સુરત : હવે કોરોનાની સારવાર આર્યુવેદિક અને હોમિયોપેથિક તબીબો કરશે
- કોરોનાની સારવાર કરતાં તબીબોની અછત સર્જાતા
સારવાર માટે દર્દીની મંજુરી જરૂરીઃ માઈલ્ડ મોડરેટ દર્દીની સારવાર દરમિયાન ઓક્સિજન લેવલ ઓછું થાય તો હોસ્પિટલમાં રિફર કરવા
સુરત, તા. 19 જુલાઈ 2020 રવિવાર
સુરતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે તબીબોની ભારે અછત સર્જાઈ રહી છે. જેના કારણે હવે માઈલ્ડ મોડરેટ લક્ષણવાળા દર્દીઓની સારવાર હોમિયોપેથિક અને આર્યુવેદ પધ્ધતિથી કરવા માટેની મંજુરી મ્યુનિ. તંત્રએ આપી છે. સુરતમાં ઓછા લક્ષણ ધરાવતાં દર્દીઓની સારવાર તેમની મંજુરીથી હોમિયોપેથિક અને આર્યુવેદિક દર્દીઓ કરી શકશે.
સુરતમાં કોરોનાનો કહેર દિવસને દિવસે વધતો જાય છે તેમાં પણ જુલાઈ માસના પખવાડિયામાં તો સુરતમાં કોરોના જેટ ગતિથી વધી રહ્યો છે. હાલ સુરતમાં દસ હજારને પાર કરી ગયો છે. સુરતમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે.
માઈલ્ડ લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ તબીબોની અછતની ફરિયાદ દિવસેને દિવસે વધી રહી છે.સુરતમાં પહેલાંથી જ કોરોનાની સારવાર માટે તબીબોની અછત છે ત્યારે કોરોના સંક્રમણમાં અનેક તબીબો પણ ચેપગ્રસ્ત થયાં છે.
આવા સંજોગોમાં સુરતના કોરોનાના ઓછા લક્ષણ ધરાવતાં દર્દીઓ પોતે ઈચ્છે તો હોમિયોપેથી અને આર્યુવેદિક પધ્ધતિથી સારવાર મેળવી શકે છે. સુરત મહાનગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં સરકાર અને કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે માઈલ્ડ મોડરેટ દર્દીની સારવાર હોમિપેથિક કે આર્યુવેદિકતબીબ કરી શકે છે.
હોમિયોપેથિક- આર્યુવેદિક સારવાર દર્દીની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દી અંગેની જાણ સુરત મ્યુનિ. તંત્રને કરવાની રહેશે. સારવાર કરતી વખતે દર્દીનું ઓક્સિજનનું લેવલ 90થી નીચે આવે તો તાત્કાલિક દર્દીને નજીકની સરકારી હોસ્પિટલમાં રિફર કરવાના રહેશે.
આમ સુરત મ્યુનિ.એ કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવતાં દર્દીઓની સારવાર હોમિયોપેથિક અને આર્યુવેદિક તબીબ કરી શકે છે. તેવી જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ કેટલા લોકો લે છે તે સમય બતાવશે.