સુરત: સિનિયર સિટીઝનને KYC ન કરે તો બેંકની ખાતા બંધની ચીમકી
- કોરોનામાં વડીલોને ઘરની બહાર ન નીકળવા સરકારની અપીલ પણ
મેસેજમાં તાત્કાલિક બેંક પર કેવાયસીની તાકીદ બેંક પર ત્રણ માસ સુધી ગમે ત્યારે થશે તેવી સુચનાથી વડીલોને મુશ્કેલી
સુરત, તા. 19 જુલાઈ 2020 રવિવાર
હાલ ચાલી રહેલા કોરોના કાળમાં સરકાર વડીલોને ઘરની બહાર નીકળવા માટે સ્પષ્ટ ના પાડી રહી છે પરંતુ કેટલીક બેંક દ્વારા સરકારના નિયમનું ઉલંઘન થઈ રહ્યું છે.
સિનિયર સિટિઝન્સને બેંક દ્વારા મેસેજ કરવામા આવ્યા છે કે બેંકમાં આવીને તાત્કાલિક પુરાવા આપવા માટે સુચના આપી છે. તો બીજી તરફ જીવના જોખમે વડિલો બેંક પર જાય ત્યારે સ્ટાફની અછત અને ભીડ હોવાથી કોરોના સંક્રમણ થાય તેવી ભીતી છે. મોબાઈલના મેસેજના કારણે સિનિયર સિટિઝન્સ બેંક પર જાય છે તો બેંક પર બીજી જ સુચના જોવા મળતી હોવાથી વડીલો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે સુરત શહેર અને જિલ્લા મળીને દસ હજારથી વધુ કોરોનાના દર્દી થઈ ગયાં છે. સંક્રમણ કોમ્યુનીટી ટ્રાન્ઝીક્ટસ સુધી આવી જતાં વડીલોને ઘરની બહાર ન નિકળવા માટે સરકાર તાકીદ કરી રહી છે.
વડા પ્રધાન, મુખ્ય મંત્રી અને શહેરના અધિકારીઓ વડીલોને ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરવા સાથે વડીલ વંદના કરી રહ્યાં છે. છેલ્લા 18 દિવસમાં 90થી વધુ વડીલોએ કોરોના સંક્રમણમાં જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં વડીલોને ઘરની બહાર ન નીકળવું જોઈએ તેવી અપીલ સરકાર કરી રહી છે. તો બીજી તરફ પેન્સનર્સ અને અન્ય વડીલોને બેંક દ્વારા મોબાઈલ પર એવા મેસેજ ગયાં છેકે, એક સપ્તાહમાં કેવાયસી નહી કરવામાં આવે તો ખાતા બંધ થઈ જશે.
ખાતા બંધ થવાની બીકે વડીલો બેંક પર જઈ રહ્યાં છે ત્યારે સ્ટાફની અછત અને બેંક પર ભીડ હોવાથી વધુ સમય ઉભુ રહેવું પડે તેમ છે. ભીડમાં વડીલો ઉભા રહે તો કોરોનાનું સંક્રમણ થવા માટેની ભીતી છે.
આ ઉપરાંત બીજી તરફ બેંક પર સિનિયર સિટિઝન્સ જાય છે ત્યારે બેંકમાં કેવાયસી માટે ત્રણ માસનો સમય આપવામાં આવ્યો છે. આમ બેંક તરફથી આવતાં મેસેજ અને બેંક પર જુદી જુદી નીતિ હોવાથી સિનિયર સિટિઝન્સની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.