For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી આવતા જ બહાનાબાજી શરુ, લીમખેડા પ્રાંત કચેરીના એક જવાબથી સુરતના કર્મચારીઓનું ટેન્શન વધ્યું

Updated: Apr 3rd, 2024

Article Content Image

Lok Sabha Elections 2024: સુરત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટે વહીવટી તંત્રએ કામગીરી શરુ કરી દીધી છે. તો કેટલાક સરકારી કર્મચારીઓએ ચુંટણીની કામગીરીમાંથી મુક્તિ માટે જાત જાતના બહાના કાઢવાનું શરુ કરી દીધું છે. જોકે, કર્મચારીઓના બહાના સામે ગુજરાતના લીમખેડા વિસ્તારમાં એક કર્મચારીઓ મેડિકલ કારણ આગળ ધરી ચૂંટણી ફરજ માંથી મુક્તિ માટે માંગણી બાદ પ્રાંત કચેરી દ્વારા આપવામાં આવેલો જવાબ સુરતના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાંત કચેરી દ્વારા કામગીરી ન થઈ શકે તેવું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજુ કરવા મુદ્દે ખોટા મેડિકલ કારણ રજૂ કરી કામગીરીમાંથી મુક્તિ માગનારા કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયાં છે અને કેટલાક કર્મચારીઓ અરજી પણ પાછી ખેંચે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાના કર્મચારીઓનો સોશિયલ મીડિયા ગ્રુપમાં હાલમાં ચુંટણીની કામગીરીના રજા માટેનો લીમખેડાના એક કર્મચારીની રજા ની માંગણી બાદ પ્રાંત કચેરીનો પત્ર વાયરલ થઈ રહ્યો છે તેની ચર્ચા પાલિકા કર્મચારીઓમાં થઈ રહી છે અને ચુંટણી કામગીરીમાંથી મુક્તિ માટે બહાના કાઢનારા કર્મચારીઓ માટે આ પત્ર એક સબક બની ગયો છે અને આવી મુક્તિ માગનારાઓ હવે ગભરાઈ રહ્યાં છે. 

Article Content Image

આગામી લોકસભાની ચૂંટણી માટે સુરત પાલિકાના વર્ગ-2ના 294, વર્ગ-3ના 3813 અને વર્ગ-4ના 4032 કર્મચારીઓ મળી કુલ  8139  કર્મચારી ના ઓર્ડર નીકળ્યા છે. તેમાંથી 150થી વધુ કર્મચારીઓએ  પારિવારિક અને મેડિકલ કારણ આગળ ધરીને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માગતી અરજી કરવામા આવી છે. પરંતુ લીમખેડાના ઓર્ડર પાલિકાના કર્મચારીઓમાં વાયરલ થઈ રહ્યો છે તે જોતાં ખોટા કારણો રજૂ કરી કામગીરીમાંથી મુક્તિ માગનારા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

વાયરલ થયેલા પત્રમાં એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા શિક્ષક દ્વારા પ્રિસાઈડીંગ ઓફિસરની કામગીરી માંથી મુક્તિ માટે મેડિકલ કારણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના અનુસંધાનમાં પ્રાંત કચેરી દ્વારા પત્ર શિક્ષક ને પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, તબીબી કારણોસર સદરહું હુકમ રદ કરવા અત્રે લેખીતમાં રજૂઆત કરેલ છે જે અન્વયે આપ ને જણાવવામાં આવે છે કે ચૂંટણી ફરજ કરવા સમક્ષ નથી તે બાબતનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મેળવવા માટેની આનુષંગિક પ્રકીયા દિન-૫ (પાંચ) માં પૂર્ણ કરશો. ચૂંટણી ફરજ બજાવવા સક્ષમ નથી તે બાબતમાં તબીબી પ્રમાણપત્ર હકારાત્મક આવશે તો જ આપનો ચૂંટણી ફરજ નો હુકમ રદ કરવામાં આવશે. વધુમાં ઉપરોક્ત પ્રમાણપત્ર ના આધારે એક દિન ની ચૂંટણી ફરજ બજાવવા સમક્ષ ન હોઇ આપ સરકારી નોકરી કરવા પણ સમક્ષ નથી તેવું આપોઆપ સાબિત થતુ હોઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે આપની ફરજીયાત નિવૃત્તિ દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવામાં આવશે.

આવો પત્ર વાયરલ થયો હોવાથી સુરતમાં ખોટા મેડિકલ કારણ આગળ ધરીને ચુંટણીની કામગીરીમાંથી મુક્તિ માગનારા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે અને જો આ પ્રકારની નીતિ સુરતમાં પણ થાય તેની શક્યતા નકારી શકાતી નથી તેથી ખોટા કારણથી મુક્તિ માગનારા અરજી પાછી ખેંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Gujarat