ્યોને તોડવાની મહેનત શરૂ કરી હતી. છ ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવીને કોંગ્રેસ તેમાં સફળ થઈ હોય એવું લાગે છે.
***
શા માટે વડા પ્રધાન એક મહિના સુધી મૌન રહ્યા?
લદ્દાખમાં અંકુશ રેખા પાસે સ્થિતી બગડતી જતી હતી છતાં વડા પ્રધાન મોદીએ મૌન જાળવી રાખ્યું હતું. બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકને મોદીએ સંદેશ આપવા માટે ઉપયોગમાં લીધી.પાટનગરના રાજકીય વર્તુળોમાં તો સવાલ પૂછાઇ રહ્યો છે કે સામાન્ય વાત માટે પણ રાષ્ટ્રને નામે સંબોધન કરનાર મોદી શા માટે ચુપ બેઠા છે.કદાચ વરોધ પક્ષોના મુખ્યમંત્રીઓના એણીયારા સવાલથી બચવા માટે જ તેમણ આવું પસંદ કર્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં તો તેમના ઓફિસ ટ્વિટર પર જાહેરાત પણ કરી દીધી હતી કે શુક્રવારે સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.આટલું જ નહીં મોદીએ પોતાના સબંધોનની શરૂઆતમાં જ હિન્દીમાં કહી દીધું હતું કે 'કોઇના મનમાં શંકા હોવી ના જોઇએ.
ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ અમને કોઇ છંછેડે તો એનો યથાચ્છીત જવાબ આપી શકે છે. જો કે સરકારી છાપેલી ભાષણમાં તો 'નિર્ણાયક' શબ્દ લખ્યો હતો. ફરીથી મોદી સ્થિતી અંગે એક શબ્દ પણ બોલ્યા ન હતા. મંગળવારે સેનાએ તો બપોરે ૧૨-૫૨ વાગે તેમના ત્રણ જવાન શહીદ થયા હોવાની જાહેરાત કરી દીધી હતી. મોદીએ ત્રણ વાગે મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. જવાનોની શહાદતને એક દિવસ વિતી ગયો હતો ત્યાં સુધી મોદી મૌન ધારણ કરીને બેઠા હતા. ત્યાં સુધી માં તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 'મોદી શા માટે છુપાઇ રહ્યા છે' કહીને તેમનો પક્ષ મોદીની સાથે ઊભો છે, એવું પણ કહી દીધું હતું.
સૈનિકોની શહાદત પર અમીત શાહ ગર્જ્યા નહીં
પાટનગરના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ભારતીય સેનિકોને ગૃહ મંત્રી અમીત શાહે માત્ર અંજલી જ આપી હતી તેનાથી વધુ તેઓ બોલ્યા નહતા. લદ્દાખની હત્યાઓ પછી સંસદમાં તેમના આક્રમક સ્વભાવ દેખાયો નહતો જે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના બે ભાગલા કર્યા ત્યારે તેમણે દર્શાવ્યા હતા. તેમણે તો યાદ અપાવી હતી કે અકસાઇ ચીન પણ અમારો જ હિસેસો છે.
છટ્ટી ઓગસ્ટે લોકસભામાં કલમ ૩૭૦ને રદ કરનાર ખરડાને સંસદમાં ે રજૂ કરતી વખતે જે તેવરમાં તેઓ બોલ્યા હતા તે આ વખતે ગાયબ હતા. કોંગ્રસને સંસદના નેતા અધીર રંજન ચૌધરીેએ શાહના વકત્વમાં ખલેલ નાંખવાનો પ્રયાસ કર્યો ત્યારે શાહ ખુબ જ આક્રમક બની ગયા હતા. તેમણે કહ્યું હતું કે જે એન્ડ કે માં પાકિસ્તાના કબજા હેઠળના કાશ્મીરનો અને અકસાઇ ચીનનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું ' સ્પીકર સાહબે, હું જ્યારે જમ્મુ-કાશ્મીરની વાત કરૂ છું તો એમાં પીઓકે અને અકસાઇ ચીનનો પણ સમાવેશ થય છે.
માહિતીના સમયમાં પણ વ્યુહાત્મક મૌન?
