દિલ્હીની વાત : મોદીએ ટોપનોને વર્લ્ડ બેંકમાં કેમ જવા દીધા ?
મોદીએ ટોપનોને વર્લ્ડ બેંકમાં કેમ જવા દીધા ?
નવીદિલ્હી, તા.06 જૂન 2020, શનિવાર
નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાઈવેટ સેક્રેટરી રાજીવ ટોપનોને વર્લ્ડ બેંકમાં જવા દીધા એ મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ૧૯૯૬ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ટોપનો વર્લ્ડ બેંકના એક્ઝીક્યિુટિવ ડિરેક્ટરના સીનિયર એડવાઈઝર નિમાયા છે. મોદીના નેતૃત્વ હેઠળની એપોઈન્ટમેન્ટ્સ કમિટીએ જ ટોપનોની અરજીને મંજૂરી આપી છે.
ટોપનો મનમોહનસિંહના સમયથી પીએમઓમાં હતા. ૨૦૦૯માં પીએમઓમાં ડેપ્યુટી સેક્રટરી નિમાયેલા ટોપનો ટેલીકોમ અને પોર્ટ્સ જેવા મહત્વના વિભાગો જોતા હતા. ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા પછી મોદીએ તેમને પર્સનલ સેક્રેટરી બનાવ્યા હતા. કોંગ્રેસની નજીક ગણાતા અધિકારીને પ્રમોશન આપીને મોદીએ આશ્ચર્ય સર્જેલું.
સૂત્રોના મતે, મોદીએ ટોપનોના અનુભવનો ઉપયોગ પીએમઓની કામગીરી સમજવા અને પકડ જમાવવા કરેલો. ટોપનોને વર્લ્ડ બેંકમાં મોકલવા પાછળ પણ આ ગણતરી છે. કોરોનાના કારણે દેશ આર્થિક સંકટમાં છે ત્યારે ભારતને વર્લ્ડ બેંકની મદદની બહુ જરૂર છે. મોદીની નજીક મનાતાં આઈએએસ અધિકારી એસ. અપર્ણા વર્લ્ડ બેંકમાં છે જ. હવે ટોપનો પણ વર્લ્ડ બેંકમાં હશે તો ભારતને તકલીફ નહીં પડે એવી મોદીની ગણતરી છે.
શાહની રેલી પહેલાં પાસવાનનો નીતિશ સામે મોરચો
અમિત શાહ રવિવારે વર્ચ્યુઅલ રેલીથી બિહારમાં ચૂંટણી પ્રચારનું રણશિગું ફૂંકવાના છે ત્યારે જ ભાજપના સાથી પક્ષ એલજેપીએ ફરી નીતિશ કુમાર વિરોધી સૂર કાઢયો છે. એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને હિજરતી કામદારોની સમસ્યાને પહોંચી વળવામાં નીતિશ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરીને ચૂંટણીમાં મુખ્યમંત્રીપદનો ચહેરો બદલવાની તરફેણ કરી. પાસવાને સ્પષ્ટતા કરી છે કે, ભાજપ જે નિર્ણય લેશે એ તેમને માન્ય છે પણ ભાજપ ચહેરો બદલવા માંગતો હોય તો તેને અમારો ટેકો છે.
પાસવાને બે દિવસ પહેલાં જ નીતિશ કુમારને પત્ર લખીને કામદારો માટે શરૂ કરાયેલી હેલ્પલાઈનના નંબરો નહીં લાગતા હોવાની ફરિયાદ કરી હતી. પાસવાને બહારથી આવેલા કામદારોને અપાતી ક્વોરેન્ટાઈન સવલતો સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
રાજકીય વિશ્લેષકોના મતે, પાસવાન ભાજપના જ ગિરિરાજસિંહ સહિતના નેતાઓના ઈશારે નીતિશ સામે પ્રહારો કરી રહ્યા છે. ભાજપમાં એક વર્ગ જેડીયુને કોરાણે મૂકીને ભાજપ એલજેપી સાથે મળીને ચૂંટણી લડે એવું ઈચ્છે છે કે જેથી ભાજપનો મુખ્યમંત્રી બને. હાઈકમાન્ડ આ જોખમ લેવા તૈયાર નથી તેથી આ નેતાઓ પાસવાનના ખભે બંદૂક મૂકીને ગોળીબાર કરી રહ્યા છે.
