સુરત સમિતિના વિદ્યાર્થીઓને ઓન લાઈન શિક્ષણ માટે રીચાર્જના પૈસા આપવા માગણી
- તમામ સાત માધ્યમની ભાષામાં ઓન લાઈન શિક્ષણ આપો
લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી નોટ બુક વિતરણ કરવા તથા બુટ મોજાના ટેન્ડરમાં ચોક્કસ શરત બંધ કરવા માટેની માગણી
સુરત, તા. 27 જુલાઈ 2020 સોમવાર
કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી શિક્ષણ સમિતિ દ્વારા ઓન લાઈન શિક્ષણ શરૂ કરવામા આવ્યું છે પરંતુ લોક ડાઉનમાં લોકોના ધંધા રોજગાર ભાંગી ગયાં હોવાથી વિદ્યાર્થીઓને મોબાઈલ રિચાર્જ માટે પૈસા આપવાની માગણી આજની શિક્ષણ સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવા ઉપરાંત બુટ મોજાના ટેન્ડરમાં ચોક્કસ ઈજારદારને ફાયદો થાય છે તેવી શરત કાઢી નાંખવા માટેની માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીના કારણે આજે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ઓન લાઈન મળી હતી. આ ઓન લાઈન સભામાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે નોટબુક અને રીચાર્જ માટે પૈસાની માગણી કરવામાં આવી હતી.
સભામા વિપક્ષી સભ્યોએ કહ્યુ હતુ કે, હાલ શિક્ષણ સમિતિ દ્વારા ઓન લાઈન શિક્ષણ આપવામા આવી રહ્યું છે તે સારી વાત છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક હાલ સારી ન હોવાથી મોબાઈલ રીચાર્જ માટેના પૈસાની ચુકવણી શિક્ષણ સમિતિ દ્વારા કરવી જોઈએ. આ ઉપરાંત હાલના માહોલમાં વિદ્યાર્થીઓને નોટબુક પણ વિતરણ કરવાની જરૂર છે.
શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીને બુટ મોજા આપવા માટેના ટેન્ડર આપવામાં આવે છે તેમાં ઈજારદારને ત્રણ વર્ષના અનુભવની શરત છે તેમાં એક જ ઈજારદાર ક્રાઈકેટેરીયામાં આવે છે જેથી સ્પર્ધા થતી ન હોવાથી શરતોમાં ફેરફાર કરીને સ્પર્ધા થાય તે રીતે ટેન્ડર બહાર પાડવાની જરૂર છે.
શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારીની નિમણુંક માટે કમિશ્નર દ્વારા તાકીદ કરવામા આવી છે તે પ્રક્રિયા તાત્કાલિક પુરી કરવી જોઈએ તેવી માગણી કરી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અનાજ વિતરણ માટેની કામગીરીમાં કેટલીક ચુક થઈ છે તો નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ વિદ્યાર્થીઓના વાલીઓને અનાજ આપવા માટેની માગણી કરવામાં આવી હતી.