દિલ્હીની વાત : મોદીના ભાષણનો ઉન્માદ 24 કલાકમાં ઓસરી ગયો
મોદીના ભાષણનો ઉન્માદ 24 કલાકમાં ઓસરી ગયો
નવીદિલ્હી, તા.04 જુલાઈ 2020, શનિવાર
નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેહમાં જવાનોને કરેલા સંબોધનનો ઉન્માદ ઓસરવા માંડયો છે. માત્ર ૨૪ કલાકમાં ફરી એ જ સવાલ આવીને ઉભો રહ્યો છે કે, મોદી ચીન સામે પ્રવચનો આપવાના બદલે નક્કર શું પગલાં ભરશે ? મોદીએ લેહમાં આપેલા પ્રવચનને બધાંએ વખાણ્યું પણ એ પછી મોદીએ ચીન સામે કોઈ નક્કર જાહેરાત કરી નથી તેથી આ સવાલ થવા માંડયો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, મોદી ચીન મુદ્દે સ્પષ્ટ નથી અને વારંવાર ગુલાંટબાજી કરતા રહે છે તેથી તેમની વાતો પર કેટલો ભરોસો કરવો એ સવાલ છે. મોદીએ ૨૦૧૪માં ટોકયોમાં ચીનનો ઉલ્લેખ કર્યા વિના પ્રહાર કર્યા હતા, ચીનને સામ્રાજ્યવાદી ગણાવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં મહાબલિપુરમમાં તેમણે ભારત-ચીનના સંબંધોને મજબૂત કરવાની દુહાઈ આપી હતી.
હવે છ વર્ષ પછી તેમણે ફરી ચીન પર ફરી સામ્રાજ્યવાદી હોવાનું લેબલ લગાડયું છે. વચ્ચેનાં વરસોમાં એ ચીન સાથેના સંબંધો મજબૂત કરવાની વાતો કરતા રહ્યા છે, જિનપિંગને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે. આ સંજોગોમાં મોદી ચીન સામે આ જ વલણ જાળવશે તેની ગેરંટી નથી.
મોદીની આર્મી હોસ્પિટલની મુલાકાત વિવાદમાં
શુક્રવારે અચાનક લેહની મુલાકાતે પહોંચી ગયેલા નરેન્દ્ર મોદીએ ચીનના હુમલામાં ઘાયલ સૈનિકોની આર્મી હોસ્પિટલમાં મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો હતો. મોદી ઘાયલ સૈનિકો સાથે વાતો કરતા હોય એવા વીડિયો પણ ચેનલો પર આવ્યા હતા.
મોદીની આર્મી હોસ્પિટલની મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીર દ્વારા દાવો કરાયો છે કે, આ મોદીનું માર્કેટિંગ ગિમિક ને પબ્લિસિટી સ્ટંટ છે. મોદી ઘાયલ સૈનિકોને મળ્યા જ નહોતા પણ હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાં જવાનોને દર્દીઓનાં કપડાં પહેરાવીને બેસાડી દેવાયા હતા.
લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, તસવીરમાં પ્રોજેક્ટર, સ્ક્રીન, હેડટેબલ દેખાય છે પણ સારવાર માટેનાં ઉપકરણો, દવા, પાણી વગેરે દેખાતાં જ નથી. આ કેવી હોસ્પિટલ કહેવાય ? એક યુઝરે કોમેન્ટ કરી કે, આ તો મુન્નાભાઈ એમબીબીએસવાળી હોસ્પિટલ લાગે છે.
મોદીના બચાવમાં ભૂતપૂર્વ સૈનિક મનદીપસિંહે લખ્યું છે કે, આ સેમિનાર હોલ જ છે પણ જવાનોના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા તેને વોર્ડમાં ફેરવી દેવાયો છે. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, લશ્કરી વડા જનરલ નારવણે સૈનિકોને અહીં જ મળ્યા હતા.
