દિલ્હીની વાત : રાજનાથને ખસેડીને મોદી કેમ લેહ પહોંચી ગયા ?
રાજનાથને ખસેડીને મોદી કેમ લેહ પહોંચી ગયા ?
નવી દિલ્હી, તા.03 જુલાઈ 2020, શુક્રવાર
નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેહ પહોંચી જઈ લશ્કરી જવાનોને સંબોધન કર્યું અને તેમનો જુસ્સો બુલંદ કરવા પ્રયત્ન પણ કર્યો. મોદી અચાનક સરહદે પહોંચી ગયા તેનાથી સામાન્ય લોકોને આશ્ચર્ય થયું પણ સરકારનાં સૂત્રોના મતે મોદીએ ચોક્કસ ગણતરીના ભાગરૂપે આ પગલુ ભર્યું છે.
વાસ્તવમાં પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી વડા જનરલ નારવણે સાથે લડાખ જવાના હતા. ચીન સાથે સંઘર્ષના માહોલમાં દેશના સંરક્ષણ મંત્રી અને લશ્કરી વડા ચીન સરહદે જાય એ ઘટનાને જોરદાર પબ્લિસિટી મળે જ. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેની નોંધ લેવાય. આ સંજોગોમાં મોદી જે કંઈ કહે તેનું વધારે વજન પડે આથી મોદીએ રાજનાથના બદલે પોતે જવાનો નિર્ણય લઈ લીધો.
આ કારણે જ ગુરૂવારે રાત્રે અચાનક રાજનાથની યાત્રા રદ કરવાની જાહેરાત કરાઈ. એ વખતે જ મોદી જશે એ નક્કી હતું પણ સરપ્રાઈઝ આપવા માટે જાહેરાત નહોતી કરાઈ. બાકી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી જ દેવાઈ હતી. શુક્રવારે અચાનક જ લેહ ઉપડી ગયાં.
હવે મોદીની 'સરપ્રાઈઝ સ્ટ્રાઈક'નો પ્રચાર શરૂ
નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા તેનો રાજકીય ફાયદો લેવા માટે ભાજપ સોશિયલ મીડિયા પર કામે લાગી ગયો છે. સામે કોંગ્રેસે પણ સવાલો શરૂ કરતાં જંગ જામ્યો છે.
ભાજપ સમર્થકોએ મોદીની યાત્રાને કોંગ્રેસ પરની 'સરપ્રાઈઝ સ્ટ્રાઈક' ગણાવીને મોદીએ સવાલો ઉઠાવનારા કોંગ્રેસને આશ્ચર્યમાં મૂકી દીધો છે એવા દાવા શરૂ કરી દીધા છે. મોદીના પ્રવચનથી ચીન હચમચી ગયું છે એવો પ્રચાર શરૂ કરી દેવાયો છે.
લેહ જેવા અત્યંત ઉંચાઈ પર આવેલા અને જ્યાં હવા સાવ પાતળી થઈ જાય છે એવા વિસ્તારમાં મોદી સરળતાથી ગયા ને તેમને કોઈ સમસ્યા ના થઈ તેના આધારે તેમના સ્ટેમિનાનાં વખાણ કરતી પોસ્ટનો મારો પણ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસે પણ સામે ઈન્દિરા ગાંધીની ૧૯૭૧ની લેહમાં સૈનિકોને સંબોધનની તસવીર મૂકીને સવાલ કર્યો છે કે, ઈન્દિરાએ લેહ ગયા પછી પાકિસ્તાનના ટુકડા કરી નાંખેલા ત્યારે મોદી શું કરશે ? કોંગ્રેસે એવો સવાલ પણ કર્યો છે કે, મજબૂત પી.એમ. ચીનનું નામ ક્યારે લેશે ?
ગેંગસ્ટર દુબેને ભાજપના ટોચના નેતાએ બચાવ્યો ?
કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલા ૮ પોલીસોની હત્યા કરી દેવાઈ એ ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. આ ઘટનાને કારણે દુબેના રાજકીય કનેક્શન્સની ચર્ચા શરૂ થઈ છે. દુબેએ ૨૦૦૧માં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ભાજપ સરકારના મંત્રીની હત્યા કરી હતી છતાં તેનું કોઈ કશું બગાડી શક્યું નથી.
