સુરત પાલિકાના ગાર્ડન, બ્રિજ બ્યુટીફીકેશન, ઓડિટોરીયમ અને કોમ્યુનીટી હોલ પીપીપી ધોરણે આપવા આયોજન

સુરત, તા. 08 ફેબ્રુઆરી 2020 મંગળવાર
સુરત મ્યુનિ.માં વધતાં જતા ખર્ચ અને મર્યાદિત આવક સાથે ઘટતી જતી ગ્રાન્ટને પહોંચી વળવા માટે ભાજપ શાસકોને પીપીપી મોડલ પર વધુ વિશ્વાસ છે. સ્થાયી સમિતિએ બજેટમાં અનેક પ્રોજેક્ટને પીપીપી મોડલ પર આગળ વધારવા માટે આયોજન કર્યું છે. જેના કાણે પાલિકાના ગાર્ડન, બ્રિજ, બ્યુટીફીકેશન, કોમ્યુનીટી હોલ અને ઓડિટોરીયમ જેવા પ્રોજેક્ટમાં પણ પીપીપી મોડલ અપનાવવા માટે જાહેરાત કરી દીધી છે.
સુરતનીઓના મનોરંજન અને હરવા ફરવા માટે બનાવવમાં આવેલા પ્રકલ્પ એવા ગાર્ડન તથા વિવિધ પ્રસંગની ઉજવણી માટે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ અને શાક માર્કેટ નજીકના ભવિષ્યમાં ખાનગી કંપનીઓને પીપીપી મોડેલથી આપવાનો નિર્ણય બજેટમાં જાહેર કરવામા આવ્યો છે.
પાલિકા છેલ્લા કેટલાક વર્ષથી ગાર્ડનને પીપીપી ધોરણે આપી ચુકી છે તેમા પાલિકાને મેઈન્ટેનન્સ બચતુ હોવા ઉપરાંત આવક પણ થઈ રહી છે તેવી જ રીતે પાલિકા નજીકના દિવસોમાં પાલિકા વિવિધ વિસ્તારોમાં બનેલી શાક માર્કેટનો પણ પીપીપી ધોરણે આપવા માટે આયોજન કરી રહી છે.
સિટી ઓફ બ્રિજ તરીકે ઓળખાતા સુરત શહેરમાં બ્રિજ નીચે કાયમી દબાણો મનપાના તંત્ર માટે હંમેશા માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હવે શાસકો દ્વારા બ્રિજ નીચે થતાં દબાણો દુર કરવાની સાથે જે તે બ્રિજના બ્યુટીફિકેશન માટે પણ પીપીપી ધોરણે આપવાની સાથે વધારાની આવક ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં જ પાર્લે પોઈન્ટ ખાતે બ્રિજના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ હવે શાસકો દ્વારા આ ખોટી દિશામાં આગળ વધવાને બદલે પીપીપીના ધોરણે બ્રિજના બ્યુટિફિકેશનની જવાબદારી સોંપવાની સાથે વધારાની આવક પણ ઉભી કરવામાં આવશે. અલબત્ત, બ્રિજ નીચે થતાં દબાણો દુર કરવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.




