માથાભારે દબાણ કરનારા હવે ડિંડોલી ફાયર સ્ટેશનની બહાર દબાણ કરી દીધા: ફાયરના વાહનો નીકળવામાં પણ ફાંફા
સુરત પાલિકાની ઝોરો રોડ પરથી દબાણ દુર કરવાની નીતિ ચૂંટણીની જાહેરાત સાથે જ ઠંડી પડી ગઈ છે. તો બીજી તરફ માથાભારે દબાણ કરનારાઓ હવે રહેણાંક સોસાયટીઓની આસપાસ પારાવાર દબાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ પાલિકાની દબાણ દુર કરવાની શાહમૃગ નિતીથી હવે દબાણ કરનારાઓ હવે બેફામ બની ગયાં છે અને પાલિકાના ફાયર સ્ટેશનની બહાર જ દબાણ કરવાનું શરુ કરી દીધું છે. પાલિકાના ડિડોલી ફાયર સ્ટેશન બહાર સાંજના સમયે એવા દબાણ થાય છે કે જો કોઈ દુર્ઘટના થાય ત્યારે ફાયરના વાહનોને બહાર નીકળવામાં પણ ફાંફા પડી શકે તેવી હાલત છે.
ચૂંટણીની જાહેરાત બાદ પાલિકાની દબાણ દુર કરવાની કામગીરી ઢીલી પડી ગઈ હોવાથી માથાભારે દબાણ કરનારાઓએ ફરીથી દબાણ કરવાનું શરુ કરી દીધું છે. જેમાં હાલ ડીંડોલી ફાયર સ્ટેશન બહાર જ દબાણ કરવાનું શરુ કરી દીધું છે. ફાયર સ્ટેશન ના વાહનો પાર્ક છે તેની આસપાસ જ પારાવાર દબાણ થઈ રહ્યાં છે. તેમાં પણ સાંજના સમયે આ દબાણ એટલા બધા વધી જાય છે કે જો કોઈ દુર્ઘટના નો કોલ મળે તો આ ફાયર સ્ટેશનમાંથી ફાયરના વાહનો નિકળવા માટે પણ ફાંફા પડી શકે તેવી શક્યતા છે.
પાલિકાએ ડિંડોલી મુખ્ય રોડ પરથી દબાણ દુર કર્યા પરંતુ ત્યાર બાદ આ દબાણ નવી જગ્યાએ થઈ રહ્યાં છે તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હોવાથી ડિંડોલી દેલાડવા અને ડિંડોલી ખરવાસા રોડ પર આવેલી 40થી વધુ સોસાયટીના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. દબાણ કરનારાઓ આ બન્ને રોડ પર દબાણ કરી રહ્યાં છે અને પીક અવર્સમાં આ રોડ પરથી વાહનો ચલાવવું મુશ્કેલ પડી રહ્યાં છે. આ અંગેની અનેક ફરિયાદ છતાં તંત્ર દ્વારા દબાણ દુર કરવા માટેની કોઈ કામગીરી ન કરાતા 40થી વધુ સોસાયટીના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
પાલિકાની નબળી નીતિથી સોસાયટીના રહીશો ની મુશ્કેલી વધી રહી છે
સુરત પાલિકાએ મોટા ઉપાડે ઝીરો દબાણ રુટ પરથી દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી હતી. જોકે, 60 જેટલા રોડ પરથી દબાણ દુર કર્યા બાદ કામગીરી સ્થગિત કરી દીધી છે. તેના કારણે માથા ભારે દબાણ કરનારાઓએ મુખ્ય રોડને બદલે સોસાયટીઓના રોડ પર દબાણ કરવાનું શરુ કરી દીધું છે. જેના કારણે શહેરની અનેક સોસાયટીઓ દબાણ કરનારાઓથી ત્રાહિમામ થઈ ગઈ છે. સોસાયટીના રહીશો દબાણ દુર કરવા માટે પાલિકામાં ફરિયાદ કરે છે તો અધિકારીઓ ઝીરો દબાણ રૂટ દબાણને પ્રાયોરિટી હોવાની વાત કરીને સોસાયટી ના આસપાસના દબાણ દુર કરતા ન હોવાથી સોસાયટીઓના રહીશોની હાલત કફોડી બની ગઈ છે.