સુરત: ભાઈ બહેનના પ્રેમના પ્રતીક બળેવની મીઠાઈમાં પણ ઈમ્યુનીટી બુસ્ટર ચોકેલેટની એન્ટ્રી
- પરંપરાગત બળેવની મીઠાઈ પર પણ કોરોના ગ્રહણ
ડ્રાય ફ્રુટ-સુકા ફળના મિશ્રણની બનાવેલી ચોકલેટ ખવડાવીને ભાઈની રોગ પ્રતિકારક શક્તિ વધારી કોરોનાથી બચવા કરશે પ્રાર્થના
સુરત, તા. 30 જુલાઈ 2020 શુક્રવાર
સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના હાહાકારના કારણે અનેક પ્રથા બદલાઈ ચુકી છે ત્યારે હવે બળેવની પરંપરાગત મીઠાઈમાં પણ ઈમ્યુનીટી વધારવા માટેની ઈમ્યુનીટી બુસ્ટર ચોકલેટની એન્ટ્રી થઈ ગઈ છે. હાલમાં દરેક જગ્યાએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસ થતાં હોય બળેવની મીઠાઈમાં પણ ફેરફાર આવી રહ્યાં છે.
કોરોનાની મહામારી વચ્ચે આગામી સપ્તાહમાં આવી રહેલાં રક્ષાબંધનના તહેવારની પરંપરાગત ઉજવણીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે. ભાઈના હાથમાં રાખડી બાંધવા સાથે બહેન માત્ર દિર્ઘાયુષ્યના આર્શિવાદ જ આપશે તેવું નથી પરંતુ ભાઈને કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકાર શક્તિ વધે તેવા પ્રકારનો પ્રયાસ પણ કરશે. આ વખતે અનેક બહેનો રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈને બદલે ઈમ્યુનીટી બુસ્ટર એવી ચોકેલેટ ખવડાવશે અને આપશે.
કોરોનાના કારણે હાલ બધા ધંધા પર મંદી જોવા મળી રહી છે તો હોમ મેઈડ ચોકલેટ બનાવારાઓ ઈમ્યુનીટી બુસ્ટર ચોકલેટ બનાવવા લાગ્યા છે. આવી જ ચોકલેટ બનાવારા પારૃલ શાહ કહે છે, હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે ઈમ્યુનીટી વધે તે માટેના પ્રયાસ થઈ રહ્યાં છે. આવા સમયે અમે પણ સુકા ફળ, સુર્યમુખીની બીજ, કોળાના બીજ તથા સુકા મેવાનો ઉપયોગ કરીને ઈમ્યુનીટી બુસ્ટર ચોકલેટ બનાવી છે.
આ ચોકલેટમાં મેગ્નેશીયમ અને ઘણાં વિટામિન્સનો સ્ત્રોત મળી રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધતાં કોરોના સામે રક્ષણ મળી શકે છે. આ ઉપરાંત રક્ષા બંધન માટે મોતીચુર ક્રીમ, ચીઝ બજાર, સ્પેશ્યલ દુધી હલવા જાર જેવા ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવી રહ્યાં છે અને તેની ડિમાન્ડ પણ જોવા મળે છે.
ઈમ્યુનીટી બુસ્ટર ચોકલેટ બનાવનારા જયશ્રી બુંદેલાએ જણાવ્યુ હતુ કે, હાલના સમયે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો પ્રયાસ બધા જ કરી રહ્યા છે. અમે પણ હોમ મેઈડ ચોકલેટમાં ડ્રાયફ્રુટ અને સુકા ફળનો ઉપયોગ કરીને ચોકલેટ બનાવી રહ્યાં છે. હાલમાં રક્ષા બંધનમાં લોકો મીઠાઈને બદલે આ પ્રકારની ચોકલેટ પસંદ કરી રહ્યા છે.
ચોકલેટ ખરીદનારા નિતાબહેન કહે છે, દર વર્ષે અમે બળેવમાં મીઠાઈ લઈ જઈએ છીએ પરંતુ આ વખતે ભાઈની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે અમે ડ્રાય ફ્રુટ અને સુકા ફળનું મિશ્રણ કરીને બનાવેલી ચોકલેટ લઈ જઈશું અને ભાઈની રોગ પ્રતિકારક શક્તિ વધે અને તેઓ કોરોનાથી બચીજાય તેવી પ્રાર્થના પણ ભગવાનને કરીશું.