દુબે બસપાની ટિકિટ પર જિલ્લા પંચાયતમાં ચૂંટાયો હતો. તેની પત્ની ઋચા સપાની ટિકિટ પર જીતી છે. આ કારણે પહેલાં કશું ના થયું પણ છેલ્લા ત્રણ વર્ષથી તો ભાજપનું શાસન હોવા છતાં કેમ પગલાં ન લેવાયાં એ સવાલ ઉઠયો છે.
ભાજપનાં સૂત્રોના મતે, ભાજપના એક ટોચના નેતા સાથેની નિકટતાના કારણે દુબે બચી ગયો. આ નેતા દુબેને ભાજપમાં લાવવા પણ માગતા હતા પણ રાજનાથના વિરોધના કારણે એ શક્ય ના બન્યું પણ તેમણે અત્યાર સુધી દુબેને બચાવ્યો ખરો. ભાજપના નેતાએ પોષેલા ગુંડાએ યોગીની આબરૂના ધજાગરા કરી નાંખ્યા ત્યારે હવે યોગી શું કરશે એ સવાલ પૂછાઈ રહ્યો છે.
કેન્દ્રીય પ્રધાન બુધ્ધિનું પ્રદર્શન કરી હાંસીપાત્ર બન્યા
મોદી સરકારના પ્રધાન આર.કે. સિંહે ચીનથી પાવર ઈક્વિપમેન્ટ્સની આયાત બંધ કરવાની જાહેરાત કરતી વખતે કરેલી દલીલોના કારણે એ હાંસીને પાત્ર બની ગયા છે. સિંહે દાવો કર્યો કે, ચીન આ ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ ટ્રોજન હોર્સ તરીકે કરી શકે છે અને તેનો ઉપયોગ દેશમાં પાવર ગ્રીડને બંધ કરવા કરી શકાય છે. ગ્રીક લશ્કરે ટ્રોય શહેરમાં ટ્રોજન તરીકે ઓળખાતા વિશાળ લાકડાના બનેલા ઘોડામાં સૈનિકો ઘૂસાડીને ટ્રોય પર કબજો કરેલો તેના સંદર્ભમાં સિંહે આ ટીપ્પણી કરી છે.
સરકારી સૂત્રો આ ટીપ્પણીને બુધ્ધિનું પ્રદર્શન ગણાવે છે. વિદેશથી આવતાં કોઈ પણ ઈક્વિપમેન્ટ્સનો સરકારી કામકાજમાં ઉપયોગ કરતાં પહેલાં સટફાઈડ લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાતું હોય છે. તેમાં કોઈ પ્રકારની ગરબડ, જાસૂસી ઉપકરણો, માલવેર કે સાયબર થ્રેટ બને એવું કશું નથી તેની ચકાસણી કરીને પછી તે ઉપયોગમાં લેવાતાં હોય છે. આ સુવ્યવસ્થિત રીતે ચાલતી પ્રક્રિયા છે. બધાંને તેની ખબર હોય છે પણ સ્માર્ટનેસ બતાવવાના પ્રયાસમાં સિંહે બુધ્ધિનું પ્રદર્શન કરી દીધું.
પાસવાને ફરી જેડીયુ સામે તલવાર તાણી
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રામવિલાસ પાસવાનની એલજેપી અને નીતિશ કુમાર ફરી સામસામે આવી ગયાં છે. એલજેપીએ બિહારમાં ૪૧ બેઠકો આપવાની માગણી કરી છે. જેડીયુએ તેની સામે કટાક્ષ કર્યો કે, કોઈના માગવાથી થોડી બેઠકો મળી જાય છે ?
એલજેપીના ચિરાગ પાસવાને સામે રોકડું પરખાવ્યું છે કે, બિહારમાં એલજેપી ભાજપનો સાથી પક્ષ છે, જેડીયુનો નહીં તેથી અમે ભાજપ પાસે માગણી કરી છે, જેડીયુ પાસે નહીં. પાસવાને તો રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિમાતા ૧૨ સભ્યોમાંથી બે સભ્યો પોતાના પક્ષના નિમવાની માગણી કરી છે.
જેડીયુને ચીમકી આપવા માટે પાસવાને મુંગેર જિલ્લા પ્રમુખ રાઘવેન્દ્ર ભારતીને સસ્પેન્ડ કરી દીધો છે. ભારતીએ નિવેદન કર્યું હતું કે, બિહારમાં એનડીએ ગઠબંધન અતૂટ છે.
ભારતીને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરીને એલજેપીએ સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે કે, ગઠબંધન અંગે બોલવાનો અધિકાર તિરાગ પાસવાન સિવાય બીજા કોઈને નથી.