સિંધિયાએ ભાજપ છોડયો હોવાના ન્યુઝથી હલચલ
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીની હલચલ વચ્ચે શનિવારે એવા ન્યુઝ આવ્યા કે, જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપ પણ છોડી રહ્યા છે. આ સમાચાર સાથે સિંધિયાના ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીન શોટ મૂકીને દાવો કરાયો કે, સિંધિયાએ પોતાના એકાઉન્ટમાંથી ભાજપ નેતા તરીકેની ઓળખ કાઢી નાંખી છે ને પબ્લિક સરવન્ટ, ક્રિકેટ એન્થુઝિયાસ્ટ જ રાખ્યું છે.
સિંધિયાએ કોંગ્રેસ છોડી એ પહેલાં આ રીતે જ ટ્વિટર પરથી કોંગ્રેસ નેતા કાઢી નાંખેલું. તેના કારણે લોકો કોમેન્ટ કરવા માંડયા કે, સિંધિયાને કોંગ્રેસનું નામ કાઢતાં ૧૮ વર્ષ લાગેલા જ્યારે ભાજપનું નામ કાઢતાં ૧૮ મહિના પણ ના થયા ?
આ ન્યુઝ વાયરલ થતાં સિંધિયાએ સ્પષ્ટતા કરવી પડી કે, આ સમાચાર સાવ ખોટા છે. પોતે ટ્વિટર હેન્ડલ પર કદી ભાજપ લીડર લખ્યું જ નહોતું પછી એ કાઢવાનો સવાલ જ નથી આવતો એવી સ્પષ્ટતા પણ સિંધિયાએ કરી. સિંધિયાએ એવો કટાક્ષ પણ કર્યો કે, કમનસીબે આજકાલ ખોટા સમાચાર સત્ય કરતાં વધારે ઝડપથી ફેલાય છે.
કેરળમાં હાથણીની હત્યાને કોમી રંગ આપવા પ્રયાસ
કેરળમાં વિસ્ફોટકો ભરેલું પાઈનેપલ ખવડાવીને હાથણીની હત્યાના કેસને કોમી રંગ આપવાના ભાજપના પ્રયાસ સામે સોશિયલ મીડિયા પર આક્રોશ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનના મીડિયા સલાહકાર અમર પ્રસાદ રેડ્ડીએ ટ્વિટ કરી કે, આ કેસમાં અમઝથ અલી અને તમિમ શેખની ધરપકડ થઈ છે.
ભાજપ સમર્થકોએ તેને મોટા પ્રમાણમાં રી-ટ્વિટ કરી. તેના કારણે દૂરદર્શને સ્પષ્ટતા કરવી પડી કે, આ વાત ખોટી છે ને આ કેસમાં જેની ધરપકડ થઈ છે તેનું નામ વિલ્સન છે. આ સ્પષ્ટતા પછી રેડ્ડીએ ટ્વિટ ડીલીટ કરવી પડી પણ લોકો હજુ ટીકા કરી રહ્યાં છે.
ભાજપ શાસિત હિમાચલ પ્રદેશમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને લોકો સવાલ કરી રહ્યા છે કે, કેરળની ઘટના સામે બોલનારા આ ઘટના સામે કેમ ચૂપ છે ? હિમાચલ પ્રદેશના વિલાસપુરમાં એક ગાયને ફળ સાથે નંદલાલ નામના માણસે વિસ્ફોટકો ખવડાવી દેતાં તેનું જડબું ઉડી ગયું. ગાયના માલિક ગુરૂદયાલે પોલીસમાં ફરિયાદ કરી પણ કોઈ પગલાં ના લેવાતાં તેણે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી મદદ માંગી છે. પોલીસનો બચાવ છે કે, આરોપી ફરાર હોવાથી ધરપકડ થઈ નથી.
