કોરોનાની સારવારમાં હવે સ્વયંસેવકો સેવા આપશે, દર્દીઓ અને તેમના પરિવારજનો વચ્ચે બ્રિજનું કામ કરશે
સુરત, તા. 18 જુલાઇ 2020, શનિવાર
કોરોનાના કારણે હાલ શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને લોકો સેલ્ફ લોકડાઉન તરફ વળ્યા છે. સુરતમાં કોવિડ 19ના દર્દીઓમાં વધારો થયો છે ત્યારે સુરત મનપા કમિશનર દ્વારા હાલમાં જ લોકોને કોવિડ હોસ્પિટલ ખાતે સેવા આપવામાં માટે અપીલ કરવામાં આવી હતી. સુરતની એક સંસ્થા દ્વારા સુરતની સિવિલ કોવિડ 19 હોસ્પિટલ ખાતે 5 સ્વયંસેવકો મુક્યા છે. જે કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનો વચ્ચે બ્રિજનું કામ કરશે.
કોરોનાના દર્દીઓમાં વધારો થતાં હવે હોસ્પિટલો પણ કામ કરતા લોકોની અછત વર્તાવા લાગી છે. ડોકટરોથી લઈને નર્સ 24 કલાક કામ કરી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા મનપા કમિશનરે લોકોને અપીલ કરી હતી કે કોવિડ હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે સેવા આપે.
મોટાભાગના લોકોમાં કોરોનાને લઈને ભય છે ત્યારે એક સંસ્થા દ્વારા પોતાની સંસ્થાના પાંચ સ્વયંસેવકોને ટ્રેઇનિંગ આપીને સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે મુકવામાં આવ્યા છે. આ ટિમમાં 3 મહિલાઓ અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.
આ લોકો કોવિડ દર્દીઓના પરિવારજનો જે સિવિલમાં આવે છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે અને સાથે જ તેમના પરિવારના સભ્યો સાથે તે દર્દીને વેટ પણ કરાવશે. તેઓ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને શું જરૂરિયાતો છે તે અંગે પણ ધ્યાન રાખશે.
આ ટીમની મેમ્બર મોનિકાબેન કહે છે કે,‘અમે સિવિલ માં કોરોનાના દર્દીઓ અને તેમના પરિવાર વચ્ચે એક કડીનું કામ કરીશું. અમે દર્દીઓના ખાવા પીવાથી લઈને તેઓને શું જરૂર છે તે ધ્યાન રાખીશું.’
સંસ્થાના સંચાલકએ જણાવ્યું હતું કે હાલમાં જે મહામારી ચાલી રહી છે તેમાં આપણા ડોકટરો અને નર્સઓ પણ સુરક્ષિત નથી રહ્યાં એટલે હવે આપણે જ મેદાનમાં ઉતરવું પડશે. તેથી અમે અમારી સંસ્થાના પાંચ સ્વયંસેવકોને આ કોવિડ હોસ્પિટલ ખાતે મુક્યા છે. અહીં એક હેલ્પસેન્ટર બનાવ્યું છે. જ્યાં તેઓ સેવા આપશે. કોરોનાના દર્દીઓને મળશે તેઓના પરિવારને પણ તેઓ માર્ગદર્શન આપશે. સાથે સાથે કોરોન દર્દીઓ સાથે પરિવારજનોની વાત પણ કરાવશે. જેથી માનસિક રીતે પરિવાર અને દર્દી બન્નેને શાંતિ મળે. અમે હજુ ટીમ વધારીશું અને અન્ય હોસ્પિટલોમાં પણ મુકીશું. હોસ્પિટલમાં જવા માટે તેઓને કીટ પણ આપવામાં આવી છે. અને ત્યાં કઇ રીતે કામ કરવું તેની પણ તાલીમ આપવામાં આવી છે.