Updated: May 26th, 2023
- મજુરાગેટ-કડીવાલા ચાર રસ્તા, અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પરથી સાયકલ ગાયબ
- સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ મુકી શકતા નથી : પાલિકાએ આંખ આડા કાન કરતા સાયકલ પ્રોજેક્ટ થી લોકો દુર ભાગી રહ્યાં છે
સુરત,તા.26 મે 2023,શુક્રવાર
સુરત મહાનગરપાલિકાએ પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા 75 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે. આ ઉપરાંત સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યો છે પરંતુ સુરત પાલિકાની બેદરકારીના કારણે મોટા ઉપાડે શરૂ કરવામા આવેલો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ થી લોકો દુર ભાગી રહ્યાં છે. સુરતના અનેક સાયકલ શેરીંગ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમવીજીઓએ કબજો જમાવી દીધો છે. સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ મોકલી શકતા નથી. પાલિકા તંત્ર સાયકલ સ્ટેન્ડ પરથી ભિખારીઓને દૂર કરી શકતા ન હોવાથી આ પ્રોજેક્ટ ઘોંચમાં પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાએ વર્ષ 2019 થી સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને જીપીએસ સિસ્ટમ સાથે સાયકલ લાવી અનેક જગ્યાએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યા હતા.પાલિકાએ આ પ્રોજેક્ટ શરૂ કરવા સાથે ઘણી સફળતા મળી હતી લોકો વહેલી સવારે સાયકલીંગ પાલિકાની આ સાયકલ પર જ કરતા હતા. જોકે, સમય જતાં સાયકલની સંખ્યામાં પણ વધારો થયો હતો પરંતુ પાલિકાએ સાયકલ સ્ટેન્ડ પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું.
પાલિકાનું ધ્યાન શેરીંગ સાયકલ પ્રોજેક્ટ ઉપરથી હટી જતાં જ પાલિકાએ બનાવેલા સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમજીવીઓએ કબ્જો જમાવી દેવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મજુરાગેટ-કડીવાલા ચાર રસ્તા, અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ કબ્જો જમાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ આ સાયકલ સ્ટેન્ડ પરથી સાયકલ પણ ગાયબ થઈ રહી છે. અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ અડ્ડો બનાવી દીધો છે તેના કારણે લોકો સાયકલ મુકવા પણ આવતા ડરી રહ્યાં છે.
સ્વચ્છ સુરતના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકાના આ સાયકલ સ્ટેન્ડ ગંદકીથી ઉભરાઈ રહ્યાં છે. તેમાં મજુરાગેટ, કડીવાલા સ્કૂલ સહિત અનેક બ્રિજ નીચે ભિખારી અને શ્રમજીવીઓએ કાયમી આવાસ બનાવી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે પરંતુ પાલિકા તંત્ર અહીં સફાઈ કરવા માટે પણ પહોંચી શકતું નથી. સામાન્ય દુકાનદારો કે શહેરીજનો કચરો ફેંકે તો તેને સીસીટીવી ની મદદથી દંડ ફટકારે છે. પરંતુ પાલિકાના સાયકલ સ્ટેન્ડ ઉપર 24 કલાક ગંદકી ફેલાવી રહ્યાં છે તેની સામે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે સ્વચ્છ સુરતની સુંદરતામાં ઘટાડો કરી રહ્યાં છે.