Updated: May 22nd, 2023
- કુલ 22 વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો : બેન્ક મેનજર, વેલ્યુઅર, દંપત્તિ સહિત 9 ની ધરપકડ અગાઉ થઈ હતી
- બે આરોપી યુનિયન બેન્ક સાથે આ પ્રકારની રૂ.7.78 કરોડની ઠગાઈના ગુનામાં ભરૂચ જેલમાં હોય તેમની બાદમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ હતી
સુરત,તા.22 મે 2023,સોમવાર
તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કની સુરતની રીંગરોડ શાખામાંથી મશીનરી લોનના નામે રૂ.16.51 કરોડના કૌભાંડમાં લોન કન્સલટન્ટની દોઢ વર્ષ બાદ ઈકો સેલે ધરપકડ કરી છે. આ ગુનામાં કુલ 22 વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા બેન્ક મેનજર, વેલ્યુઅર, દંપત્તિ સહિત 9 ની ધરપકડ અગાઉ થઈ હતી.જયારે બે આરોપી યુનિયન બેન્ક સાથે આ પ્રકારની રૂ.7.78 કરોડની ઠગાઈના ગુનામાં ભરૂચ જેલમાં હોય તેમની બાદમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાંથી મશીનરી લોનના નામે રૂ.16.51 કરોડનું કૌભાંડ ખુદ બેન્ક મેનેજરે બે લોન કન્સલટન્ટ, બે વેલ્યુઅર, 17 લોનધારકો સાથે મળી આચરતા પોલીસે ડિસેમ્બર 2021 માં કુલ 22 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કૌભાંડની તપાસ કરી રહેલા ઈકો સેલે આ પ્રકરણમાં બેન્ક મેનજર, વેલ્યુઅર, દંપત્તિ સહિત 9 ની ધરપકડ કરી હતી. જયારે બે આરોપી યુનિયન બેન્ક સાથે આ પ્રકારની રૂ.7.78 કરોડની ઠગાઈના ગુનામાં ભરૂચ જેલમાં હોય તેમનો બાદમાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી હતી.
ઈકો સેલે આ ગુનામાં ગતરાત્રે લોન કન્સલટન્ટ પુનિત નાનજીભાઇ વ્યાસ (ઉ.વ.30, રહે.ઘર નં.66, સાંઇ મિલન રો હાઉસ, કામરેજ ગામ રોડ, કામરેજ, સુરત. મૂળ રહે.નાગધરા, તા.ધારી, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી.