સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 24 બાળકોની વિવિધ રમતમાં રાજ્ય કક્ષાએ પસંદગી
- સમિતિમાં રમત શિક્ષક હોય તો વધુ બાળકોને પ્રોત્સાહન મળી શકે
- ખોખોની રમતમાં સુરતી 6 વિદ્યાર્થીનીઓ અને 5 વિદ્યાર્થી પસંદગી : જ્યારે વિવિધ રમતોમાં 13 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષામાં પસંદગી
સુરત,તા.15 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 24 વિદ્યાર્થીઓ અખિલ ભારતીય શાળાકીય બાળ રમતોત્સવ 2023 માં રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે, આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આ ખેલાડીઓ રમવા જશે. ખોખોની રમતમાં સુરતી 6 વિદ્યાર્થીનીઓ અને 5 વિદ્યાર્થી પસંદગી થતાં ખો-ખોમાં શિક્ષણ સમિતિની વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો છે.
સુરતમાં કોરોના બાદ અખિલ ભારતીય શાળાકીય બાળ રમતોત્સવનું આયોજન ટલ્લે ચઢ્યું હતું. જોકે, આ વર્ષે અખિલ ભારતીય શાળાકીય બાળ રમતોત્સવ 2023 નું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ઉતરાણ ગજેરા સ્કૂલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શિક્ષણ સમિતિમાં રમત શિક્ષકોની અછત હોવા છતાં પણ સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં અગ્રેસર જોવા મળ્યા હતા. શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ખો-ખોમાં અગ્રેસર જોવા મળ્યા હતા. તેમાં પણ શિક્ષણ સમિતિની વિદ્યાર્થીનીઓ છોકરાઓ કરતાં આગળ જોવા મળી હતી. ખો-ખોમાં શિવાની કુમારી ત્રિભુવન નાથ ઓઝા, રાગિણી દીપકભાઈ નાયકા,, માનસી રમેશભાઈ ગામીત, પ્રાર્થના અશ્વિનભાઈ ઘોઘારી, નીતા પરેશભાઈ રાઠોડ અને ધનશ્રી વિલાસ વાઘની રાજય કક્ષાએ પસંદગી કરવામાં આવીછે. આ ઉપરાંત રામ સંદીપ જયકુમાર, જીજ્ઞેશ વિનોદભાઈ પટેલ, અવિનાશ બબલુભાઈ ખેરવા, દક્ષ રાજેશભાઈ રાદડિયા, નિહાર મુકુંદભાઈ પદમાણીની પસંદગી રાજ્ય કક્ષાએ કરવામાં આવી છે. આમ ખો-ખોમાં છ છોકરી અને પાંચ છોકરાની પસંદગી થઈ છે.
આ રમોત્સવમાં વિવિધ રમતોમાં 13 ખેલાડીઓની રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ બાળ રમતોત્સવમાં પસંદગી પામેલો વિદ્યાર્થીની અને વિદ્યાર્થીનીઓને સમિતિના સભ્ય રાકેશ ભીખળીયા અને શિક્ષકોએ અભિનંદન આપ્યા હતા.