યોગીના પ્રધાનની દુબે સાથેની તસવીરથી ખળભળાટ
ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર વિકાસ દુબેએ આઠ પોલીસોની હત્યા કરીને યોગી આદિત્યનાથનું નાક વાઢી લીધું છે ત્યાં હવે યોગી માટે નવી મોંકાણ ઉભી થઈ છે. ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે દુબેની યોગી સરકારના કાયદા પ્રધાન બ્રજેશ પાઠક સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને સવાલ કર્યો છે કે, યે રિશ્તા ક્યાા કહલાતા હૈ ? તસવીરમાં દુબે અને પાઠક ખાસ મિત્રો હોય એ રીતે હસતા ચહેરે એકબીજાને અડકીને ઉભેલા દેખાય છે. પાઠક પહેલાં બસપામાં હતા. દુબે પણ બસપામાં હતો તેથી બંને વચ્ચે વરસો જૂના સંબંધો હોવાનું કહેવાય છે.
યોગીએ દુબેને ઝડપી લેવા માટે આખા ઉત્તર પ્રદેશની પોલીસને કામે લગાડી છે ત્યારે તેમની સરકારના એક પ્રધાનના દુબે સાથેના નિકટ સંબંધોના પુરાવાએ યોગીને શરમજનક સ્થિતીમાં અને ધર્મસંકટમાં પણ મૂકી દીધા છે.
ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોને બસપા તરફ વાળવામાં મહત્વનું યોગદાન આપનારા પાઠક બ્રાહ્મણોના મોટા નેતા ગણાય છે. આ કારણે પાઠકને અમિત શાહ ભાજપમાં લઈ આવ્યા હતા. યોગી તેમની સામે પગલાં લેવા જાય તો બ્રાહ્મણો નારાજ થઈ જાય એવો ડર છે ને કશું ના કરે વધારે આબરૂ જાય તેથી યોગીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે.
પ્રિયંકાને નોટિસ અડવાણી, જોશીને સરકારી બંગલા
મોદી સરકારે પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ ફટકારી છે. પ્રિયંકાને એવું કારણ અપાયું છે કે, ઝેડ પ્લસ સીક્યુરિટી મળતી હોય તેમને સરકારી બંગલો ના મળે.
રસપ્રદ વાત એ છે કે, મોદી સરકાર પ્રિયંકાને સરકારી બંગલો ખાલી કરાવી રહી છે ત્યારે ભાજપના બે જૂના જોગી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સરકારી બંગલા ફાળવ્યા છે. અડવાણી અને જોશી પ્રિયંકાની જેમ સાંસદ નથી, સરકારી હોદ્દા પર નથી, બંનેને ઝેડ પ્લસ સીક્યુરિટી મળે છે ત્યારે પ્રિયંકા અને ભાજપના નેતાઓ માટે અલગ ધારાધોરણ કેમ એવો મુદ્દો ઉઠયો છે.
કેબિનેટ કમિટી ઓન એકોમોડેશન (સીસીએ)નું કહેવું છે કે, ગૃહ મંત્રાલયની ભલામણથી બંનેને બંગલા અપાયા છે. ગૃહ મંત્રાલયનો દાવો છે કે, અડવાણી-જોશીના જીવને ખતરો હોવાથી બંગલા ફાળવાયા છે. આ ખુલાસો ગળે ઉતરે એવો નથી. પ્રિયંકાને ઝેડ પ્લસ સીક્યુરિટી અપાય છે તેનો અર્થ એ છે કે, પ્રિયંકાને પણ ખતરો છે જ. એ સંજોગોમાં તેને પણ અડવાણી-જોશી જેવી જ સવલતો મળવી જોઈએ કે નહીં ?
ફડણવિસના વળતાં પાણી, પંકજા-ખડસેને મનાવાયાં
મહારાષ્ટ્રમાં સતત અવગણનાથી ભડકેલાં પંકજા મુંડે અને એકનાથ ખડસેને શાંત પાડવાની ક્વાયત ભાજપે શરૂ કરી છે. તેના ભાગરૂપે પંકજાને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની ભૂમિકા આપવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે પોતાની નવી ટીમની જાહેરાત કરી ત્યારે પંકજાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે એવું ખાસ કહેવું પડયું હતું.
