સુરત: આજથી ટેક્સટાઇલ માર્કેટ મિલેનિયમ અને NTM માર્કેટ ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે ચાલુ કરાઈ
સુરત, તા. 16 જુલાઈ 2020 ગુરૂવાર
શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ખાસ કરીને ઉદ્યોગ ધંધા શરૂ થતાં સંક્રમણ વધ્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેવા સમયે હીરા ઉદ્યોગની માફક શહેરની 8 જેટલી ટેકસટાઇલ માર્કેટોએ પણ આગામી તારીખ 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જે પૈકી 2 ટેકસટાઇલ માર્કેટ મિલેનિયમ અને NTM માર્કેટના વેપારીઓ દ્વારા માર્કેટો ચાલુ કરવા અંગે એકમત થતાં આજથી બંને માર્કેટો ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે ચાલુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે 8 ટેકસટાઇલ માર્કેટની મિટિંગ મળી હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે 19મી જુલાઇ સુધી આ તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે.
જેમાં વેપાર પ્રગતિ સંઘ અને સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યાં હતાં કે તેઓ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવી હોય તો રાખી શકે છે પરંતુ એસો.દ્વારા દુકાનો બંધ કરાવવામાં નહીં આવે જેમાં મોડી સાંજે નિર્ણય લેવાયો હતો કે ગુરુવાર થી ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલવામાં આવશે.
આજથી દુકાનો ખોલવાના નિર્ણય પ્રમાણે મિલેનિયમ માર્કેટ ના એક વેપારી ગુરમુખ કુંભાણી દ્વારા જણાવ્યા મુજબ માર્કેટમાં ફક્ત 10 ટકા દુકાનો જ ખોલવામાં આવી છે જ્યારે બાકી ની દુકાનો ખુલી નથી, કારણ જણાવતાં તેઓ કહે છે કે કોરોના ના કેસો વધી રહ્યાં છે અને અમારે ત્યાં વરાછા થી કામ માટે ઘણા લોકો આવે છે જેને કારણે સંક્રમણ વધવાની શકયતા ઓ રહેલી છે અગાઉ પણ મિલેનિયમ માર્કેટના કેટલાંક વેપારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાને કારણે પણ અન્ય વેપારીઓ દુકાન ખોલવા નથી આવી રહ્યાં.
જે વેપારીઓ દુકાન ખોલવા માંગે છે તેમણે સુરત મનપા દ્વારા આપવામાં આવેલ તમામ આદેશો જેમ કે સેનિટાઈઝ કરવું, માસ્ક ફરજીયાત,હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા, ખાસ કરીને માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે પણ ધ્યાન રાખવું જોઈએ.