કેજરીવાલનો ડો. હર્ષવર્ધનને સીધો પડકાર
દિલ્હીમાં કોરોનાના દર્દીઓને સારવારનો ઈન્કાર કરનારી હોસ્પિટલોને અરવિંદ કેજરીવાલે આપેલી ચીમકી ચર્ચાનો વિષય બની છે. કેજરીવાલે ચીમકી આપી છે કે, કોરોનાના દર્દીઓને બેડ નહીં આપીને બ્લેક માર્કેટિંગ કરનારી હોસ્પિટલોને અમે નહીં છોડીએ ને એના ભ્રમમાં ના રહેતા કે બીજા રાજકીય પક્ષમાં રહેનારા તેમના આકાઓ તેમને બચાવી લેવાશે.
કેજરીવાલે આ ચીમકી દ્વારા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને સીધો પડકાર ફેંક્યો છે. હેડ અને નેક સર્જન ડો. હર્ષવર્ધન સંખ્યાબંધ જાણીતી કોર્પોરેટ હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. મેડિકલ એસોસિએશનમાં તેમનું વર્ચસ્વ છે. કોરોના મુદ્દે કેજરીવાલ નિષ્ફળ ગયા છે એવું સાબિત કરવા ભાજપ મથે છે અને ડો. હર્ષવર્ધન ખાનગી હોસ્પિટલોનો એ માટે ઉપયોગ કરી રહ્યા છે એવું કેજરીવાલ માને છે.
કેજરીવાલ સરકારે સર ગંગારામ હોસ્પિટલ સામે શનિવારે એફઆઈઆર નોંધીને એ પણ સ્પષ્ટ કરી દીધું કે, તેમણે ખાલી ડરાવવા ધમકી નહોતી આપી. સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડો. રાણા, હર્ષવર્ધન અને કોંગ્રેસના નેતાઓ બંનેની નજીક મનાય છે. ડો. હર્ષવર્ધન હવે શું જવાબ આપે છે એ જોવાનું રહે છે.
'મમ્મીજી'ના નિધનથી ભાજપના નેતાઓ દુઃખી
રેલ્વે મંત્રી પિયૂષ ગોયલનાં માતા ચંદ્રકાન્તા ગોયલનું શનિવારે નિધન થયું. 'મમ્મીજી' તરીકે જાણીતાં ચંદ્રકાન્તાજીના નિધને ભાજપના ઘણા નેતાઓને દુઃખી કરી દીધા છે. ભાજપમાં હાલમાં ટોચના સ્થાને બેઠેલા નેતાઓ માટે એ માતાતુલ્ય હતાં. તેમનો બનાવેલો અંજીરનો હલવો ભાજપના નેતાઓ આજેય યાદ કરે છે.
ગોયલના પિતા વેદપ્રકાશ ગોયલ જનસંઘના જમાનાથી ભાજપ સાથે જોડાયેલા હતા. બે દાયકા સુધી ભાજપના ખજાનચી રહેલા ગોયલ અટલ બિહારી વાજપેયીની નજીક હતા. વાજપેયી સરકારમાં એ પ્રધાન પણ બનેલા. ચંદ્રકાન્તાજી પોતે ત્રણ વાર મહારાષ્ટ્રમાં માટુંગા બેઠક પરથી ધારાસભ્યપદે ચૂંટાયેલાં. આ બેઠક પર ગુજરાતીઓની બહુમતી છે. ૧૯૮૦ના દાયકામાં ભાજપની સ્થાપના પછી વેદપ્રકાશ પક્ષ માટે ફંડ એકઠું કરવા ફરતા ત્યારે ચંદ્રકાન્તાજીએ મહારાષ્ટ્રમાં ભાજપનું સંગઠન ઉભું કરવા માટે તનતોડ મહેનત કરી હતી.
૧૯૯૦ના દાયકામાં ભાજપ તાકતવર બનવા મથતો હતો ત્યારે ગોયલ પરિવારનું દિલ્હી અને મુંબઈનું ઘર ભાજપના યુવા નેતાઓ માટે આશ્રયસ્થાન હતું. ચંદ્રકાન્તા ગોયલ યુવા નેતાઓને પ્રેમથી જમાડતાં અને આથક મદદ પણ કરતાં.