પંકજાની બહેન પ્રિતમ મુંડેને મહારાષ્ટ્ર ભાજપમાં ઉપપ્રમુખ બનાવાયાં છે. ખડસેનાં પૂત્રવધૂ રેખા ખડસેને સેક્રેટરી બનાવાયાં છે. પ્રિતમ અને રેખા બંને હાલમાં સાંસદ છે.
ભાજપનાં સૂત્રો મતે, આ નિર્ણય એ વાતનો સંકેત છે કે, દેવેન્દ્ર ફડણવિસ હાઈકમાન્ડની નજરમાંથી ઉતરતા જાય છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ફડણવિસે ભલામણ કરી હતી તેના બદલે હાઈકમાન્ડે નવા જ ઉમેદવારોને તક આપીને ફડણવિસના ઘટતા પ્રભાવનો સંકેત આપી દીધો હતો. ટૂંકા ગાળામાં આ બીજો સંકેત અપાયો છે.
શાહે ફડણવિસને શિવસેનામાં ભંગાણ પડાવીને ઉધ્ધવ સરકારને ઉથલાવવાનું ઓપરેશન સોંપ્યું હતું પણ ફડણવિસ એ કામ ના કરી શકતાં હાઈકમાન્ડે જૂના જોગી ખડસે પર મીટ માંડી હોવાનું આ સૂત્રોનું કહેવું છે.
***
મોદીએ ચીનનું નામ ના લીધું પણ..
ગઇ કાલે લેહમાં ભારતીય સેનાના જવાનોને સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ શા માટે ચીનનો ઉલ્લેખની ના કર્યો એ વાતે પાટનગરમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.મોદીએ હમેંશા નામ લેવાનું ટાળ્યું હતું.જાણકારો કહે છે કે ચીનનું નામ નહીં લઇને અને તેને ધમકી નહીં આપવાના કારણે એક મજબૂત નેતા તરીકેની તેમની છબીને મોટું નુકસાન થયુ છે.તો બીજી તરફ,ચીને ભારતને ધમકી આપવામાં ક્યારે પણ પાછીપાની કરી નથી. ગલવાન ખીણમાં ચીની સેના ઘુસી નથી, એવા ખુદ મોદીએ કરેલા નિવેદનનો જ ચીન પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રચાર કરે છે. વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિઆને મોદીની લેહની મુલાકાતના ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 'ચીન અને ભારત સેના અને રાજદ્વારી સ્તરે મંત્રણાઓ કરે જ છે'એ જ પત્રકાર પરિષદમાં તેમણે ભારતને ચેતવણી પણ આપી હતી કે ભારત કોઇ પણ વ્યાહાત્મક ખોટી ગણતરી ના કરે. બંનેમાંથી એક પણ પક્ષે સરહદે તંગદિલી વધે એવું ના કહેવું જોઇએ.
ટ્રમ્પ પરાજીત તરફ, ભારતે બિડેન તરફ હાથ લંબાવવો જોઇએ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકામાં 'હાઉડી'મોદી કાર્યક્રમ વડા પ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ માટે કહ્યું હતું કે 'આબ કી બાર'ટ્રમ્પ સરકાર'.પરંતુ હવે દ્રશ્ય બદલાયું છે અને લાગે છે કે ટ્રમ્પની હાર નક્કી છે. પાટનગરના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે ભારતે હવે ટ્રમ્પના હરિફ ડેમોક્રટિક પાર્ટીની ઉમદવાર બિડેનને સમર્થન આપવું જોઇએ.'બિડેન ભારત માટે નવા નથી. અગાઉ પણ તેઓ સેનેટર તરીકે સિવિલ ન્યુકેલિયર ડીલ વખતે ભારતની સાથે રહ્યા હતા.અમેરિકાના ઉપ-રાષટ્રપતિ તરીકે તેઓ ૨૦૧૩માં ભારત આવ્યા હતા અને અહીંયા રહેતા તેમના એક સબંધી અંગે બોલ્યા હતા જેમની સરનેમ પણ બિડેન છે, એમ એક અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે જો તેઓ ચૂંટાઇ આવશે તો ભારતની સાથે વધુ સારા સબંધ રાખશે અને સસ્પેન્ડ કરાયેલા એચ-વનબી વિઝા ને રદ કરશે.ટ્રમ્પે એક ટીવી શોમાં ગયા સપ્તાહે કહ્યું હતું કે હવે જો બિડેન તમારા આગામી પ્રંમુખ બનવા જઇ રહ્યા છે, કારણ કે કેટલાક લોકો નથી ઇચ્છતા કે હું ફરીથી ચૂંટાઇ આવું.
