સુરત: કર્મચારીના પુત્રના પોઝીટીવ રિપોર્ટ બાદ પણ કોરેન્ટાઈન માટે રજા નહીં
- મ્યુનિ.ના સાતમા કર્મચારીને કોરોના ભરખી ગયો
કચેરીમાં પોઝીટીવ છતાં ઓફિસને કોરેન્ટાઈન ન કરાતાં સંક્રમણ વધવાની ભીતીઃ કર્મચારીઓની તકેદારી ન લવાતી હોવાથી વિરોધનો વંટોળ
સુરત, તા. 26 જુલાઈ 2020 રવિવાર
કોરોના સામે જંગ લડી રહેલા મ્યુનિ.કર્મચારીઓ એક પછી એક સંક્રમણનો શિકાર બની રહ્યા છે. અત્યાર સુધીમાં છ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. આજે વધુ એક કર્મચારીનો જીવ કોરોનાના કારણે ગયો છે.
મ્યુનિ.ના કર્મચારીના સગાં કે સાથીઓ કોરોના પોઝીટીવ આવ્યા બાદ કોરેન્ટાઈન માટે રજા ન અપાતી હોવા ઉપરાંત કર્મચારીના પ્રશ્નનો હલ ન થતો હોવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતાં પ્રકાશ ખેરને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમને સારવા માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતાં સાતમો કર્મચારી કોરોનાના ખપ્પરમાં હોમાયો છે. સુરત મ્યુનિ.ના કર્મચારી કે તેમના સગાં થાય તો અન્યને કોરોન્ટાઈન કરવાના બદલે ફરજ પર ચાલુ રાખવામાં આવે છે.
સુરત મ્યુનિ.ના સાત કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનામાં મૃત્યુ પામ્યા છે જ્યારે 150થી વધુ કર્મચારીઓ કોરોના પોઝીટીવ થઈ ગયાં છે. ત્યારે મ્યુનિ.તંત્ર કર્મચારીઓની કાળજી લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાનો આક્ષેપ મ્યુનિ.ના કર્મચારી મંડળના યુનિયને કર્યો છે.
હાલમાં જ વેક્સીન વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના પુત્રને કોરોના પોઝીટીવ થયાં બાદ તેમણે કોરોન્ટાઈન માટે રજા માગી પણ રજા આપવામાં આવી ન હતી.
જેના કારણે તેઓ ફરજ બજાવતાં હતા અને હવે તેઓ પણ પોઝીટીવ આવ્યાછે. આમ રજા ન આપવાના કારણે ચેપ અનેક લોકોમાં ફેલાયો છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં 6થી વધુ કર્મચારી કોરોના પોઝીટીવ હોવા છતાં પણ આકારણી અને ગુમાસ્તા વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. તેઓ ભેગા થતાં હોવાથી સંક્રમણ વધુ પ્રસરે તેવી ભીતી છે.
આમ મ્યુનિ. કર્મચારીઓ કોરોના સંક્રમણમાં જીવ ગુમાવી રહ્યાં છે અને સંક્રમણમાં સપડાઈ રહ્યા છે પરંતુ મ્યુનિ. તંત્ર દ્વારા કર્મચારીઓ માટે ખાસ સુવિધા ઉભી ન કરવામાં આવી હોવાથી હવે સુવિધા ઉભી ન કરવામાં આવે તો આંદોલન કરવા માટે પણ કર્મચારી મંડળે ચીમકી આપી છે.