પાલેજથી સુરતમાં આવીને ભૂલાં પડેલા સગીરની વ્હારે આવ્યો કિન્નર સમાજ, પરિવાર સાથે મિલન થતાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
સુરત,તા.19 માર્ચ 2024,મંગળવાર
પાલેજથી એક 17 વર્ષનો સગીર સુરતમાં આવીને ભૂલો પડી ગયો હતો. જે મગોબ ખાતે આવેલા પાલિકાના શેલ્ડર હોમમાં રહ્યો હતો. ભૂલાં પડી ગયેલા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરવી હતી. જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજસેવિકાની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ કિન્નરોએ પાલેજ ખાતે સંપર્ક કરીને બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમને બાળકની દયનિય સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું. અમારા સમાજમાં જે કોન્ટેક હોવાથી એ આજે કામે આવ્યો અને આ બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં મદદરૂપ થયું હતું. બાળક પાસે જે એડ્રેસ હતું. તેના આધારે અમારા સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતાં. ત્યારબાદ એ લોકો અહિં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળ્યો ત્યારે મને એમ થાય છે કે, મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત. પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે, બાળકને તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ.
સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે, ત્રણ ચાર દિવસ પહેલાં બાળક આવી ગયું હતું. તેને કિન્નર સમાજ સાથે મળવું હતું. જેથી આ બાળકને મળ્યાં તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે એ ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું. તેનું એબ્યુઝમેન્ટ પણ થયું છે. હજુ 18 વર્ષ નથી થયા. તેને ઘરનું એડ્રેસ બહેનનું પાલેજ ખાતેની ખબર હતી. જેથી ત્યાંના કિન્નર સમાજનો સંપર્ક કરીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં. તેના બહેન બનેવીને મળીને બાળક ખૂબ જ રડયું હતું. આવા કામ કરવાનો અનેરો આનંદ મળે છે.