ભારતની કોવિડ વેકસિન પર નિષ્ણાતોને શંકા
ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ફોર રિસર્ચ કોરોના વાઇરસની રસ પંદરમી ઓગસ્ટથી જાહેર પ્રજા માટે મૂકવાની યોજના બનાવી છે જે તેમણે હૈદરાબાદની ભારત બાયોટેક સાથે મળીને વિકસાવી છે. પરંતુ નિષ્ણાતોએ વેકસિન લોંચ કરવા માટે કરવામાં આવેલી ઉતાવળ પર શંકા વ્યક્ત કરી હતી અને તેના પરિણામ અંગે ચેતવણી આપી હતી.
બાયોથીક્સ અને આરોગ્ય નનીતિવી નિષ્ણાંત ડો. અમંત ભાણે કહ્યું હતું કે 'આટલી ઉતાવળ અગાઉ ક્યારે પણ કોઇ વેકસિન માટે કરવામાં આવી નથી.અન્ય દેશોમાં જેને અજમાવવામાં આવી હતી તેમાં પણ ઉતાવળ કરાઇ નહતી.આટલી ઉતાવળ કરવામાં જોખમ પણ રહેલું છે. આ વેકસિનની પહેલી ટ્રાયલ પહેલી જુલાઇ,૨૦૨૦ના રોજ કરવામાં આવી હતી.ઉપરાંત હજુ સુધી એથિક્સ કમિટિની મંજૂરી પણ આવી નથી.તેમણે એમ પણ કહ્યું હતું કે પત્રનો ટોન ધમકી જેવો હતો.'અમલ કરવામાં નહીં આવે તો તેને ગંભીર બાબત ગણવામાં આવશે. કોણે સત્તા આપી? એમ ભાણે પૂછ્યું હતું.વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)ના અધિકારીઓ પણ કહે છે કે સાર્સ-કોવ-૨ની સુરક્ષિત અને અસરકારક વેકસિનને હજુ સમય લાગશે.
સિધિયાને દિગ્વિજય સિંહનો જવાબ
મધ્ય પ્રદેશના રાજકીય જંગલમાં ફરીથી સિંહ અને વાઘ આવી ગયા હતા.ના..ના સાચા નહીં બલકે કાગળના જ. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ લડાઇ શરૂ થઇ હતી. આગામી વિધાનસભાની પેટા-ચૂંટણીઓ પહેલા જ શાબ્દિક લડાઇ શરૂ થઇ ગઇ હતી. જ્યોતિરાદિત્ય સિંધીયાએ 'ટાયગર અભી ઝીંદા હૈ'ટ્વિટ કર્યા પછી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ લખ્યું હતું જંગલમાં માત્ર એક જ સિંહ જ રહે છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના પ્રધાન મંડળમાં કરાયેલા વિસ્તરણ પછી તેમણે ટ્વિટ કર્યું હતું. ઉલ્લેખની છે કે પંદર મહિનાની કમલનાથની સરકારને સિંધિયાએ પોતાના ૨૨ ધારાસભ્યોના રાજીનામા પછી તોડી પાડી હતી. કમસ નાથે કહ્યું હતું 'કોણ જીંવતો છે, કોણ મરી ગયો છે, કોણ હાથી છે, કોણઁ ઘોડો છે અને કોણ વાઘ છે તે તમામ બાબતો આગીમી પેટા ચૂંટણીમાં સ્પષ્ટ થઇ જશે.
- ઇન્દર સાહની