પાસવાનના તેવર જોતાં એ ચૂંટણી પહેલાં ભાજપ માટે માથાનો દુઃખાવો ઉભો કરશે એવું લાગે છે.
ભાજપ સાંસદને કોરોના ને ચિંતામાં મમતા બેનરજી
પશ્ચિમ બંગાળનાં હુગલીનાં ભાજપનાં સાંસદ લોકેટ ચેટરજીને કોરોના થઈ ગયો તેમાં તો મમતા બેનરજી ચિંતામાં પડી ગયાં છે. બલ્કે બંગાળના બધા રાજકીય પક્ષો ચિંતામાં પડી ગયા છે. તેનું કારણ એ કે, લોકેટ હજુ ત્રણ દિવસ પહેલાં જ ચીન સામેના સંઘર્ષમાં શહીદ થયેલા બીરભૂમના જવાન રાજેશ ઓરંગના ઘરે ગયાં ત્યારે તમામ પક્ષના નેતાઓના સંપર્કમાં આવ્યાં હતાં.
ભાજપના સાંસદ સૌમિત્ર ખાન અને ત્રણ ધારાસભ્યો, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને મમતા સરકારના ત્રણ પ્રધાનો શહીદ જવાનના ઘરે હાજર હતા. આ તમામ નેતાઓએ પાસે બેસીને વાતો કરી હતી. એ પછી ખાને અને લોકેટે કોલકાત્તામાં ભાજપના ટોચના નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. મમતાના પ્રધાનોએ પણ કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. લોકેટને મળનારા સંખ્યાબંધ લોકોને મળ્યા તેમાં બધાંને પોતે લપેટમાં ના આવી જાય તેનો ફફડાટ પેસી ગયો છે. મમતા બેનરજીએ તો પોતાના તમામ પ્રધાનોનો કોરોના ટેસ્ટ કરાવવાનો પણ નિર્ણય લીધો છે.
* * *
શું મોદી ઇટાલીને જવાબ આપશે?
ભારત ઇટાલીના સેનિકો સામે કાનુની કાર્યવાહી ના કરી શકે, એવા હોગની અદાલતના ચૂકાદા પછી દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલે છે કે શું મોદી ઇટાલીને પણ જવાબ આપશો?કોર્ટે એવી પણ નોંધ કરી હતી કે ઇટાલીના બે મરિન સૈનિકો તેમની ફરજ પર હતા અને તેમણે જં કંઇ કર્યું હતું તે તેમની ફરજના ભાગરૂપે હતું, એટલા માટે તેમની સામે કાર્યવાહી ન કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ મુદ્દે ખુબ રાજકારણ રમ્યું હતું અને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.યુપીએના શાસનમાં ૧૩ માર્ચ,૨૦૧૩ના રોજ મોદીએ ટ્વિટ કર્યું હતું કે 'ઇટાનીયન મરિન સભ્યોના મુદ્દે ભારતને ઇટાલીયનોને ભારત બોલાવવાથી ઓછું કંઇ જ ના જોઇએ.
કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે દેશ સમક્ષ તેઓ શું પગલાં લેવાના છે તેનો ખુલાસો કરવો જોઇએ.ઇટાલીના સૈનિકોને યુપીએ સરકાર ક્યારે પાછા લાવશે?માર્ચ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીના છ મહિના પહેલાં તેમણે ફરીથી ટ્વિટ કર્યું હતું કે 'ઇટાલીના સૈનિકોએ આપણા જવાનોની બેરહમીપૂર્વક હત્યા કરી હતી.જો મેડન આટલા જ રાષ્ટ્રભક્ત હોય તો કઇ જેલમાં ઇટાલીના મરિનર્સને રાખવામાં આવ્યા છે? હવે હોગની કોર્ટે ચૂકાદો આપી જ દીધો છે તો હવે જોવાનું એ છે કે હવે ઇટાલી સામે ક્યારે કાર્યવાહી કરાય છે? શું મોદીએ લાલ આંખ માત્ર ચીન માટે જ રાખી હતી? નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આ ચૂકાદાને ભારત માટે મોટી હાર ગણાવી હતી.
