કાનપુરના દલાલે પોતાની 11 પાર્ટીને સાડી ઉધારમાં અપાવી બાકી પેમેન્ટ રૂ.49.90 લાખ ચુકવવાને બદલે સુરતના વેપારીને ધમકી આપી
Updated: Aug 12th, 2023
- સુરતના રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસે કુલ રૂ.53.11 લાખની સાડી ખરીદી માત્ર રૂ.3.21 લાખ ચૂકવ્યા હતા
- સુરતના વેપારીએ નોટીસ આપતા દલાલે કહ્યું-તમે સારું કર્યું નથી, પૈસા કેવા અને વાત કેવી? હું કે મારી કોઈ પાર્ટી પેમેન્ટ નહીં કરે, થાય તે કરી લો
સુરત,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર
સુરતના રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટના સાડીના વેપારી પાસેથી કાનપુરના દલાલે પોતાની 11 પાર્ટીને સાડી ઉધારમાં અપાવી બાકી પેમેન્ટ રૂ.49.90 લાખ ચુકવવાને બદલે ધમકી આપતા ભોગ બનેલા વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં કાનપુરના દલાલ અને 11 વેપારી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ઉદેપુરના વતની અને સુરતમાં વેસુ સ્થિત નંદનવન એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી/201 માં રહેતા 32 વર્ષીય પંકજભાઈ હિતેશકુમાર સોલંકી રીંગરોડ મીલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટમાં વિહાર એન.એક્ષ.ના નામે સાડીનો વેપાર કરે છે. ગત માર્ચ 2021 માં કાનપુર જનરલગંજ ખાતે શ્રી બાલાજી એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા ચંદ્રપ્રકાશ શુક્લા તેમની દુકાને આવ્યા હતા અને મારી કાનપુરમાં ઘણી પાર્ટીઓ છે તમને સમયસર પેમેન્ટ કરશે કહી કેટલીક પાર્ટીઓ સાથે ફોન પર વાત કરાવી બાદમાં વેપાર શરૂ કર્યો હતો. તે પાર્ટીઓએ સમયસર પેમેન્ટ કરતા પંકજભાઈને દલાલ ચંદ્રપ્રકાશ શુકલા પર વિશ્વાસ બેસ્યો હતો.
આથી ત્યાર બાદ તેમણે બીજી પાર્ટીઓ સાથે પણ ફોન પર વાત કરાવતા તેમને પણ સાડીનો જથ્થો મોકલ્યો હતો. પંકજભાઈએ 13 માર્ચ 2021 થી 24 મે 2022 દરમિયાન કાનપુરના શ્રી શ્યામ ટેક્ષટાઇલના જ્ઞાનેદ્રકુમાર દ્વિવેદી, પ્રાંજુલ ફેબ્રીક્સના પ્રવિણકુમાર, વૈષ્ણવી સારીઝના વાસુદેવ વાંસદાની, રાધારાની ક્રીએશનના સોહનલાલ, એસ.કે.એન્ટરપ્રાઇઝના સુશીલ અવસ્તી, કમલજીત કંપનીના કમલજીત સિંઘ, બત્રા સારીઝના રોહીત બત્રા, મોહિત બત્રા અને પ્રમીલા બત્રા, અંજની સારી સેન્ટરના વિકાસ અવસ્તી, વિશાલ સારી સેન્ટરના નિતિનકુમાર ગુપ્તાને કુલ રૂ.53,11,429 ની સાડી ચંદ્રપ્રકાશ શુક્લા મારફતે મોકલી હતી. તેમાંથી તેમને માત્ર રૂ.3,21,153 નું પેમેન્ટ મળ્યું હતું.
બાકી પેમેન્ટ રૂ.49,90,266 માટે પંકજભાઈએ દલાલ અને વેપારીઓને ફોન કરતા તમામે શરૂઆતમાં વાયદા કરી બાદમાં બહાના બનાવ્યા હતા. તમામે ફોન રિસીવ કરવાનું બંધ કરતા પંકજભાઈએ તેમને નોટીસ મોકલતા ગુસ્સે થયેલા દલાલ ચંદ્રપ્રકાશ શુક્લાએ ધમકી આપી હતી કે તમે સારું કર્યું નથી, પૈસા કેવા અને વાત કેવી? હું કે મારી કોઈ પાર્ટી પેમેન્ટ નહીં કરે, થાય તે કરી લો...આ અંગે પંકજભાઈએ પોલીસમાં અરજી કરી હતી. તેના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ દલાલ અને 11 વેપારી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.