સુરત: ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાનું કહી હીરાના કારખાનેદારે ફાયનાન્સ કંપનીને રૂ. 20.20 લાખનો ચુનો લગાવ્યો
- વરાછાની ફાયનાન્સ કંપનીનો વ્યાજદર વધુ છે, મારે તમારી કંપનીમાં લોન ટ્રાન્સફર કરાવી છે એવું કહી અડાજણની કંપનીમાંથી લોન લીધી, લોનની રકમ ભરપાઇ કરી રૂ. 24.50 લાખની ટોપઅપ લોન લઇ લીધી
સુરત, તા.26 જુલાઇ 2020, રવિવાર
વરાછાની આઇ.આઇ.એફ.એલ ફાયનાન્સ લિ.ની ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાનું કહી અડાજણની માર્ગ ટેકનો પ્રોજેક્ટ લિ. માંથી રૂ. 20.20 લાખની લોન લઇ ગોલ્ડ જમા નહીં કરાવનાર કાપોદ્રાના હીરાના કારખાનેદાર વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.
અડાજણની માર્ગ ટેકનો પ્રોજેક્ટ લિ. નામની ફાયનાન્સ કંપનીની બ્રાંચ મેનેજર હેનીશ સુધીર પટેલને મળી હીરાના કારખાનેદાર પિયુષ જયસુખ રૈયાણી (રહે. બી/1002 સાંઇપુજા રેસીડેન્સી, વીઆઇપી સર્કલ, ઉત્રાણ) એ વરાછાના પોદ્દાર આર્કેડની આઇ.આઇ.એફ.એલ ફાયનાન્સ લિ. બ્રાંચમાં ગોલ્ડ લોન ચાલુ છે તેનો વ્યાજદર વધુ હોવાથી લોન માર્ગ ટેકનો પ્રોજેક્ટ લિ. માં ટ્રાન્સફર કરાવવા ઇચ્છે છે એમ કહી ગોલ્ડ લોનના હપ્તાની રસીદ અને ચેક બતાવ્યા હતા. પિયુષ લોનના હપ્તા સમયસર ભરતો હોવાથી મેનેજરે પિયુષના રહેણાંક અને કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીમાં હીરાના કારખાનાનું વેરીફીકેશન કરાવી રૂ. 20.20 લાખ લોન મંજૂર કરી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. પિયુષે લોનની રકમ આઇ.આઇ.એફ.એલ કંપનીમાં ભરપાઇ કરી ગોલ્ડ મેળવી માર્ગ ટેકનો પ્રોજેક્ટમાં જમા કરાવવાનું હતું.
પિયુષે લોનની રકમ તો ભરપાઇ કરી પરંતુ ગોલ્ડ માર્ગ ટેકનો પ્રોજેક્ટમાં જમા કરાવ્યું ન હતું અને આઇ.આઇ.એફ.એલ કંપનીમાંથી રૂ. 24.50 લાખની ટોપઅપ લોન લઇ વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ અંગે મેનેજર હેનીશ પટેલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.