Updated: May 23rd, 2023
- ગેરકાયદે બેનર લગાવનારા પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન થતાં શહંર બન્યું બેનરોનું જંગલ
- વિદ્યાર્થીઓને નીતિ ના પાઠ ભણાવતી શૈક્ષણિક સંસ્થા સાથે લોકોને ધર્મનું જ્ઞાન આપતા ધાર્મિક હોર્ડિંગ્સ અને બેનર મોટી સંખ્યામાં ગેરકાયેદસર
સુરત,તા.23 મે 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકાએ 2011માં હોર્ડિગ્સનો નિયમ તો બનાવ્યો પણ અમલ ન થતાં ગેરકાયદે બેનરની ભરમાળ જોવા મળી રહી છે. સુરતમાં ગેરકાયદે બેનર લગાવનારા પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન થતાં શહેર બેનરોનું જંગલ બની રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓને નીતિના પાઠ ભણાવતી શૈક્ષણિક સંસ્થા સાથે લોકોને ધર્મનું જ્ઞાન આપતા ધાર્મિક હોર્ડિંગ્સ અને બેનર મોટી સંખ્યામાં ગેરકાયેદસર હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે વરાછા બી ઝોન દ્વારા આવા બેનરો દુર કરવાની કામગીરી કરી હતી તેની સાથે સાથે હવે કાતરાગમ ઝોન દ્વારા પણ આવા ગેરકાયદે બેનરો સામે કામગીરી કરી છે. જોકે પાલિકા હોર્ડિગ્સ અને બેનર દુર કરી રહી છે પરંતુ બેનર-હોર્ડિગ્સ ગેરકાયદે લગાવનાર સંસ્થા કામે હજી સુધી કોઈ શિક્ષાત્મક પગલાં ભરવાની પહેલ કરવાની હિંમત પાલિકા તંત્ર કરી શક્યું નથી.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં સર્કલ અને ડિવાઈડર પર મોટા પ્રમાણમાં બેનર જોવા મળે છે ગેરકાયદે લાગેલા બેનરના કારણે પાલિકાની જાહેરાતની આવકને ફટકો પડી રહ્યો છે અને શહેરની સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.હાલ શાળા વેકેશન હોય પાલિકાની મિલ્કતનો સૌથી વધુ દુરપયોગ શૈક્ષણિક સંસ્થાઓ કરી રહ્યાં છે. તો બીજી તરફ ધાર્મિક સંસ્થાઓ પણ પાલિકાની મિલકતનો દુરુપયોગ કરીને ત્યાં ધાર્મિક કાર્યક્રમોના બેનર, પોસ્ટર લગાવી રહ્યાં છે.
આ પહેલાં પાલિકાએ શહેરની પોલીસ ચોકી અને ટ્રાફિક સર્કલની છત્રી પરથી બેનર દુર કરવાની કામગીરી કરી હતી તેની સાથે વરાછા બી ઝોન અને હવે કતારગામ ઝોન ગેરકાયદે લાગેલા બેનર અને હોર્ડિંગ્સ દુર કરવાની કામગીરી કરી રહી છે. શહેરમાં મોટી સંખ્યામાં આવા પ્રકારના બેનર અને હોર્ડિંગ્સ લાગી રહ્યાં છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પાલિકા જાહેરમાં કચરો નાંખનારા સીસી કેમેરાની મદદથી શોધીને દંડ કરી શકે છે તો શહેરમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ્સ લગાવનારી સંસ્થાઓમાં સામે પણ કામગીરી કરી શકે છે. જોકે, રાજકીય અને વહીવટી તંત્રની ઈચ્છા શક્તિ હોય તો આવા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સાથે આકરો દંડ કરવામાં આવે તો આ પ્રકારનું દુષણ દુર થાય તેવી પુરી શક્યતા છે.