***
કોવિડ મહામારીમાં આરટીઆઇની અવગણના
જ્યારે જીવન અને જીવનનિર્વાહ કોવિડ મહામારીના ઘાતક જડબાના ભોગ બન્યા છે ત્યારે લોકશાહીના માહિતી મંળવવાનો કાયદો તેની જવાબદારીઓ પ્રમાણિકથી નિભાવે તેવા સૌ કોઇ અપેક્ષા રાખતો હોય છે. પ્રજાને સશ્ક્ત કરવા, તેમને માહિતીગાર કરવા અને પારદર્શિતા તેમજ જવાબહેદી નિભાવવા આ શસ્ત્ર ખુબજ ઉપયોગી થાય છે. પરંતુ દેશમાં જ્યારે સૌથી મોટી કટોકટી સર્જાઇ હોય ત્યારે નાગરિકોને સંપૂર્ણ માહિતી આપવાને બદલે માહિતી અધિકાર શસ્ત્રો નિષ્ફળ રહ્યું હતું.
આરોગ્ય, પીએમ કેર્સ ફંડ અને પ્રવાસી મજુરો અંગેની માહિતી આપવામાં આ તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું હતું.લોકોને માહિતી માટે છેવટે ટીવી ચેનલોનો સહારો લેવો પડયો હતો. ૨૫ માર્ચે લોકડાઉન લાદ્યા પછી દેશના ૨૬ નિગમો પૈકી એક માત્ર સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હતું જે ૨૦ એપ્રિલે પોતાની કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા રખાઇ હતી.
લોકડાઉનના પ્રથમ અને બીજા સપ્તાહ દરમિયાન કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ દ્વારા કરવામાં આવેલા ટોલિફોનિક સવેમાં રાજ્યોના માહિતી આયોગો મૌન રહ્યા હતા. મહત્તવની માહિતીથી પ્રજાને દૂર રખાઇ હતી. પીએમ કેર્સ ફંડની વિગતો માગતી અરજીને વડા પ્રધાનના કાર્યાલયે ફગાવી દીધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ કોઇ જાહેર ઓફિસ નથી તેની માહિતી આપી ન શકાય. તો સ્ટેટ બેન્કે પણ એમ કહીને વાતને ટાળી દીધી હતી કે આ તો થર્ડ પાર્ટી અંગેની માહિતી છે જેની વિગતો આપવા ફરજીયાત નથી.
ખર્ચ રોકવાના નવા સરકારી પરિપત્ર પર સવાલો
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળ ના સરકારી ખર્ચાઓ માટેના વિભાગ દ્વારા એક વિસ્મૃત પરિપત્ર અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી માર્ચ સુધીમાં રૂપિયા ૫૦૦ કરોડ સુધીના તમામ પ્રોજેક્ટ માટેના ભંડોળને રોકી દેવામાં આવે.કોવિડે-૧૯ના કારણે જે નાણાકીય મુશ્કેલીઓનો મોદી સરકાર સામનો કરી રહી છે તેની પર નિયંત્રણ કરવા આ પગલું લેવાયું હતું. ખાસ તો રૂપિયા ૨૦.૯૭ લાખ કરોડના પેકેજના કારણે સરકારની નાણાકીય મુશ્કેલીઓ વધી હતી.ગયા વર્ષની નાણાખાધથી પહેલા જ પરેશાન સરકાર હવે કોઇ જ નવા વચનો નહીં આપે કે કોઇ જાહેરાત પણ નહીં કરે.
બલકે 'હિસાબની જાદુગરી'કરશે. તમામ મંત્રાલયો મોટા ભાગે તો તેમની પોતાની યોજનાઓ અંગે મુશ્કેલીમાં દેખાય છે. નવા સરકારી ફતવાથી સરકારને કેટલી બચત થશે તે અઁગે નાણા મંત્રાલય કોઇ જ માહિતી આપવા તૈયાર નથી અથવા તો કઇ કઇ નવી યોજનાઓને આના કારણે શરૂ નહીં કરી શકાય. મૂડીના ઇન્વેસ્ટર્સ સર્વિસીસ દ્વારા ભારતની વિદેશી હુડિયામણની સ્થિતીને અને બીએએ૨ માંથી બીએએ૩ પર નીચે ઉતાર્યા પછી કેન્દ્ર સરકારે આ પરિપત્ર જાહેર કર્યો હતો.
