સુરત: ઇદ નિમિત્તે કતલ કરવાના ઇરાદે ગોંધી રખાયેલા 45 પાડા-પાડીને પોલીસ મુક્ત કરાવ્યા
- રાંદેર ભરૂચી ભાગળ દરગાહ નજીકથી એક રૂમમાં અને જાહેર રોડ પર અત્યંત ક્રૂરતા પૂર્વક દોરડાથી બાંધી રાખ્યા હતા
સુરત, તા. 29 જુલાઈ 2020 બુધવાર
રાંદેર ભરૂચી ભાગળ વિસ્તારમાંથી ઇદ નિમિત્તે કતલ કરવાના ઇરાદે નાનકડી રૂમમાં અત્યંત ક્રૂરતા પૂર્વક ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવેલા 45 પાડા-પાડીને મુક્ત કરાવી રાંદેર પોલીસે એકની ધરપકડ કરી છે.
રાંદેર પોલીસને મળેલી બાતમીના આધારે રાંદેર ટાઉનના ભરૂચી ભાગળ દરગાહ નજીક ઘર નં. 37માં દરોડા પાડયા હતા. જયાંથી 10 બાય 10ની નાનકડી રૂમમાં 15 જેટલા ભેંસ વંશના પાડાને હલન-ચલન પણ નહીં કરી શકે તેવી રીતે દોરડાથી બાંધી રાખીને ગોંધી રાખેલા હતા તે મુક્ત કરાવ્યા હતા.
ઉપરાંત ઘરની બહાર જાહેર રોડ પર 30 જેટલા પાડા-પાડીને પણ દોરડાથી બાંધી રાખી રોડ પરથી અવરજવર કરતા લોકોને અડચણ ઉભી થાય તે રીતે દોરડાથી બાંધી રાખ્યા હતા તેને પણ મુકત કરાવ્યા હતા.
અત્યંત ક્રૂરતા પૂર્વક ગેરકાયદેસર રીતે ગોંધી રાખનાર અબ્દુલ હમીદ નન્નુ કુરેશી (રહે. ઘર નં. 37 ભરૂચી ભાગળ દરગાહ પાસે, રાંદેર ટાઉન) એ તમામ 45 પાડા-પાડીને પીવાની પાણી અને ઘાસચારાની પણ વ્યવસ્થા કર્યા વિના દોરડાથી બાંધી રાખ્યા હોવાથી રાંદેર પોલીસે પશુક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાયરસની અસાધારણ સ્થિતીને ધ્યાનમાં લઇ તાજેતરમાં જ પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કરી પશુઓની કતલ નહિ કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં આગામી દિવસોમાં બકરી ઇદનો તહેવાર હોવાથી પાડા-પાડીને કતલ કરવાના ઇરાદે ગોંધી રાખ્યા હોવાની આશંકાના આધારે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.