ગણેશ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવું યુવકને ભારે પડયું : ટી-શર્ટ કાઢી નાંખતા માંડ જીવ બચ્યો

સુરત,તા.31 ઓગષ્ટ 2022,બુધવાર
તહેવારોમાં આગ સાથે સ્ટંટ કરવાના ચક્કરમાં મોટી દુર્ઘટનાઓ થતી અવાર નવાર જોવા મળતી રહે છે. આવી જ ઘટના ગણેશોત્સવની ઉજાણી સમયે સ્ટંટ કરતા યુવા સાથે ઘટી છે. પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરતા યુવાનનું ટી-શર્ટ સળગી ગયું હતું. જો કે સમયસૂચકતાને કારણે તેનો જીવ બચી ગયો છે. દાઝી જવાથી તેને સમાન્ય ઈજા પહોંચી છે
સરઘસ, રેલી, વરઘોડા કે તહેવારોની ઉજવણી દરમિયાન આગ સાથે સ્ટંટ કરવાનો ટ્રેન્ડ સામાન્ય લોકોની અંદર વધી રહ્યો છે. હાલ ગણેશ આગમનમાં પણ આગ સાથે રમત રમતા યુવાઓ જોવા મળ્યા છે. જોકે ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું છે. યુવક જલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરી રહ્યો હતો જે સમયે અચાનક જ તેના શરીર પર આગ લાગી ગઈ હતી. જે વિડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે. કેટલીક સેકન્ડ સુધી તો લોકોને શું થઈ રહ્યું છે એ સમજમાં જ આવી રહ્યું ન હતું અને યુવકને સળગતી હાલતમાં જોતા આગમન યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગની જ્વાળામાં ઘેરાયેલા યુવકે પોતાનું ટી-શર્ટ કાઢીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જોકે ઘટનામાં સ્ટંટ કરનાર યુવક દાઝવાના કારણે તેને સામાન્ય ઈજા થઈ છે. સદનસીબે તેનો જીવ બચી ગયો છે.