યુપીએની સરકારે કાર્યવાહી કરી હતી
જાણકારો કહે છે કે યુપીએ સરકાર જે કામ ના કરી શકે તે મોદી કરશે? મોદીએ તત્કાળ વડા પ્રધાન મનમોહન સિંહને 'નબળા'પીએમ ગણાવ્યા હતા. જો કે તેમની સરકારે ૨૦૧૩માં જ રાજદ્વારી બાબતોમાં ઇટાલીને બીજી કક્ષાએ ધકેલી દીધો હતો.અમારા સૈનિકોને ફાંસીની સજા નહીં અપાય એવી ભારત સરકાર તરફથી ખાતરી ન અપાય ત્યાં સુધી અમે અમારા સૈનિકોને ભારતને નહીં સોંપીએ એવું કહતા ભારતે પણ પોતાના રાજદૂતને રોમ મોકલ્યા નહતા.
અમીત શાહ સક્રિય થતાં રાદકારણ ગરમાયું
પાટનગરની સત્તાની ગલીઆરીમાં એવી ચર્ચા ચાલે છે કે ગૃહ મંત્રી અમીત શાહ ફરીથી સક્રિય થતાં રાજકાણ પન ગરમાયું છે. તેઓ આમ તો દિલ્હીમાં જ હતા, પરંતુ કોવિડ-૧૯ સામે ભારતમાં શું શું તૈયારીઓ ચાલે છે તેનું નિરક્ષણ કરતા હતા.તેઓ દિલ્હી સરકારના આદેશ આપતા હતા. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે શાહના સબંધ ભલે સારા ન હોય, પરંતુ આ સમય એવો નહતો કે લડાઇ કરાય, બલકે અંગત રાગદ્વેશને બાજુએ રાખવા જોઇએ.શાહે અત્યાર સુધીના રાજકારણમાં વિભાજકવાદી કામગીરી કરી હતી.હવે તેમને લાગે જનતાને મલમ લગાડવાની જરૂર છે.લોકડાઉનના ત્રણ મહિનાઓમાં માત્ર દેશના અર્થતંત્રમાં જ લોકડાઉન નહતું, બલકે તેઓ રાજકારણ પણ રમતા હતા. હવે ફરીથી તેમણે રાજકારણમાં પ્રવેશ કરતાં અનેક દ્રશ્યો બદલાયા છે.મોદીની સરકારની બીજી ટર્મ નિમિત્તે તેમણે લંબાણપુર્વકનો ઇન્ટરવ્યું આપ્યો હતો.તેમણે બિહાર, ઓડિશા અને ંબગાળમાં વર્ચ્યુઅલ રેલીઓને સંબોધી હતી. રાજયસભાની ચૂંટણી પર પણ નજર રાખી હતી.ખાસ કરીને ગુજરાતની ચૂંટણી પર જ્યાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો પાસે રાજીનામા પડાવ્યા હતા. ત્યાર પછી મણીપુરના કોકડાને ઉકેલ્યું હતું.
અનુપમ ખેરને ભાજપે કાઢી મૂકવા જોઇએ
ભાજપના પ્રવકતા સંદીપ પાત્રાના વખાણ કરતાં શીખ ગુરૂ ગોવિંદ સિંહના શબ્દોના ઉપયોગ કરવા બદલ પંજાબના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ અનુપમ ખેરને ઠપકો આપ્યો હતો.ખેરે કહ્યું હતું કે 'સવા લાખ સે એક ભીડા દું' અને પાત્રાને ટેગ કર્યો હતો. બુધવારે કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની ફાયરિંગમાં માર્યા ગયેલા એક વ્યક્તિની છાતી પર બેસીને રડી રહેલા બાળકનો ફોટો પાત્રાએ સોશિયલ મીડિયામાં મૂકતા અનેક લોકોએ પાત્રાની ટીકા કરી હતી. ફોટોની નીચે લાઇનો હતી 'પુલાત્ઝર લવર્સ' બિટ્ટુએ ખેરના ટ્વિટને આરએસએસ દ્વારા શીખ ધર્મની મજાક ગણાવી હતી.'અનુપમ ખેરની હિંમત કેવી રીતે થઇ કે આવા પવિત્ર શબ્દોનો તે ઉપયોગ કરી શકે?આનાથી શીખ ઘર્મની છબી ખરડાય છે.આરએસએસની જુની ટેવ છે કે તેઓ શીખ ધર્મની વિચારધારાને ડાયલ્યુટ કરે છે. વડા પ્રધાન મોદીએ માફી માગી ખેરને તરત જ પક્ષમાંથી દૂર કરવા જોઇએ.
- ઇન્દર સાહની