ચીને ભારતીય જવાનોની કરેલી હત્યાના સમાચર ખુબ વહેલા આવી ગયા હતા.પાટનગરના દરેક વિસ્તારમાં ગાલવાન ખીણમાં ચીની સૈનિકોએ આપણા સૈનિકોની કરેલી હત્યાના સમાચાર ચર્ચાનો વિષય બની ગયો હતા. લોકો વાતો કરતાં હતા કે શું ભારતે જ બેજીંગને સોશિયલ મીડિયા પર આ સમાચાર વહેતા કરવાની મંજૂરી આપી હતી. જાણકારો કહે છે કે એવા સમયમાં કે જ્યારે સમગ્ર વિશ્વના લશ્કરો ઇન્ફોરેમેશન વોરફેરની કળા પર અમલ કરી છે ત્યારે ભારતીય સેનાએ કરેલી સત્તાવાર કબુલાત પછી પણ સરકાર તરફથી કોઇ જ માહિતી આપવામાં આવી ન હતી.
ચીનના છાપા ગ્લોબલ ટાઇમ્સમાં ચીની અધિકારીઓને ટાંકતા અહેવાલો ફરતા થઇ ગયા હતા.ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારતીય સેનાની ટુકડીઓએ ગેરકાયદે સરહદ પાર કરીને કરારનો ભંગ કર્યો હતો.તેમણ વગર ઉશ્કેરણીએ ફાયરિંગ કર્યું હતું. ભારતનો જવાબ વિદેશ મંત્રાલય તરફથી છેક મોડી સાંજે આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયા પ્રવકતાએ કહ્યું હતું કે ભારત એ મામલે સ્પષ્ટ છે કે ભારતે જે કંઇ કર્યું હતું તે અંકુશ રેખાની પોતાની બાજુ એ કર્યું હતું.ચીને પણ જવાબ આપ્યો હતો કે અમે ક્યારે પણ અમારા સેનીકોના મરણના સમાચાર આપ્યા નથી કે જેથી પ્રજાનો મુડ ખરાબ થાય. ભારતે તો ઇરાદાપૂર્વક મોન જાળવી રાખ્યું હતું કે જેથી સ્થિતી વધુ વણસે નહીં. છતાં સત્તાવાર જાહેરાતમાં ભારતે પણ કેટલાક સેનિકોને મારી નાંખ્યા હતા તેવા સમાચારો વહેતા થયા હતા.
વિશ્વની સૌથી મોટી કોવિડ ફેસિલીટી
પાટનગરમાં ખુબ ઝડપથી વધતા જતા કોવિડ-૧૯ના કેસનો ભય વચ્ચે દિલ્હી સરકારે દિલ્હીના રાધા સ્વામી આધ્યાત્મિક કેન્દ્રને વિશ્વની કોવિડ-૧૯ માટેની સૌથી મોટી હોસ્પિટલમાં તબદીલ કર્યું હતું. અહીંયા દસ હજાર બેડ મૂકવામાં આવ્યા છે. આ કેન્દ્રની સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે અહીંયાના પસંગ કોરૂગેટેડ બોર્ડના બનાવવામાં આવ્યા છે જેને સેનેટાઇઝની તો જરૂર પડે છે, પરંતુ તમામને રિસાયકલ કરી શકાય છે. છતરપુરમાં ૧૨૫૦૦૦૦ ચોરસ કિમીમાં આ હંગામી વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ જગ્યા એટલી વિશાળ છે કે ફુટબોલના ૨૨ સ્ટેડિયમ બનાવી શકાય છે.
માહામારી પહેલાં અહીં યોજાતા સતસંગમા આશરે ત્રણ લાખ લોકોને સમાવી શકાતા હતા. અહીંયા પહેલાથીજ સીસીટીવી કેમેરા અને પંખાઓ લગાવવામાં આવ્યા છે. આ જગ્યાને તાત્કાલિક ઘોરણે હંગામી કોવિડ-૧૯હોસ્પિટલમાં ફેરવી શકાઇ હતી. 'અત્યાર સુધીમાં અહીંયા પ્રવાસી મજુરોને રાખવામાં આવ્યા હતા. અહીંયાના રસોડા અર્ધ ઔદ્યોગિક છે અને એક સમયે હજારો લોકો માટે રસોઇ બનાવી શકે છે'એમ રાધા સ્વામી સતસંગના મંત્રી વિકાસ સેઠીએ કહ્યું હતું.
- ઇન્દર સાહની