સુરત: ઉધનાના કોટન યાર્નના વેપારી પાસેથી યાર્ન ખરીદી કતારગામના વેપારીએ 12.47 લાખનું પેમેન્ટ ચુકવ્યું નહીં
- શરૂઆતમાં પેમેન્ટ કરી વિશ્વાસ કેળવી બાદમાં એક માસના સમયગાળામાં ખરીદેલા રૂ,15.11 લાખના યાર્નના માત્ર રૂ.2.64 લાખ જ ચૂકવ્યા
સુરત, તા.31 જુલાઇ 2020, શુક્રવાર
સુરતના ઉધનામાં કોટન યાર્નનો વેપાર કરતા અલથાણના યુવાન વેપારીને પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી કતારગામના વેપારીએ શરૂઆતમાં ખરીદેલા યાર્નનું પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ કેળવ્યો હતો. જોકે, બાદમાં એક માસના સમયગાળામાં ખરીદેલા રૂ.15.11 લાખના યાર્નના માત્ર રૂ.2.64 લાખ જ ચૂકવી બાકીનું પેમેન્ટ રૂ.12.47 લાખ અઠવાડીયામાં પેમેન્ટના વાયદા છતાં પાંચ માસ બાદ પણ નહીં ચુકવતા ઉધના પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ હરીયાણાના વતની અને સુરતમાં અલથાણ ગિરિધરદ્વાર ઘર નં.132 માં રહેતા 39 વર્ષીય મુકેશભાઈ મહાવીરપ્રસાદ જૈન ઉધના બી.આર.સી.રોડ પ્લોટ નં. સી/102 માં ગુરુસુદર્શન ટ્રેડીંગના નામે કોટન યાર્નનો વેપાર કરે છે. ડિસેમ્બર 2019 માં એક વ્યક્તિ તેમની પેઢી ઉપર આવ્યો હતો અને પોતાની ઓળખ જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ ગોળકીયા ( ઉ.વ.40 ) ( રહે.402, જ્ઞાન ભુવન એપાર્ટમેન્ટ , હરીદર્શનનો ખાડો, કતારગામ, સુરત ) તરીકે આપી હું કતારગામ ખાતે “ શિવશંભુ બિલ્ડીંગ સોલ્યુસન ” નામે કોટન યાર્નનો વેપાર કરું છું અને મારૂ માર્કેટમાં ખુબ જ મોટું નામ છે, તમે મારી સાથે કોટન યાર્નનો વેપાર કરશો તો તમને પણ લાભ થશે અને બીજા ગ્રાહકો પણ લાવી આપીશ તેમ જણાવ્યું હતું.
એક અઠવાડીયામાં સમયસર પેમેન્ટ કરવાનો વાયદો કરી જીતેન્દ્રભાઈ શરૂઆતમાં ચારથી પાંચ વખત યાર્ન લઈ ગયા હતા અને તેનું પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ કેળવ્યો હતો. જોકે, ત્યાર બાદ 4 ફેબ્રુઆરી થી 8 માર્ચ 2020 દરમિયાન ત જે રૂ.15,11,500 નું કોટન યાર્ન લઈ ગયા હતા તેમાંથી માત્ર રૂ.2,64,250 જ ચૂકવ્યા હતા. જયારે બાકીના રૂ.12,47,250 સમયસર ન ચૂકવી વાયદા કર્યા હતા. મુકેશભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે જીતેન્દ્રભાઈએ તેમની પાસેથી લીધેલું યાર્ન બજારમાં વેચી નાખી રોકડી કરી છે પણ તેમને પાંચ માસ બાદ પણ પેમેન્ટ આપવા તૈયાર નથી. આથી ગતરોજ તેમણે જીતેન્દ્રભાઈ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.