Updated: May 23rd, 2023
- શિક્ષણ સમિતિનો આંતરિક વિખવાદ કે રાજીનામા માટે અંગત કારણ?
- વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું નથી. રાજીનામાના કારણે સ્કુલ બોર્ડ અને શિક્ષકોમાં અનેક જાતની ચર્ચા
સુરત,તા.23 મે 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવ મહિના પહેલાં જ ઉપશાસનાધિકારી ની નિમણુંક થઈ ત્યારે વિવાદ થયો હતો. ઉપશાસનાધિકારી તરીકે મહેશ પાટીલની નિમણૂક જાહેર થાય તે પહેલાં જ વિપક્ષે આ નામ જાહેર કરીને નિમણૂક ફિક્સીંગ હોવાના આક્ષેપ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં અચાનક ઉપશાસનાધિકારીએ અચાનક રાજીનામું આપી દેતા શિક્ષણ સમિતિનું રાજકારણ ગરમાયું છે. શિક્ષણ સમિતિનો આંતરિક વિખવાદ કે રાજીનામા માટે અંગત કારણો? તે અંગેની અનેક અટકળો શિક્ષણ સમિતિમાં થઈ રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાંબા સમયથી ઉપશાસનાધિકારીની જગ્યા ખાલી પડી હતી આ જગ્યા ભરાતી ન હતી તેના કારણે વિવાદ થયો હતો. લાંબા સમયના વિવાદ બાદ આખરે ઉપશાસનાધિકારીના ઇન્ટરવ્યૂ થયા હતા. આ જગ્યા માટે મહેશ પાટીલે એડીચોટીનું જોર લગાવવા સાથે લોબીંગ પણ જોરમાં કર્યું હતું. શિક્ષણ સમિતિ ઉપશાસનાધિકારીના નામની જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મિડિયામાં મહેશ પાટીલ જ નામ જાહેર થશે તે અંગેની વાત જાહેર કરી દેવામાં આવી હતી. જેના કારણે મોટો વિવાદ થયો હતો.
જોકે, તેમની નિમણુંકને નવ મહિના થયા ત્યાં સુધીમાં તેણે બે વાર રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલમાં વધુ એક વાર રાજીનામું મહેશ પાટીલે આપી દેતા વિવાદ ઉભો થયો છે. જોકે, મહેશ પાટીલે આ રાજીનામું અંગત કારણોસર આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ હજી સુધી આ રાજીનામું મંજુર કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સિમિત માં રાજકારણની ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષકો અને વહીવટી તંત્રમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ઉપશાસનાધિકારી તરીકે ફરજ બજાવતા મહેશ પાટીલ ભલે હાલના તબક્કે પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું હોવાની વાત કરી રહ્યા હોય પરંતુ સમિતિના આંતરિક રાજકારણમાં તેઓની હેરાનગતિ થઈ હોવાથી તેઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.