સુરત પાલિકાની 65 ફાઇનલ ટીપી સ્કીમમાં 83 કરોડના વ્યાજ સહિત 282 કરોડની આઈસ ની રકમ બાકી
Image Source: Facebook
પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાઈનલ થયેલી બન્ને ટીપી સ્કીમમાં આઈસીની તમામ રકમ જમા: રાંદેર ઝોનમાં 121 કરોડથી વધુના આઈ સી નાણા બાકી
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના વિકાસના આયોજન માટે ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. ફાઈનલ થયેલી ટી પી સ્કીમમાં ફાઈનલ પ્લોટ ના કબ્જેદાર પાસે પ્રાથમિક સુવિધા કામગીરી માટે આઈસી ( ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ) નાણાં વસુલવામાં આવે છે. હાલમાં તો ટીપી સ્કીમની પ્રક્રિયા સાથે જ ડેવલપર પાસે આ નાણાં વસુલવામાં આવે છે. પરંતુ ભૂતકાળમાં આ પ્રકારની પ્રક્રિયા ટી પી સ્કીમ ફાઇનલ થાય ત્યારે જ આઈ સી ના નાણા વસુલવામાં આવતા હતા જેના કારણે હાલમાં સુરત શહેરમાં 65 ટી પી ફાઈનલ થઈ છે તેમાં વ્યાજ સહિત 282 કરોડની રકમ બાકી છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારની પ્રાથમિક સુવિધા માટે ટીપી સ્કીમ બનાવવામાં આવે છે. સુરત પાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 142 ટીપી સ્કીમ જાહેર કરવામા આવી છે. પાલિકા વિસ્તારમાં જાહેર કરવામાં આવેલી 142 ટીપી સ્કીમ માંથી માત્ર 65 ટીપી સ્કીમ જ ફાઈનલ થઈ છે. પાલિકા વિસ્તારમાં જાહેર કરવામાં આવેલી ટી પી સ્કીમ નિયમ મુજબ આઈસી (ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન )ના 328 કરોડના નાણાં વસુલવામા આવી ગયાં છે. પરંતુ અત્યાર સુધીમાં હજી પણ વ્યાજ સહિત 282 કરોડની આઈસી ( ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન )ની રકમ હજી પણ વસુલવાની બાકી છે.
સુરત પાલિકાએ કુલ વસુલવા પાત્ર રકમ પૈકી 148.47 કરોડના ચેક પરત થયા હતા. તેમાંથી 145.97 કરોડની વસુલાત કરી દેવામા આવી છે. આઈ સી ના 282.32 કરોડની રકમ બાકી છે તેમાં 83.80 કરોડના વ્યાજ નો પણ સમાવેશ થાય છે. જેમાથી સુરત પાલિકાના રાંદેર ઝોનમાં સૌથી વધુ એટલે કે 121 કરોડની રકમ બાકી બોલે છે. જ્યારે સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ટીપી સ્કીમ નંબર-1 (લાલ દરવાજા). અને ટીપી સ્કીમ નંબર 2 (નાનપુરા) 1964માં ફાઈનલ થઈ ગઈ હતી જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં આઈ સી નાણા માટે કોઈ રકમ બાકી રહી નથી.