ગૃહ મંત્રાલયના દારૂની બોટલ સાથેના ફોટોથી ગૃહ મંત્રી નારાજ
ગૃહ મંત્રાલયેની મીડિયા એન્ડ પબ્લીસિટિ પાંખને સદંતર બદલી નાંખ્યાની ઘટના દેશના વહીવટી તંત્રમાં ભાગ્યેજ બનતી ઘટના ગણવામાં આવે છે.મે મહિનામાં બંગાળ પર ત્રાટકેલા અમ્ફાન તોફાન પછી રાહત કાર્યોની સમીક્ષા કરવા મળેલી ગૃહ મંત્રાલયની એક બેઠકમાં નાશ્તાની પ્લેટો અને દારૂની બોટલો સાથેના ફેસબુક પેજ પર મૂકાયેલા એક ફોટોથી ગૃહ મંત્રી અમીત શાહ ખૂબ જ ગુસ્સે થયા હતા.કોન્ટ્રાકટ પર કામે રાખેલા કોઇ જુનિયર કક્ષાના કર્મચારીએ એ ફોટો અપલોડ કર્યો હતો. પરિણામે આખા વિભાગની બદલી કરી દેવામાં આવી હતી. આના કારણે ગૃહ મંત્રાલયના દસ્તાવેજોમાંથી નાગરિક સુધારો કાયદો ગાયબ થઇ ગયો હતો.માધ્યમો માટેની ટીમના કેટલાક સભ્યો માધ્યમો માટેની શાખાથી નારાજ થયા હતા.
મેનકા ગાંધીની વેબસાઇટ હેક કરાઇ
ભાજપના સાંસદ મેનકા ગાંધી દ્વારા નાણાકીય સહાય મેળવતી પ્રાણીઓના કલ્યાણ માટેની સંસ્થા પીપલ્સ ફોર એનિમલની સત્તાવાત વેબસાઇટને એથિકલ હેકર્સ દ્વારા શુક્રવારે હેક કરવામાં આવી હતી. કેરળમાં એક ગર્ભવતી હાથણીની હત્યાનો ઉલ્લેખ કરીને મેનકા એ જે કોમેન્ટ કરી હતી તેના પરિણામે તેને હેક કરાઇ હતી.વેબસાઇટ પર લખવામાં આવ્યું હતું 'મેનકા ગાંધી પોતાના રાજકીય સ્વાર્થ માટે હાથણીને મુદ્દો બનાવે છે.મુસ્લિમ બહુમતી ધરાવતો મલ્લાપુરમ જિલ્લો 'ભારતનો સૌથી હિસંક જિલ્લો છે'એવી મેનકાએ કરેલી કોમેન્ટના કારણે લોકો મંનકા પર ગુસ્સે ભરાયા હતા. તેમની આ કોમેન્ટના કારણે આગમાં ઘી ઉમેર્યું હતું. તેમના હરિફોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે મેનકા કોમવાદી રાજકારણ રમે છે. ખરેખર તો એ ઘટના માનવી વિરૂધ્ધ પ્રાણીની હતી પણ મેનતા તેને કોમવાદી સ્વરૂપ આપવા ઇચ્છતા હતા.
નવજોત સિધ્ધુ કોંગ્રેસ છોડશ?
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિધ્ધુ કોંગ્રસમાં જ છે, એવા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદન છતાં એવું મનાય છે કે સિધ્ધુ કોંગ્રસ છોડી દેશા.સૂત્રો અનુસાર, ૨૦૧૭માં પંજાબમાં પહેલી જ વખતે ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી સિધ્ધુને પોતાના પક્ષમાં ખેંચવાનો પ્રયાસ કરે છે. ૨૦૨૨માં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આપ કદાચ સિધ્ધુને પોતાના પક્ષમાં ખેંચી જશે. જો કે સિધ્ધુએ આ વાતનો કોઇ જ જવાબ આપ્યો નહતો. સૂત્રો અનુસાર, રણનીતીકાર પ્રશાંત કિશોર સિધ્ધુને આમ આદમી પાર્ટીમાં ખેંચી જવા પ્રયાસો કરી રહ્યા હતા. આની પાછળ તેમનું જ ભેંજુ કામ કરે છે.
- ઇન્દર સાહની