સુરત: કોરોનાએ મ્યુનિ.ના છઠ્ઠા કર્મચારીનો લીધો ભોગ, બે દિવસમાં ત્રણ કર્મચારીના મોત
- મ્યુનિ. કર્મચારીઓ માટે કોરોના બની રહ્યો છે જીવલેણ
વરાછા ઝોનના સિનિયર ક્લાર્ક અને મ્યુનિ. ક્રિકેટ ટીમના સભ્ય જયદેવ સોલંકીને કોરોના ભરખી ગયોઃ ગઈકાલે બે કર્મચારીએ જીવ ગુમાવ્યા હતા
સુરત, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના વધતાં જતાં કહેરનો ભોગ હવે કોરોનાની કામગીરી સાથે જોડાયેલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જ બની રહ્યાં છે. જુલાઈ માસમાં જ સુરત મહાનગરપાલિકાના છ કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે જેમાંથી પાંચનો રિપોર્ટ પોઝીટીવ જ્યારે એક કર્મચારીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ કર્મચારી ઉપરાંત એક નિવૃત્ત કર્મચારીને પણ કોરોના ભરખી ગયો હતો. છેલ્લા બે દિવસમાં જ સુરત મ્યુનિ.ના ત્રણ કર્મચારીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવતાં કર્મચારીઆમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરત મહાનગગરપાલિકાના વરાછા ઝોનના સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અને ફુટબોલ અને સુરત મ્યુનિ.ની ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી એવા જયદેવ કેશવભાઈ સોંલંકીનું આજે કોરોનામાં મોત થયું છે.
સુરત મ્યુનિ.ની ક્રિકેટ ટીમના સૌથી ફીટ ગણાતા જયદેવ સોલંકીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની સારવાર થઈ રહી હતી જ્યાં આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. મ્યુનિ.ના આ કર્મચારીને જહાંગીરપુરા કુરૃક્ષેત્ર સ્મશાનભુમી ખાતે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. સૌથી ફીટ ગણાતા જયદેવનુ કોરોનામાં મોત થતાં કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
આ પહેલાં ગઈકાલે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા જ્યોતિ સોલંકીનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું. ગઈકાલે જ કોરોનાના લક્ષણ સાથે સારવાર માટે દાખલ થયેલા અશોક શુક્લનું પણ મોત થયું હતું તેમને કોવિડના લક્ષણ હોવા છતાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ પહેલાં સુરત મ્યુનિ.માં રિટાયર્ડ થયેલા પણ કોરનાની કામગીરીમાં માનદ સેવા માટે જોડાયેલા સુરેશ પારેખને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાર બાદ સુરત મ્યુનિ.ના રક્તપિત વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ગીરીશ ભાદરકા અને ત્યાર બાદ ઈલેક્શન વિભાગમા આસી. ઈજનેર તરીકે ફરજ બજાવતાં ભરત ગાંધીનું પણ કોરોનામાં મોત થયું છે.
વીસેક દિવસના ટુંકા ગાળામાં જ સુરત મ્યુનિ.ના છ કર્મચારીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે તેના કારણે હવે કોરોનાની કમગીરી કરતાં કર્મચારીઓએ વધુ તકેદારી રાખવાનું શરૃ કરી દીધું છે.